You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવજીભાઈ મહેશ્વરી : ઍડવોકેટની હત્યા બાદ ગુજરાતમાં દલિતોએ ચક્કાજામ કેમ કર્યા?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
'ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન'ના કાર્યકર્તા અને 'ઇન્ડિયન લૉયર્સ ઍસોસિયેશન'ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરીની શુક્રવારે લગભગ સાંજે ચાર વાગ્યે કચ્છ જિલ્લાના રાપર મુખ્ય બજાર, દેના બૅંક ચોક ખાતે છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ.
બનાવ અંગે પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દેવજીભાઈ રાપર તાલુકામાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમના અધિકારો માટે કામ કરતા હતા.
દેવજીભાઈને નીકટથી ઓળખતા સ્થાનિક સામજિક કાર્યકર અશોક રાઠોડ આ બનાવ વિશે વાત કરતાં જણાવે છે કે "દેવજીભાઈ વિસ્તારના દલિતો અને વંચિતોનો અવાજ હતા. તેઓ આ લોકોને ન્યાય અપાવવા માટે અવારનવાર સ્થાનિક તંત્ર અને અસામાજિક તત્ત્વો સામે પડી જતા હતા. તેઓ વંચિતોને મદદ કરવા માટે હંમેશાં અગ્રેસર રહેતા."
"આ કારણે જ અંગત અદાવત રાખી ધોળા દિવસે તેમની પર હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવી દેવાયું."
ધારાસભ્યની ઑફિસ નીચે જ હત્યા
સ્થાનિક સામાજિક કાર્યકર અને દલિત અધિકાર મંચ, કચ્છ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીના મતે આ હત્યા પાછળ રાજકીય કારણ જવાબદાર હોઈ શકે છે.
તેઓ જણાવે છે, "દેવજીભાઈ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ વાગડ પ્રદેશ અને રાપર જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે જાણીતા હતા અને વંચિતો માટે લડવા હંમેશાં તત્પર રહેતા હતા."
"આ પ્રવૃત્તિને કારણે જ તેમની પર અગાઉ પણ હુમલા થયા છે. પરંતુ તેઓ ગભરાયા વગર પોતાનું કામ કરતા રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમનું સમાજકાર્યમાં આગળ પડતું નામ હતું. તે કારણે ઘણા લોકો તેમના દુશ્મન બની ગયા હતા. પરંતુ પોતાના જીવની પરવા કર્યા વગર તેઓ દલિતો અને વંચિતોના ઉદ્ધાર માટે કામ કરતા રહ્યા."
"તેમની આ પ્રવૃત્તિ અને વિસ્તારમાં તેમના વધી રહેલા પ્રભાવને કારણે તેમના વેરીઓએ અંતે તેમનો જીવ જ લઈ લીધો."
જોકે, ફરિયાદમાં થયેલ નોંધ પ્રમાણે રાપર લુહારવાડીનો કેસ લડવા માટે તૈયાર થઈ જવાને કારણે માથાભારે તત્ત્વો દ્વારા વેર રાખી દેવજીભાઈનું મોત નિપજાવવામાં આવ્યું હતું.
લુહારવાડી કેસ અંગે વાત કરતાં રાપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જી. એલ. ચૌધરી જણાવે છે કે "રાપર સરકારી હૉસ્પિટલની બાજુમાં આવેલ લુહાર સમાજવાડીની જમીન વેચાણ આપવા અંગે વિવાદ સર્જાયો હતો."
"જેમાં વાડીના સંચાલકમંડળના કેટલાક લોકો વાડીની જમીન વેચાણથી આપવાના સમર્થનમાં હતા, જ્યારે બાકીના વિરોધમાં હતા. જેથી જમીન ખરીદવા માટે આતુર ઉચ્ચ જ્ઞાતિના લોકો અને જમીનના વેચાણનો વિરોધ કરી રહેલા સંચાલકમંડળ વચ્ચે આ અંગે ઝઘડો ચાલી રહ્યો હતો."
"દેવજીભાઈ જમીન ન વેચવા માગતા લુહારવાડીના સંચાલકમંડળ વતી કેસ સંભાળી રહ્યા હતા. જેથી તેમનાં પત્નીએ લુહારવાડીની જમીન વેચવા માટે સંમત લોકો અને જમીન ખરીદવા માગતા ઉચ્ચ વર્ણના લોકો વિરુદ્ધ દેવજીભાઈનું મૃત્યુ નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે."
'ભારત મુક્તિ મોરચા'ના અધ્યક્ષ અશોક રાઠોડે બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, "હુમલાખોરે દેવજીભાઈના ગળા અને પેટમાં છરીના પાંચથી છ ઘા કર્યા. તેમ છતાં તેમણે હુમલાખોરને પકડવા તેનો પીછો કર્યો. બાદમાં સારવાર અર્થે તેમને રાપર સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં ડૉક્ટર હાજર નહોતા. આમ, તેઓ સરકારી હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા."
નરેશ મહેશ્વરીએ આ બનાવ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું:
"ઘટના વખતે તેઓ પોતાની ઑફિસે જઈ રહ્યા હતા ત્યારે જ હુમલાખોરે પાછળથી અચાનક હુમલો કરી દીધો હતો. આશ્ચર્ચની વાત તો એ છે કે આ હુમલો ધોળા દહાડે થયો અને તે પણ સ્થાનિક ધારાસભ્ય સંતોકબહેન અરેઠીયાની ઑફિસની નીચે થયો છે."
"આ વાત પરથી ખ્યાલ આવી જાય છે કે સમગ્ર રાપરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે?"
આરોપી હજુ પોલીસની પકડબહાર
જો વહેલી તકે આરોપી પકડમાં નહીં આવે તો સ્થાનિક દલિત સંગઠનો અને આગેવાનો દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં બંધ પાળવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
આ વિશે વાત કરતાં નરેશ મહેશ્વરી જણાવે છે કે, "જ્યાં સુધી દેવજીભાઈના હત્યારા અને તેમાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે તેમનો મૃતદેહ પણ નહીં સ્વીકારીએ તેમજ સમગ્ર કચ્છમાં અનુસૂચિત જાતિ સમાજ તરફથી કચ્છ જિલ્લામાં બંધ પાળવામાં આવશે. "
"ગઈકાલે અમારા સંગઠન દ્વારા કેટલાક સ્થળે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં પોલીસ અધિકારીઓના આશ્વાસન બાદ પ્રદર્શન હંગામી ધોરણે મોકૂફ રખાયાં હતાં. "
આ સિવાય વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિતનેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ટ્વીટ કરીને દેવજીભાઈ મહેશ્વરીની હત્યાની ઘટનાને વખોડી હતી.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "માનવાધિકાર માટે કાર્ય કરતા વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ દલિતો ફરી એકવાર રસ્તા પર ઊતરી આવ્યા છે. અમે ચૂપ નહીં રહીએ."
"અત્યારે જ આ મામલે પગલાં લો. કોના ઇશારે અને શા કારણે તેમની હત્યા કરાઈ છે એ બહાર આવવું જ જોઈએ."
પોલીસ આરોપીઓને છાવરી રહી છે?
દેવજીભાઈના મૃત્યુ બાદ તેમનાં પત્ની મીનાક્ષીબહેન આરોપીઓની ધરપકડની માગ સાથે રાપર પોલીસ સ્ટેશન ખાતે ધરણાં પર બેઠાં છે. તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું:
"મારા પતિના મૃત્યુ બાદ મારી પ્રાથમિક માગ તો એ છે કે ગમે તે સંજોગોમાં આરોપીઓને સાંજે સાત વાગ્યા સુધી પકડવા, જો પોલીસ ધરપકડ કરવામાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં સર્જાનારી પરિસ્થિતિ માટે સરકાર અને પોલીસતંત્ર જાતે જવાબદાર રહેશે."
તેઓ ઉમેરે છે, "રાપરમાં જ્ઞાતિવાદનું વાતાવરણ છે. જેમાં કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા દલિતો અને બક્ષીપંચના લોકોને મારવા-ઝૂડવાના બનાવો અવારનવાર બનતા રહે છે."
"મારી માગ છે કે આ ઘટનાનાં પરિણામોથી આવા તમામ લોકો પર ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈએ પોતાના સ્વજનને ન ગુમાવવા પડે."
આટલા સમય બાદ પણ ધરપકડ ન થઈ હોવાની વાત પર ભાર મૂકતાં કહે છે, "આ વાતથી સ્પષ્ટ છે કે પોલીસ પણ આરોપીઓને છાવરવાનું કામ કરે છે. નહીંતર આટલા સમયમાં એક આરોપીની તો ધરપકડ પોલીસે કરી જ હોત."
"મારા પતિની હત્યા થઈ તે સ્થળ પર દરરોજ પોલીસ રહેતી પરંતુ માત્ર ઘટનાવાળા દિવસે જ પોલીસ નહોતી. આ તમામ કારણોને લીધે આ ઘટના અંગે પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે."
આ ગુનાની તપાસ કરી રહેલ અધિકારી SC-ST સેલના Dy. SP વી. આર. પટેલે જણાવ્યું હતું, "દેવજીભાઈની હત્યા અંગે નવ જણ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરી શકાઈ નથી. પરંતુ પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેશે."
હત્યાના ઉદ્દેશ વિશે જણાવતાં તેઓ કહે છે, "મૃતકનાં પત્ની દ્વારા અપાયેલ ફરિયાદમાં લુહારવાડી અંગે કોર્ટ્ર કેસ ચાલતો હતો, જે કોઈ વકીલ લડવા તૈયાર નહોતા, પરંતુ કેસ મૃતક દેવજીભાઈએ હાથમાં લેતાં આરોપીઓએ કાવતરું ઘડીને તેમનું મરણ નિપજાવ્યાનો આક્ષેપ છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે."
ફરિયાદની વિગતો અનુસાર રાપર પોલીસે આ ગુના બાબતે IPCની કલમ 302, 120 (B), એટ્રોસિટી ઍક્ટ કલમ 3 (2)(5) અને ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 135 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો