ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામ બંધ કેમ કર્યું? - BBC TOP NEWS

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય ઈડી દ્વારા સંસ્થાના ખાતા ફ્રીઝ કરાયા બાદ લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે તપાસ ઍજન્સી સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર બાદ હવે ઈડીએ તપાસ શરૂ કરી છે.

ઍમનેસ્ટી પર વિદેશ ફાળો લેવા અંગે બનેલા કાનૂન એફસીઆરએના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ઍમનેસ્ટીએ નિવેદનમાં કામ બંધ કરવા માટે 'સરકારની બદલાની કાર્યવાહી'ને જવાબદાર ઠેરવી છે.

ઍમનેસ્ટીએ કહ્યું છે, "10 સપ્ટેમ્બરે ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાને જાણ થઈ કે ઈડીએ તેમનાં તમામ બૅન્કખાતાં ફ્રીઝ કર્યાં છે, જેનાથી માનવાધિકારી સંગઠનના મોટાભાગના કામ ઠપ થઈ ગયા છે."

તેમણે આગળ લખ્યું છે, "આ માનવાધિકાર સંગઠનો પર પાયાવિહોણા અને વિશેષ ઉદ્દેશથી આરોપ લગાવવાના ભારત સરકાના અભિયાનની તાજી કડી છે."

ચીન હજારો લોકોને કોરોનાની 'અપ્રમાણિત' રસી આપી રહ્યું છે?

ચીન તેમના દેશના હજારો લોકોને કોવિડ -19ની રસીના ઇંજેક્ષન આપી રહ્યું છે. આ રસી અપ્રમાણિત છે અને હજી તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર જેમને પણ આ રસી આપવામાં આવી રહી છે, તેમને 'નૉન ડિક્સ્ક્લૉઝર કરાર' પર સહી કરવા માટે કહેવામાં આવે છે, જેથી તેઓ આ વિશે મીડિયા સાથે કોઈ વાત ન કરી શકે.

અહેવાલ અનુસાર સરકારી કંપનીઓના કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, રસીકંપનીના કર્મચારીઓ, શિક્ષકો સહિતના લોકોને આ રસી આપવામાં આવી રહી છે.

વૈશ્વિક આરોગ્ય નિષ્ણાતો પૂછી રહ્યા છે કે રસીકરણ કરવા માટે જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે કેમ.

પોતાના બચાવમાં ચીને કહ્યું છે કે વિશ્વ આરોગ્ય સંગઠને તેના કોરોના વાઇરસની રસીના પ્રાયોગિક કાર્યક્રમને ટેકો જાહેર કર્યો છે.

રાષ્ટ્રીય આરોગ્ય આયોગના અધિકારી ઝેંગ ઝોંગવેઇએ રૉયટર્સને જણાવ્યું કે ચીને જૂનમાં WHOને આ અંગેની માહિતી આપી દીધી હતી.

દિલ્હીની અદાલતે સાંડેસરા બંધુઓને ભાગેડુ જાહેર કર્યા

સોમવારે દિલ્હીની અદાલતે ગુજરાતસ્થિત સ્ટર્લિંગ બાયૉટેકના પ્રમોટર્સ સંડેસરા બંધુઓને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા હતા.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ કોર્ટ દ્વારા ફ્યુજિટિવ ઇકૉનૉમિક ઑફેન્ડર (એફઇઓ) ઍક્ટ હેઠળ કંપનીના માલિક નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલને 8,100 કરોડના બૅન્ક ફ્રૉડ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને એફઈઓ ઍક્ટ હેઠળ "જપ્તી કાર્યવાહી શરૂ કરવા માટે કોર્ટને ફરીથી રજૂઆત" કરવાની મંજૂરી મળી ગઈ છે.

પોતાના આદેશોમાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે "જવાબદારોનું આચરણ, નિર્વિવાદપણે, રેકૉર્ડ પર સ્થાપિત કરે છે કે તેઓ ગુનાહિત કાર્યવાહી ટાળવા માટે ભારત છોડી ચાલ્યાં ગયાં છે."

ભાગેડુ આર્થિક ગુનેગાર એવી વ્યક્તિ છે કે જેમની વિરુદ્ધ અનુસૂચિત ગુના સંદર્ભે ધરપકડનું વૉરંટ બહાર આવ્યું હોય અને જેમણે ભારત છોડી દીધું હોય, જેથી ફોજદારી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય.

રાજકોટમાં રેમડેસિવિર ઇંજેક્ષનનું વધુ એક રૅકેટ ઝડપાયું

રાજકોટ શહેરમાં રેમડેસિવિર ઇંજેક્ષનની કાળાબજારીનું વધુ એક રૅકેટ રાજકોટ પોલીસ અને ફૂડ અને ડ્રગ કંટ્રોલ ઍડ્મિનિસ્ટ્રેશને (એફડીસીએ) ઝડપી પાડ્યું છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાજકોટ સ્થિત થિઓસ ફાર્માસ્યુટીકલ કંપની મોટા પ્રમાણમાં રેમડેસિવિર ઇંજેક્ષન ખરીદીને તેનો ગેરકાયદેસર રીતે સ્ટોક કરતી હતી.

કંપની હૉસ્પિટલોનાં ખોટાં બિલ રજૂ કરીને દવાનો જથ્થો મોટા પ્રમાણમાં ખરીદી કરતી હતી.

અહેવાલ અનુસાર પોલીસે કંપનીના માલિક સચીન પટેલ અને મેડીકલ રિપ્રેઝન્ટેટીવ રજનીકાંત ફળદુની ધરપકડ કરી છે.

એફડીસીએના નિયામક ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે સચીન પટેલ અને રજનીકાંત ફળદુ હૉસ્પિટલોનાં ખોટા બિલ બનાવતા હતા. ધણી હૉસ્પિટલ તો માત્ર કાગળ પર છે.

રવિવારે રાજકોટ પોલીસે રેમડેસિવિર ઇંજેક્ષનની કાળાબજારી કરવા બદલ એક નર્સ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ ગૅંગ દ્વારા 10,000 રૂપિયામાં રેમડેસિવિર ઇંજેક્ષન વેચવામાં આવતું હતું.

અમદાવાદમાં વધતા કેસ વચ્ચે 27 સ્થળોએ 'નાઇટ કર્ફ્યુ' કેમ લાદવો પડ્યો?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) એ સોમવારે શહેરના 27 પ્રખ્યાત સ્થળોએ દુકાનો, ખાણી-પીણીના સ્ટોલ અને બજારોને રાત્રે 10થી સવારના 6 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ઇન્ડિન એકસપ્રેસના અહેલવાલ અનુસાર એએમસીએ આને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ કર્યો છે.

અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ બહાર પડેલા આદેશમાં મેડિકલ સ્ટોર્સને આમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેથી તે ખુલ્લા રહી શકશે.

અહેવાલ મુજબ શહેરના યુવાનોના બેજવાબદાર વર્તનના કારણે એએમસીએ આ પગલું લેવું પડ્યું છે.

એએમસી અનુસાર તાજેતરના દિવસોમાં હૉસ્પિટલોમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે અને મૃત્યુના આંકડા પણ વધ્યા છે.

એએમસીનું કહેવું છે કે અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાં યુવાનો દ્વારા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે આ આદેશ આપવામાં આવ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો