'પાકિસ્તાનની નિર્ભયા'ના પિતાની નજર સામે હત્યારાને ફાંસી

પાકિસ્તાનના લાહોર ખાતેની જેલમાં છ વર્ષની બાળકી ઝૈનબ અંસારી સાથે રેપના ગુનેગાર ઇમરાન અલીને ફાંસીએ લટકાવી દેવાયો હતો.

ચાલુ વર્ષે ચોથી જાન્યુઆરીના દિવસે ઝૈનબ અંસારી કસૂર કુરાનના ક્લાસ માટે જઈ રહી હતી, ત્યારે ગુમ થઈ ગઈ હતી. થોડા દિવસો બાદ કચરાના ઢગમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

'પાકિસ્તાનની નિર્ભયા' તરીકે ચર્ચિત બનેલી ઝૈનબનો હાથ પકડી તેને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો. તપાસ દરિયાન તે ઇમરાન અલી હોવાનું બહાર આવ્યું હતું.

ઇમરાન અલીને ફાંસી આપવામાં આવી ત્યારે સરકારી અને પોલીસ અધિકારીઓ ઉપરાંત મૃતક ઝૈનબનાં પિતા અને કાકાની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી.

ઇમરાન અલીનો પાર્થિવ દેહ સ્વીકારવા માટે તેનો ભાઈ અને બે મિત્ર પહોંચ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

'પાકિસ્તાનની નિર્ભયા મૉમેન્ટ'

ઝૈનબ અગાઉ અનેક બાળકીઓની હત્યા થઈ હતી, પરંતુ પોલીસ ગુનેગારને ઝડપી લેવામાં નિષ્ફળ રહી હતી. ઝૈનબની હત્યા બાદ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આથી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન અને પોલીસ સ્ટેશનને ઘેરાવ વગેરે જેવા કાર્યક્રમો આપ્યા હતા.

વિરોધ પ્રદર્શનોમાં બે નાગરિકોના મૃત્યુ થયાં હતાં તથા અન્ય કેટલાક ઘાયલ થયા હતા.

પાકિસ્તાનમાં આ ઘટનાની સરખામણી દિલ્હીની નિર્ભયા સાથે કરવામાં આવી હતી.

ડિસેમ્બર-2012માં દિલ્હીની યુવતી સાથે છ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

નિર્ભયા કેસના ચાર આરોપીઓની ફાંસીની સજા ઉપર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મહોર મરી દીધી છે, પરંતુ હજુ સુધી તેમને ફાંસીએ નથી લટકાવાયા.

એક આરોપીએ સુનાવણી દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે અન્ય એક સગીર આરોપીને ત્રણ વર્ષની સજા બાદ છોડી મૂકાયો હતો.

ભારતમાં એ ઘટના બાદ દુષ્કર્મને લગતી કાયદાકીય જોગવાઈઓ વધુ કડક કરવામાં આવી.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બાળકીઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજા જોગવાઈ કરવામાં આવી છે.

આવી રીતે પકડાયો ઇમરાન

ઇસ્લામાબાદ ખાતે બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીના કહેવા પ્રમાણે, ઇમરાન કસૂર શહેરમાં જ રહેતો હતો.

ગુનેગારને ઝડપી લેવા માટે પંજાબ સરકારની પોલીસ, ગુપ્તચરતંત્ર, તથા અન્ય તપાસનીશ એજન્સીઓને પણ કામે લગાડવામાં આવી હતી.

જે મુજબ ઝૈનબના ઘરની આજુબાજુના અઢી કિલોમીરના વિસ્તારમાં રહેતા 20થી 45 વર્ષના અંદાજિત 1150 પુરુષોના ડીએનએની તપાસ કરવામાં આવી હતી.

ઇમરાનના ડીએનએ માત્ર ઝૈનબ જ નહીં, પરંતુ ગત કેટલાક સમય દરમિયાન કસૂરમાં થયેલા બાળ યૌન શોષણના કિસ્સામાં મળેલા ડીએનએ સાથે પણ મેચ થયા હતા.

આ કિસ્સામાં બાળકીઓ સાથે કુકર્મ કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

અલીની સામે અપહરણ, બળાત્કાર, હત્યા, સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય અને આતંકવાદની કલમો લગાડવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો