એક ટેબલના કારણે આ વ્યક્તિએ બનાવી કરોડોની કંપની!

દુનિયાભરમાં પ્રખ્યાત બની ગયેલી કંપની 'IKEA ફર્નિચર'ના સ્થાપક ઇંગ્વાર કામપ્રાડનું જીવન સફળતાની કહાણી હતું.

ઇંગ્વાર કામપ્રાડે ફ્લેટ-પેક ફર્નિચર દ્વારા ઇન્ડસ્ટ્રીની સુરત બદલી નાખી હતી.

ડિઝાઇન્સની સાદગીએ IKEAને સ્થાનિક ફર્નિચર બ્રાન્ડમાંથી વૈશ્વિક બ્રાન્ડ બનાવી દીધી હતી.

તાજેતરમાં કામપ્રાડનું 91 વર્ષની જૈફ વયે સ્વિડનમાં નિધન થયું હતું.

ફ્લેટ-પેક ફર્નિચરનો વિચાર?

વર્ષ 1926માં સ્વિડનના સમૉલેન્ડમાં જન્મેલા કામપ્રાડ પોતાના માતાપિતા સાથે એગ્નાનરીડ ગામના એલમ્તારી ફાર્મમાં રહેતા હતા.

કારમાં લઈ જઈ શકાય તે માટે એક ટેબલને ખોલી નાખવામાં આવ્યું હતું. તેને જોઈને કામપ્રાડને ફોલ્ડિંગ ફર્નિચરનો વિચાર આવ્યો હતો.

કામપ્રડ ગ્રાહકોને સસ્તા ભાવે ફર્નિચર આપવામાં માનતા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

કામપ્રાડ દરેક વસ્તુમાં કરકસર પણ ખૂબ કરતા હતા.

મોટા બિઝનેસમેન હોવા છતાં તેઓ એક જૂની વોલ્વો ચલાવતા હતા અને કોઈ પણ જગ્યાએ ઇકોનૉમી ક્લાસમાં બેસીને મુસાફરી કરતા હતા.

વર્ષ 2016માં સ્વિડીશ ટેલિવિઝન ચેનલ TV4ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું, "સમૉલેન્ડમાં જન્મેલી દરેક વ્યક્તિ પ્રકૃતિએ જ કરકસર પ્રિય હોય છે."

ઇન્ટરવ્યૂમાં તો તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમના કપડાં સસ્તાં સેલમાંથી લીધેલા હોય છે.

નાની વયે બન્યા મોટા વેપારી

જ્યારે ઇંગ્વાર માત્ર 17 વર્ષના હતા, ત્યારે ડિસેલેક્સિયા (એક પ્રકારની બીમારી) હોવા છતાંય સારા માર્ક્સ મેળવ્યા હતા.

એટલે ઇંગ્વારના પિતાએ તેમને ઇનામ સ્વરૂપે થોડા પૈસા આપ્યા હતા.

1943માં કામપ્રાડે આ જ રકમથી પોતાની કંપની ઊભી કરી અને આઇકિયાનો પાયો નાખ્યો હતો.

ચાલીસીમાં પહોંચતા પહેલા તેમણે પહેલા વેરહાઉસનું ઉદઘાટન કર્યું.

ફાસીવાદી સંગઠન સાથે સંબંધ

જ્યારે ઇંગ્વાર કામપ્રાડ યુવાન હતા, ત્યારે તેઓ બે ફાસીવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા.

1988માં પ્રકાશિત થયેલા તેમના એક પુસ્તકમાં ઇંગ્વારે સ્વીકાર કર્યો હતો કે તેઓ અને ફાસીવાદી કાર્યકર્તા એંગ્દહલ ખાસ મિત્રો હતા.

તેઓ વર્ષ 1942થી માંડીને 1945 દરમિયાન ન્યૂ સ્વિડીશ મૂવમેન્ટ અને નેશનાલિસ્ટ વર્કર્સ પાર્ટી (સ્વિડન)ના પણ સભ્ય હતા.

જોકે, વર્ષો બાદ તેમણે કહ્યું હતું કે આ સંગઠનો સાથે જોડાવવું તેમની 'યુવાનીની મૂર્ખતા' અને તેમના જીવનની 'સૌથી મોટી' ભૂલ હતી.

ઓછા સમયમાં મોટી સફળતા

ઇંગ્વાર કામપ્રાડે ભલે સ્વિડનના એક નાના ટાઉનમાં વેરહાઉસથી કંપનીની શરૂઆત કરી હતી, પરંતુ આજે દુનિયાભરમાં IKEA ફર્નિચર આગવી ઓળખ ધરાવે છે.

49 દેશોમાં IKEA ફર્નિચરના 400થી પણ વધારે સ્ટોર્સ છે.

આ સ્ટોર્સનાં માધ્યમથી બે લાખ કરતાં વધુ લોકોને રોજગાર મળે છે.

અને જો વેપારની વાત કરીએ તો વેપારનો આંકડો 50 બિલિયન યૂરો એટલે કે અંદાજિત 3,94,575 કરોડ પર પહોંચ્યો છે.

કેવી રીતે પડ્યું કંપનીનું નામ?

:ની કંપનીનું નામ ' IKEA' ઇંગ્વાર અને તેમની સાથે સંકળાયેલા બીજા નામો પરથી પડ્યું છે.

જેમ કે, I એટલે ઇંગ્વાર, K એટલે કામપ્રાડ, E એટલે એલમ્તારીદ (એલમ્તારીદ એ ફાર્મ છે કે જ્યાં ઇંગ્વાર મોટા થયા હતા), A એટલે એગ્નાનરીડ (આ ગામ ઇંગ્વારનું ગૃહનગર હતું.)

વર્ષ 1980માં ઇંગ્વાર કામપ્રાડે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેઓ IKEAને એક એવી કંપની બનાવવા માગતા હતા કે જે તેમના ગ્રાહકોનું જીવન સરળ બનાવી શકે.

લોકોનું જીવન સરળ બનાવીને ઇંગ્વાર કામપ્રાડે દુનિયાથી વિદાય લઈ લીધી છે.

કંપનીના કહેવા પ્રમાણે, "ઇંગ્વાર કામપ્રાડે જીવનની અંતિમ ક્ષણો સુધી કામ કર્યું છે. તેઓ પોતાના જીવનસૂત્રને વળગી રહ્યા હતા કે મોટાભાગની વસ્તુઓ થઈ જ જવી જોઈએ."

ઇંગ્વાર કામપ્રાડે 87 વર્ષની વયે વર્ષ 2013માં કંપનીના બૉર્ડની જવાબદારીમાંથી નિવૃત્તિ મેળવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો