Fake News : પીઆઈબીનું ફૅક્ટ ચેક કે પત્રકારો પર દબાણ ઊભું કરવાની કવાયત?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

વર્ષ 2016માં વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના કાર્યાલય માટે મહત્ત્વપૂર્ણ સમાચારો અને ઘટનાઓ સંબંધિત 'ઍલર્ટ' મોકલવાનું કામ 'પ્રેસ ઇન્ફર્મેનશન બ્યૂરો' એટલે પીઆઈબીના પારંપરિક કામની સાથે જોડી દેવામાં આવ્યું હતું.

પછી એ કામ બંધ થઈ ગયું પરતું એક વખત ફરીથી ગત સપ્ટેમ્બર માસમાં સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી આ સંસ્થાને પોતાના પારંપરિક કામ સિવાય માહિતી અને સમાચારની સત્યત્તા એટલે 'ફૅક્ટ ચેક'નું કામ સોંપવામાં આવ્યું.

વિભાગના સૂત્રોનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું કે 'સોશિયલ મીડિયા' પર ભડકાઉ અને ખોટી માહિતીનો પ્રસાર વધી ગયો હતો જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં હિંસક બનાવો બન્યા હતા.

ગત કેટલાંક મહિનાઓમાં અથવા છેલ્લાં ત્રણ મહિનાઓમાં પીઆઈબીની ફૅક્ટ ચેક ટીમે અખબારો અથવા સમાચાર પોર્ટલના પત્રકારોએ કરેલાં ઇન્વેસ્ટિગેટિવ સમાચારોને 'ફેક ન્યૂઝ' કહીને રદ્દ કરી દીધા છે.

પીઆઈબીની આ પ્રવૃતિનો વિરોધ પણ થવા લાગ્યો. લોકોનું કહેવું હતું કે જે સમાચારોને માત્ર સોશિયલ મીડિયા પર પોતાના હૅન્ડલથી 'ફેક ન્યૂઝ' આપી રહ્યા છે, તેની કવાયત માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત કેમ છે.

પીઆઈબીના એક અધિકારીનું કહેવું છે કે તેમનું કામ માત્ર સમાચાર અથવા છપાયેલા સમાચારની સત્યતા ચકાસવાનું નથી પરંતુ સોશિયલ મીડિયા પર ફોર્વર્ડ કરવામાં આવી રહેલાં વીડિયો અથવા સંદેશોની સત્યતા ચકાસવાનું પણ કામ તેમનું છે, જેથી ખોટા સમાચાર સામે લડી શકાય અને અફવાઓને રોકી શકાય.

પીઆઈબીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે, "જો તમે કોઈ સમાચારની સત્યતા તપાસવા ઇચ્છતા હોવ છો? અમને આપો અને અમે તેની સત્યતા ચકાસીશું, કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછયા વિના."

પીઆઈબીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અપીલને મૂકવામાં આવી છે. તે પછી ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક.

સવાલ માપદંડોનો

પરંતુ કોરોના વાઇરસ ફેલાવાના કારણે ઇમરજન્સી અને મહામારી કાયદાને લગાવી દેવામાં આવ્યો, પીઆઈબીએ શરૂઆતમાં આ મહામારી સંબંધિત જાણકારી આપવાની શરૂ કરી.

પરંતુ ધીમે-ધીમે સમાચાર પત્રો અને સમાચાર પ્રસારિત કરનાર વેબ પોર્ટલમાં છપાયેલાં સમાચારનું જ 'ફૅક્ટ ચેક' કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું તેમને ફેક એટલે અસત્ય ગણાવ્યા.

ફૅક્ટ ચેક કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ પીઆઈબીએ સ્પષ્ટ નથી કર્યું કે શું તે એ માપદંડોના માધ્યમથી 'ફૅક્ટ ચેક' કરી રહ્યા છે.

હવે ઉદાહરણ તરીકે સોમરિતા ઘોષની વાત કરીએ જેઓ એક અંગ્રેજી વર્તમાન પત્ર માટે કામ કરે છે. તેમણે દિલ્હીમાં આવેલી દેશની સૌથી પ્રતિષ્ઠિત ચિકિત્સા સંસ્થાન ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના સ્વાસ્થ્યકર્મીઓ અંગે એક સમાચાર લખ્યાં, જેમાં સ્વાસ્થ્યકર્મીઓએ કોરોનાથી વધારે સરકારની ઉદાસીનતા પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

પીઆઈબીએ તરત જ પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ સમાચારને 'ફૅક ન્યૂઝ' કહી દીધા. બીબીસી સાથે વાત કરતા સોમરિતા ઘોષ કહે છે કે 'ફૅક ન્યૂઝ' કહેવા માટે પીઆઈબીએ જે બિંદુઓનો હવાલો આપ્યો છે તે ખરેખર સમાચારમાં હતા જ નહીં.

તેમનું કહેવું હતું, "મેં પણ ટ્વિટર દ્વારા પીઆઈબીને જવાબ આપ્યો કે આ કોઈ પણ રીતે 'ફૅક્ટ ચેક' છે જ નહીં"

તેમના એ અહેવાલમાં તે અંદાજે એઇમ્સના 480 ડૉક્ટરો અને સ્વાસ્થયકર્મીઓનો ઉલ્લેખ હતો, જે કોરોના વાઇરસના કારણે પૉઝિટિવ આવ્યા હતા. રિપોર્ટમાં સ્થાનિક ડૉક્ટરોના ઍસોસિયેશનના એક પદાધિકારીના નિવેદનને છાપવામાં આવ્યું હતું જેમણે સપ્લાય કરાયેલાં માસ્કની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કર્યા હતા.

પીઆઈબીના આ પગલાંથી સત્તાપક્ષના ટ્વિટર પર જે ફૉલોઅર છે, તે આવા સમાચારને અસત્ય કહેવા લાગી જાય છે.

હેરાનગતિ પત્રકારોની

આ મહામારીના સંકટના સમયમાં સ્વાસ્થ્ય અને હૉસ્પિટલની બીટ કરી રહેલાં પત્રકારો સૌથી વધારે પરેશાન છે. તેમના માટે જાણકારી એકઠી કરવી ઘણું મુશ્કેલ કામ છે કારણ કે સરકારી તંત્રમાં કોઈ પણ બોલવા તૈયાર નથી.

કોરોના વાઇરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયનું પ્રેસ બ્રિફિંગ ક્યા દિવસે કરવામાં આવશે, કોઈને ખ્યાલ નથી. એવામાં રોજ સમાચાર કાઢવા મુશ્કેલ કામ બની જાય છે.

અશ્લિન મેથ્યૂ પણ અંગ્રેજી અખબારના સંવાદદાતા છે અને સામાન્ય રીતે સ્વાસ્થ્યના મુદ્દે કામ કરે છે. તે કહે છે કે આ મહામારી દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય અથવા તેનાથી સંબંધિત વિભાગોના કોઈ પણ અધિકારી વાત કરવા માગતા નથી.

એવામાં હૉસ્પિટલોના ચક્કર મારવા પડે છે અને પોતાના સૂત્રોની મદદથી સમાચાર લાવવા પડે છે જે ખૂબ મુશ્કેલ કામ છે.

તે કહે છે કે જાણકારી આપવાનું તો દૂર, પણ એ લોકો એવા પ્રકારના પ્રયત્નો કરે છે કે જાણકારી પત્રકારો સુધી ન પહોંચે.

ફૅક્ટ ચેક પોર્ટલ 'ઑલ્ટ ન્યૂઝ'ના સ્થાપકોમાંના એક પ્રતીક સિન્હા પીઆઈબી દ્વારા મહેનતથી લખાયેલા સમાચારોને સતત રદ્દ કરવાને લઈને 'ફૅક્ટ ચેક' કરી રહ્યા છે.

તેમણે બીબીસીને કહ્યું કે હાલમાં જ તેમના પોર્ટલે બિહારના મુઝફ્ફરપુર સ્ટેશન પર એક મહિલાનાં મૃત્યુ અંગે સમાચાર લખ્યા જેને 'ફેક ન્યૂઝ' કહીને રદ કરવામાં આવ્યા હતા.

મૃત્યુનું કારણ ભૂખ અથવા બિમારી

ઑલ્ટ ન્યૂઝે પીઆઈબીના આ કામનું ફૅક્ટ ચેક કર્યું અને મહિલાનાં સંબંધીઓ અને અન્ય પરિવારનાં સભ્યો સાથે વાતચીત કરી.

જેનાથી જાણવા મળ્યું કે મહિલા શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બેઠાં ત્યારે તેમને કોઈ બીમારી ન હતી. સમાચારો પ્રમાણે તેમનું મૃત્યુ ભૂખથી થયું હોવાનું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પીઆઈબીએ તેનું મૃત્યુ બીમારીને કારણે થયું હોવાનું કહ્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું, "પીઆઈબીના દાવાનો શું આધાર હોઈ શકે છે? પીઆઇબીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોઈ નથી. અમે તો મહિલાના તમામ પરિવારના સભ્યો સાથે વાત કરી. 'ફૅક્ટ ચેક' કરવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડ નક્કી છે. તમે માત્ર એ નથી કહી શકતા કે આ સમાચાર 'ફૅક ન્યૂઝ' છે. તમારે તમારી દલીલમાં પુરાવાઓ આપવા પડે છે. તપાસ કરવી પડે છે અને એ તમામ વસ્તુઓને સામે મૂકીને તમે કહી શકો છો કે આ રહ્યા પુરાવા અને આ પુરાવાના આધારે એ સમાચાર 'ફૅક ન્યૂઝ' છે. પીઆઈબી જે કરી રહી છે તે માત્ર પત્રકારોને પરેશાન કરનારી વાત છે. તે ફેક ન્યૂઝ કહી દે છે અને સમાચાર લખનાર પત્રકારે સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રોલિંગનો ભોગ બનવું પડે છે. એક પ્રકારે આ પત્રકારોને ડરાવવાની વાત છે."

એક ન્યૂઝ પોર્ટલ ધ વાયરના પત્રકાર રોહિણી સિંહે ગુજરાતના જે વૅન્ટિલેટર પર સમાચાર કર્યા, તેમાં કહેવામાં આવ્યું કે મહામારી સામે લડવા માટે ગુજરાત સરકારે જે વૅન્ટિલેટર ખરીદ્યા છે, તે કામ નથી કરી રહ્યા અને તેની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

પીઆઈબીની ફૅક્ટ ચેક ટીમે આ સમાચારને તરત જ ફેક ન્યૂઝ કહી દીધા. પીઆઈબીનું કહેવું હતું કે કોઈ સંસ્થાએ વૅન્ટિલેટરને દાનમાં આપ્યા હતા, ના કે સરકારે ખરીદ્યા હતા.

રોહિણી સિંહનો દાવો છે કે ગુજરાત સરકારના સ્વાસ્થ્ય સચિવે તેમને જાણકારી આપી હતી કે વૅન્ટિલેટર્સની ખરીદારી ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એચએલએલ લાઇફ કેર નામની કંપની પાસેથી કરવામાં આવી હતી.

પીઆઈબીના દાવા પછી રોહિણી પોતાના રિપોર્ટ પર ટકી રહ્યા અને તેમણે પીઆઈબીના સોશિયલ મીડિયા પર જવાબ પણ આપ્યો. તેમનું કહેવું હતું કે જો રિપોર્ટ ખોટો છે તો સરકારી વિભાગે કાયદાકીય નોટિસ મોકલાવવી જોઈતી હતી.

આવા અનેક કેસ

એ જ પ્રકારે એક પત્રિકાના વિદ્યા કૃષ્ણનનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાને લૉકડાઉનને વધારતા પહેલાં કોવિડ-19 સામે લડવા માટે બનાવેલી 21 સભ્યોની ટાસ્ક ફોર્સ પાસેથી કોઈ સલાહ લેવામાં આવી નથી.

પીઆઈબીની ફૅક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પર તરત જ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે સમાચાર ફેક એટલે અસત્ય છે કારણ કે વડા પ્રધાને ટાસ્ક ફોર્સની સલાહથી લૉકડાઉનને વધાર્યું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ એટલે આઈસીએમઆરે પણ ટ્વિટરનો સહારો લેતા લખ્યું, "એક મીડિયા અહેવાલમાં ટાસ્ક ફોર્સને લઈને ખોટો દાવો કરવામાં આવ્યો છે. હકીકત એ છે કે ટાસ્ક ફોર્સે એક મહિનામાં કુલ 14 બેઠકો કરી છે અને જે પણ નિર્ણયો કર્યા છે, તેમાં ટાસ્ક ફોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહેરબાની કરીને ખોટા નિવેદનોથી બચજો."

વિદ્યા કૃષ્ણનના કહેવા પ્રમાણે આઈસીએમઆએ એ બેઠકોની મિટિંગ મિનિટ આપવાની માગ કરી. તેમણે સમાચાર લખનારી પહેલી સંસ્થાને પણ મેઇલ કર્યો. જ્યારે આઈસીએમઆરે ટ્વિટર પર સમાચારનું ખંડન કર્યું તો વિદ્યા કૃષ્ણનને પણ ટ્વિટર પર પોતાની વાત મૂકી.

એવું નથી કે દરેક કેસમાં પીઆઈબીની છબિ નકારાત્મક રહી હોય. ઉદ્દાહરણ તરીકે, વ્હૉટ્સૅપ પર એક મૅસેજને ઘણો શેર કરવામાં આવી રહ્યો હતો.

જેમાં સરકારના શ્રમ મંત્રાલયનો હવાલો આપીને કહેવામાં આવ્યું હતું કે જે પણ મજૂરો વર્ષ 1990 થી 2020 સુધી કામ કરી રહ્યા છે, તેમને એક લાખ વીસ હજાર રૂપિયા સરકાર આપે.

આ બાબતમાં પણ પીઆઈબીની ફૅક્ટ ચેક ટીમ હરકતમાં આવી અને આ પહેલાં લોકો ખોટી માહિતીની ઝપેટમાં આવે, તેણે સમાચારને ફેક ન્યૂઝ કહીને રદ કર્યા.

જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને લદ્દાખનું એક સરકારી જેવું દેખાતું ટ્વિટર હૅન્ડલ બનાવવામાં આવ્યું હતું. પીઆઈબીએ તેને ખારિજ કરીને કહ્યું કે આવું કોઈ સરકારી હૅન્ડલ નથી બન્યું.

કેટલાંક પ્રશ્નો

આ બાબતમાં અમે કેટલાંક પ્રશ્નો પીઆઈબીના ડિરેક્ટર જનરલ અને ડિરેક્ટરને મેઇલ કરીને મોકલ્યા જે આ પ્રકારે છે -

કેમ પીઆઈબીને એવી જરૂર પડી કે તે અખબારો અને સમાચારોનું ફૅક્ટ ચેક કરી રહ્યું છે?

પત્રકારો દ્વારા પુરાવા એકઠા કરીને કરવામાં આવેલાં સમાચારને પીઆઈબી કેમ ફેક ન્યૂઝ કહીને રદ જાહેર કરે છે?

કોઈપણ સમાચારનું ફૅક્ટ ચેક કરવાનો માપદંડ ક્યો છે અને કાર્યપદ્ધતિ શું છે?

સરકારી સંસ્થા હોવા છતાં કાયદાકીય કાર્યવાહીની જગ્યાએ સોશિયલ મીડિય પર સમાચારને કેમ ફેક ન્યૂઝ કહેવામાં આવી રહ્યા છે?

શું ફેક ન્યૂઝના સંદર્ભે કોઈની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે?

પીઆઈબીના ડિરેક્ટર જનરલ સ્વસ્થ નથી, એટલે અમે તેમના વિભાગના બીજા અધિકૃત અધિકારીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. જેવો જવાબ આવશે એવો તરત અમે અમારી આ કૉપીમાં અપડેટ કરીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો