UAE : ખાડી દેશોમાં મહાશક્તિ કેવી રીતે બન્યું?

    • લેેખક, ફ્રેન્ક ગાર્ડનર
    • પદ, સંરક્ષણ સંવાદદાતા

વર્ષ 2020 સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) માટે ઘણું મહત્ત્વનું સાબિત થયું છે.

આ વર્ષે યુએઈએ મંગળ ગ્રહ માટે એક મિશનની શરૂઆત કરી. ઇઝરાયલ સાથે એક ઐતિહાસિક શાંતિવાર્તા પર હસ્તાક્ષર કર્યા.

કોવિડ-19ના સંક્રમણના નિયંત્રણમાં પણ ઘણી સફળતા મેળવી અને પોતાને ત્યાં તૈયાર થયેલી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) જહાજ ભરીને બ્રિટનને મોકલી.

યુએઈની તુર્કી સાથે રાજકીય સંઘર્ષની સ્થિતિ બનેલી છે, કેમ કે લીબિયા, યમન અને સોમાલિયામાં પણ તેની અસર છે.

યુએઈ આગામી વર્ષ પોતાની આઝાદીની 50મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે.

આ સાથે જ એ જોવાનું રહેશે કે હવે યુએઈની વૈશ્વિક રણનીતિ શું રહેશે અને તેનું સંચાલન કોણ કરવાનું છે.

સંયુક્ત આરબ અમિરાતનો સૈન્ય અનુભવ

મે 1999ની વાત છે, જ્યારે કોસોવોની લડાઈને એક વર્ષ થયું હતું. હું અલ્બાનિયા-કોસોવો સીમા પર બનેલા એક અતિ સુરક્ષિત કૅમ્પમાં મોજૂદ હતો. કોસોવાર શરણાર્થીઓથી આ કૅમ્પ ભરેલો હતો.

આ કૅમ્પની સ્થાપના અમિરાત રેડ ક્રેસેન્ટ સોસાયટી કરી હતી અને ત્યાં અમિરાતી રસોઈયા, કસાઈઓ, ટેલિકૉમ એન્જિનિયરો, ઇમામ અને સેનાની એક ટુકડી પહોંચી હતી. સેનાની આ ટુકડી મશીનગનની સાથે પેટ્રોલિંગ કરી રહી હતી.

અમે એક દિવસ અગાઉ તિરાનાથી સંયુક્ત આરબ અમિરાતના ઍરફોર્સના પુમા હેલિકૉપ્ટરથી એ કૅમ્પમાં પહોંચ્યા હતા. કૅમ્પમાં એક લાંબો અને દાઢીવાળો શખ્સ મારી સામે ઊભો કરીને બ્રશ કરતો હતો. એ શખ્સ હતો શેખ મોહમ્મદ બિન જાયદ. તે બ્રિટનની રૉયલ મિલિટરી ઍકેડૅમીથી ગ્રેજ્યુએટ હતો.

સંયુક્ત આરબ અમિરાતની સેનાની બાગડોર તેમના હાથમાં હતી. મેં તેમને પૂછ્યું કે શું અમે એક ટીવી ઇન્ટરવ્યૂ લઈ શકીએ? તેમને બહુ રસ નહોતો, પણ તેઓ તૈયાર થઈ ગયા.

તેઓએ જણાવ્યું કે સંયુક્ત આરબ અમિરાતે ફ્રાન્સ સાથે રાજનીતિક ભાગીદારી કરી છે. આ ભાગીદારી અનુસાર યુએઈ 400 ફ્રેન્ચ લેકલર્ક ટેન્ક ખરીદી રહ્યું છે અને ફ્રાન્સ અમિરાતી સેનાની એક ટુકડીને પોતાને ત્યાં પ્રશિક્ષણ આપી રહ્યું છે અને તેને કોરોવોમાં તહેનાત કરી છે.

તાલિબાનના સત્તાથી દૂર થયા બાદ

એક એવો દેશ જેને આઝાદ થયે હજુ 30 વર્ષ પણ નહોતાં થયાં, તેના માટે આ એક મોટું પગલું હતું. બાલ્કનના એ દૂર વિસ્તારમાં, જે અબુ ધાબીથી 3200 કિલોમીટર દૂર હતો, સંયુક્ત આરબ અમિરાત ખાડીથી અલગ પોતાની મહત્ત્વાકાંક્ષાને અંજામ આપવામાં જોતરાયેલું હતું.

એ આરબને પહેલો એવો આધુનિક દેશ બની ગયો હતો જે નૈટોની મદદથી યુરોપમાં પોતાની સેનાને તહેનાત કરવામાં સફળ રહ્યો હતો.

બાદમાં તેણે અફઘાનિસ્તાનમાં પગલું માંડ્યું. સંયુક્ત આરબ અમિરાતની મોટા ભાગની વસતી આ વાતથી અજાણ છે કે અમિરાતી સેનાએ નૈટો સાથે મળીને તાલિબાનના સત્તાથી દૂર થયા બાદ તરત ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

2008માં બગરામ ઍરબેઝમાં હું તેમના વિશેષ સૈન્યને જોવા માટે પહોંચ્યો હતો કે કેવી રીતે તે કામ કરે છે.

'નાનું સ્પાર્ટા'

બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનાં બખ્તરબંધ વાહનોમાં અમિરાતની સેના ત્યાં અફઘાનિસ્તાનમાં સુદૂર ગામોમાં મુલાકાત કરતી હતી.

તેઓ એ ગામોમાં આગેવાનો-વડીલો પાસે બેસતા હતા અને કુરાન અને મીઠાઈ વહેંચતા હતા.

તેઓ પૂછતા હતા કે "તમારે કંઈ ચીજની જરૂર છે? એક મસ્જિદ, એક સ્કૂલ, પાણી માટે કૂવો?"

જ્યારે સ્થાનિક સ્તરે ટેન્ડર નીકળશે તો સંયુક્ત આરબ અમિરાત તેમાં પૈસા લગાવશે.

અમિરાતીઓનો પ્રભાવ ઓછો હતો, પણ તે જ્યાં પણ ગયા, ત્યાં તેઓએ પૈસા અને ધર્મનો ઉપયોગ સ્થાનિક સ્તરે નાટો પ્રત્યેની લોકોની શંકા દૂર કરવામાં કર્યો.

હેલમાંદ પ્રાંતમાં તેઓ બ્રિટનની સેના સાથે મળીને લડ્યા પણ ખરા. અમેરિકાના પૂર્વ રક્ષામંત્રી જિમ મૈટિસે સંયુક્ત આરબ અમિરાતને 'નાનું સ્પાર્ટા' કહ્યું હતું.

યમન ગૃહયુદ્ધ દરમિયાન બની ખરાબ છબિ

જ્યારે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન જાયદે વર્ષ 2015માં યમનના ગૃહયુદ્ધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો ત્યારે યુએઈ પણ સામેલ થયું હતું. તેણે એફ-16 ફાઇટર પ્લેનથી હુતી વિદ્રોહીઓ પર હવાઈ હુમલો કર્યો અને પોતાની સેનાને દક્ષિણ ભાગમાં તહેનાત કરી.

2018માં ગરમીના દિવસોમાં યમની દ્વીપ સોકોત્રામાં તેઓએ પોતાની સેના તહેનાત કરી. ઇરિટ્રિયાના અસાબ બેઝમાં તેમની સેનાએ હુમલાખોરોને જવાબ આપ્યો. આખરી મિનિટોમાં યુએઈની સેનાએ તેમને લાલ સાગરની પાર મોકલી દીધા અને હુતીઓના કબજામાં રહેલા હુદૈદા પૉર્ટને મુક્ત કરાવ્યું.

યમનની લડાઈ હવે લગભગ છ વર્ષ સુધી ખેંચાઈ ગઈ હતી, પરંતુ હજુ સુધી આ લડાઈમાં કોઈ વિજેતા થયું નહોતું. હુતી વિદ્રોહી હજુ પણ મજબૂતીથી રાજધાની સાનામાં જમા થયેલા હતા. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પોતાના કબજો જમાવ્યો હતો.

આ દરમિયાન યુએઈની સેનાના જવાન પણ માર્યા ગયા. એક હવાઈ હુમલામાં 50થી વધુ જવાન માર્યા ગયા હતા. તેના પર ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પણ યુએઈમાં મનાવાયો હતો. અલ-કાયદા સાથે જોડાયેલા કેટલાક સ્થાનિકો મિલિશિયાની સાથે જોડાયા હોવાથી યુએઈની છબિને નુકસાન થયું છે.

આ સિવાય માનવાધિકાર કાર્યકરોનો રિપોર્ટ છે કે યુએઈના સહયોગીઓએ અનેક કેદીઓને એક શિપિંગ કન્ટેનરમાં બંધ કરી દીધા હતા જ્યાં તેમનું ગરમીમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ ગયું.

ઇઝરાયલ સાથે નવો કરાર

યુએઈએ યમનની લડાઈમાં પોતાની ભૂમિકા ભલે સીમિત કરી લીધી હતી, પરંતુ ક્ષેત્રમાં તુર્કીના વધતા પ્રભાવ પર નિયંત્રણ રાખવાની કોશિશ તેણે ચાલુ રાખી હતી.

કેમ કે તુર્કીની સોમાલીની રાજધાની મોગાદિશુમાં પ્રભાવ છે, માટે યુએઈ સોમાલીલૅન્ડથી અલગ થનારાં ક્ષેત્રોને સમર્થન આપી રહ્યું છે અને અદનની ખાડીમાં બેરબેરામાં પોતાનો આધાર તૈયાર કરી રહ્યું છે.

યુદ્ધરત લીબિયામાં યુએઈએ રશિયા અને ઇજિપ્તને સાથ આપ્યો છે. તે પૂર્વ ભાગમાં ખલિફા હફ્તારની સેનાને સાથ આપે છે. પશ્ચિમ ભાગમાં તુર્કી અને કતારની સાથે ખલિફાના વિદ્રોહમાં ઊતરેલા વિદ્રોહીઓને તે મળાવી રહ્યું છે.

સપ્ટેમ્બરમાં યુએઈએ પોતાનું જહાજ અને ફાઇટર જેટ વિમાન ક્રેટે દ્વીપ પર ગ્રીસની સાથે સંયુક્ત અભ્યાસ માટે મોકલ્યું છે. પૂર્વ ભૂમધ્યસાગરીય ક્ષેત્રમાં તુર્કી સાથે ડ્રિલિંગના અધિકારના લઈને સંભવિત ટકરાવને જોતા તેણે આ પગલું ભર્યું છે.

અમેરિકાની દખલ બાદ સંયુક્ત આરબ અમિરાત અને ઇઝરાયલના સંબંધોમાં અચાનક એક નાટકીય બદલાવ જોવા મળ્યો છે અને હવે બંને દેશોએ શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર અંતર્ગત જ્યાં એક તરફ હેલ્થકૅર, બાયોટેક, સાંસ્કૃતિક અને વ્યાપારિક પહેલના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સોદા થયા છે, તો બીજી તરફ ઇઝરાયલની ટેકનિકનો ઉપયોગ કરીને એક શાનદાર રણનીતિક સૈન્ય અને સુરક્ષા સંબંધોને વિકસિત કરવાની ક્ષમતા પર પણ કામ કરાશે.

આ બંને દેશો સાથે ઈરાનના દુશ્મનીભર્યા સંબંધ છે. ઈરાને આ કરારનો ઉગ્ર વિરોધ કર્યો છે. સાથે જ તુર્કી અને ફલસ્તીને સંયુક્ત આરબ અમિરાત પર ફલસ્તીનનાં સપનાં સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે.

યુએઈની અન્ય મહત્ત્વાકાંક્ષા

સંયુક્ત આરબ અમિરાતની મહત્ત્વાકાંક્ષા અહીં પૂરી નથી થતી. અમેરિકાની મદદથી તે મંગળ ગ્રહ માટે મિશન લૉન્ચ કરવામાં સફળ રહ્યું છે. યુએઈના આ 'હોપ' નામના મિશન પર 200 મિલિયન ડૉલરનો ખર્ચ થયો છે.

સુદૂર જાપાની દ્વીપથી લૉન્ચ કર્યા બાદ આ સ્પેસક્રાફ્ટ 126,000 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી અંતરિક્ષમાં યાત્રા કરી રહ્યું છે. 495 મિલિયન કિલોમીટરનું આ અંતર ફેબ્રુઆરીમાં પૂરું કરવાનું છે.

એક વાર મંગળ ગ્રહની કક્ષામાં પહોંચ્યા બાદ અહીંના વાતાવરણમાં મોજૂદ ગૅસની જાણકારી મેળવીને ધરતી પર મોકલશે, જેણે ગ્રહને ઘેરી રાખ્યો છે.

યુએઈના વિદેશમંત્રી અનવર ગારગાશનું કહેવું છે, "અમે વૈશ્વિક સ્તરે ભૂમિકા નિભાવવા માગીએ છીએ. અમે અડચણોને તોડવા માગીએ છીએ અને આ અડચણોને તોડવા માટે અમારે કેટલાંક રણનીતિક જોખમ ઉઠાવવાં પડશે."

જોકે ઝડપથી વૈશ્વિક સ્તરે આવવા માટે કેટલીક ચિંતાઓ પણ છે.

ખાડી દેશોના મામલાના વિશેષજ્ઞ માઇકલ સ્ટીફન્સનું કહેવું છે, "તેમાં ઓછી શંકા છે કે યુએઈ આરબ ક્ષેત્રમાં એક સૌથી પ્રભાવી સૈન્યતાકત છે. તે વિદેશોમાં સૈના તહેનાત કરવામાં સક્ષમ છે, જેવું અન્ય દેશ નથી કરી શકતું. જોકે તેની સંખ્યા અને ક્ષમતા સીમિત છે. એક જ વારમાં અનેક સમસ્યાઓનો સામનો કરવામાં જોખમ છે અને લાંબા સમય પછી તેને બૅકફાયર પણ કરવું પડી શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો