અમેરિકાની ચૂંટણી : નરેન્દ્ર મોદીનો પ્રભાવ ભારતીય મૂળના લોકોના વોટિંગ પર કેટલો હશે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, વોશિંગ્ટન(અમેરિકા)થી

26 જાન્યુઆરી એટલે કે ભારતીય ગણતંત્રદિવસે ઈલયાસ મોહમ્મદ તેમના ઘરથી 400 માઈલનો પ્રવાસ કરીને નોર્થ કૅરોલિનાના શાર્લટ શહેરમાં ભારતના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધના પ્રદર્શનમાં સામેલ થવા ગયા હતા.

ભારતે બંધારણ અપનાવ્યું તેની વર્ષગાંઠની સત્તાવાર ઊજવણી ગણતંત્રદિવસે કરવામાં આવે છે.

અમેરિકામાં અને અન્યત્ર થયેલાં આવાં અનેક વિરોધપ્રદર્શનોમાં વિવિધ ધર્મોના ભારતીય મૂળના લોકો સામેલ થયા હતા.

પ્રદર્શનકર્તાઓએ ભારતનો તિરંગો ફરકાવ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નારાબાજી કરી હતી તેમજ ધાર્મિક દમનને કારણે ત્રણ પાડોશી દેશોમાંથી ભાગી રહેલા બિન-મુસ્લિમ લોકોને નાગરિકત્વ આપતા વિવાદાસ્પદ કાયદાની નિંદા કરતાં બેનરો પ્રદર્શિત કર્યાં હતાં.

એક બેનરમાં લખ્યું હતું કે 'નરસંહાર બંધ કરો', જ્યારે બીજા બેનર પર લખ્યું હતું કે 'મારા ધર્મનિરપેક્ષ ભારતને બચાવો'

"મોદી અને ટ્રમ્પ વચ્ચે બહુ ફરક નથી"

એ વિરોધપ્રદર્શનમાં ભાગ લેવાનું કારણ આઠ મહિના પછી જણાવતાં ઈલયાસે કહ્યું હતું, "સીએએ-એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ) આવ્યા પહેલાં હું મારો દૃષ્ટિકોણ ઓનલાઈન પ્રદર્શિત કરતો હતો પણ એ બન્ને ખરડા રજૂ થયા પછી મને લાગ્યું હતું કે કમ્પ્યુટર સ્ક્રીન પાછળ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાથી કશું બદલાશે નહીં."

ઈલયાસ ભારતના હૈદરાબાદના છે અને અમેરિકામાં ઈન્ફર્મેશન ટેકનૉલૉજી (આઈટી) ઉદ્યોગમાં કામ કરે છે.

ઈલયાસે કહ્યું હતું કે "ટ્રમ્પ અને મોદીના વિચારોમાં બહુ ફરક નથી. ટ્રમ્પે અહીંના મુસલમાનો પર પ્રતિબંધ લાદ્યો હતો. આપણા મોદીજી ભારતમાં આવું જ કંઈક વિચારી રહ્યા છે. "

લિંચિંગ, કથિત ગૌમાંસ સંબંધી હુમલા, સીએએ, બાબરી મસ્જિદ-રામમંદિર, કાશ્મીર સંઘર્ષ અને દિલ્હીમાં હુલ્લડ. પાછલા કેટલાક મહિના દરમિયાન આ મુદ્દાઓ ભારતીય અમેરિકન સમુદાયના લગભગ 45 લાખ લોકોને, ખાસ કરીને મુસલમાનોના એક વર્ગને કનડતા રહ્યા છે.

એ વિભાજન લોકોના મતદાનના વિકલ્પો પર પણ અસર કરી રહ્યું છે.

મોદીના વડપણ હેઠળની સરકારની ટીકા કરતા લોકો તેને ફાસીવાદી અને ઝૅનોફોબિક એટલે બીજા દેશોના લોકો પ્રત્યે નફરત વધારનારા ગણાવી રહ્યા છે, જ્યારે એવું કહેતા લોકોને મોદી સરકારના સમર્થકો 'પક્ષાપાતી' અને 'ડાબેરી' ગણાવે છે.

બીજેપી-યુએસએ (ઓફબીજેપી-યુએસએ)ના કાર્યકારી અધ્યક્ષ અડપ્પા પ્રસાદના પ્રવાસી મિત્રએ કહ્યું હતું કે "ઉગ્ર સ્વભાવના કેટલાક તોફાની લોકોએ લિંચિંગ કર્યું છે. હિન્દુઓનું પણ લિંચિંગ થયું છે, પણ એ બાબતે ખાસ ચર્ચા ક્યારેય થતી નથી."

આ માટે તેઓ અમેરિકામાં 'ભારતવિરોધી અને કટ્ટર ડાબેરી ઍજન્ડા વડે સંચાલિત અમેરિકન અખબારો'ના 'પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગ'ને દોષી ઠરાવે છે.

તેમણે કહ્યું હતું, "મારા ભાઈ આવા સમાચાર વાંચતા હોય અને તેના પ્રભાવમાં આવી જતા હોય તો એ મોટી કમનસીબી છે."

અમેરિકામાં પણ વિભાજિત છે હિન્દુ-મુસલમાન

અડપ્પા પ્રસાદે કહ્યું હતું કે "મુસલમાનોને ભારતમાંથી કાઢી મૂકવામાં આવશે એવી અફવા ફેલાવવામાં આવી છે. એ કામ એક ચોક્કસ ઍજન્ડા અનુસાર અને ભારતને બદનામ તથા બરબાદ કરવા માટે કરવામાં આવ્યું હતું."

અડપ્પા પ્રસાદે વિભાજનને સુનિયોજિત તથા સંગઠિત ગણાવ્યું હતું, પણ ઈલયાસને સમુદાયમાં વિભાજન સ્પષ્ટ દેખાય છે.

ઈલયાસે કહ્યું હતું કે "હું 2011થી શાર્લટમાં રહું છું અને અમે ત્યાં ભારતીય સમુદાય સ્વરૂપે રહીએ છીએ. અમારી વચ્ચે મતભેદ હતા પણ વર્તમાન પરિસ્થિતિએ અમારા સંબંધમાં ભાગલા પડાવ્યા છે."

ઈલયાસ, વડા પ્રધાન મોદી અને સીએએને ટેકો આપતા હિન્દુ સમુદાયના કેટલાક સભ્યોની વાત કરી રહ્યા હતા.

એક ભારતીય-અમેરિકન મુસલમાને કહ્યું હતું કે દેખીતા રાજકીય સંરક્ષણને કારણે અનેક લોકો પક્ષપાત તથા નફરત ખુલ્લેઆમ પ્રદર્શિત કરી રહ્યા છે.

ભારતીય અમેરિકનોમાં ભાગલા

સવાલ એ છે કે જે રાજકારણ લોકોમાં ભાગલા પડાવે છે એ જ રાજકારણ ભારતીય અમેરિકન ઓળખને પ્રભાવિત તથા વિભાજિત કરી રહ્યું છે?

વૉશિંગ્ટન ડીસીમાં રહેતાં વરિષ્ઠ પત્રકાર સીમા સિરોહી માને છે કે ભારતીય-અમેરિકન ઓળખમાં હવે તિરાડ પડી ગઈ છે અને તે તૂટવાની અણી પર છે.

સીમા સિરોહીએ કહ્યું હતું કે "મોદી વડા પ્રધાન બન્યા એ પછી ભારતીય મુસલમાનો ભારતીય-અમેરિકનોથી એક સ્તર સુધી અલગ થઈ ગયા છે. તેઓ પોતાને ભારતીય-અમેરિકન સમૂહમાં ક્યારેય સામેલ કરતા નથી."

સીમા સિરોહીના કહેવા મુજબ, "તેઓ કાશ્મીર પર નજર રાખે છે. પાછલાં છ વર્ષમાં મુસલમાનો સાથે કરવામાં આવેલા વર્તનથી તેઓ બહુ દુઃખી છે. તેઓ આ સમૂહની બહાર ચાલ્યા ગયા છે. શીખ અમેરિકન પણ આ સમૂહની બહાર જઈ રહ્યા છે. આ વસતીગણતરીમાં તેમની ગણતરી અલગથી થશે. આગામી કેટલાંક વર્ષોમાં ભારતીય-અમેરિકનોમાં માત્ર હિન્દુ-અમેરિકનો જ બાકી રહેશે."

શીખ-અમેરિકનોની ગણતરી 'અમેરિકાની 2020ની વસતીગણતરી'માં અલગ વંશીય જૂથ તરીકે કરવામાં આવશે.

જોકે, પ્રવાસી ભારતીય સંગઠન 'ઈન્ડિયાસ્પોરા'ના સંસ્થાપક એમ. આર. રંગસ્વામીએ આવાં વિભાજનનો ઈનકાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે "હું ભારતીયોને સતત મળતો રહું છું. કોઈ એવું નથી કહેતું કે તેઓ એક શીખ-અમેરિકન છે અથવા એક હિન્દુ-અમેરિકન કે મુસ્લિમ અમેરિકન છે."

અડપ્પા પ્રસાદે પણ કહ્યું હતું કે કોઈ મુદ્દે અલગ-અલગ દૃષ્ટિકોણ હોય તો તેનો પ્રભાવ ભારતીય-અમેરિકન ઓળખ પર ન પડે.

''આ તિરાડ પહેલાંથી જ હતી''

ઍમહર્સ્ટ કૉલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત પવન ઢીંગરા માને છે કે ભારતીય અમેરિકનો વચ્ચે આ તિરાડ કાયમની છે.

અમેરિકન મૂળના ભારતીય હોટલમાલિકો વિશે એક પુસ્તક લખી ચૂકેલા ઢીંગરાએ કહ્યું હતું ક ''9/11ના હુમલા પછી અમેરિકામાં અનેક નાના-મોટા હુમલા થયા હતા અને મુસલમાનોની હાંસી ઉડાવતી ઘટનાઓ બની હતી. તેમાં દક્ષિણ એશિયાના લોકો પણ સામેલ હતા. ''

''ભારતીય અમેરિકન હિન્દુઓએ હંમેશાં તેમનો બચાવ કર્યો નહોતો અને એવો દાવો પણ કર્યો હતો કે તેમણે બધાએ એક થઈને હંમેશાં એકમેકને ટેકો આપવો જોઈએ એવું જરૂરી નથી. "એ કારણે કેટલાક લોકોએ કહ્યું કે અમારી તરફ નજર કરશો નહીં. અમે હિન્દુ છીએ. અમે ખરાબ લોકો નથી. "

ઢીંગરાએ ઉમેર્યું હતું કે "80ના દાયકામાં ન્યૂ યૉર્કના ન્યૂ જર્સીમાં 'ડૉટ બસ્ટર્સ'નો હુમલો થયો હતો ત્યારે તેની સામે બધા વિસ્તારોમાંના બધા ભારતીયો મજબૂતીથી એક થઈને ઊભા રહ્યા હોય તેવું બન્યું નહોતું. તેથી આજે જે તંગદિલી છે તે અગાઉથી જ છે. "

ડૉટનો સંબંધ હિન્દુ મહિલાઓ દ્વારા લગાવવામાં આવતા બિંદી-ચાંદલા સાથે છે. એ સમયે એક ટોળકી હિન્દુ મહિલાઓને નિશાન બનાવતી હતી. એ ટોળકીને 'ડૉટ બસ્ટર્સ' કહેવામાં આવતી હતી.

રશીદ અહમદ ઍરલાઈન્સ સંબંધી તાલીમ માટે 1982માં અમેરિકા પહોંચ્યા હતા. હાલ તેઓ 2002ના ગુજરાત હુલ્લડ પછી ભારતીય મુસલમાનોની વકીલાત કરતી એક સંસ્થા 'ભારતીય અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ'(આઈએએમસી)ના સહ-સંસ્થાપક છે.

આઈએએમસી અને 'હિન્દુ ફૉર હ્યુમન રાઈટ્સ' અને 'ગ્લોબલ ઈન્ડિયન પ્રોગ્રેસિવ અલાયન્સ' જેવી અન્ય સંસ્થાઓ પોલીસ હિંસા અને લઘુમતીઓના અધિકારો સંબંધે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધના આંદોલનોમાં મોખરે રહી છે.

બાબરી ધ્વંસ અને ગોધરા હુલ્લડે વધાર્યું અંતર

શિકાગોમાં રહેતા રશીદ અહમદે કહ્યું હતું કે ''તિરાડની શરૂઆત બાબરી મસ્જિદના ધ્વંસ સાથે થઈ હતી. તેણે ભારતીય અમેરિકન સમુદાયને વિભાજિત કરી નાખ્યો. કેટલાક તેની તરફેણમાં હતા, કેટલાકનું વલણ એ બાબતે સહાનુભૂતિભર્યું હતું તો કેટલાક ચૂપ હતા. "

1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી મુંબઈમાં હુલ્લડ થયાં હતાં. તેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પછી મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ થયા હતા.

હૈદરાબાદના અહમદે કહ્યું હતું કે "ભારતીય અમેરિકન મુસલમાનોએ પોતાનું સંગઠન બનાવવા બાબતે ક્યારેય વિચાર્યું ન હતું. બાબરી ધ્વંસને ભારતીય બાબત ગણવામાં આવી હતી. "

"એ અન્યાય હોવાની અનુભૂતિ થઈ હતી. એ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધનું હતું અને સમાધાનની આશા હતી પણ પછી ગુજરાતમાં હુલ્લડ થયાં ત્યારે અમેરિકન મુસલમાનોના એક વર્ગે એવું કહેવાનું શરૂ કરી દીધું હતું કે હવે કંઈક કરવું પડશે."

અહમદે ઉમેર્યું હતું કે ''વર્ષ 1992માં ભારતીય અમેરિકન મુસલમાન સમુદાયને ભારતીય સમાજ, સંસ્થાઓ અને ભારતીય સંસ્કૃતિમાં વધારે વિશ્વાસ હતો. તેથી બાબરી ધ્વંસની ઘટનાને એક વિસંગતિ સ્વરૂપે જોવામાં આવી હતી. મામલો અદાલતમાં હતો અને ન્યાયની આશા હતી, પણ 2002ના હુલ્લડે એ વિશ્વાસ ડગાવી મૂક્યો હતો. "

એ હુલ્લડની અમેરિકાના અનેક શહેરોમાં વસેલા ઘણા ગુજરાતી પરિવારોને અસર થઈ હતી. તેમણે દોસ્તો તથા પરિવારજનોને હુલ્લડની ભયાનકતા જણાવી હતી.

'ઍસોસિયેસન ઑફ ઈન્ડિયન મુસ્લિમ્સ ઈન અમેરિકા'ના કલીમ કવાજાએ જણાવ્યું હતું કે 2002ના હુલ્લડનો તણાવ ઘટી રહ્યો હતો. એ થોડાં વર્ષોમાં ગાયબ થઈ ગયો હોત, પણ પાછલા પાંચ વર્ષમાં એ સ્મૃતિ ફરી ઊભરી આવી છે.

મૂળ કાનપુરના અને આઈઆઈટી, ખડગપુરમાં ભણેલા ક્વાજાએ કહ્યું હતું કે ''ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બનતી ઘટનાઓથી દરેક વ્યક્તિને ચિંતા થાય છે કે મારા દેશમાં આ શું થઈ રહ્યું છે? મારા શહેરમાં આ શું થઈ રહ્યું છે? હું જ્યાં રહું છું એ શહેરમાં શું થઈ રહ્યું છે? લખનૌ, કાનપુર અને અન્ય સ્થળોમાં શું થઈ રહ્યું છે? ''

કવાજાના જણાવ્યા મુજબ, 'હિન્દુત્વના પ્રભાવ' હેઠળ કામ કરતા ઈન્ડિયન અમેરિકન ઍસોસિયેશનમાં તણાવ સ્પષ્ટ જોવા મળે છે.

કવાજાએ કહ્યું હતું કે ''કેટલાક સામુદાયિક કાર્યક્રમોમાં જવાનું કેટલાક અમેરિકન મુસલમાનોને ગમતું નથી. તેઓ એ કાર્યક્રમોમાં જતા જ નથી અને એકવાર હાજરી આપે પછી બીજીવાર તેમાં જતા નથી. આ દુઃખદ છે. "

કવાજાએ ઉમેર્યું હતું કે ''ભારતીય અમેરિકન ઓળખ બહુ મજબૂત છે અને તેમાં ભારતીય મુસલમાનોનું પ્રમાણ વધીવધીને 20 ટકા હશે. હવે એ ભારતીય અમેરિકન હિન્દુ અને ભારતીય અમેરિકન મુસ્લિમમાં વિભાજિત થઈ રહ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં મેં આવું થતું જોયું છે. "

પવન ઢીંગરાએ જણાવ્યું હતું કે અમેરિકામાં આ વિભાજન બીજેપીએ નથી કર્યું, પણ આવા વિભાજનનો પરવાનો જરૂર આપ્યો છે.

અમેરિકન શીખોનો ફાંટો અલગ થશે?

શીખો વિરુદ્ધના 'હેટ ક્રાઈમ'નો દાખલો આપીને 11 સપ્ટેમ્બર, 2011થી જ શીખોને એક અલગ વંશીય સમૂહ તરીકે ઓળખ આપવાની માગ કરવામાં આવી રહી છે.

હવે 2020ની અમેરિકન વસતીગણતરીમાં તેમની ગણતરી એક અલગ વંશીય સમૂહ સ્વરૂપે થશે. તેથી એવી ચિંતા ભડકી છે કે આ નિર્ણય શીખ અલગતાવાદી આકાંક્ષાને પ્રોત્સાહિત કરી શકે છે.

આ અભિયાનને આગળ ધપાવી રહેલા યુનાઈટેડ શીખના વંદા સાંચેઝ ડેએ કહ્યું હતું કે ''અલગ સમુદાય તરીકે શીખોની ગણતરીની ભારતીય સમુદાયના મતાધિકારોમાં કોઈ અસર નહીં થાય. તેનો ભારતમાં પણ રાજકીય મુદ્દાઓ પર કોઈ પ્રભાવ પડશે નહીં.''

તેમણે ઉમેર્યું હતું કે ''તેથી કોઈ એમ લખે કે તે શીખ છે તો તેનો અર્થ એવો નથી કે ભારત તેનો મૂળ દેશ હોવા છતાં તે ભારતીય હોવાથી અલગ છે. ''

પંજાબ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુખી ચહલની દલીલ એવી છે કે શીખ સંગઠનોએ 'પંજાબી' ભાષા માટે અલગ કૉડિંગની વકીલાત કરવી જોઈતી હતી, અલગ વંશીય સમૂહ સ્વરૂપ માટે નહીં.

આ વિભાજનની શું અસર થશે?

અમેરિકામાં શીખોને પરંપરાગત રીતે એશિયન ભારતીય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

બાઈડન અને ટ્રમ્પ બન્નેએ હિન્દુઓ, મુસલમાનો તથા શીખોને લોભાવવા માટે અભિયાન ચલાવ્યાં છે. તે ભારતીય અમેરિકન સમુદાય સંદેશ આપી રહ્યા છે.

પવન ઢીંગરાએ કહ્યું હતું કે "ભારતીય અમેરિકન ઓળખ કે એકતા કે સંબંધમાં તિરાડ પાડવા માટે કઈ રીતે માઈક્રો-ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે તેની મને બહુ ચિંતા નથી."

ઈન્ડિયાસ્પોરાએ 260 ભારતીય અમેરિકનો વચ્ચેના તાજેતરના એક સર્વેના તારણમાં જણાવ્યું હતું કે 65 ટકા ભારતીયો જો બાઈડનને ટેકો આપી રહ્યા છે, જ્યારે 28 ટકા ડોનલ્ડ ટ્રમ્પના પક્ષે છે.

'ટ્રમ્પ વિક્ટરી ઈન્ડિયન અમેરિકન ફાઈનાન્સ કમિટી'ના સહ-અધ્યક્ષ અલ મેસન માને છે કે ટ્રમ્પની તરફેણમાં 50 ટકા સુધી ઝુકાવ હોઈ શકે છે. આ વાત ખરી હોય તો એ ડેમૉક્રેટ વિરુદ્ધનો એક મોટો સ્વિંગ હશે.

ઓફબીજેપી-યુએસએના અડપ્પા પ્રસાદે તેને સારો સંકેત ગણાવતાં કહ્યું હતું કે "કોઈ પણ સમુદાયે કોઈ એક જ પક્ષને ટેકો આપવો જોઈએ."

પ્રમિલા જયપાલ જેવાં ડેમૉક્રેટ્સ ટ્રમ્પ તરફના ઝુકાવનું કારણ, કાશ્મીર તથા એનઆરસી સંબંધી વડાપ્રધાન મોદીના કામોની ટીકાને ગણાવે છે.

પવન ઢીંગરાએ કહ્યું હતું કે "મારો સવાલ એ છે કે જે વ્યક્તિએ લોકો વિરુદ્ધ અલગ પ્રકારે પૂર્વગ્રહોનો મંચ તૈયાર કર્યો છે એ વ્યક્તિને તમે મત આપશો? તમે તેમના પૂર્વગ્રહો સાથે સહમત છો એટલે આવું કરશો? આર્થિક યોજનાને કારણે એવું કરશો? કેટલાક ખાસ સમૂહો પ્રત્યેનો તેમનો આક્રોશ પણ તમારા જેવો જ છે એટલે આવું છે? હું આ કારણસર ચિંતિત છું."

ટીકાખોરો ટ્રમ્પને 'જાતિવાદી' અને 'ઝેનોફોબિક' ગણાવે છે. મુસ્લિમોના બાહુલ્યવાળા દેશોના લોકોનો અમેરિકામાં પ્રવેશ બંધ કરવાની ટ્રમ્પની નીતિની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી છે.

જોકે, 'હાઉડી મોદી' ઈવેન્ટ અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારતમુલાકાત સંદર્ભે એવું કહેવામાં આવી રહ્યું છે કે એ બન્ને ઘટનાથી અનેક ભારતીય અમેરિકનો તથા ખાસ કરીને હિન્દુઓને ટ્રમ્પ ભારતના સમર્થક હોવાની ધરપત થઈ છે.

અલ મેસને કહ્યું હતું કે "2019માં કાશ્મીર સંદર્ભે આખી દુનિયા વડા પ્રધાન મોદીની વિરુદ્ધમાં હતી. દુનિયાભરના નેતાઓ મોદીની ટીકા કરી રહ્યા હતા. મોદીનો વિરોધપક્ષ પણ તેમનો વિરોધ કરી રહ્યો હતો ત્યારે ટ્રમ્પ તેમની પડખે ઉભા રહ્યા હતા."

તેમણે ઉમેર્યું હતું કે "તેઓ હાઉડી મોદી ઈવેન્ટમાં ગયા હતા અને કાશ્મીર મુદ્દે એકેયવાર કશું બોલ્યા નથી. તેમણે ભારતની આંતરિક બાબતોમાં ક્યારેક દખલ કરી નથી. કાશ્મીર દરેક ભારતીય અમેરિકનની સંવેદના તથા ભાવના સાથે જોડાયેલો વિષય છે."

ટ્રમ્પ પ્રત્યેના ભારતીય અમેરિકનોના બદલાયેલા વલણનું એક મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો છે.

આગલી પેઢીની આશા

ઓફબીજેપી-યુએસએના અડપ્પા પ્રસાદ ભારતીય અમેરિકન સમુદાયમાંના મતભેદો દૂર કરવાની તરફેણ કરે છે.

આઈએએમસીના રાશિદ અહમદને આશા છે કે ભારતીય અમેરિકનોની આગલી પેઢી સત્તા સંભાળશે પછી પરિસ્થિતિમાં સુધારો થશે.

તેમણે કહ્યું હતું કે "તેઓ મોટા થશે ત્યારે તેમની પાસે વૈશ્વિક દૃષ્ટિ હશે. તેઓ ઉદારમતવાદી હોવાની શક્યતા છે."

ભારતીય અમેરિકનોની આગામી પેઢીના મોટાભાગના લોકોને ડેમોક્રેટસના તરફદાર ગણવામાં આવે છે. તેઓ તેમના માતા-પિતાના રાજકીય વિચારોને પડકારશે.

ઈન્ડિયાસ્પોરાના સંસ્થાપક એમ આર રંગસ્વામીએ કહ્યું હતું કે "ટ્રમ્પની વાત સાંભળતા મોટા ભાગના લોકો જૂની પેઢીના છે. તેમનો જન્મ ભારતમાં થયો હતો. ભારત અને અમેરિકા વિશેના ટ્રમ્પના સંદેશ સાથે તેમનું જોડાણ વધુ હોય છે. બીજી તરફ યુવા પેઢીનો ઝુકાવ અમેરિકન મુદ્દાઓ તરફ વધારે હોય છે."

ઈલયાસ મોહમ્મદે કહ્યું હતું કે "હું ભલે લાંબા સમયથી અમેરિકામાં રહેતો હોઉં, પણ મારી અંદર ભારતીયતા મોજુદ છે. આપણા લોકો પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય, છેલ્લા શ્વાસ સુધી નહીં થાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો