ડાર્ક વેબ પર શાકભાજીની જેમ વેચાય છે કોકેન

    • લેેખક, પ્રજ્ઞા માનવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મેં 2010માં ડાર્ક વેબ વિશે સૌપ્રથમવાર સાંભળ્યું હતું. જિંદગી બહુ કંટાળાજનક બની ગઈ હતી. 2014માં મારા બર્થડે પર મેં કંઈક થ્રિલિંગ કરવા વિચાર્યું હતું. કંઈક અલગ કરવું હતું. લેપટોપ ઉઠાવ્યું અને ઓર્ડર કર્યો. એલએસડી, મેથાફેટામીન, કોકેન, હેરોઈન, એમડીએમએ, ડીએમટી કે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ જે જોઈતું હોય તેની હોમ ડિલિવરી મળી જાય છે."

ડાર્ક વેબ કેટલી આસાન અને એક્સાઈટિંગ છે તેની વાતો તરંગ ઉત્સાહથી કરતો હતો.

એલએસડી, કોકેન અને હેરોઈન જેવા માદક પદાર્થોની ફળો તથા શાકભાજીની માફક હોમ ડિલિવરી કરવામાં આવે છે એ બાબતને તરંગ એક સુવિધા ગણતો હતો.

તરંગે કહ્યું, "વેબસાઈટ ડીલરે અમને પૂછ્યું હતુ કે ડિલિવરી કઈ રીતે આપીએ? ટિફિન કે રમકડાંના ડબ્બામાં ડિલિવરી લેવાનું સૂચન પણ તેણે જ કર્યું હતું. અમે રમકડાંના ડબ્બામાં માલ મોકલવા જણાવ્યું હતું."

તમને આ વાંચવું પણ ગમશે:

તરંગે એમ પણ કહ્યું, "ગેરંટી કાર્ડ અને રીસીટ ઝિપલોક પાઉચમાં પેક કરીને મોકલજો."

"કોઈ ફોન ન કર્યો કે કંઈ પૂછ્યું નહીં. ડિલિવરીનો ટાઈમ પૂછવા માટે એક ઈમેલ આવ્યો હતો. સમયસર દરવાજે ટકોરા પડ્યા અને માલ આવી ગયો. એ પછી અમે વારંવાર ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું."

શું છે ડાર્ક વેબ?

ડાર્ક વેબ ઇન્ટરનેટનો એક એવો ખૂણો છે, જ્યાં બધા ગેરકાયદે ધંધા ચાલે છે.

આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ તો વેબની દુનિયાનો બહુ નાનો હિસ્સો છે. તેને સરફેસ વેબ કહેવામાં આવે છે. તેની નીચે છૂપાયેલી ઈન્ટરનેટ ડીપ વેબના નામે ઓળખાય છે.

એક અનુમાન અનુસાર, ઇન્ટરનેટનો લગભગ 90 ટકા હિસ્સો ડીપ વેબનો છે.

સામાન્ય સર્ચ એન્જિન જે શોધી શકતાં નથી એ દરેક પેજ ડીપ વેબમાં આવે છે. મતલબ કે તેમાં યૂઝર ડેટાબેઝ, સ્ટેજિંગના સ્તરની વેબસાઈટ, પેમેન્ટ ગેટવે વગેરે તેમાં આવે છે.

ડાર્ક વેબ આ ડીપ વેબનો એક અંધારિયો ખૂણો છે, જ્યાં હજ્જારો વેબસાઈટ્સ ગુમનામ રહીને જાતજાતના ગોરખધંધા ચલાવે છે.

ડીપ વેબમાં કેટલી વેબસાઈટ છે, કેટલા ડીલર છે અને ગ્રાહકો છે એ શોધવાનું બહુ મુશ્કેલ છે. તેથી ડાર્ક વેબના આકાર અને તેના પર ચાલતા ધંધાના કદનો અંદાજ લગાવી શકાતો નથી.

જોકે, અમેરિકાની એક યુનિવર્સિટીના માધ્યમથી એવો અહેવાલ આવ્યો હતો કે ડાર્ક વેબ પરનું માદક દ્રવ્યોનું માર્કેટ 2015માં જ અબજો ડૉલરનું થઈ ગયું હતું.

ક્યારે શરૂ થઈ ડાર્ક વેબ?

ડાર્ક વેબની શરૂઆત 1990ના દાયકામાં અમેરિકન સૈન્યએ કરી હતી. પોતાની ગુપ્ત માહિતીની આપ-લે કરવાના હેતુસર અમેરિકન સૈન્યએ ડાર્ક વેબ શરૂ કરી હતી.

ડાર્ક વેબ મારફત સાયનાઇડ જેવા જીવલેણ ઝેર અને ખતરનાક માદક દ્રવ્યોની હોમ ડિલિવરી કરવામાં આવે છે.

ડાર્ક વેબ પર દારૂગોળો, ગ્રેનેડ અને બંદુક સહિતના હથિયાર તેમજ ભાડૂતી હત્યારાઓ સુદ્ધાં મળી રહે છે.

અલગ-અલગ દેશોમાં કાયદા અને પોલીસની સતર્કતાનું સ્તર અલગ-અલગ હોય છે એટલે દરેક દેશ અનુસાર આ ગેરકાયદે ધંધાઓનું ચલણ પણ બદલાતું રહે છે.

છેતરપિંડી કરનારાઓ પણ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે, કારણ કે ડાર્ક વેબ પર બનાવટી પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજાં આઈડી પ્રૂફ પણ મળી રહે છે.

આતંકવાદીઓને પણ રસ

તમામ પ્રકારના ગુપ્ત દસ્તાવેજ અને સરકારી ડેટા ચોરવામાં ઉસ્તાદ હેકર્સ પણ ડાર્ક વેબ પર મળી આવે છે.

ડાર્ક વેબ પર આતંકવાદીઓ સક્રીય હોવાના સમાચાર પણ આવતા રહે છે. પોતાને ઇસ્લામિક સ્ટેટ ગણાવતું સંગઠન ડાર્ક વેબ મારફત ભંડોળ એકઠું કરતું હોવાનું અને માહિતી મોકલતું હોવાનું પણ કહેવાય છે.

ડાર્ક વેબ એક્સેસ કરવા માટે ખાસ પ્રકારનાં બ્રાઉઝર હોય છે, જે લેયર્ડ એટલે કે દરેક સ્તરે સલામતી ધરાવતાં હોય છે.

તેમાં લોગ-ઈન કરવાથી કમ્પ્યૂટરનું આઈપી એડ્રેસ સતત બદલાતું રહે છે. તેથી કોણ, ક્યાં બેસીને શું ખરીદી કે વેચી રહ્યું છે, કોણ શું જોઈ રહ્યું છે અને કોણ શું દેખાડી રહ્યું છે તેની ખબર પડતી નથી.

આ કારણે જ સરકાર કે પોલીસ ડાર્ક વેબનો પ્રસાર અટકાવી શકતાં નથી.

નજર રાખવાનું મુશ્કેલ

ઓપન ઇન્ટરનેટ અને સામાન્ય સર્ચ એન્જિનો મારફત થતાં કામો પર નજર રાખી શકાય છે.

વેબ પોર્ટલ તમારી યૂસેજ હિસ્ટ્રીનો રેકોર્ડ રાખી શકે છે અને ગુપ્તચર એજન્સીઓ કીવર્ડ મારફત કોઈ પણ જાણકારી મેળવી શકે છે.

જોકે, ડાર્ક વેબની જાસૂસી કરવાનું અત્યંત મુશ્કેલ છે. ડાર્ક વેબ આ જ કારણસર ગુનેગારો તથા ગેરકાયદે ધંધાઓનો અડ્ડો બની છે.

બિટકૉઇન મારફતે ચુકવણી

ડાર્ક વેબ એક પ્રકારનું ડિજિટલ માર્કેટ જ છે, પણ એ ગેરકાયદે છે અને તેના મારફત સામગ્રી વેચવા તથા ખરીદવાનું કામ ગુનો ગણાય છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટની માફક ગ્રાહકોને લોભાવવા માટે જાતજાતની ઓફર્સ તથા ફ્રી ગિફ્ટ્સ આપવામાં આવે છે.

એ ઉપરાંત ડાર્ક વેબ પરના અન્ય યૂઝર્સ સાથે તમે ચેટ પણ કરી શકો છો.

ભારતમાં ડાર્ક વેબનો ઉપયોગ મુખ્યત્વે માદક દ્રવ્યોની ખરીદી-વેચાણ, ચાઇલ્ડ પોર્ન, પાઈરસી, માનવ તસ્કરી, હત્યાની સોપારી આપવા અને આતંકવાદ ફેલાવવા માટે કરવામાં આવે છે.

ડાર્ક વેબ પરથી ખરીદેલી સામગ્રીની કિંમતની ચુકવણી બિટકૉઇન જેવી ક્રિપ્ટોકરન્સી મારફત કરવામાં આવે છે.

ક્રિપ્ટોકરન્સીનો ટ્રેક રાખવાનું બહુ મુશ્કેલ છે એટલે તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિમાં તેનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે.

યુવકોને શા માટે પસંદ છે ડાર્ક વેબ?

ભારતમાં સાત કરોડથી વધુ લોકો માદક દ્રવ્યોના બંધાણી હોવાનું કહેવાય છે.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 2016માં જણાવ્યું હતું કે સરકાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ સાથે મળીને એક સર્વેક્ષણ કરાવવાની છે. તેના આંકડા આ વર્ષે મળશે.

યુવાનો એડવેન્ચર, અનોનિમિટી અને વરાઈટી એટલે કે સાહસિકતા, છૂપા રહેવાની સુવિધા અને વૈવિધ્ય શોધતા હોય છે. ડાર્ક વેબ આ ત્રણેય બાબત યુવાનોને ઉપલબ્ધ કરાવે છે.

દાખલા તરીકે, 14 વર્ષની વયથી માદક દ્રવ્યોનો નશો કરતા તરંગને તેની પસંદનો નશો 2014 પહેલાં પણ આસાનીથી મળી જતો હતો.

'સિલ્ક રોડ'નો પર્દાફાશ

અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ ડાર્ક વેબ પરના એક મોટા ગુપ્ત માર્કેટ 'સિલ્ક રોડ'નો પર્દાફાશ 2013માં કર્યો હતો.

2014માં તેના સંપૂર્ણ સફાયા માટે યુરોપોલે પણ એફબીઆઈને મદદ કરી હતી.

ડાર્ક વેબનાં બીજાં બે મોટાં માર્કેટ 'હંસા' તથા 'એલ્ફાબે' બંધ કરાવ્યાનો દાવો ડચ નેશનલ પોલીસ, એફબીઆઈ અને ડીઈએએ ગયા વર્ષે જુલાઈમાં કર્યો હતો.

મુશ્કેલી એ છે કે ડાર્ક વેબ પરની દસ વેબસાઈટ બંધ કરાવો ત્યાં વીસ બીજી વેબસાઈટ્સ શરૂ થઈ જાય છે. પડકાર મુશ્કેલ છે, પણ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ મહેનત કરી રહી છે.

ભારતીય પોલીસ શું કરી રહી છે?

આપણા દેશમાં ડાર્ક વેબ સંબંધે કોઈ ખાસ કાયદો નથી ત્યારે ડાર્ક વેબનો પ્રસાર રોકવા પોલીસ શું કરી રહી છે?

આંતરરાષ્ટ્રીય પબ્લિક પોલિસીનાં જાણકાર સુબી ચતુર્વેદી કહે છે, "ડાર્ક વેબના ગુનેગારોનો શોધી શકાય એવી કોઈ જોગવાઈ આપણા કાયદાઓમાં નથી, જે પોલીસ માટે મોટી મુશ્કેલી છે."

"આપણા સીઆરપીસી કે આઈટી એક્ટ હેઠળ તેમની પર આરોપ મુકી શકાય, પણ ટ્રેસ કર્યા વિના કોઈ નેટવર્કને ભેદવું કઈ રીતે?"

"આપણી પાસે માત્ર નવ સાયબર સેલ છે, સ્પેશ્યલ યુનિટ નથી. આ દિશામાં નાણાં રોકવાં જરૂરી છે. આ સંજોગોમાં યુવાનોને ડાર્ક વેબની ચુંગાલમાંથી કઈ રીતે બચાવી શકાય?"

સુબી ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, "ડાર્ક વેબ પરનું માર્કેટ તેની ટેક્નીક અને કોડ સતત અપગ્રેડ કરતું રહે છે. તેથી પોલીસ કે ગુપ્તચર એજન્સીઓ કંઈ કરી શકતી નથી."

"આ સમસ્યાના નિરાકરણમાં સમાજ અને પેરન્ટ્સની પણ મોટી ભૂમિકા છે. પેરન્ટ્સે વધારે સતર્ક રહેવાની જરૂર છે."

બીજું કોણ કરે છે ઉપયોગ?

વ્હિસલ બ્લોઅર્સ એટલે કે ગેરકાયદે કામોને ખુલ્લા પાડતા લોકો પણ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે.

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેખરેખના નામે લોકોની વ્યક્તિગત માહિતી કઈ રીતે ચોરતી હતી તેનો ઘટસ્ફોટ અમેરિકન વ્હિસલ બ્લોઅર એડવર્ડ સ્નેડને ડાર્ક વેબ પર જ કર્યો હતો.

પોતાના કામમાં ડાર્ક વેબ પાસેથી બહુ મદદ લીધી હોવાનું વિકીલિક્સના જુલિયન અસાંજેએ પણ બીબીસી સાથેની એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું.

મધ્ય-પૂર્વના અને આફ્રિકન દેશોના કેટલાક કાર્યકર્તાઓ તેમના દેશ વિશે જણાવવા ડાર્ક વેબનો ઉપયોગ કરે છે.

(આ અહેવાલ દિલ્હીમાં કામ કરતા એક યુવક પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. ડાર્ક વેબ પર ચાલતા માદક પદાર્થોના બિઝનેસ વિશે એ યુવાને બીબીસીને જણાવ્યું હતું. તેનું નામ બદલવામાં આવ્યું છે. આ સ્ટોરીનો હેતુ ડાર્ક વેબ કે નશાખોરી કે કોઈ ગેરકાયદે કામને ઉત્તેજન આપવાનો નથી. અમારો હેતુ લોકોને ડાર્ક વેબના જોખમથી પરિચિત કરાવવાનો છે, જેથી તેઓ ખુદને તથા પોતાના પરિવારને બચાવી શકે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો