કોરોના વાઇરસ : એ 'લૉકડાઉન પાર્ટી' જેનાથી 180 લોકોને લાગ્યો કોરોનો ચેપ

    • લેેખક, પ્રવિણ મુધોલકર,
    • પદ, બીબીસી મરાઠી

નાગપુરમાં એક વ્યક્તિએ લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ મળતાં એક પાર્ટીનું આયોજન કર્યું, આ પાર્ટીથી ફેલાયેલા કોરોના વાઇરસના કારણે 180 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

આ વ્યક્તિએ કરેલી ભૂલના કારણે નાગપુરના નાઇક તલાવ વિસ્તારના 700 લોકોને હવે ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

નાગપુર મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંધેએ બીબીસી મરાઠીને કહ્યું કે એક વ્યક્તિએ પાર્ટીનું આયોજન કર્યું જેનાથી 180 લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે અને સંક્રિમિતોના સંપર્કમાં આવેલાં બીજા 700 લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

ઘટના શું છે?

નાગપુરમાં સતરંજીપુરા અને મોમિનપુરા બે વિસ્તારો કોરોના વાઇરસના હૉટસ્પૉટ હતા, પરંતુ એક વ્યક્તિની ભૂલને કારણે ઉત્તર નાગપુરનો નાઇક તલાવ વિસ્તાર પણ હૉટસ્પૉટ બની ગયો છે. આ વિસ્તારમાં છેલ્લાં 6 દિવસમાં 180 નવા કેસ સામે આવ્યા છે.

નાઇક તલાવ વિસ્તારમાંથી એકદમ મોટી સંખ્યામાં આટલા બધા કેસ સામે આવતા નાગપુર મ્યુનિસિપાલિટીએ તેની તપાસ શરૂ કરી. કોરોના વાઇરસના ફેલાયો તેમાં એક જ પરિવારના 16 લોકો કોરોના પૉઝિટિવ હતા.

વધારે તપાસમાં જાણવા મળ્યું કે આજ પરિવારના યુવાને એક પાર્ટીનું આયોજન કર્યું હતું. લૉકડાઉનના નિયમોમાં અઢી મહિના પછી છૂટછાટ મળતા નાઇક તલાવ વિસ્તારમાં પોતાના ઘરમાં યુવાને પાર્ટીનું આયોજન કર્યું હતું. તે મોમિનપુરા વિસ્તારમાં મીટ ખરીદવા ગયો હતો અને પાંચ બીજા વ્યક્તિએ આ પાર્ટીમાં ભાગ લીધો હતો.

પાર્ટી પૂર્ણ થયા પછી, પાર્ટીના આયોજકની તબિયત લથડી અને તેને તરત જ માયો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો.

આ આખો કિસ્સો કેવી રીતે પ્રકાશમાં આવ્યો?

નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વાસ્થ્ય અધિકારી ડૉ. પ્રવીણ ઘંતવરેએ બીબીસી મરાઠીને જણાવ્યું કે નાગપુરના નાઇક તલાવ વિસ્તારમાં એકદમ જ મોટી સંખ્યામાં કોરોના પૉઝિટિવ કેસ આવતા વહીવટી તંત્રએ તપાસની શરૂઆત કરી.

"જ્યારે એક જ પરિવારના 16 લોકોના પૉઝિટિવ આવ્યા, ત્યારે અમે પરિવારના પહેલાં જે વ્યક્તિમાં સિમ્ટમ્સ જોવા મળ્યા હતા તેની તપાસ શરૂ કરી. તે એક યુવાન હતો તેણે મ્યુનિસિપલ કર્મચારીને જવાબ આપ્યો કે તે જ્યારે સવારે ચાલવા માટે બગીચામાં જતો હતો ત્યારે તેને ચેપ લાગ્યો હોઈ શકે."

"પરંતુ, વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આજ યુવાન વ્યક્તિ પાર્ટી પછી માંદો પડ્યો હતો. જેથી અધિકારીઓએ વિવિધ પાસાઓને જોડવાનું કામ કર્યું. જ્યારે જવાબદાર વ્યક્તિને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેણે મીટ ખરીદવા માટે મોમિનપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી. જે કોરોનાનું હૉટસ્પૉટ હતું. લોકોએ કોરોનાને લગતી માહિતીને છુપાવી હતી. જે હકીકતમાં આજના સમયમાં સૌથી મોટો ભય છે."

મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન સામે કેવા પ્રકારના પડકારો છે?

આ કિસ્સા પછી કેવા પ્રકારની સ્થિતિ છે તે અંગે ચર્ચા કરવા માટે અમે નાગપુર મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંધેનો સંપર્ક કર્યો હતો.

તેમણે કહ્યું, "લૉકડાઉનમાં આપવામાં આવેલી રાહત આવકારદાયક પગલું છે અને તમામ વસ્તુઓ સરળ રીતે થાળે પડી જાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ, લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટનો અર્થ વ્યભિચારી બનવાનો થતો નથી."

મુંધે કહે છે, "નાગપુરના ઉત્તર વિસ્તારમાં આવેલો નાઇક તલાવ વિસ્તાર કોરોના હૉટસ્પૉટનું કેન્દ્ર બન્યો છે. કેવી રીતે એક યુવાને યોજેલી પાર્ટી વિનાશનું કારણ બની શકે છે. હાલ, માત્ર એક વ્યક્તિને જ બાઇક પર મુસાફરી કરવાની પરવાનગી છે, પરંતુ કેટલાંક સ્થળે ત્રણ વ્યક્તિ બાઇક પર મુસાફરી કરી રહ્યા છે, આ પ્રકારનું વર્તન યોગ્ય નથી."

તુકારામ મુંધે કહે છે, "જો લોકો ભૂલો ન કરતા તો જનજીવન હાલ સામાન્ય બની ગયું હોત. એક વ્યક્તિએ કરેલી ભૂલે નાગપુર શહેરને ખૂબ જ નુકસાન કર્યું છે."

કોરોના વાઇરસ કેવી રીતે ફેલાયો અને કેટલો ફેલાયો?

જ્યારે શરૂઆતમાં કોરોના વાઇરસ ફેલાયો ત્યારે સતરંજીપુરાની વ્યક્તિએ વિગતોને ગુપ્ત રાખી હતી, જેના કારણે હાલ આ વિસ્તારમાં 120 કેસ છે.

મોમિનપુરામાં જ્યારે કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ત્યાં મૃત્યુ પામનાર વ્યક્તિએ પણ કોરોના વાઇરસની માહિતીને છુપાવી હતી. ત્યાં ધીમે ધીમે 200 જેટલાં કેસ મળ્યા હતા.

અને હવે એક યુવાને પાર્ટીનું આયોજન નાઇક તલાવ વિસ્તારમાં કર્યું જેના કારણે કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા તે વિસ્તારમાં 180એ પહોંચી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો