વોન્ટેડ પાકિસ્તાનીઓ માટે USએ જાહેર કર્યું રૂ. 70 કરોડનું ઇનામ

    • લેેખક, ઇરમ અબ્બાસી
    • પદ, બીબીસી સંવાદદાતા, વોશિંગટન

અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીના નેતા મૌલાના ફઝુલ્લાહ પર 50 લાખ ડોલર એટલે કે આશરે 32 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું છે કે, ફઝુલ્લાહ સિવાય અબ્દુલ વલી અને મંગલ બાઘ વિશે જાણકારી આપનારને 30-30 લાખ અમેરિકી ડોલર એટલે કે 19-19 કરોડ રૂપિયાથી વધારે ઇનામ આપવામાં આવશે.

અમેરિકી વિદેશ વિભાગે ન્યાય માટે ઇનામ (RFJ) કાર્યક્રમ અંતર્ગત આ ઇનામોની ઘોષણા કરી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઘોષણા અનુસાર, આ ઉગ્રવાદીઓ વિશે જાણકારી આપવા તેમજ તેમના સરનામું જણાવવાનારને આ રકમ આપવામાં આવશે.

અમેરિકા તરફથી આ ઘોષણા એવા સમયે કરવામાં આવી, ત્યારે પાકિસ્તાનના ઉચ્ચ રાજનેતા અને વિદેશ સચિવ તહમીના જંજુઆ બે દિવસીય યાત્રા પર વોશિંગટનમાં હતા.

હાલ જ અમેરિકા અને તેના સહયોગી દેશ પેરિસમાં યોજાયેલા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ઉગ્રવાદી સંગઠનને આર્થિક મદદ આપનારા દેશોની યાદીમાં સામેલ કરવામાં સફળ રહ્યા હતા.

આ નિર્ણય બાદ જંજુઆ અમેરિકા પહોંચનાર પાકિસ્તાનના પહેલાં વરિષ્ઠ રાજનેતા છે.

તો આખરે કોણ છે આ ઉગ્રવાદીઓ જેમની વિરુદ્ધ ટ્રમ્પ સરકારે આટલી મોટી રકમનું એલાન કર્યું છે?

મૌલાના ફઝુલ્લાહને વર્ષ 2013માં તહરીક એ તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા.

ફઝુલ્લાહને 16 ડિસેમ્બર 2014ના રોજ પેશાવરની આર્મી સ્કૂલમાં હુમલાના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

આ હુમલામાં 131 વિદ્યાર્થિઓ સહિત 151 લોકોનાં મૃત્યુ થયા હતા.

આ સિવાય ફઝુલ્લાહને જૂન 2012માં 17 પાકિસ્તાની સૈનિકોનાં માથા વાઢી નાખવા તેમજ નોબલ પુરસ્કાર વિજેતા મલાલા પર હુમલાના જવાબદાર પણ માનવામાં આવે છે.

અમેરિકી સરકારે આ પાકિસ્તાની ઉગ્રપંથી પર 50 લાખ ડોલરનું ઇનામ રાખ્યું છે.

ભારતીય મુદ્રામાં આ રકમ આશરે 32 કરોડ રૂપિયા જેટલી થાય છે.

અબ્દુલ વલી

અબ્દુલ વલી ઉગ્રવાદી સંગઠન જમાત ઉલ અહરાર (જેયુએ)ના પ્રમુખ છે.

જેયુએ તહરીક એ તાલિબાન પાકિસ્તાનથી અલગ થયેલું ઉગ્રવાદી સંગઠન છે.

જેયુએ પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં સક્રિય છે. વલીએ પાકિસ્તાનમાં ઘણાં આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે.

માર્ચ 2016માં લાહોરમાં આત્મઘાતી હુમલા પાછળ પણ અબ્દુલ વલીનો જ હાથ માનવામાં આવે છે.

આ હુમલામાં 75 લોકોનાં મૃત્યુ થયા હતા અને 340 લોકો ઘાયલ થયા હતા.

જેયુએના મૂળિયાં કથિત રૂપે પાકિસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં છે.

મંગલ બાઘ

અમેરિકાએ પોતાની ઇનામી યાદીમાં ઉગ્રવાદી સંગઠન 'લશ્કર એ ઇસ્લામ'ના પ્રમુખ મંગલ બાઘને પણ સામેલ કર્યા છે.

લશ્કર એ ઇસ્લામ પણ 'તહરીક એ તાલિબાન'થી અલગ થયેલું સંગઠન છે.

તેના ઉગ્રવાદી મુખ્યત્વે અફઘાનિસ્તાનમાં તહેનાત નાટોના કાફલાને નિશાન બનાવે છે.

સપ્ટેમ્બર 2007માં પાકિસ્તાનની સરકાર પણ મંગલ બાઘ પર ઇનામની ઘોષણા કરી ચૂકી છે.

પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે મંગલ બાઘ વિશે કોઈ પ્રકારની સૂચના આપનારા તેમજ તેમની ધરપકડમાં મદદ કરનારાને 60 હજાર ડોલર ઇનામ આપવામાં આવશે.

આ સિવાય અમેરિકી વિદેશ વિભાગે મધ્ય પૂર્વ દેશોના ઘણાં સંગઠનોના ઉગ્રવાદીઓ પર ઇનામની જાહેરાત કરી છે.

અમેરિકી વિભાગનું કહેવું છે કે ઉગ્રવાદીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ છે.

આ ઉગ્રવાદીઓ અફઘાનિસ્તાનમાં ખુલ્લેઆમ અમેરિકી સૈનિકોને નિશાન બનાવે છે અને અમેરિકાની ધરતી પર પણ હિંસક હુમલા કરવાના પ્રયાસ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો