પ્રેમકહાણીનો કરુણ અંજામ : ગર્ભવતી પત્ની સામે જ પતિની થઈ ઘાતકી હત્યા

ઇમેજ સ્રોત, AMRUTHA.PRANAY.3/FACEBOOK
તેલંગણાના નાલગોંડા જિલ્લામાં ઘટેલી ઑનર કિલિંગની ઘટનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. નાલગોંડાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એ.વી.રંગનાથે પત્રકાર પરિષદમાં સંબંધિત વાત જણાવી છે.
નાલગોંડા જિલ્લાના મિરયાલાગુડા શહેરમાં એક હૉસ્પિટલની બહાર 24 વર્ષીય પેરુમાલ્લા પ્રણયની તેમની ગર્ભવતી પત્ની અમૃતા સામે કરપીણ હત્યા કરી દેવાઈ હતી.
પોલીસે એવું પણ જણાવ્યું કે હત્યા સાથે સંડોવાયેલા બે આરોપી અસગર અલી અને મોહમ્મદ બારીના નામ ગુજરાતના પૂર્વ નાયબ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના કેસમાં પણ સામે આવ્યાં હતાં.
જોકે, કોર્ટમાં તેમના આરોપ સાબિત કરી શકાયા નહોતા.
ગત સપ્તાહે જ્યારે આ દંપતી હૉસ્પિટલમાંથી બહાર આવી રહ્યું હતું ત્યારે એક શખ્સે એકાએક પ્રણયની ગરદન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. જેને લીધે પ્રણયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પ્રણય અને અમૃતાએ આ વર્ષે 31મી જાન્યુઆરીના રોજ લવ-મૅરેજ કર્યાં હતાં. જેથી તેમના પરિવારો નારાજ હતા.
જોકે, બાદમાં પ્રણયના પરિવારે બન્નેને સ્વીકારી લીધાં હતાં પરંતુ અમૃતાનો પરિવાર નારાજ હતો.
આંતરજ્ઞાતિય લગ્ન આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે પ્રણયની હત્યા કરવા માટે અમૃતાના પિતા મારુતિ રાવે 1 કરોડ રૂપિયાની સુપારી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમૃતાના પિતાએ હત્યા કરાવી?

ઇમેજ સ્રોત, AMRUTHA.PRANAY.3/FACEBOOK
પ્રણય દલિત છે અને અમૃતા વૈશ્ય સમુદાયની છે. અમૃતાના પિતા મારુતિ રાવ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે.
આ મામલે પોલીસે મારુતિ રાવ અને તેમના ભાઈની પણ ધરપકડ કરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પ્રણય દસમાં ધોરણમાં અને અમૃતા નવમાં ધોરણમાં હતા ત્યારે બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. બન્નેએ બી.ટેકનો અભ્યાસ કર્યો હતો.
બાદમાં જ્યારે બન્નેએ પોતાના પરિવારોને એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વિશે જાણ કરી ત્યારે અમૃતાના પિતા મારુતિ રાવે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

પિતા દીકરીને પરત બોલાવાની કોશિશ કરતા રહ્યા

ઇમેજ સ્રોત, AMRUTHA.PRANAY.3/FACEBOOK
આથી બન્નેએ હૈદરાબાદ જઈને આર્ય સમાજની વિધિથી લગ્ન કરી લીધાં હતાં. તેઓ પરત આવીને પ્રણયના ઘરે જ રહેવા લાગ્યાં હતાં.
મારુતિ રાવે અમૃતાને પરત બોલાવવા ઘણી કોશિશ કરી પરંતુ અમૃતા માની નહીં અને પિતાને ઘરે પરત જવાનો ઇન્કાર કરી દીધો હતો.
પ્રણયના પિતા બાલા સ્વામીએ બીબીસીને જણાવ્યું કે લગ્નના બે મહિના પછીથી જ તેઓ પ્રણયની હત્યા કરવા માંગતા હતા. પ્રણય પણ આ કારણે ચિંતામાં હતો.
દરમિયાન આ પરિસ્થિતિમાં અમૃતા ગર્ભવતી થઈ. શુક્રવારે પ્રણય અને તેમની માતા અમૃતાને લઈને મિરયાલાગુડાના ખાનગી હૉસ્પિટલમાં ચેક-અપ માટે ગયાં હતાં.

હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ

ઇમેજ સ્રોત, UGC
તેઓ બપોરે 12 વાગ્યે અંદર ગયાં હતાં અને 1.30 વાગ્યે તેઓ બહાર આવી રહ્યાં હતાં.
ત્યારે એક વ્યક્તિએ તેમનો પીછો કર્યો અને ગણતરીની સેકન્ડમાં પ્રણયની ગરદન પર હથિયારથી બે વખત હુમલો કરી દીધો.
પ્રણયનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
હુમલાખોર વ્યક્તિ હથિયાર ત્યાં જ ફેંકીને ભાગી છુટ્યો. આ તમામ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.
પોલીસે બીબીસીને જણાવ્યું, "લગ્નના કેટલાક દિવસો બાદ બન્નેએ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ)ને મળીને સુરક્ષાની માંગણી કરી હતી. કેમ કે તેમને અમૃતાના પિતાથી જોખમ હોવાનું લાગી રહ્યું હતું."
"જ્યારે એસપીએ મારુતિ રાવને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ કંઈ નહીં કરે."
પોલીસે વધુમાં ઉમેર્યું, "આ હત્યા નાણાં આપીને બીજા પાસે કરાવવામાં આવી છે."

'મેં બન્નેને શહેરથી દૂર જઈને રહેવા માટે કહ્યું હતું'

ઇમેજ સ્રોત, NALGONDA POLICE/FB
પ્રણયના પિતાએ બીબીસીને જણાવ્યું, "મારુતિ રાવ કરોડપતિ છે. મને શંકા હતી કે તેઓ પૈસાના દમ પર જરૂર કંઈક કરશે."
"આથી મેં મારા દીકરા અને વહુને દૂર જતાં રહેવા માટે કહ્યું હતું."
"જોકે, વહુએ ઇન્કાર કર્યો અને કહ્યું કે તે પિતાને મનાવી લેશે. બન્નેએ કહ્યું કે તેઓ કંઈક કામ કરી લેશે."
તેમણે કહ્યું, "અમૃતાની કેટલાક સમયથી માતાપિતા સાથે વાતચીત થઈ રહી હતી."
"તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ હવે બદલાઈ ગયાં છે પરંતુ તેમણે મારા પુત્રની હત્યા કરાવી દીધી."

1 કરોડની સુપોરી

ઇમેજ સ્રોત, AMRUTHA.PRANAY.3/FACEBOOK
પોલીસના જણાવ્યા અનુસાર પ્રણયની હત્યા માટે 1 કરોડ રૂપિયાની સુપારી અપાઈ હતી. આ માટે બિહારના સુભાષ શર્મા નામના શખ્સને રોકવામાં આવ્યો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર મોહમ્મદ બારીએ શર્મા અને રાવ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવી હતી.
આ મામલે જે સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમનાં નામ આ પ્રમાણે છે : થિરુનગરી મારુતિ રાવ(અમૃતાના પિતા), થિરુનગરી શ્રવણ (અમૃતાના કાકા), સુભાષ શર્મા(જેણે કથિત હત્યા કરી), મોહમ્મદ બારી(વચેટિયાની કથિત ભૂમિકા ભજવી), અસગર અલી(કથિત ષડયંત્ર ઘડ્યું), અબ્દુલ કરીમ(વચેટિયાની કથિત ભૂમિકા) અને શિવાગુડુ(ડ્રાઇવર)
આ દરમિયાન હત્યાને મામલે દલિત સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને પ્રદર્શનો પણ યોજ્યા છે.
દલિત સંગઠનોએ મિરયાલાગુડામાં શનિવારે આ હત્યાના વિરોધમાં બંધ પાળ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















