You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ અને બાઇડન વચ્ચે તકરાર બાદ પ્રૅસિડન્શિયલ ડિબેટના નિયમ બદલાશે
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે પહેલી પ્રૅસિડન્શિયલ ડિબેટ યોજાઈ હતી. જે ડિબેટમાં ભારે તકરાર થઈ હતી.
અમેરિકાના પ્રૅસિડન્શિયલ ડિબેટ કમિશને આગામી ડિબેટ માટેના નિયમો બદલવાની જાહેરાત કરી છે.
કમિશને જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે મંગળવારની ચર્ચા તકરાર, જીભાજોડી અને અપમાન કરનારી બની ગઈ હતી.
પહેલી પ્રૅસિડન્શિયલ ડિબેટમાં જે પ્રકારનાં ટોન અને રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની અમેરિકા અને દુનિયામાં ટીકા થઈ હતી.
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલી રહ્યા હતા. એ પછી એકબીજા પર ચર્ચા થતી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડનની બુદ્ધિમત્તા પર પ્રશ્ન કરતા હતા તો બાઇડને ટ્રમ્પને જોકર કહ્યા હતા. આ ઉપરાંત બાઇડને ટ્રમ્પને કહ્યું, "મૅન, તમે ચૂપ થઈ જશો?"
અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર જો કોઈ ઉમેદવાર બીજી વ્યક્તિની વાતમાં વચ્ચે બોલશે તો તેમનું માઇક્રોફોન બંધ કરવામાં આવે તેવો નિયમ લાગુ થઈ શકે છે.
કમિશનના પ્લાનનો ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે વિરોધ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી ડિબેટમાં શું ફેરફાર?
- પ્રૅસિડન્શિયલ ડિબેટ કમિશને પોતાના નિવેદનમાં કહ્યું, "તેણે નક્કી કર્યું છે કે આગામી ચર્ચાઓમાં મુદ્દાની વધુ વ્યવસ્થિત ચર્ચા માટે તે ફોર્મેટમાં નવા માળખાને ઉમેરશે."
- વધુમાં કહ્યું, "સીપીડી જે ફેરફારને અપનાવશે તેના પર કાળજીપૂર્વક વિચારણા કરશે અને પછી તેની જાહેરાત ટૂંક સમયમાં કરશે."
- "કમિશન મૉડરેટર ક્રિસ વૅલેસે ગત રાતની ચર્ચા દરમિયાન જે સ્કિલ અને પ્રૉફેશનલિઝમ દાખવી તે બદલ તેનો આભાર માને છે અને બાકીની ચર્ચાઓમાં ઑર્ડર જાળવવા માટે વધારાના સાધનો જરૂરી છે."
- સીબીએસ ન્યૂઝે સૉર્સને ટાંકીને કહ્યું કે કમિશન આગામી 48 કલાકમાં બીજી ડિબેટ માટે નવા નિયમો અને ગાઇડલાઈન જાહેર કરશે.
- ઉમેદવાર બીજા અથવા મૉડરેટર બોલે ત્યારે વચ્ચે ન બોલે એ માટે માઇકને કંટ્રોલ કરવું સૌથી પહેલી જોગવાઈ છે.
પહેલી ડિબેટમાં શું થયું?
બંને વિરોધીઓએ સ્વાસ્થ્ય, ન્યાય, વંશીય ભેદભાવ અને અર્થવ્યવસ્થા જેવા મુદ્દે પોતાની વાત મૂકી છે અને એકબીજા પર આકરી ટિપ્પણી કરી હતી.
કોરોના વાઇરસની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પે કહ્યું કે ભારત, રશિયા અને ચીન કોરોના વાઇરસના કારણે થયેલાં મૃત્યુના આંકને છુપાવી રહ્યા છે.
કોરોના વાઇરસ વિશે પૂછવામાં આવ્યું તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો બાઇડન તેમની જગ્યાએ હોત તો અમેરિકામાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હોત. જવાબમાં બાઇડને કહ્યું કે મહામારી સામે લડવા માટે ટ્રમ્પની પાસે કોઈ પ્લાન નથી.
બાઇડને કોરોના વાઇરસની મહામારી સામે લડવા ટ્રમ્પના વહીવટીતંત્રની ટીકા કરી, જેના જવામબાં ટ્રમ્પે કહ્યું કે મહામારી સામે લડવા માટે સરકાર સારું કામ કરે છે.
તેમણે કહ્યું, "અમારી સરકાર કોરોના વાઇરસ સામે લડવા માસ્ક, પીપીઈ કિટ અને દવાઓ લઈને આવી. અમે કોરોના વૅક્સિન બનાવવાથી થોડાં અઠવાડિયાં દૂર છીએ. મેં કંપનીઓ સાથે વાત કરી છે અને આપણે જલદી વૅક્સિન બનાવી લઈશું."
અમેરિકામાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 70 લાખને પાર પહોંચી છે અને બે લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
બંને નેતાઓએ એક-બીજા પર માસ્કથી લઈને વૅક્સિન અને ફિઝિકલ ટેસ્ટિંગ જેવા વિષયો પર નિશાન તાક્યું.
બાઇડને ટ્રમ્પ પર માસ્ક પહેરવાને લઈને આરોપ લગાવ્યો હતો તો ટ્રમ્પે બાઇડનની મજાક ઉડાવતાં કહ્યું, "બાઇડન 200 ફૂટ દૂર રહે છે તો પણ મોટું માસ્ક પહેરીને આવી જાય છે."
હોસ્ટ ક્રિસ વેલેસે પૂછ્યું કે ટ્રમ્પ મહામારી દરમિયાન ભીડભાડવાળી ચૂંટણી રેલીઓ કેમ કરી રહ્યા હતા? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "જો બાઇડન આટલી ભીડ એકઠી કરી શકતા હોત તો તેઓ પણ આવું કરતા હોત."
બાઇડને મજાક કરતાં ટ્રમ્પને કહ્યું, "તમે તમારા હાથ પર બ્લીચનું ઇંજેક્ષન લગાવી લો, કદાચ આનાથી કોરોના ઠીક થઈ જાય."
ટ્રમ્પે કહ્યું કે જો બાઇડન તેમની જગ્યાએ હોત તો અમેરિકામાં કોરોના વાઇરસના કારણે 2 કરોડ લોકોનાં મૃત્યુ થયા હોત. ત્યાં બાઇડને કહ્યું કે તમામ લોકો જાણે છે કે ટ્રમ્પ જૂઠા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો