બીજિંગ : હૉલ-સેલ માર્કેટમાં સંક્રમણ પછી ચીનની રાજધાનીમાં મોટા પાયે લૉકડાઉન, ઇમરજન્સીની સ્થિતિ

સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર ચીનની રાજધાની બીજિંગમાં ખેતીના ખેત પેદાશોનું એક હૉલ-સેલ માર્કેટને કોરોના વાઇરસને કારણે બંધ કરવું પડ્યું છે. અહીં પાછલા બે દિવસોથી કોરોના વાઇરસના સ્થાનિક સંક્રમણના કેસ સતત વધી રહ્યા હતા.

શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરના ત્રણ વાગ્યે શિનફાદી હૉલ-સેલ માર્કેટને બંધ કરી દેવાયું. એક માંસ શોધ સંસ્થામાં કામ કરનારા બે લોકોએ તાજેતરમાં આ બજારની મુલાકાત લીધી હતી. આજે શુક્રવારે જાણ થઈ કે બંને લોકો કોરોના વાઇરસથી સંક્રમિત હતા. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ બંને વ્યક્તિ કેવી રીતે સંક્રમિત થયા હતા.

ચીનમાંએ ચિંતા વધી રહી છે ત્યાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઈ રહી છે. ચીન ઉપરાંત પણ અનેક દેશોમાં આ જોવા મળી રહ્યું છે. બીજિંગ પ્રશાસને શિનફાદી બજારમાં શરૂઆતમાં બીફ અને મટનના કારોબાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આવું કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવ્યું હતું.

બીજિંગ પ્રશાસનનું કહેવું છે કે દસ હજારથી વધુ લોકોના ન્યુક્લિઇક ઍસિડ ટેસ્ટ કરાશે જેથી કોરોના સંક્રમણની જાણ થઈ શકે.

પ્રશાસને નવા કેસોને જોતા શાળાઓ પણ બંધ કરી દીધી છે.

ચીનમાં શુક્રવારે કારોના વાઇરસના 11 નવા કેસો સામે આવ્યા અને એમાંથી 7 કોઈ પણ લક્ષણો વિનાના છે.

શું બની છે ઘટના?

બીજિંગના દક્ષિણપશ્ચિમી ડિસ્ટ્રિક્ટ ફેંગતાઇમાં આ શિનફાદી હૉલ-સેલ માર્કેટ આવેલી છે. ડિસ્ટ્રિક્ટના અધિકારી ચુ જૂનવેઈએ શનિવારે મીડિયાને કહ્યું કે, ડિસ્ટ્રિક્ટને તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કટોકટીની કામગીરીના સ્તર પર મૂકી દેવાયું છે.

ચુના જણાવ્યા પ્રમાણે શિનફાદી હૉલ-સેલ માર્કેટમાંથી કોવિડ-19 માટે લેવાયેલા 517લોકોનાં ગળાના સ્વાબના નમૂનામાંથી 45 લોકોના નમૂના પૉઝિટિવ મળી આવ્યા હતા. જો કે એમાંથી કોઈનામાં પણ કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા ન હતા.

ફેગતાઇ ડિસ્ટ્રિ્ક્ટ પ્રશાસને જણાવ્યા પ્રમાણે શિનફાદી માર્કેટની નજીકમાં આવેલા 11 વિસ્તારોમાં લૉકડાઉન અમલમાં મૂકી દેવાયું હતું.

શહેરના પ્રવક્તાએ માહિતી આપી કે શુક્રવારે બીજિંગમાંથી મળી આવેલા 6 કોવિડ-19 દર્દીઓમાંથી તમામે શિનફાદી માર્કેટની મુલાકાત લીધી હતી.

બીજિંગમાં આવેલા મોટા સુપરમાર્કેટ સ્ટોર્સે તેમને ત્યાંથી રાતોરાત સૅમન માછલીઓને હઠાવી લીધી હતી. કારણ કે, આયાત કરેલા સૅમન માછલીને કાપવા માટે વપરાતા પાટલા પરથી કોરોના વાઇરસ મળી આવ્યો હતો એવું સરકાર હસ્તક મીડિયા બીજિંગ યુથ ડેઇલીએ માહિતી આપી.

ચીનની રાજધાનીમાં કોરોના વાઇરસના નવા કેસો મળી આવ્યા બાદ તકેદારીના પગલા તરીકે તાત્કાલિક ધોરણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને આંતરપ્રાંતીય પ્રવાસનને અટકાવી દેવાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો