અનલૉક 5 : નવરાત્રી અને દિવાળી પહેલાં શું-શું ખૂલી શકે?

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને 24 માર્ચે જે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, તેને હવે ધીમે-ધીમે અનેક તબક્કાઓમાં ખોલવામાં આવી રહ્યું છે. જેથી આર્થિક ગતિવિધિઓને પાટે ચડાવી શકાય. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરીને ચાર તબક્કામાં લૉકડાઉનને ખોલ્યું છે. જેને અનલૉક નામ આપવામાં આવ્યું છે.

એવી આશા છે કે જલદી જ પાંચમા તબક્કા માટે સરકાર ગાઇડલાઇન્સ જાહેર કરશે.

અત્યાર સુધીમાં મૉલ, સલૂન, રેસ્ટોરાં, જિમ્નેસિયમ જેવી જાહેર જગ્યાઓને ગત તબક્કાઓમાં ખોલવામાં આવી હતી.

અત્યાર સુધીમાં સિનેમાહૉલ, સ્વિમિંગ પુલ, ઍન્ટર્ટેઇનમેન્ટ પાર્ક ખૂલ્યાં નથી. સાર્વજનિક કાર્યક્રમને લઈને પરવાનગી આપવામાં આવી નથી. કૉલેજ ખોલવામાં આવી છે અને શાળાઓ પણ આંશિક રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

તો એવામાં લોકોના મનમાં એ સવાલ છે કે પાંચમા તબક્કામાં શું ખોલવામાં આવી શકે છે?

સિનેમાહૉલ ખૂલશે?

મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ પહેલાં પણ અનેક વખત સરકારને સિનેમાહૉલ ખોલવા માટે અપીલ કરી છે. અનલૉક-3માં પણ સિનેમાહૉલ ખોલવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

ત્યારે 20 જુલાઈએ ઍસોસિયેશને એક નિવેદન જાહેર કર્યું હતું કે લાખો લોકોની રોજગારી પર લૉકડાઉનને કારણે અસર થઈ રહી છે.

ઍસોસિયેશને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સાવચેતીનાં પગલાંને લઈને તેમણે આરોગ્યમંત્રાલય અને માહિતીપ્રસારણ મંત્રાલયને પણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.

અનલૉક-4માં સિનેમાહૉલ ખોલવામાં ન આવતાં ઍસોસિયેશને અખબારોમાં જાહેરાત આપી કે કેવી રીતે સિનેમાહૉલ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે 85 દેશે સિનેમાહૉલ ખોલી નાખ્યા છે.

મહારાષ્ટ્ર ઍસોસિયેશનના અધ્યક્ષ નીતિન દત્તારેને એક વખત ફરીથી આશા જાગી છે કે આ તબક્કામાં સિનેમાહૉલ લોકો માટે ખોલવામાં આવે. દેશ આખામાં સિનેમાહૉલ ગત 6 મહિનાથી બંધ પડ્યા છે.

તેમણે કહ્યું, “હાલ સુધીમાં એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન અમારી ઇન્ડસ્ટ્રીને થયું છે. કેન્દ્ર સરકાર જો પરવાનગી આપે તો જોવું પડશે કે રાજ્ય સરકાર ખોલશે કે નહીં."

"અનેક રાજ્યોએ તો મંદિર, રેસ્ટોરાં ખોલી નાખ્યાં. પરંતુ અહીં મહારાષ્ટ્રમાં તો મંદિર, રેસ્ટોરાં અને મેટ્રો પણ શરૂ થયાં નથી. અમે સરકારને કીધું હતું કે અમને ઍડ્વાન્સમાં કહેજો કે ક્યારથી થિયેટર ખોલવામાં આવશે કારણ કે અમારે તમામ તૈયારીઓ પણ કરવી પડશે.”

કેન્દ્ર સરકારે તો નહીં પરંતુ પશ્ચિમ બંગાળની સરકારે એક ઑક્ટોબરે સિનેમાહૉલ ખોલવાની પરવાનગી આપી છે પરંતુ 50 લોકોથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે.

હાલ કોઈ બીજા રાજ્યે આવો નિર્ણય નથી કર્યો. જોકે મનોરંજન રાજ્યની યાદીનો વિષય છે અને સિનેમાહૉલ તેમની હેઠળ આવે છે.

જોકે કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરે ઑપન થિયેટર ખોલવાની પરવાનગી આપી હતી પરંતુ એ ગાઇડલાઇનમાં જ કહેવામાં આવ્યું હતું કે 100થી વધારે લોકો ક્યાંય પણ કોઈ ઉદ્દેશ્ય માટે એકઠા નહીં થાય.

તહેવારદરમિયાન છૂટછાટ મળશે?

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. અનેક જગ્યાએ સમિતિઓ મોટા મેદાનોમાં ગરબાનું આયોજન કરે છે.

પરંતુ ગુજરાત સરકારે સરકારી નવરાત્રી મહોત્સવ ન ઉજવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં એક ઇવેન્ટ કંપની ચલાવનારા સલમાને કહ્યું કે ગત કેટલાક મહિનાથી આખા ગુજરાતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે.

તેમણે કહ્યું, “લૉકડાઉનના કારણે અમને તો નુકસાન થયું જ, અમારી પાછળ-પાછળ લાઇટ, ડેકૉરેશન અને બાકી વેન્ડર્સની રોજગારી પર પણ અસર થઈ છે."

"અમે અનેક વખત સરકારને રજૂઆત કરી છે કે તે નવરાત્રી માટે ઓછામાં ઓછું સોસાયટીવાળાં નાનાં-નાનાં આયોજનોને પરવાનગી આપે તો પણ અમારા માટે સારું થશે. પરંતુ હાલ તો એવું કંઈ થતુ જોવા મળી રહ્યું નથી. કોરોનાની સ્થિતિ જ એવી છે કે સરકાર પર દબાણ ઊભું કરી શકતા નથી.”

ત્યારે એ સવાલ ઊભો થાય કે આ 100 લોકોની કૅપ છતાં કેવી રીતે તહેવારની ઉજવણી કરી શકાય.

ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં દેશમાં અનેક ખાસ તહેવાર આવે છે, જે ધૂમધામથી ઉજવવામાં આવે છે.

દિલ્હીમાં દશેરાના તહેવાર વખતે ભવ્ય રામલીલાનું આયોજન થાય છે. લવકુશ રામલીલા કમિટીના અધ્યક્ષ અશોક અગ્રવાલે કહ્યું આ વર્ષે પણ રામલીલાનું આયોજન કરવામાં આવશે.

તેમણે કહ્યું, “21 સપ્ટેમ્બરે ઑપન થિયેટરને પરવાનગી કેન્દ્ર સરકારે તો આપી જ છે, મહામારીની સાથે જે સાવધાની વર્તવાની જરૂર છે, તે કરશે જ. સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે, ઓછામાં ઓછા શ્રોતાઓની સાથે, ચેનલ પર લાઇવ દેખાડવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે.”

જ્યારે, દિલ્હી સરકારનું પણ આજ સ્ટેન્ડ છે કે સાર્વજનિક સમારોહમાં 50થી વધારે લોકો સામેલ ન થઈ શકે. તો કદાચ આ વખતે રામલીલાનું આયોજન સાચા રંગમાં ન થઈ શકે.

આમ તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પહેલી વખત રામલીલાનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જે 17 જૂનથી 25 ઑક્ટોબર સુધી ચાલશે જેમાં ઍક્ટર રવિ કિશન, મનોજ તિવારી અને વિંદુ દારા સિંહ ભૂમિકા નિભાવશે.

પહેલી વખત અયોધ્યામાં સરયૂના કિનારે નવ દિવસ માટે રામલીલાનું આયોજન કરવામાં આવશે, જેમાં સંસદસભ્ય મનોજ તિવારી અંગદનો રોલ કરશે.

જ્યારે, પશ્ચિમ બંગાળ સરકારે દુર્ગાપૂજાના તહેવાર માટે મંડપ બાંધવાની પરવાનગી આપી છે.

પરંતુ કેટલાક આદેશ જાહેર કર્યા છે, જેમ કે મંડપ ચાર બાજુએથી ખુલ્લો હોવો જોઈએ. માસ્ક પહેરવું ફરજિયાત હશે અને મંડપમાં અનેક જગ્યાએ સૅનિટાઇઝર રાખવું પડશે.

સાથે જ રાજ્ય સરકારે તમામ દુર્ગાપૂજા સમિતિઓને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આની સાથે જ માત્ર 100 લોકો જ એકઠા થાય તે કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે, એ જોવાની વાત હશે.

કલકત્તામાં દુર્ગાપૂજાની તૈયારીમાં એક મૂર્તિકારે કહ્યું કે કોરોનાની મહામારીના કારણે તેમને મૂર્તિઓના ઓછા ઑર્ડર મળી રહ્યા છે.

બની શકે છે કે તહેવારોની સિઝનને જોઈને કેન્દ્ર સરકાર સાર્વજનિક આયોજનોમાં થોડી છૂટછાટ આપે. પરંતુ સાથે જ છેલ્લો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી શકે છે.

શું સ્કૂલ સંપૂર્ણપણે ખૂલી જશે?

21 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવમાથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાની પરવાનગી આપી હતી. પરંતુ છેલ્લો નિર્ણય રાજ્ય સરકારના હાથમાં મૂક્યો.

આ કારણે હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં સ્કૂલ ખૂલી પરંતુ દિલ્હી, પશ્ચિમ બંગાળે સ્કૂલ ખોલવાની ના કહી દીધી.

જોકે સ્કૂલ ખોલવાને લઈને વાલી શું વિચારે છે, આના પર ઑલ ઇન્ડિયા પૅરેન્ટ્સ ઍસોસિયેશનના અધ્યક્ષ અશોક અગ્રવાલ કહે છે, “માતાપિતા બિલકુલ ઇચ્છતાં નથી કે પોતાનાં બાળકોને મહામારીની વચ્ચે સ્કૂલે મોકલે. તણાવમાં બાળકો કેવી રીતે ભણી શકશે. વારંવાર કેટલું ધ્યાન રાખી શકાય. સ્કૂલ માટે શક્ય નથી કે તે મહામારીને જોતા તમામ પ્રક્રિયાનું પાલન કરી શકે.”

તહેવાર ઉજવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો શાળાઓ કેમ ધીમે-ધીમે ન ખોલવામાં આવે?

આનો જવાબ તેઓ આપે છે કે રોજગાર મજબૂરી છે, સ્કૂલ ખોલવી મજબૂરી નથી. સ્કૂલ ત્યાં સુધી એવી રીતે જ ચલાવી શકાય છે, જ્યાં સુધી મહામારી છે.

આ વાત પર સુમિત વોરા પણ સહમતિ દર્શાવતા કહે છે કે પૅરેન્ટ્સ તમામ બાળકોને સ્કૂલે મોકલવાના પક્ષમાં નથી. સુમિત એક સ્કૂલ ઍડમિશન સંબંધિત વેબસાઇટ ‘ઍડમિશન નર્સરી’ ચલાવે છે.

તેમણે કહ્યું, “અમે એક સર્વે કર્યો હતો જેમાં અઢી હજારથી વધારે પૅરેન્ટ્સે ભાગ લીધો હતો અને 97 ટકા લોકોએ કહ્યું કે તે હાલ બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છતા નથી."

"અનેક સ્કૂલ પણ નથી ઇચ્છતી કે સ્કૂલ ખૂલે કારણ કે હાલ ઘણી તકલીફ થશે. પરંતુ જેમ દિલ્હીમાં જે પ્રકારે ટ્યુશન ફી લેવામાં આવી રહી છે તો અનેક સ્કૂલ ઇચ્છે છે કે સ્કૂલ ખૂલશે તો સંપૂર્ણ ફી લઈ શકશે.”

તે કહે છે, “હરિયાણામાં 21 સપ્ટેમ્બરથી આંશિક રીતે સ્કૂલ ખૂલી પરંતુ તમે પોતે જોઈ લેજો અખબારમાં છપાયું છે કે માત્ર ત્રણ ટકા બાળકો જ સ્કૂલમાં ગયાં.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો