17 વર્ષના પુત્રને માબાપની હત્યાના ગુનામાં 17 વર્ષની સજા અને વકીલ બનવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રફાલ અબુચૈદે
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
સ્કૂલે જવાની એક સવારે 17 વર્ષીય માર્ટી ટેન્ક્લેફ ઊઠ્યા ત્યારે તેમને તેમનાં માતા-પિતા લોહીના ખાબોચિયામાં જોવાં મળ્યાં હતાં. કિશોર વયના માર્ટીએ એ પરિસ્થિતિમાં કોઈ પણ સમજદાર માણસ કરે તેમ ઇમર્જન્સી સર્વિસ 911ને ફોન કર્યો હતો.
ટેન્ક્લેફ બીબીસીના આઉટલૂક કાર્યક્રમમાં કહ્યું હતું કે “હું એકદમ ભયભીત હતો, આઘાતમાં હતો. તે પળને બીજી કોઈ રીતે વર્ણવી ન શકાય, કારણ કે મારી સાથે જે થયું હતું તેવું કોઈની સાથે ન થવું જોઈએ.”
માર્ટીને કલ્પના પણ ન હતી કે ઇમર્જન્સી સર્વિસને કૉલ કર્યા પછી તેમને જ તેમનાં માતા-પિતાની હત્યાના મુખ્ય શકમંદ ગણવામાં આવશે અને તેમણે જે ગુનો કર્યો જ ન હતો એ માટે જેલમાં 17 વર્ષ સુધી સજા ભોગવવી પડશે.
તેમને 1990માં કારાવાસની સજા ફરમાવાઈ હતી અને એક અદાલતે તેમના કેસની સમીક્ષા કરીને તેમના પરના આરોપ રદ્દ કર્યા પછી 2007માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ફરી મુક્તિ મેળવ્યાનાં વર્ષો પછી માર્ટી ટેન્ક્લેફ તેમની કથની જણાવી હતી.

ખુશખુશાલ બાળપણ

ઇમેજ સ્રોત, Getty Images
અર્લેન અને સેમોર ટેન્ક્લેફે માર્ટીને દત્તક લીધા હતા અને ન્યૂયૉર્કના લૉંગ આઇલૅન્ડ ઉપનગરમાં તેમનો ઉછેર કર્યો હતો.
માર્ટી કહે છે કે “મારા પિતા નાના હતા ત્યારે તેમની પાસે કશું ન હતું, પરંતુ હું મોટો થતો હતો ત્યારે તેઓ આર્થિક રીતે પગભર હતા. તેથી મારાં માતા-પિતાએ, તેઓ બાળક હતા ત્યારે તેમને જોઈતું જે કંઈ મળ્યું ન હતું એ બધું જ મને આપ્યું હતું.”
એ ઉપરાંત અર્લેન તથા સેમોર વધારે પરિપકવ તથા આર્થિક રીતે પગભર હતા. તેથી તેઓ માર્ટી સાથે વધુ સમય પસાર કરી શકતા હતા. તેઓ સાથે પ્રવાસ કરતા હતા અને સ્કૂલ તથા સામુદાયિક પ્રવૃત્તિ પણ કરતા હતા.
અનેક પૈકીનું આ એક એવું કારણ છે જેને લીધે માર્ટી એ સમજી શક્યા નથી કે સપ્ટેમ્બરની એ સવારે તેમનાં માતા-પિતા ભયાનક રીતે ઘવાયેલી અવસ્થામાં હતાં ત્યારે પોલીસ તેમને આકરી પૂછપરછ માટે શા માટે લઈ ગઈ હતી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માર્ટી કહે છે કે “એ વખતે પોલીસનો મારી સાથેનો વ્યવહાર એક પીડિત તરીકેનો હતો, પણ બાદમાં અમને જાણવા મળ્યું હતું કે તેઓ મને પહેલેથી જ શકમંદ ગણતા હતા.”

આકરી પૂછપરછ

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે અપેક્ષા મુજબ માર્ટીની પૂછપરછ શરૂ કરી હતી. તેમણે માર્ટીના તેમનાં માતા-પિતા સાથેના સંબંધની વિગત મેળવવાના પ્રયાસ કર્યા હતા. માર્ટી સંભવિત ગુનેગાર હોય એ રીતે પણ પૂછપરછ કરી હતી.
માર્ટીએ તેમના પિતાના બિઝનેસના સહયોગી જેરી સ્ટેઉરમૅન આ ગુનામાં સંડોવાયા હોવાનું પોલીસને જણાવ્યું હતું.
ડિસેમ્બર 1988ના કેસમાં સેમોર ટેન્ક્લેફના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે સ્ટેઉરમૅને માર્ટીના પિતાને લગભગ નવ લાખ ડૉલર ચૂકવવાના હતા.
ઘટના બની તે પરોઢ સુધી સ્ટેઉરમૅન, માર્ટીનાં માતા-પિતા તથા અન્ય મહેમાનો સાથે માર્ટીના ઘરે પોકર રમતા હતા, “પરંતુ તપાસ માટે જે સવાલ પૂછવાના હતા તે આરોપમાં પરિવર્તિત થઈ ગયા હતા,” એમ માર્ટી કહે છે.
ટેન્ક્લેફ કેસમાં મુખ્ય તપાસનીશ અધિકારી ડિટેક્ટીવ જેમ્સ મેકક્રીડી હતા અને તેમણે પ્રસાર માધ્યમો સાથે આ કેસ બાબતે અનેક વખત ચર્ચા કરી હતી. જેમ્સ 2015માં મૃત્યુ પામ્યા હતા.

સંક્ષિપ્તમાં : 17 વર્ષના પુત્રને માબાપની હત્યાના ગુનામાં 17 વર્ષની સજા

- માર્ટીને 1990માં કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી અને એક અદાલતે તેમના કેસની સમીક્ષા કરીને તેમના પરના આરોપ રદ્દ કર્યા પછી 2007માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા
- અર્લેન અને સેમોર ટેન્ક્લેફનું માર્ટી દત્તક સંતાન હતા
- માર્ટીએ તેમના પિતાના બિઝનેસના સહયોગી જેરી સ્ટેઉરમૅન આ ગુનામાં સંડોવાયા હોવાનું પોલીસને જણાવ્યું હતું
- 1988ના કેસમાં સેમોર ટેન્ક્લેફના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે સ્ટેઉરમૅને માર્ટીના પિતાને લગભગ નવ લાખ ડૉલર ચૂકવવાના હતા
- માર્ટીના જણાવ્યા મુજબ, આ કેસમાં તપાસનીશ અધિકારીઓની વ્યૂહરચના માર્ટીનું મનોબળ એટલી હદે તોડી નાખવાની હતી કે તપાસનીશ અધિકારીઓ ઇચ્છે તે જ માર્ટી કહે
- માર્ટીને બે આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી અને તેમાં પ્રત્યેક 25 વર્ષ પછી પેરોલની છૂટ હતી
- માર્ટીએ કારાવાસ દરમિયાન માર્ટી અભ્યાસ કર્યો હતો અને વકીલ બન્યા હતા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના સીબીએસ નેટવર્કને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જેમ્સ મેકક્રીડીએ તેમણે પૂછપરછ દરમિયાન અજમાવેલી એક તરકીબનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે “એ દરમિયાન હું એક ડેસ્ક પાસે ગયો હતો. ત્યાંથી ફોન ઉઠાવીને પૂછપરછ કક્ષ નજીકના એક્સટેન્શનનો નંબર ડાયલ કર્યો હતો અને મારા પોતાના જ ફોનકૉલનો જવાબ આપવા હું ગયો હતો. હું જાણે કોઈ અન્ય ડિટેક્ટિવ સાથે વાત કરતો હોઉં એવો દેખાવ કર્યો હતો.”
મેકક્રીડીએ સીબીએસને જણાવ્યું હતું કે ખોટો ફોનકૉલ પતાવીને તેઓ ફરી પૂછપરછ કક્ષમાં ગયા હતા અને માર્ટી સમક્ષ ખોટું બોલ્યા હતા. તેમણે માર્ટીને જણાવ્યું હતું કે તારા પિતા જાગૃત થઈ ગયા છે અને તેમણે તેના દીકરાએ ગોળીબાર કર્યો હોવાનો આરોપ મૂક્યો છે.
માર્ટી તેમને કહેવામાં આવેલા જુઠ્ઠાણાની વાત કરતાં કહે છે કે “અમેરિકામાં શકમંદોને જુઠ્ઠાણા કહેવાની છૂટ તપાસનીશ અધિકારીઓને હોય છે અને તેમણે મારી સાથે એવું જ કર્યું હતું. તેમણે મને કહ્યું હતું કે તેમને મારા માતાના હાથમાંથી મારા વાળ મળી આવ્યા છે, જે ખોટું હતું. તેમણે કહ્યું હતું કે તેમણે મારા પિતાને એડ્રેનેલિનના ડોઝ વડે જાગૃત કર્યા હતા અને તેમના પર હુમલો મેં કર્યો હોવાનું મારા પિતાએ તેમને કહ્યું હતું. એ પણ સાચું ન હતું.”
સ્ટેઉરમૅન એક સપ્તાહ પછી કેલિફોર્નિયાથી પરત આવ્યા ત્યારે તેઓ શકમંદ હોવાની શક્યતા પોલીસે નકારી કાઢી હતી અને એવું જણાવ્યું હતું કે સ્ટેઉરમૅનને ડર હતો કે તેમના પર હત્યામાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવશે. એટલે તેઓ નાસી ગયા હતા.

હત્યાનો ખટલો

ઇમેજ સ્રોત, Getty Images
માર્ટીના જણાવ્યા મુજબ, આ કેસમાં તપાસનીશ અધિકારીઓની વ્યૂહરચના માર્ટીનું મનોબળ એટલી હદે તોડી નાખવાની હતી કે તપાસનીશ અધિકારીઓ ઇચ્છે તે જ માર્ટી કહે.
બે વર્ષ પછી શરૂ થયેલી અદાલતી કાર્યવાહીમાં એ વલણ જોવા મળ્યું હતું.
ફરિયાદ પક્ષે કોર્ટમાં રજૂ કરેલા પુરાવા પૈકીનો એક ડિટેક્ટિવ મેકક્રીડીએ લખેલો દસ્તાવેજ હતો, પરંતુ તેના પર માર્ટીની સહી ન હતી. તે કથિત કબૂલાતનામું હતું.
માર્ટીના કહેવા મુજબ, પૂછપરછ દરમિયાન તેમણે શું કહ્યું હતું એ તેમને યાદ નથી, પરંતુ તેઓ કશું પણ કહી શક્યા હોત.
માર્ટી કહે છે કે “તાજેતરમાં જ આઘાતજનક અનુભવમાંથી પસાર થયો હોય એવા યુવાન શંકાસ્પદને પકડી લો, તેને એકલો રાખો, તેને ઠપકો, તેની સાથે મૌખિક દુર્વ્યવહાર કરો, તમે તેને એવું વિચારવાની ફરજ પાડો કે રૂમમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ તેઓ જે ઇચ્છે છે તે કહેવાનો છે.”
સ્ટેઉરમૅન પણ અદાલતમાં જુબાની આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માર્ટીએ તેમનો ઉલ્લેખ એક શકમંદ તરીકે કર્યો હોવાથી તેમને જેલમાં જવાનો ડર હતો. તેથી તેઓ જીવન વીમાનાં નાણાં લેવા ગયા હતા. સ્ટેઉરમૅને અદાલતને કહ્યું હતું કે “મેં આ કર્યું નથી.”
માર્ટીને બે આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી અને તેમાં પ્રત્યેક 25 વર્ષ પછી પેરોલની છૂટ હતી.
માર્ટી કહે છે કે “એ દિવસ બાબતે મને એટલું જ યાદ છે કે તેઓ મને કાઉન્ટી જેલમાં લઈ ગયા હતા અને જેલમાંના ક્લાર્કે મને પૂછ્યું હતું કે તમે અહીં કેમ આવી ગયા? તમે દોષી હો એવી કોઈ શક્યતા જ નથી.”
કારાવાસ દરમિયાન માર્ટી અભ્યાસ કર્યો હતો અને વકીલ બન્યા હતા, જેથી તેઓ અદાલતમાં ખુદનો બચાવ કરી શકે. ઉપરાંત તેમણે તેમના કેસની સમીક્ષા કરવા અનેક નિવૃત્ત સરકારી વકીલોને પત્રો લખ્યા હતા. આ બધામાં 14 વર્ષ પસાર થઈ ગયાં હતાં.

આખરે મુક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષો સુધી માહિતી એકત્ર કર્યા પછી લગભગ 20 સાક્ષીની જુબાની તથા નવા પુરાવા મેળવ્યા બાદ 2004માં પ્રતિવાદી પક્ષે નવેસરથી ખટલો ચલાવવાની અપીલ કરી હતી.
વકીલોએ સેમોર ટેન્કલેફના ભાગીદાર પર ફરી આળ મૂકતા ભૌતિક પુરાવા ઉપરાંત કમસે કમ 20 નવી જુબાની એકત્ર કરી હતી. તેમાં એક જુબાની ગ્લેન હેરિસની હતી.
તેમણે દાવો કર્યો હતો કે જો ક્રિડન અને પીટર કેન્ટ નામના બે હત્યારા તેમની કારમાં બેસીને ટેન્કલેફના ઘરે પહોંચ્યા હતા.
આમ છતાં પ્રતિવાદી પક્ષની અપીલ સ્વીકારવામાં આવી ન હતી. તેથી બચાવ પક્ષે આ કેસ અન્ય અદાલતમાં લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
બચાવ પક્ષના વકીલ બેરી પોલોકે કહ્યું હતું તેમ “હકીકત એ છે કે સફોટ કાઉન્ટીમાં મારા અસીલને ન્યાય મળશે નહીં.”
આ કેસની સમીક્ષા કરવામાં અને માર્ટી આ કેસમાં દોષિત હોવાના પુરાવા અપૂરતા હોવાને કારણે તેને થયેલી સજા રદ્દ કરવામાં બ્રૂકલીન અપીલ્સ કોર્ટે ત્રણ વર્ષનો સમય લીધો હતો.
માર્ટીના કહેવા મુજબ, મારી સાથે શું થઈ રહ્યું છે એ સમજતાં મને 24 કલાક લાગ્યા હતા.
“બીજા દિવસે સંત્રી અખબાર લાવ્યો હતો અને તેમાં પહેલા પાને મારો ફોટોગ્રાફ હતો. છેક ત્યારે મને સમજાયું હતું કે મારી સાથે શું થયું છે. એ માટે હું લાંબા સમયથી મહેનત કરતો હતો. અખબારમાં સમાચાર વાંચ્યા પછી મને કેવી લાગણી થઈ હતી તે માત્ર હું જ સમજી શકું.”

ઇમેજ સ્રોત, Getty Images
માર્ટીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું અડધું જીવન જેલમાં અને અડધું મુક્તિના વાતાવરણમાં પસાર થઈ ગયું હતું. તેથી જ તેઓ જણાવે છે કે જેલમાંથી મુક્તિ મેળવ્યા બાદ તેમણે જે પગલાં ભર્યાં તે પ્રભાવશાળી હતાં.
માર્ટી કહે છે કે “અમે જેલમાંથી રવાના થતા હતા ત્યારે મેં મારી સાથેના લોકોને ધીમે-ધીમે ડગલાં ભરવા કહ્યું હતું. તેમણે તેનું કારણ પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું કે આ મુક્તિ પછીનાં મારાં પ્રથમ પગલાં છે અને હું તે ધીમે ડગલે આગળ વધવા ઇચ્છું છું.”
1990 અને 2007 દરમિયાન દુનિયા અને માર્ટીની આસપાસના લોકોનું જીવન બદલાઈ ગયું હતું.
માર્ટીએ 35 વર્ષની વય પછી કાયદાની ડિગ્રી મેળવી હતી અને ટેક્નોલૉજીનું પ્રભુત્વ ધરાવતી દુનિયા સાથે અનુકૂલન સાધવું પડ્યું હતું.
માર્ટી કહે છે કે “શું થયું હતું એ સ્વીકારવાનું બહુ મુશ્કેલ છે અને હું વકીલ બન્યો તેનું એક કારણ તે પણ છે. મને એ વાતનો રંજ છે કે ન્યાય-વ્યવસ્થાએ મને નિરાશ કર્યો છે. કેટલાક ચોક્કસ લોકોના હેતુપૂર્વકના વર્તનને કારણે મારે જેલમાં જવું પડ્યું તે વાતનો પણ મને રંજ છે, પરંતુ ઘણા લોકો સત્યથી વાકેફ છે અને તેનાથી હું રાહત અનુભવું છું.”














