ગુજરાતનો દુલ્હો, પાકિસ્તાનનાં દુલ્હન, 'મને મારા પતિ પાસે પહોંચાડો'

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"24મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં અમારાં લગ્ન થયાં ત્યારે મેં મારા પતિ અવિનાશને કહ્યું કે આપણે હજી થોડો સમય અહીં જ રોકાઈ જઈએ. અમારી પાસે સમય હતો. પરંતુ કોરોનાના કારણે અચાનક લૉકડાઉન થઈ ગયું અને ભારત આવવું મુશ્કેલ બની ગયું."

"વિઝા પ્રક્રિયા પણ ઠપ થઈ ગઈ. હવે મારા પતિ તો ભારત પહોંચી ગયા છે પણ હું અહીં પાકિસ્તાનમાં રહી ગઈ છું."

"સરકારને અમારી એટલી જ વિનંતી કે અમને મદદ કરે અને મને મારા પતિ પાસે અમદાવાદ પહોંચાડે."

પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં સાના કુમારીએ ત્યાંથી ફોન પર વાત કરતાં આ શબ્દોમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી.

સાના કુમારીનાં લગ્ન ફેબ્રુઆરીમાં અમદાવાદના 29 વર્ષીય ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અવિનાશ તલરેજા સાથે થયાં ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે થોડા સમયમાં મુશ્કેલી પરિસ્થિતિ સર્જાઈ જશે.

'વિઝાની સમયસીમા ખતમ'

અંગ્રેજી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ કરનારાં સાના કુમારી સિંધના સુકુર શહેરમાં રહે છે. અવિનાશ અને તેમનાં 58 વર્ષીય માતા લગ્નવિધિ માટે પાકિસ્તાન ગયાં હતાં.

અવિનાશની યોજના થોડા જ સમયમાં પત્ની સાનાને લઈને અમદાવાદ પરત આવી જવાની હતી, પરંતુ કોરોનાએ બધી ગણતરી ખોરવી દીધી. લૉકડાઉનના કારણે અવિનાશ અને તેમનાં માતા પણ ભારત આવી શકે તેમ ન હતાં.

આ દરમિયાન સાત મહિના વીતી ગયા, વિઝાની સમયસીમા પૂરી થઈ ગઈ. અંતે ભારત સરકારની મદદથી તેઓ 15 સપ્ટેમ્બરે 400 ભારતીયોની સાથે સ્વદેશ આવી શક્યા, જેમાં 42 ગુજરાતી હતા.

સાના કુમારી હાલમાં ગર્ભવતી છે અને વિઝા મળ્યા ન હોવાથી તેઓ હજુ પાકિસ્તાનમાં જ છે.

સાનાએ જણાવ્યું , "મને ભારત જવા માટે જાન્યુઆરીમાં વિઝા મળ્યા હતા, જે જુલાઈમાં ઍક્સપાયર થવાના હતા."

"મારો આખો પરિવાર અહીં પાકિસ્તાનમાં છે, તેથી મેં મારા પતિ અવિનાશને કહ્યું કે આપણે અહીં હજુ થોડા દિવસો ગાળીએ અને ત્યાર પછી ભારત જઈશું. પરંતુ હું જી ન શકી."

તેમણે કહ્યું કે સિંધમાં તેમનાં જેવાં બીજાં 11 યુવતીઓ છે, જેમણે ભારતીય યુવકો સાથે લગ્ન કર્યાં છે, પરંતુ તેઓ પતિ સાથે ભારત જઈ શક્યાં નથી.

પાકિસ્તાનથી ભારત આવ્યા

અવિનાશે જણાવે છે, "હું મારાં માતા સાથે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાન ગયો હતો, જ્યાં અમારા ઘણા સ્વજનો રહે છે. "

અવિનાશ જણાવે છે કે તેઓ વર્ષ 2000માં સાત-આઠ વર્ષની ઉંમરે પાકિસ્તાનથી અમદાવાદ આવ્યા હતા.

તેઓ કહે છે, "ત્યાર બાદ મારાં માતાપિતાએ 2012માં નાગરિકત્વ માટે અરજી કરી હતી. 2019માં નાગરિકત્વની અરજી મંજૂર થઈ ત્યાં સુધીમાં મારા પિતાનું અવસાન થઈ ગયું હતું."

તેઓ કહે છે કે હજુ તેમને ભારતનું નાગરિકત્વ નથી મળ્યું, જ્યારે તેમનાં માતાને ભારતીય નાગરિકત્વ મળી ગયું છે.

અવિનાશનાં પત્ની સાનાએ લૉંગ ટર્મ વિઝાની અરજી કરી છે, જેને હજી મંજૂરી નથી મળી. તેમણે હવે દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરવી પડશે જે ઘણી લાંબી હોય છે.

તેઓ કહે છે, "લગભગ 1,200થી વધારે ભારતીયો લૉકડાઉન દરમિયાન સરહદ બંધ થવાથી પાકિસ્તાનમાં ફસાઈ ગયા હતા."

"તેમાંથી આશરે 500 લોકો 'નો ઑબ્લિગેશન ટુ રિટર્ન ટુ ઇન્ડિયા' (NORI) વિઝા ધરાવતા હતા, તેમને વધારે સમસ્યાનો સામનો ન કરવો પડ્યો."

અવિનાશે જણાવ્યું, "ભારતથી ઘણા યાત્રાળુઓ નિયમિત રીતે પાકિસ્તાન જતા હોય છે. તેઓ ત્યાંનાં મંદિરોમાં સંતોના આશીર્વાદ લેવા જાય છે, હિંગળાજ માતાના દર્શને જાય છે, નાનકાના સાહેબની યાત્રા કરે છે."

"કરાચીમાં સ્વામી નારાયણનું મંદિર છે અને મહેશ્વરી સમાજના લોકો પણ ત્યાં વસવાટ કરે છે."

વિઝાની મુશ્કેલી

તેઓ કહે છે, "કોરોનાના કારણે 13 માર્ચથી વિઝા પર નિયંત્રણ લાગી ગયા હતા. અમારા પહેલાંથી મંજૂર થયેલા વિઝા રદ થયા. નવા વિઝા માટે નિયંત્રણ લાગુ પડ્યા."

"અમે ત્યાં ખરેખર હતાશ થઈ ગયા હતા. ત્યાર પછી અમે ભારતીયો ધીમે-ધીમે એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા."

"અમે ગ્રૂપ બનાવ્યાં અને સરકાર સાથે સંપર્ક કરીને મદદ કરવા વિનંતી કરી."

તેઓ કહે છે, "અમારે ત્યાં આર્થિક ખર્ચની પણ ચિંતા હતી. અહીંથી જે રૂપિયા લઈ ગયા હતા તે તો વપરાઈ ગયા. ત્યાર પછી શું કરવું?"

"મારે ભારતથી થોડા પૈસા મંગાવવા પડ્યા. પાકિસ્તાનમાં પણ મદદ મળી. મારા કાકાનો પરિવાર ત્યાં છે, તેથી થોડા દિવસો અમે તેમની સાથે રહ્યા."

"સ્વજનોના ઘરે થોડો-થોડો સમય રહીને છ મહિના કાઢ્યા. આ દરમિયાન અમારો કામ ધંધો પણ બંધ હતો."

"તેથી અમે વીડિયો ક્લિપ્સ બનાવીને સંબંધિત લોકો સુધી અમારી સમસ્યા પહોંચાડી."

ભારતીય સિંધુ સભાએ મધ્ય પ્રદેશના ઇન્દૌરના સંસદસભ્ય શંકર લાલવાણીની મદદથી લોકોને પરત ભારત મોકલવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

ભારતીય સિંધુ સભાના અમદાવાદસ્થિત પ્રમુખ ડૉ. અનિલ ખત્રી કહે છે કે આ સંસ્થા સિંધી સમાજને લગતાં સામાજિક, આર્થિક પ્રશ્નોમાં મદદ કરે છે.

તેમણે કહ્યું, "લૉકડાઉન ઉઠાવી લેવાયા પછી પાકિસ્તાની હાઈકમિશને ભારતીયોને સરહદ પાર કરવા માટે મંજૂરી આપી હતી, પરંતુ સમસ્યા એ હતી કે પંજાબ સરકાર તેમને ત્યાં જ ક્વોરૅન્ટીન કરવા માગતી હતી."

"અમે ગુજરાત સરકારને વાત કરી અને પંજાબ સરકાર સાથે મળીને વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. પંજાબ સરકાર સહમત થઈ, તેમણે કોરોનાના રૅપિડ ટેસ્ટ કરાવ્યા."

પાકિસ્તાનમાંથી ભારત મોકલવા માટે મદ

પાકિસ્તાનથી આવનારા ગુજરાતીઓની મદદે આવેલી ભારતની સંસ્થા નૉન-રૅસિડન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ડિરેક્ટર વિક્રમ જાદવે જણાવ્યું, "અહીંથી ત્યાંના કલેક્ટર અને એસડીએમ સાથે જોડાણ કર્યું અને પાકિસ્તાનથી આવતા લોકોના રૅપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ગુજરાતના તમામ 42 લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા અને તેઓ સીધા ઘરે પહોંચી શક્યા."

તેઓ 400-500 કિલોમિટરની મુસાફરી કરીને વાઘા પહોંચ્યા હતા. આ ઉપરાંત આ લોકો છ-સાત મહિનાથી ત્યાં અટવાયેલા હોવાથી તેમની પાસે સામાન પણ પુષ્કળ હતો.

સિંધમાં લઘુમતીની પરિસ્થિતિ

ડૉ. ખત્રી જણાવે છે, "પાકિસ્તાનમાં સિંધી સમાજની વસતી લગભગ 50,000થી એક લાખ સુધીની છે. તેમના ધાર્મિક સ્થળો પર હુમલાની ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે."

"હિંદુ અને શીખ સમુદાયના લોકો કાયમ માટે ભારત આવવા ઇચ્છુક હોય છે."

અવિનાશ તલરેજાએ કહ્યું , "નાગરિકતા સંશોધન કાયદા પછી પાકિસ્તાનથી હિંદુ અને શીખોનું ભારતમાં પલાયન વધશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો