કાનપુરઃ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી વખતે આગમાં ભડથું થયેલાં મા-દીકરીની કરુણ કહાણી

ઇમેજ સ્રોત, NEETU SINGH
- લેેખક, નીતૂ સિંહ
- પદ, કાનપુર દેહાતથી, બીબીસી માટે
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતનું મડૌલી ગામ. આ ગામના એક ઘરમાં મોટા દીકરાનાં લગ્નની પહેલી વર્ષગાંઠ નિમિત્તે 15 ફેબ્રુઆરીએ અખંડ પૂજાની તૈયારી એક મા-દીકરી કરી રહ્યાં હતાં, પણ તેમને ક્યાં ખબર હતી કે એ જ તારીખે બન્નેની નનામી નીકળશે.
ખુશીની જગ્યાએ ઘરમાં માતમ હશે. ગામમાં લોકોની ભીડ, પૂજા માટે નહીં પરંતુ શોક વ્યક્ત કરવા માટે એકઠી થશે. એ ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પહેરો ભરી રહ્યા હતા. માતા અને પુત્રીના અંતિમ સંસ્કાર થવાના હતા.
14 ફેબ્રુઆરીએ મોડી રાતે પોસ્ટમોર્ટમ પછી મા-દીકરીના મૃતદેહ મડૌલી ગામમાં લાવવામાં આવ્યા હતા. રાતના સન્નાટા વચ્ચે થોડી-થોડી વારે પરિવારજનોની ચીસો સંભળાતી હતી. આખા ગામમાં શોકનો માહોલ હતો.

- કાનપુર દેહાત જિલ્લા મથકથી લગભગ 25 કિલોમિટર દૂર આવેલું છે મડૌલી ગામ.
- દબાણ દૂર કરવાનું કામ સ્થાનિકતંત્રે હાથમાં લીધું હતું ત્યારે આ ઘટના બની હતી.
- કૃષ્ણ ગોપાલ દીક્ષિતનું ઝૂંપડું તોડી પાડવા તથા દબાણ દૂર કરવા 13 ફેબ્રુઆરીએ બપોરે લગભગ ત્રણ વાગ્યે સરકારી અધિકારીઓ અને પોલીસની ટીમ પહોંચી હતી.

13 ફેબ્રુઆરીએ શું થયું હતું?

ઇમેજ સ્રોત, NEETU SINGH
કાનપુર દેહાત જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિલોમિટર દૂર આવેલા મડૌલી ગામમાં કૃષ્ણ ગોપાલ દીક્ષિતનું ઝૂંપડું તોડી પાડવા તથા અતિક્રમણ દૂર કરવા 13 ફેબ્રુઆરીએ બપોરે લગભગ ત્રણ વાગ્યે એસડીએમ મૈથા જ્ઞાનેશ્વર પ્રસાદ, એસઓ દિનેશ કુમાર ગૌતમ કાનૂનગો, લેખપાલ અશોક ચૌહાણ અને પોલીસની ટીમ આવી પહોંચી હતી.
કૃષ્ણ ગોપાલ દીક્ષિતનો પરિવાર તેનો વિરોધ કરી રહ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે આ મામલો કોર્ટમાં વિચારાધીન હતો. એ બાબતે અધિકારીઓ અને પરિવારના સભ્યો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી.
વાત એટલી વકરી હતી કે મા તથા દીકરી આગના જ્વાળામાં સળગવા લાગ્યાં ત્યારે તેમની ચીસો એકઠી થયેલી ભીડમાંથી કોઈને સંભળાઈ ન હતી અને થોડીવારમાં બધું સળગીને રાખ થઈ ગયું હતું.
લેખપાલ અશોક ચૌહાણે 14 જાન્યુઆરીએ એસડીએમને ફરિયાદ કરી હતી. તેમાં કૃષ્ણ ગોપાલ દીક્ષિત તથા તેમના પુત્ર સામે કેસ નોંધાવવામાં આવ્યો હતો.
એસડીએમને લખેલા પત્રમાં અશોક ચૌહાણે જણાવ્યું હતું કે કાનપુર દેહાતના ગાટા ક્રમાંક 1642, રકબા 0.657 હેક્ટર જમીન ગ્રામસભાની સંપત્તિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પર ગેરકાયદે કબજો કરવા કૃષ્ણ ગોપાલ દીક્ષિત થાંભલા તથા છાપરાનું નિર્માણ કર્યું છે.

ઇમેજ સ્રોત, NEETU SINGH
અશોક ચૌહાણની આ ફરિયાદ સંબંધે અતિક્રમણ હટાવવાનું પગલું લેવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અહીં આવે પછી જ મા-દીકરીના મૃતદેહ ઉઠાવવાની માગણી ગામના લોકોએ કરી હતી. ઘટનાના 24 કલાક પછી ગ્રામજનોના વધતા રોષને ધ્યાનમાં લઈને સ્થાનિક વહીવટીતંત્રે નાયબ મુખ્યપ્રધાન વૃજેશ પાઠક સાથે વીડિયો કૉલ મારફત કૃષ્ણ ગોપાલના મોટા દીકરા શિવમને વાત કરાવી હતી.
વૃજેશ પાઠકે તે વીડિયો કૉલમાં કહ્યું હતું કે "આ ઘટના બહુ દુઃખદ છે. મેં તેના વિશે સાંભળ્યું ત્યારથી હું સતત કાર્યવાહીની દિશામાં કામ કરી રહ્યો છું. આ માટે જવાબદાર લોકો સામે કલમ ક્રમાંક 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. દોષી લોકો સામે અમે એટલા આકરા પગલાં ભરીશું કે તેમની આગામી પેઢીઓ પણ યાદ રાખશે. અમે સંપૂર્ણપણે તમારી સાથે છીએ. તમારી માગણી બાબતે અમે ગંભીરતાથી વિચાર કરીશું. અમે આ ઘટના સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને આકરામાં આકરી સજા કરીશું."

હવે પરિસ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, NEETU SINGH
ઘટનાસ્થળે રાખ ઉપરાંત એક ગેસ સિલિન્ડર તથા કેટલાંક વાસણ પડ્યાં હતાં. એક ખાટલા પર કેટલાંક ગાદલાં પડ્યાં હતાં. વૃક્ષની નીચે બે ગાય તથા તેમનાં વાછરડાં બાંધવામાં આવ્યાં હતાં.
રસ્તાની નીચે આવતાંની સાથે જ એક તરફ ઊખડેલ નળ અને બીજી તરફ શિવજીની મૂર્તિ તથા તૂટેલો ચબૂતરો જોવા મળ્યો હતો. શિવજીની આ મૂર્તિ સમક્ષ જ દીકરાના લગ્નની પહેલી વર્ષગાંઠ નિમિત્તે અખંડ કિર્તન થવાનાં હતાં.
આ જ ઘરમાં એક વર્ષ પહેલાં લગ્નની શરણાઈ વાગી હતી. એક વર્ષ પહેલાં 16 ફેબ્રુઆરીએ આ ઘરના દીકરાના લગ્ન થયાં હતાં.
સૂર્યાસ્ત થતાંની સાથે જ અહીં કેટલાક પોલીસ કર્મચારી અને એક મીડિયા કર્મચારી બાકી રહ્યા હતા. અંધારું વધ્યું તેમ લાઈનમાં ઊભેલી મોટરકારોની સંખ્યા પણ ઘટવા લાગી હતી.
ઘટનાસ્થળથી લગભગ એક કિલોમીટર દૂર મડૌલી ગામમાં પીડિત પરિવારનું એક પાક્કું મકાન છે. તેમાં આ લોકો રહેતા હતા. જે જગ્યાનો ઉપયોગ પશુઓને રાખવા માટે કરતા હતા એ સ્થળે આ દર્દનાક ઘટના બની હતી.

પોલીસ અને વહીવટીતંત્ર શું કહે છે?
ઘટનાસ્થળ પર ઉપસ્થિત કાનપુર દેહાતના પોલીસ વડા બાલ ગંગાધર તિલક સંતોષ મૂર્તિએ બીબીસીને કહ્યું હતું કે "ઘટના કેવી રીતે બની એ તો તપાસનો વિષય છે. અમે સતત પૂછપરછ અને તપાસ કરી રહ્યા છીએ. સંયમ સાથે કામ કર્યું હોત તો આટલી મોટી દુર્ઘટના ન થઈ હોત."
તેમણે કહ્યું હતું કે "પરિવારજનોના કહેવા મુજબ, આઠ અજાણ્યા અને જાણીતા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેસીબી ચાલક અને લેખપાલની ધરપકડ કરવામાં આવી છે. પરિવારજનો કરેલી માગણી નિશ્ચિત સમયમર્યાદામાં સંતોષવામાં આવશે."
કોના આદેશને પગલે આ ઝૂપડું તોડી પાડવામાં આવ્યું હતું, એવા સવાલના જવાબમાં પોલીસ વડાએ કહ્યું હતું કે "તેની માહિતી મારી પાસે નથી, પરંતુ એક મહિના પહેલાં આ મકાનનો એક ઓરડો તોડી પાડવામાં આવ્યો ત્યારે તેમને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અહીં મારું પોસ્ટિંગ એક મહિના પહેલાં જ થયું છે. તેથી આ વિશે મારી પાસે વધુ કોઈ જાણકારી નથી."
જિલ્લા અધિકારી નેહા જૈને બીબીસીને કહ્યું હતું કે "મારા નિવાસસ્થાન સામે ધરણા કરવામાં આવ્યાં હતાં એ કહેવું ખોટું છે. તેમણે કલેક્ટર ઑફિસ સામે ધરણા કર્યાં હતાં અને તેમને એડીએમના કહેવાથી હટાવવામાં આવ્યા હતા. અમે બીજા દિવસે તેમની વાત જનસુનાવણીમાં સાંભળી હતી."
તેમણે ઉમેર્યું હતું કે "આ પ્રકરણમાં એડીએમના વડપણ હેઠળ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મારી સંવેદના પીડિત પરિવાર સાથે છે, પરંતુ ધાર્મિક સ્થળ બનાવીને, ગ્રામસભાની જમીન પર ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હતો એ વાત પણ સાચી છે. જમીન પર ગેરકાયદે કબજાની ફરિયાદ અમને મળી હતી. એક મહિના પહેલાં તેમને ચેતવણી આપવામાં આવી હતી."

ગામના લોકો શું કહે છે?

ઇમેજ સ્રોત, NEETU SINGH
પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક ગ્રામવાસીએ કહ્યું હતું કે "મા-દીકરીએ જાતે જ આગ લગાવી હતી એવી પોલીસ-વહીવટીતંત્રની વાત હું સાચી માની લઉં તો પણ ત્યાં ઉપસ્થિત અધિકારીઓએ તેમને બચાવ્યા કેમ નહીં? આગ ચાંપવાની નોબત આવી એવી પરિસ્થિતિ શા માટે સર્જવામાં આવી હતી? મેં એક વીડિયોમાં જોયું છે કે એ સમયે બુલડોઝર વડે છાપરું તોડી પાડવામાં આવ્યું હતું. અનેક અધિકારીની નજર સામે આ બધું થયું હતું, પણ કોઈએ કશું કર્યું નહીં. તેથી આ હત્યા છે. કોઈ ભલે ગમે તે સ્પષ્ટતા કરે."
ગામના લોકોએ બીબીસી સાથેની વાતચીતમાં લેખપાલ લાંચ લેતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. એ બાબતે વહીવટીતંત્રએ પગલાં પણ લીધાં છે.
ગામમાં ફરીને ગામ લોકો સાથે વાત કરતાં બીબીસીને જાણવા મળ્યું હતું કે પીડિત પરિવારે ઘટનાસ્થળે ડિસેમ્બરમાં એક ઓરડો બનાવીને તેના પર છાપરું નાખ્યું હતું. તેમાં તેમની લગભગ 20 બકરીને રાખવામાં આવતી હતી.
બાજુમાં પ્લાસ્ટિકની શીટ તથા ઘાસ વડે ઝૂંપડી બનાવવામાં આવી હતી. તેમાં 50 વર્ષના કૃષ્ણ ગોપાલ દીક્ષિત તથા તેમના 30 વર્ષના મોટા પુત્ર શિવમ પશુઓની દેખરેખ માટે રહેતા હતા. મા-દીકરી ગામમાં ભોજન રાંધીને સવાર-સાંજ અહીં આવતાં હતાં.

મૃતકના પરિવારનો આક્ષેપ

ઇમેજ સ્રોત, NEETU SINGH
પોતાના ચાર માસના સંતાનને થાબડીને સૂવડાવી રહેલાં 21 વર્ષનાં શાલિની શિવમ દીક્ષિત વહીવટીતંત્રને વારંવાર દોષી ઠરાવતાં હતાં.
દીક્ષિત પરિવારનાં મોટાં વહુ શાલિનીએ કહ્યું હતું કે "બુલડોઝર વડે ઝૂંપડી તોડવી હતી તો તોડી નાખવી હતી. મારાં સાસુ તથા નણંદને સળગાવીને મારી કેમ નાખ્યાં? તેઓ સળગી રહ્યાં હતાં ત્યારે ત્યાં અનેક અધિકારી હતા. તેમણે પ્રયાસ કર્યા હોત તો તેઓ બચી ગયાં હોત. બચાવવાનું તો દૂર રહ્યું, પણ તેમણે એ જ સમયે બુલડોઝર વડે તેમના પર છાપરું તોડી પાડ્યું હતું. તેની નીચે બન્ને દબાઈ ગયાં હતાં. પોલીસ ભલે ગમે તેટલી કાર્યવાહી કરે, પણ તેમને પાછાં નહીં લાવી શકે. જ્યારે બચાવવાનાં હતાં ત્યારે બચાવ્યાં નહીં."
શાલિનીએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે "ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ હાજર છે. હવે ત્યાં તેમની શું જરૂર છે? સુરક્ષાની વ્યવસ્થા કરવી જ હતી તો રાતે કેટલાક પોલીસ અમારા ઘરના દરવાજે ઊભા રહ્યા હોત તો કમસેકમ અમે ભયભીત ન થયાં હોત. આરોપી અશોક દીક્ષિતનું ઘર અમારા ઘરની સામે જ છે. તેમનો પરિવાર દબંગ છે. હવે મને તેમનાથી ડર લાગે છે."
શાલિની ઘટનાસ્થળથી એકાદ કિલોમીટર દૂર આવેલા પીડિત પરિવારના ઘરમાં હતાં. ગત મહિનાઓને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે "મારાં ઘરેણાં વેચીને ડિસેમ્બરમાં એક ઓરડો બનાવ્યો હતો અને કેટલીક બકરી ખરીદી હતી. વહીવટીતંત્રે 14 જાન્યુઆરીએ તે ઓરડો તોડી પાડ્યો હતો. એ વખતે પરિવારના લોકોએ જિલ્લા અધિકારીના નિવાસસ્થાને ધરણાં કર્યાં હતાં, પણ કોઈએ વાત સાંભળી ન હતી. 13 ફેબ્રુઆરીએ કોઈ ચેતવણી વિના બુલડોઝર વડે ઝૂંપડી તોડી પાડવામાં આવી હતી. મારાં સાસુ અને નણંદની સાથે 22 બકરીઓ પણ આગમાં બળીને મરી ગઈ."
મૃતક નેહા તેના બે ભાઈ શિવમ અને અંશનાં એકમાત્ર બહેન હતાં. ગ્રેજ્યુએટ થયેલાં નેહાનાં લગ્ન માટે યોગ્ય મુરતિયાની શોધ ચાલી રહી હતી. બે-ત્રણ છોકરા જોયા હતા, પણ ક્યાંય નક્કી થયું ન હતું. એપ્રિલ-મેમાં લગ્નની તૈયારી હતી.
નેહાનાં 65 વર્ષનાં નાનીમા સરોજ દુબેએ કહ્યું હતું કે "હવે વૃદ્ધાવસ્થાનો એક-એક દિવસ આકરો લાગશે. દીકરી અને જુવાન પૌત્રી કમોતે મરી ગઈ. પોલીસ રક્ષણ માટે હોય છે, પણ તેમણે તો અમારા આખા ઘરનો વિનાશ કર્યો. કમાતા-ખાતા હતા. પૈસાદાર ન હતા, પરંતુ જે હતું એ બધું હવે ખતમ થઈ ગયું છે."

મુખ્ય આરોપી કોણ છે?
આ ઘટનાના મુખ્ય આરોપી અશોક દીક્ષિતનું બે માળનું ઘર પીડિત પરિવારના ઘરની બરાબર સામે આવેલું છે. તેમના બે દીકરા સૈન્યમાં નોકરી કરે છે. પરિવાર આર્થિક રીતે સંપન્ન છે. તેમની પોતાની ખેતી પણ છે.
કૃષ્ણ ગોપાલ દીક્ષિતનાં 52 વર્ષનાં મોટાં બહેન મંજુ તિવારીએ કહ્યું હતું કે "અશોક અમારા પરિવારના જ છે. અમારે તેમની સાથે ગાઢ સંબંધ હતો, પણ થોડા મહિના પહેલાં આ જમીનનો વિવાદ સર્જાયો ત્યારથી બન્ને પરિવાર વચ્ચ અબોલા છે. આ ઘટના પછી તેમનાથી ડર લાગે છે. આખો પરિવાર હવે કેવી રીતે રહેશે?"
તેમણે ઉમેર્યું હતું કે "પોલીસે કમસેકમ થોડા દિવસ માટે તો કૃષ્ણ ગોપાલ દીક્ષિતના પરિવારની સલામતીની વ્યવસ્થા કરવી જોઈએ. અંતિમ યાત્રા પહેલાં સુધી તેઓ કહેતા હતા કે પરિવારની સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ આજે ઘરમાં કોઈ પુરુષ ન હોવા છતાં સલામતીની કોઈ વ્યવસ્થા નથી."
રાતે આઠેક વાગ્યે સન્નાટો છવાઈ ગયો હતો. બીબીસીએ અશોક દીક્ષિતના પરિવારના સંપર્કનો પ્રયાસ પણ કર્યો હતો. તેમના ઘરના દરવાજે તાળું હતું. અશોક દીક્ષિતનો પરિવાર ક્યાં ગયો છે તેની ખબર નથી એવું ગામના લોકોએ જણાવ્યું હતું.

પીડિત પરિવારની માગણી

ઇમેજ સ્રોત, NEETU SINGH
ગામના લોકો મુખ્ય આરોપી કરતાં પણ લેખપાલ તથા પોલીસ તંત્રથી વધારે નારાજ છે.
પોતાની દુકાન પર બેઠેલા લખનલાલ કુશવાહાએ કહ્યું હતું કે "મેં મા-દીકરીને 13 ફેબ્રુઆરીએ બપોરે દોઢેક વાગ્યે ભોજન લઈ જતાં જોયાં હતાં. સાડા ત્રણ વાગ્યે દુર્ઘટના બની હોવાનું સાંભળવા મળ્યું હતું. બહુ પીડાદાયક ઘટના છે. ગરીબ પરિવાર છે. તેમણે ગ્રામ પંચાયતની જમીન પર પશુઓને બાંધ્યા હોય તો વાતચીત દ્વારા તેનું નિરાકરણ થઈ શક્યું હોત. દીક્ષિત પરિવારે જિલ્લા અધિકારીના નિવાસસ્થાન સામે ધરણાં કર્યાં ત્યારથી વહીવટીતંત્ર તેમનાથી વધારે નારાજ હતું. લેખપાલ વ્યવહારકુશળ નથી. જેમનું પલ્લું ભારે હોય તેમની વાત વધારે સાંભળે છે."
કઈ માગ સ્વીકારવામાં આવી પછી દીક્ષિત પરિવાર મા-દીકરીના અંતિમસંસ્કાર માટે તૈયાર થયો હતો તેની વાત કરતાં કૃષ્ણ ગોપાલના મોટાભાઈ અરવિંદ દીક્ષિતે કહ્યુ હતું કે "વૃજેશ પાઠક સાથે વાત થઈ છે. તેમણે બન્ને દીકરાઓને નોકરી, એક કરોડ રૂપિયા, જમીનનો પટ્ટો અને સરકારી આવાસ આપવાની વાત કરી છે. અમે આરોપીઓની તત્કાળ ધરપકડની માગણી પણ કરી હતી. ચાર દિવસમાં બધાની ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી અમને આપવામાં આવી છે."
ગામમાં એ વાતથી બધાથી ભયભીત છે કે વહીવટીતંત્રની નજર સામે આટલી મોટી ઘટના બને ત્યારે મદદની આશા કોની પાસેથી રાખવી?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













