ઉત્તર કોરિયામાં ઘૂસી ગયેલ 'જેમ્સ બૉન્ડ'ની કથા

આ કથા એવા જેમ્સ બૉન્ડની છે, જેણે સૌથી પહેલાં શોધી કાઢ્યું હતું કે ઉત્તર કોરિયાએ બે અણુબૉમ્બ બનાવી લીધા છે.
દક્ષિણ કોરિયાની સેનાના ઑફિસર અને જાસૂસીમાં કુશળ પાર્ક ચેઈ સિયોએ 1992માં જ આ અણુશસ્ત્રોની માહિતી મેળવી લીધી હતી.
જોકે તે નાના અણુ બૉમ્બ હતા અને તે વખતે પાર્ક ચેઈ સિયોએ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએની સાથે મળીને આ કામ કર્યું હતું.
દક્ષિણ કોરિયાની સેનાએ પોતાના પડોશી દેશની અણુક્ષમતા કેટલી છે તે જાણવા માટે આ જાસૂસી મિશન આદર્યું હતું.
પાર્ક ચેઈ સિયો અને બીજા જાસૂસો 1990થી જ આ મિશનમાં લાગી ગયા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
તેના એક વર્ષ પહેલાં જ ઉત્તર કોરિયાના યોંગબ્યૉન કૉમ્પ્લેક્સના અણુ રિએક્ટરની સેટેલાઇટ તસવીર મળી હતી.
પાર્કે આ માટે ન્યુક્લિયર ઍનર્જી પ્રોફસરનો સંપર્ક કર્યો હતો. ઉત્તર કોરિયાના અણુ કાર્યક્રમની માહિતી આપવા માટે તેમણે પ્રોફેસરને મનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે ઉત્તર કોરિયાના અણુશસ્ત્રોની માહિતી મેળવવામાં પાર્કને સફળતા મળી હતી. તેના કારણે દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થા નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસમાં પાર્કની પ્રતિષ્ઠા જામી ગઈ હતી.

મિશનનો ઉદ્દેશ

ઇમેજ સ્રોત, KIM DANG
ઉત્તર કોરિયામાં ઘૂસીને જાસૂસી કરવા માટે 1995માં પાર્ક ચેઈ સિયોને જવાબદારી સોંપવામાં આવી હતી.
પાર્ક ચીનની રાજધાની બિજિંગ પહોંચ્યા અને ત્યાં પોતાને મિલિટરી કમાન્ડરમાંથી બિઝનેસમેન બનેલા માણસ તરીકે પ્રસ્થાપિત કર્યા.
બીસીસીને હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પાર્કે કહ્યું હતું, "આ મિશનનો હેતુ દુશ્મનના દિલમાં સ્થાન મેળવવાનો હતો."
"દક્ષિણ કોરિયાનો કોઈ જાસૂસ જ્યાં સુધી કદી નહોતા પહોંચ્યા, હું ત્યાં સુધી હું પહોંચી ગયો હતો. હું કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ-ઇલને પણ મળ્યો હતો."
ઉત્તર કોરિયામાં દાખલ થતી વખતે કેવી લાગણી થઈ હતી? જવાબમાં પાર્ક કહે છે, "તમે જ્યારે પણ ઉત્તર કોરિયામાં પ્રવેશો ત્યારે તમારે બધું દાવ પર લગાવી દેવું પડે."
"ગમે ત્યારે તમે પકડાઈ શકો છો અને એવું થાય એટલે તમારું ગળું જ કાપી નાખવામાં આવશે"
પાર્ક પર ફિલ્મ પણ બની છે, 'ધ સ્પાઇ ગોન નૉર્થ', જે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મે મહિનામાં રજૂ થઈ ત્યારે વખણાઈ હતી અને ઑગસ્ટમાં દક્ષિણ કોરિયામાં રિલીઝ થઈ છે.

આઝાદીની ગૅરંટી

ઇમેજ સ્રોત, KIM DANG
'ધ સ્પાઇ ગોન નૉર્થ'નું પ્રિમિયર યોજાયું ત્યારે ઉત્તર કોરિયાના અણુશસ્ત્રોનો મામલો ગરમી પકડી રહ્યો હતો.
જૂનમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન સિંગોપોરમાં મળવાના હતા.
તે મુલાકાતમાં કિમે ઉત્તર કોરિયાના અણુ કાર્યક્રમને બંધ કરવાની વાત કરી હતી.
જોકે પાર્ક ચેઈ સિયો કહે છે, "ઉત્તર કોરિયા વિશે કોઈ માહિતી મેળવવી હોય તો ત્યાં આવવા જવાની છૂટ હોવી જોઈએ."
"સૌથી પહેલાં તો ઉત્તર કોરિયા પાસે મુક્ત રીતે અવરજવરની મંજૂરીની ગૅરંટી માગવી જોઈએ."
પાર્કે કહ્યું કે તેમણે ખુદને બહુ મહત્વના માણસ સાબિત કરવા પડ્યા હતા, જેથી ઉત્તર કોરિયાના સરકારી અમલદારો તેમને મળવાની ઇચ્છા રાખે.
દક્ષિણ કોરિયાના તે વખતના પ્રમુખ કિમ યોંગ સામના નીકટના માણસોએ આ માટે તેમની મદદ કરી હતી.
પાર્ક તેમના આધારે ઉત્તર કોરિયાના સત્તાવર્તુળોમાં મહત્વના મનાતા જોંગ સેયોંગ થાએક સુધી પહોંચી શક્યા હતા.
થાએક કિમ જોંગ-ઉનના મામા થતા હતા. 2013માં કિમે થાએકની હત્યા કરાવી નાખી.

વિશ્વાસ જીતવા માટે મથામણ

ઇમેજ સ્રોત, KIM DANG
પાર્ક કહે છે કે કિમ જોંગ-ઇલ સિવાય ઉત્તર કોરિયાના ઘણા ઉચ્ચ અધિકારીઓમાંથી તેઓ થાએકને મળી શક્યા હતા. તેઓ બંને ઘણી વાર બિજિંગની મુલાકાતે આવતા હતા.
જોકે કોઈની સાથે મુલાકાત કરવી એક વાત છે, અને તેમનો ભરોસો જીતી લેવો જુદી જ વાત છે.
"ઉત્તર કોરિયા કોઈ વ્યક્તિ સાથે કામ કરવાનું નક્કી કરે, ત્યારે તે વ્યક્તિએ સૌ પ્રથમ તો આ સામ્યવાદી દેશને વફાદારીના શપથ લેવા પડે છે."
"એક દસ્તાવેજ પર તમારી સહી લઈ લેવામાં આવે છે. જોકે, મેં તેના માટે મનાઈ કરી હતી અને કહ્યું હતું કે મને તે માટે મજબૂર ના કરો."
"મેં તેમને કહ્યું કે હું તો અહીં માત્ર બિઝનેસ કરવા માટે આવ્યો છે. તેમણે મારી સામે બંદૂક તાકી દીધી હતી, પણ મેં જોખમ લીધું અને તેની સામે ચીલ્લાઇને વાત કરવા લાગ્યો હતો."
'ધ સ્પાઇ ગોન નૉર્થ' ફિલ્મના એક મહત્વના દૃશ્યમાં કિમ જોંગ-ઇલ સાથેની પાર્કની મુલાકાત બતાવવામાં આવી છે. ફિલ્મમાં કિમ પોતાના પાળેલા શ્વાન સાથે ગેસ્ટ રૂમ તરફ આગળ વધી રહેલા દેખાડાયા છે.
પાર્ક કહે છે કે પૂરતી તપાસ પછી જ મને કિમ જોંગ-ઇલ પાસે લઇ જવામાં આવ્યો હતો.

કિમ જોંગ-ઇલ સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, KIM DANG
કિમ જોંગ-ઇલ સાથે મુલાકાત દરમિયાન પાર્ક ચેઈ સિયોએ કહ્યું કે પોતે દક્ષિણ કોરિયાની એક ઍડવર્ટાઇઝિંગ કંપનીના ઑફિસર છે. આ કંપની બંને દેશો માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી.
તેમની કંપનીનો ઍડવર્ટાઇઝિંગનો કૉન્સેપ્ટ શું છે અને તે સમજાવવા માટે અને આ પ્રોજેક્ટ માટે તેમને રાજી કરી લેવા માટે જ ઉત્તર કોરિયાના અધિકારીઓ તેમને કિમ જોંગ-ઇલને મળવા માટે લાવ્યા હતા.
પાર્ક યાદ કરતા કહે છે, "મૂડીવાદમાં ઍડવર્ટાઇઝિંગને ઘરેણું માનવામાં આવે છે, પણ એક સામ્યવાદી દેશને પબ્લિસિટીનો આઇડિયા કેવી રીતે વેચવો તે મુશ્કેલ કામ હતું."
"મારે ઍડવર્ટાઇઝિંગ કેમ્પેઇન આગળ વધારતા પહેલાં છેક કિમ જોંગ-ઇલ જેટલા ઉચ્ચ સ્તરેથી જ મંજૂરી લેવી પડે તેમ હતી."
પાર્કે કહે છે કે કિમ જોંગ-ઇલ બહુ સૌમ્ય અને સરળ વ્યક્તિ હતા.
"તેઓ મક્કમ ઇરાદો ધરાવતી વ્યક્તિ હતા અને નિર્ણયો હિંમતથી લઈ શકતા હતા. તેઓ કોઈ વાત રિપીટ પણ નહોતા કરતા. ગોળગોળ વાતો કરવાના બદલે તેઓ સીધી સટ જ વાત કરતા હતા."
તે વખતે જ કશુંક એવું તેમને જાણવા મળ્યું, જે તેમની અપેક્ષાથી વિપરીત હતું.
પાર્ક યાદ કરતા કહે છે કે તે મુલાકાતમાં જ તેમને ખબર પડી કે 1997માં દક્ષિણ કોરિયામાં ચૂંટણી થઈ તેમાં પ્રમુખ તરીકે કિમ ડાઇ-જંગ જીતીને ના આવે તેવી ઇચ્છા કિમ જોંગ-ઇલની હતી.
તેમની ઇચ્છા વિરુદ્ધ કિમ ડાઇ-જંગ ચૂંટણી જીતી ગયા. તેમણે જ 2000ની સાલમાં ઉત્તર કોરિયા સાથે શિખર પરિષદનું આયોજન કર્યું હતું અને ઉત્તર અને દક્ષિણ બંને કોરિયા ફરી એક થઈ જાય તે માટે નવસેરથી પ્રયાસો કર્યા હતા.
બન્ને દેશો જુદા પડ્યા પછી પ્રથમવાર બંને દેશના નેતાઓ આ શીખર પરિષદમાં એકબીજાને મળી રહ્યા હતા.
જોકે, ઉત્તર કોરિયાને ડર હતો કે ઉદાર નેતા તરીકે તેઓ બહુ લોકપ્રિય છે અને તેઓ એટલા ચાલાક અને અનુભવી છે કે તેમને સંભાળવા ઉત્તર કોરિયા માટે મુશ્કેલ બનશે.

ચૂંટણીમાં દરમિયાનગીરી

ઇમેજ સ્રોત, KIM DANG
પાર્કને દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીમાંથી પણ માહિતી મળી હતી કે જાસૂસી એજન્સી પોતે પણ ડાઇ-જંગ પ્રમુખ બને તેમ ઇચ્છતી નહોતી.
તેથી તેમને ઉત્તર કોરિયાના મામલામાં ફસાવી દેવાની કોશિશ થઈ હતી, કે જેથી તેમની ઉમેદવારી નબળી પડે.
એજન્સીએ ઉત્તર કોરિયાને બંને દેશો વચ્ચેના નોન મિલિટરી એરિયામાં સશસ્ત્ર વિરોધ કરવાનું કહ્યું હતું. આમ કરવામાં આવે તો ડાઇ-જંગ નબળા પડે અને તેમના હરિફ હોઇ-ચેંજ તરફ લોકમત વળે.
પાર્કે કહ્યું, "તે લોકો દુશ્મન દેશ સાથે ડીલ કરી રહ્યા હતા. પોતાના હિતો ખાતર લોકોની ઇચ્છા વિરુદ્ધ કામ કરી રહ્યા હતા, જે ખોટું હતું."
પાર્કને લાગ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. તેમણે ડાઇ-જંગની ટીમને ચૂંટણીમાં દખલગીરીની બાબતમાં ચેતવણી આપી હતી.
આ તરફ તેમણે ઉત્તર કોરિયાના અધિકારીઓને પણ મનાવવાની કોશિશ કરી કે નૉનમિલિટરી ઝોનમાં વિરોધ ના કરે.
આખરે કિમ ડાઇ-જંગ જ ચૂંટણી જીત્યા અને બંને દેશો વચ્ચે સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થયો હતો.

ઇમેજ સ્રોત, KIM DANG
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ડાઇ-જંગ ચૂંટણી જીતી ગયા તે પછી કિમ જોંગ-ઇલે એવા વરિષ્ઠ અધિકારીઓને મરાવી દીધા, જેમણે કહ્યું હતું કે વાટાઘાટો થવી જોઈએ તથા ખાતરી આપી હતી કે ચૂંટણીમાં દખલીગીરી સફળ થશે.
તો પછી આ ખાનગી જાસૂસ કેમ બહાર આવ્યા? શું આ રીતે ખાનગી મિશનને જાહેર કરી શકાય ખરું?
પાર્ક કિમ જોંગ-ઇલને મળ્યા તેના એક વર્ષ પછી અને કિમ ડાઇ-જંગ પ્રમુખ બની ગયા તે પછી દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીએ ઇરાદાપૂર્વક એક દસ્તાવેજ લીક કરી દીધો હતો.
તેમાં એવું કહેવાયું હતું કે ચૂંટણી પહેલા પાર્ક જોંગ-ઇલને મળ્યા હતા.
કિમ ડાઇ-જંગની સરકારને ચેતવવા માટે અને આ મુદ્દે બહુ ખણખોદ ના કરવામાં આવે તે માટે આવી માહિતી લીક કરાઈ હતી.
ફાઇલમાં કિમ ડાઇ-જંગની ટીમના મહત્વના લોકો વિશેની વધારાની જાણકારી પણ હતી. આ લોકો ઉત્તર કોરિયાના અધિકારીઓની સાથે મળેલા હતા તેવી જાણકારી આપવામાં આવી હતી.

દેશના દુશ્મન

ઇમેજ સ્રોત, KIM DANG
ફાઇલમાં 'વીનસ નેગરા' વિશે પણ માહિતી અપાઈ હતી, જે હકીકતમાં પાર્કનું કોડ નામ હતું.
પાર્ક હવે જાસૂસ તરીકે કામ કરી શકે તેમ નહોતા, તેથી તેમને જતાં કરવામાં આવ્યા હતા. તેઓ બિજીંગ જતા રહ્યા અને 2010 સુધી પોતાના પરિવાર સાથે સામાન્ય જીવન વીતાવી રહ્યા હતા.
તે જ વર્ષે જાસૂસી એજન્સીમાંથી નીકળી ગયા બાદ 'વીનસ નેગરા' પર આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે દક્ષિણ કોરિયાની સેનાની માહિતી ઉત્તર કોરિયાને આપી હતી.
આ આરોપો બદલ તેમને છ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.
પાર્કે કહ્યું કે તેમણે માહિતી આપી હતી ખરી, પણ તે માહિતી સેના વિશેની નહોતી. તેમણે કહ્યું કે પોતાના પર ફરી કામ ચલાવવાની તૈયારીઓ થઈ રહી છે.
બાદમાં અદાલતનો ચુકાદો આવ્યો કે પાર્ક ડબલ એજન્ટ હતા.
આ વિશે તેમને સવાલ કરાયો, ત્યારે પાર્કે જવાબમાં કહ્યું કે "જાસૂસીની દુનિયામાં ડબલ એજન્ટ હોવું બહુ ખરાબ વાત છે. તેનો અર્થ એ થયો કે તમારા પગ બંને તરફ છે અને એક-બીજાને ખાનગી માહિતી વેચી રહ્યા છો. મેં ક્યારેય એવું કર્યું નહોતું."
પાર્કે કહ્યું કે પોતાના દેશ સામે તેમને કોઈ ફરિયાદ નથી.
"મને મારો દેશ જોઈએ છે. મેં બહુ મહેનત કરી હતી. એક સમય એવો પણ હતો કે મારો દેશ મને ઘણું બધુ આપી રહ્યો હતો. મને કોઈ પસ્તાવો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














