રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વાત એપ્રિલ, 2004ની છે. રૉની ઑફિસના મુખ્ય દરવાજે ઑફિસનો સમય પૂરો થયા બાદ ઘરે પરત ફરવા માટે લાઇન લાગેલી હતી. જ્યારે તેનું કારણ પુછાયું ત્યારે ખબર પડી કે દરેક કર્મચારીના બ્રીફ કેસની તપાસ કરાઈ રહી છે.

રૉના 35 વર્ષના ઇતિહાસમાં આ પહેલાં આવું ક્યારેય નહોતું બન્યું. સુરક્ષા સંસ્થાનો અને સેનામુખ્યાલયોમાં એક-બે મહિનાના અંતરે આવી તપાસ જરૂર કરાતી હતી.

ત્યાર બાદ યોજાયેલ સાપ્તાહિક બેઠકમાં રૉના પ્રમુખ સી. ડી. સહાયે સ્પષ્ટતા કરી કે તે તપાસ કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ કેન્દ્રિત નહોતી.

તેનો ઉદ્દેશ માત્ર રૉની સુરક્ષાવ્યવસ્થાને મજબૂત કરવાનો હતો. એ બેઠકમાં રૉના સંયુક્ત સચિવ રબિંદર સિંહ પણ હાજર હતા.

તેઓ મોટેથી બબડતાં બબડતાં બહાર આવ્યા કે વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્તણૂકની આ યોગ્ય રીત નથી.

હાલમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક, ‘રૉ અ હિસ્ટ્રી ઑફ ઇંડિયાઝ કૉવર્ટ ઑપરેશન્સ’ના લેખક યતીશ યાદવ જણાવે છે કે, ‘તે કાર્યવાહી રબિંદર સિંહને ધ્યાનમાં રાખીને કરાઈ હતી.’

એ દિવસે તેમને તેમના ડ્રાઇવર પાસેથી એ વાતની ખબર પડી ગઈ હતી કે ગેટ પર તમામ લોકોની બ્રીફ કેસ ખોલાવીને જોઈ રહ્યા છે, જ્યારે રબિંદર સિંહની બ્રીફ કેસ ખોલવામાં આવી ત્યારે તેમાંથી કોઈ પણ આપત્તિજનક વસ્તુ ન મળી.

રબિંદર સિંહ પર રૉની નજર

રબિંદર સિંહ પાછલાં ઘણાં વર્ષોથી અમેરિકન જાસૂસી સંસ્થા CIA માટે ડબલ એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા અને ભારતની તમામ ગુપ્ત સૂચના તેમના સુધી પહોંચાડી રહ્યા હતા.

તેમને એ વાતની ખબર નહોતી કે તેમની પર રૉનો કાઉન્ટર ઇંટેલિજન્સ યુનિટ પાછલા અમુક મહિનાથી નજર રાખીને બેઠો છે. તેમને એ વાતનું બિલકુલ અનુમાન નહોતું કે તેમના ઘરની પાસે ફળ વેચનાર દાઢીવાળો પ્રૌઢ શખસ રૉનો એજન્ટ છે અને તેમનો ડ્રાઇવર તેમની પ્રવૃત્તિઓ વિશે તમામ સૂચનાઓ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યો છે.

રબિંદર સિંહ અમૃતસરના એક જાગીરદાર પરિવારમાંથી આવતા હતા.

તેઓ જાટ શીખ સમુદાયમાંથી આવતા હતા પરંતુ તેમણે પોતાના વાળ કપાવી નાખ્યા હતા. તેઓ એક અધિકારી તરીકે ભારતીય સેનામાં ભરતી થયા હતા. સેનામાં ફરજ બજાવતી વખતે તેમણે ઑપરેશન બ્લૂ સ્ટારમાં પણ ભાગ લીધો હતો. ત્યાર બાદ તેમની નિમણૂક રૉમાં કરવામાં આવી.

રૉમાં કામ કરી ચૂકેલા મેજર જનરલ વિનય કુમાર સિંહ પોતાના પુસ્તક ‘ઇંડિયાઝ એક્સટર્નલ ઇન્ટેલિજન્સ સિક્રેટ્સ ઑફ રિસર્ચ ઍન્ડ એનાલિસિસ વિંગ’માં લખે છે, “તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ઑફિસરો અને રબિંદરના અન્ય સાથી કર્મચારીઓ તેમને એક સામાન્ય ઑફિસર માનતા હતા.”

“શરૂઆતમાં તેમને અમૃતસર પોસ્ટ કરાયા હતા, જ્યાં તેમને સીમા પાર પાકિસ્તાન અને ISI દ્વારા શીખ અલગાવવાદીઓને અપાઈ રહેલી ટ્રેનિંગ વિશે માહિતી એકત્રિત કરવાનું કામ સોંપાયું હતું.”

“ત્યાર બાદ પહેલાં તેમને પશ્ચિમ એશિયામાં અને પછી હૉલૅન્ડના હેગમાં તહેનાત કરાયા જ્યાં તેઓ એ વિસ્તારમાં સક્રિય શીખ ચરમપંથીની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા.”

રૉના પ્રમુખ રહેલ એ. એસ. દુલતે પણ પોતાના પુસ્તક ‘કાશ્મીર ધ વાજપેયી યર્સમાં’ લખ્યું છે, “ભારતીય વિમાનનું અપહરણ કરનાર હાશિમ કુરેશીએ મને જણાવ્યું હતું કે હૉલૅન્ડમાં રબિંદરની એક અત્યંત ખરાબ ઑફિસર તરીકેની છાપ હતી.”

“તેમનો મોટા ભાગનો સમય મહિલાઓ પાછળ અને દારુના સેવનમાં પસાર થતો. પોતાની જીભ પર પણ તેમનું નિયંત્રણ નહોતું અને તેઓ અવારનવાર અજાણ લોકો સામે એવી વાતો બોલી જતા જે તેમણે ન બોલવી જોઈએ.”

સિત્તેરના દાયકાથી ભારતમાં CIAની સક્રિય ભૂમિકા

ગુપ્ત વ્યવસ્થાતંત્રમાં એ વાત કોઈનાથી છુપાયેલી નહોતી કે સિત્તેરના દાયકાથી જ CIA ભારત સરકાર પર નજર રાખવાની કોશિશ કરી રહી છે.

ટૉમસ પૉવર્સે CIA પ્રમુખ રિચર્ડ હેલ્મ્સની આત્મકથા ‘ધ મૅન હૂ કેપ્ટ ધ સિક્રેટ્સ’માં એ વાત તરફ સ્પષ્ટપણે ઇશારો કર્યો હતો કે વર્ષ 1971માં ઇંદિરા ગાંધીના મંત્રીમંડળમાં એક CIA એજન્ટ હતો.

આટલું જ નહીં ખ્યાતનામ સ્તંભકાર જૅક એન્ડરસને પણ એક લેખમાં આ વાતની પુષ્ટિ કરી હતી. વૉશિંગટન પોસ્ટે પણ પોતાના 22 નવેમ્બર, 1979ના અહેવાલમાં ‘હૂ વૉઝ ધ CIA ઇન્ફૉર્મર ઇન ઇંદિરા કૅબિનેટ’ શીર્ષકવાળા લેખમાં આ મુદ્દે ઘણાં અનુમાન કર્યાં હતાં.

મે, 1998માં ભારત સરકાર દ્વારા કરાયેલ પરમાણુપરીક્ષણને કારણે પણ CIAની ફજેતી થઈ હતી અને તેમની પર અમેરિકન સરકારને અગાઉથી ન ચેતવ્યાના આરોપો લાગ્યા હતા.

અમેરિકામાં આ વાતને એ સમય સુધીની ‘ગુપ્ત અસફળતા’ માનવામાં આવી. ત્યારથી જ એ વાતની જરૂરિયાત મહસૂસ થવા લાગી હતી કે અમેરિકન ગુપ્ત એજન્સીઓ પાસે ભારતમાં એક ટોચનો સ્રોત હોવો જોઈએ જેથી તેમને ગુપ્ત જાણકારી પ્રાપ્ત થતી રહે.

ભારતીય ગુપ્ત સ્રોતોનું માનવું છે કે 90ના દાયકામાં હૉલૅન્ડમાં ભારતીય દૂતાવાસમાં કાઉન્સેલર તરીકે કામ કરતી વખતે CIA રબિંદર સિંહની ભરતી કરી હતી.

સાથીદારોને મોંઘીદાટ હૉટલોમાં મિજબાની

રવિદર સિંહ પર નજર રાખનારા, રૉમાં વિશેષ સચિવ રહેલા અમર ભૂષણે બાદમાં આ ઘટના પર આધારિત એક નવલકથા લખી, જેનું નામ હતું ‘એસ્કેપ ટૂ નો વ્હેર’. જેમાં તેમણે લખ્યું કે, “સંદિગ્ધ (રબિંદર સિંહ) બીજા વિભાગમાં કામ કરી રહેલા જૂનિયર ઑપરેશનલ ડેસ્ક પર કામ કરતા રૉ અધિકારીઓ પાસેથી જાણકારી કઢાવવાના પ્રયત્નોમાં લાગેલો રહેતો.”

“તેઓ તેમને પોતાના રૂમમાં અથવા તો મોંઘીદાટ હૉટલોમાં ભોજનની મિજબાની કરાવતા. 1992માં નૅરોબીમાં પોસ્ટિંગ વખતે રબિંદરને હૃદયની બીમારી થઈ હતી, પરંતુ તેની પાસે બાયપાસ સર્જરી કરાવવાના પૈસા નહોતા.”

“અમેરિકા અને કૅનેડાના મિત્રોની મદદ મળ્યા બાદ વિયેનાના A. K. H. હૉસ્પિટલમાં ઑપરેશન કરાયું. મને એ જાણીને કોઈ આશ્ચર્ય નહીં થાય કે તે પૈસા વિદેશી ગુપ્ત સંસ્થાએ ઉપલબ્ધ કરાવ્યા હશે.”

સિક્યોર ઇન્ટરનેટ પ્રોટોકૉલનો ઉપયોગ

જ્યારથી રબિંદર સિંહ પર નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું રૉના ગુપ્તચરો અન્ય ઑફિસરો સાથેની તેની તમામ વાતો સાંભળી શકતા હતા.

યતીશ ગુપ્તા જણાવે છે કે, “રબિંદર અત્યંત સાધારણપણે કામ કરતો. તે ગુપ્ત રિપોર્ટ ઘરે લાવતો અને અમેરિકનો દ્વારા મોકલાવાયેલા ઉચ્ચ દરજ્જાના કૅમેરાથી તેની તસવીરો લઈ લેતો. તે તમામ ફાઇલો એક એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરતો અને સિક્યોર ઇન્ટરનેટ પ્રોટોકૉલ દ્વારા પોતાના હૅન્ડલરોને મોકલી આપતો. ત્યાર બાદ તે હાર્ડડિસ્ક અને પોતાના બે લેપટૉપમાંથી પણ ફાઇલ ડિલીટ કરી દેતો. તેણે ઓછામાં ઓછા વીસ હજાર દસ્તાવેજો આવી રીતે બહાર મોકલ્યા.”

રૉના ગુપ્તચરોને એ વાત પરથી પણ તેના પર શંકા ગઈ હતી કે તેઓ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત નેપાલ જતા.

રૉ પાસે એવું માનવાનાં પર્યાપ્ત કારણ હતાં કે રબિંદર આવી યાત્રાઓ કાઠમાંડૂમાં અમેરિકનો, ખાસ કરીને કાઠમાંડૂમાં CIAના સ્ટેશન ચીફને મળવા માટે કરતા હતા, જેઓ તે સમયે કાઠમાંડૂના અમેરકન દૂતાવાસમાં કાઉન્સેલર ઇકૉનૉમિક અફેર્સના કવરમાં કામ કરતા હતા.

મેજર જનરલ વિનય કુમાર સિંહે પોતાના પુસ્તક ‘ઇન્ડિયાઝ એક્સટર્નલ ઇન્ટેલિજન્સ’માં લખ્યું કે, “રબિંદરને ઘણી વખત પોતાની ઑફિસમાં પોતાનો રૂમ બંધ કરીને ગુપ્ત દસ્તાવેજોની ફોટોકૉપી કરતા જોવામાં આવ્યા છે. તેમણે અમેરિકામાં રહી રહેલી પોતાની દીકરીની સગાઈમાં સામેલ થવા માટે અમેરિકા જવાની પરવાનગી માગી હતી, પરંતુ રૉના પ્રમુખે તે માગણી સ્વીકારી નહોતી.”

વિદેશમાં કામ કરી રહેલા રૉ એજન્ટોનાં નામ CIAને જણાવ્યાં

અહી પ્રશ્ન એ થાય છે કે રબિંદર સિંહની દગાખોરીથી ભારતને કેટલું નુકસાન થયું?

એક ગુપ્ત સ્રોતના જણાવ્યાનુસાર રબિંદરના નાસી છૂટ્યા બાદ તપાસમાં બહાર આવ્યું હતું કે તેમણે પોતાના હૅન્ડલરોને વિદેશોમાં કામ કરી રહેલા રૉ એજન્ટોની યાદી ઉપલબ્ધ કરાવી હતી.

રૉના કાઉન્ટર ઇન્ટેલિજન્સ એકમ દ્વારા બાદમાં થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે રબિંદર સિંહે CIAના પોતાના હૅન્ડલરોને ઓછામાં ઓછા 600 -મેઇલ મોકલ્યા હતા અને તેમણે દેશની માહિતી બહાર પહોંચાડવા માટે અનેક ઈ-મેઇલ આઇડીનો પણ ઉપયોગ કર્યો હતો.

શું રબિંદર સિંહ સત્ય સામે આવ્યા બાદ પણ રૉના અધિકારીઓ જાણીજોઈને રબિંદરને ગુપ્ત સૂચનાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા હતા?

રૉના એક અધિકારી જેમનું કોડનેમ કે. કે. શર્મા હતું, તેમણે યતીશ યાદવને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2004થી એપ્રિલ, 2004 વચ્ચે એજન્સીના 55 કરતાં વધુ ઑફિસરોએ આ ડબલ એજન્ટને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી.

મેજર જનરલ વિનય કમાર સિંહ લખે છે કે, “રબિંદર સિંહને જાણીજોઈને રૉના મૉનિટરિંગ સ્ટેશન દ્વારા ઇસ્લામાબાદમાં અમેરિકન મિશનથી ઇંટરસેપ્ટ કરાયેલ જાણકારી ફીડ કરાઈ. આ અંગે રૉની શંકામાં ત્યારે વધારો થઈ ગયો જ્યારે તેમણે આવા પ્રકારની વધુ માહિતીની માગ કરી.”

રબિંદરને પોતાના પર નજર રખાઈ રહી હોવાની ખબર પડી

ભારતથી ફરાર થયા બાદ બે અઠવાડિયાં પહેલાં રબિંદરને એ વાતની ખબર પડી ગઈ હતી કે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

યતીશ યાદવ જણાવે છે કે, “તેમણે રૉના સુરક્ષા યુનિટને કહ્યું હતું કે તેમની ઑફિસ ‘સ્વીપ’ કરાવવામાં આવે જેથી ત્યાં મુકાયેલાં ગુપ્ત ઉપકરણોની જાણકારી મળી શકે. જે રાત્રે રબિંદર સિંહ નેપાલથી નાસી છૂટ્યો ત્યારે રૉની નજર રાખનાર એક ટુકડીએ તેમની પત્નીને ઘરની બહાર નીકળતાં જોઈ. ત્યાર બાદ તેમની પત્ની એક પારિવારિક મિત્ર સાથે ઘરે પરત ફરી. મિત્ર રાત્રિ ભોજ પછી પોતાના ઘરે જતા રહ્યો. રૉની ટીમે રબિંદર અને તેમની પત્નીને ઘરમાંથી બહાર નીકળતાં નહોતાં જોયાં.”

“જ્યારે બીજા દિવસે ઘરની અંદર કોઈ પ્રવૃત્તિ ન થવાની વાત માલૂમ પડી ત્યારે બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો.જ્યારે રૉના ગુપ્તચર એક ટપાલ આપવાને બહાને ઘરની અંદર પ્રવેશ્યા ત્યારે નોકરે કહ્યું કે સાહેબ અને મૅડમ તો એક લગ્નમાં સામેલ થવા માટે પંજાબ ગયાં છે.”

સડકમાર્ગે નેપાળ અને પછી ત્યાંથી અમેરિકા

બાદમાં રૉના એજન્ટોને ખબર પડી કે રબિંદર અને તેમની પત્ની પરમિંદર સડક માર્ગે નેપાળ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ભારતીય સીમા પાસે નેપાલગંજના એક હોટલમાં બુકિંગ કરાવ્યું હતું.

રૉ પર વધુ એક પુસ્તક મિશન રૉ લખનાર આર. કે. યાદવ જણાવે છે કે, “રબિંદર અને તેમનાં પત્નીને એક સંબંધીએ કારમાં બેસાડીને નેપાલની સીમા સુધી પહોંચાડ્યાં હતાં. રૉના એજન્ટો એ વાતની માહિતી મેળવવામાં સફળ રહ્યા કે હોટલમાં તેમના રોકાણનું બિલ કાઠમાંડૂમાં CIAના સ્ટેશન ચીફ ડેવિડ વસાલાએ ચૂકવ્યું હતું અને તેમની માટેનો રૂમ પણ તેમના નામથી જ બુક કરાયો હતો.”

“તેમને નેપાલગંજના સ્નેહા હોટલમાં રાખવામાં આવ્યાં. ત્યાર બાદ બંનેને કાઠમાંડૂના CIA સેફ-હાઉસમાં શિફ્ટ કરી દેવાયાં. ત્યાં જ તેમને રાજપાલ પ્રસાદ શર્મા અને દીપા કુમાર શર્માના નામથી બે અમેરિકન પાસપોર્ટ આપવામાં આવ્યા. 7 મે, 2004ના રોજ વૉશિંગટન જનાર ઑસ્ટ્રિયન ઍરલાઇન્સની ફ્લાઇટ નંબર 5032માં બેસી ગયાં. ”

બ્રજેશ મિશ્રાના કારણે ધરપકડમાં વિલંબ?

કહેવાય છે કે રૉના ઑફિસરોએ તે સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા પાસેથી રબિંદરની ધરપકડ કરવા માટેની મંજૂરી માગી હતી, પરંતુ તેમણે આ અંગે તરત નિર્ણય નહોતો લીધો.

યતીશ યાદવ જણાવે છે કે, “એવું લાગી રહ્યું હતું કે મિશ્રા રબિંદરથી પીછો છોડાવવા માગતા હતા અને ઇચ્છતા હતા કે તેઓ આપમેળે જ ગાયબ થઈ જાય. ત્યારે ભારતમાં ચૂંટણી યોજાઈ હતી અને રૉમાં CIAનો ગુપ્તચર હોવાની વાત સરકારને રાજકીય રીતે નુકસાન પહોંચાડી શકતી હતી. તેમણે રબિંદરના જાસૂસીમાં સામેલ હોવાના અને તેમના અમેરિકન હૅન્ડલરો વિશે વધું પુરાવા માગ્યા. કદાચ તે એક ઘણી મોટી ભૂલ હતી.”

આ ઘટના બાદ એવા સવાલો ઊઠ્યાં કે એક વ્યક્તિ વિશે જ્યારે એ વાતની ખબર પડી જ ગઈ હતી કે તે વિદેશી સરકાર માટે જાસૂસી કરી રહી છે ત્યારે તેની ધરપકડ કરવા માટે પરવાનગી મેળવવાની શી જરૂરી હતી?

CIAનો ઇન્કાર

મેના મધ્ય ભાગમાં રૉ પ્રમુખ સી. ડી. સહાયે દિલ્હીમાં CIAના સ્ટેશન ચીફને બોલાવીને પૂછ્યું કે રબિંદર અમેરિકા નાસી છૂટ્યા એ અંગે અમેરિકાની સરકારને કોઈ માહિતી છે ખરી?

આશા અનુસાર અમેરિકાએ રબિંદર સિંહ અને તેમની પત્ની વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો.

તેમણે એ વાતનો પણ ઇન્કાર કર્યો કે રૉનો કોઈ અધિકારી CIAના સંપર્કમાં છે. જાસૂસીની દુનિયામાં હંમેશાંથી એ રિવાજ રહ્યો છે કે એક વાર પકડાયા પછી તેમના હૅન્ડલરો આવા ગુપ્તચરોનાં અસ્તિત્વને ઓળખવાનો પણ ઇન્કાર કરી દે છે.

5 જૂન, 2004ના રોજ રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 311 (2) અંતર્ગત રબિંદર સિંહને નોકરીમાંથી કાઢી મૂક્યા. આ કલમ અંતર્ગત રાષ્ટ્રપતિને રાષ્ટ્રહિતમાં કોઈ પણ પ્રકારની વિભાગીય કાર્યવાહી કરાવ્યા વગર કેન્દ્ર સરકારના કોઈ પણ અધિકારીને નોકરીમાંથી છૂટા કરવાનો અધિકાર છે.

મેં યતીશ યાદવને પૂછ્યું કે આપને એ વાત અસામાન્ય નથી લાગતી કે રબિંદર સિંહ આવી રીતે પોતાનું ઘર ખુલ્લું મૂકીને અચાનક અમેરિકા ભાગી ગયા?

યતીશ યાદવ જણાવે છે કે, “જાસૂસીના વ્યવસાયમાં તમારી પાસે બચીને નાસી છૂટવા માટે અમુક કલાકો કે મિનિટોનો જ સમય હોય છે. ત્યારે એ નથી જોવામાં આવતું કે આપ શું મૂકીને ભાગી રહ્યા છો. બાદમાં આપના હૅન્ડલરો તમને થનાર દરેક નુકસાનની ભરપાઈ માટે તૈયાર હોય છે.”

રબિંદર સિંહનું મૃત્યુ

રૉના ઇતિહાસનું આ અપ્રિય પ્રકરણ અમુક સમય માટે દફન કરી દેવાયું, પરંતુ રબિંદરને તેના ક્યારેય માફ ન કરાયા.

યતીશ યાદવ જણાવે છે કે, “વર્ષ 2016ના અંતમાં વૉશિંગટનથી ડિપ્લોમેટિક બૅગમાં એક કોડેડ સંદેશ આવ્યો જેમાં કહેવાયું હતું કે ડબલ એજન્ટ રબિંદર સિંહનું મૃત્યુ થઈ ગયું છે. બાદમાં ખબર પડી કે રબિદરનું મૃત્યુ મૅરિલૅન્ડમાં એક માર્ગ અક્સમાતમાં થયું હતું. એવી પણ ખબર પડી કે કાઠમાંડૂથી અમેરિકા પહોંચવાના અમુક મહિનાની અંદર જ CIAએ રબિંદરથી પીછો છોડાવી લીધો હતો.”

રબિંદરનો અંતિમ સમય ઘણી ખરાબ રીતે પસાર થયો. તે પાયમાલ થઈ ગયા, કારણ કે CIAએ તેમની મદદ કરવાનું બંધ કરી દીધું હતું. CIAના પૂર્વ ઉપ નિદેશક દ્વારા ચલાવાઈ રહેલા એક થિંક ટૅંકમાં રબિંદરે નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં તેઓ સફળ ન થઈ શક્યા.

દેશ વિરુદ્ધ જાસૂસી કર્યા બાદ રબિંદરે પોતાના જીવનનાં અંતિમ બાર વર્ષ ન્યૂયૉર્ક, વર્જીનિયા અને મૅરિલૅન્ડમાં અત્યંત દયનીય હાલતમાં વીતાવ્યાં.

રૉમાં રબિંદર સિંહ પર આટલી કડક નજર રાખવા છતાં તેઓ નાસી છૂટ્યા આ વાત ને એક મોટી અસફળતા તરીકે જોવામાં આવી. મે આ સંબંધે આ મામલા સાથે જોડાયેલા રૉના ઓછામાં ઓછા પાંચ ઉચ્ચાધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામે આ મુદ્દે વાત કરવાનો ઇન્કાર કરી દીધો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો