અમેરિકા : અશ્વેતની એ હત્યા જેના કારણે રાષ્ટ્રપતિ બાઇડને પ્રદર્શનકારીઓને શાંતિની અપીલ કરવી પડી

ઇમેજ સ્રોત, MEMPHIS POLICE

- અમેરિકામાં પોલીસ દ્વારા અશ્વેત વ્યક્તિને માર મારી મૃત્યુ નિપજાવવાનો વીડિયો સામે આવ્યો હતો
- પોલીસકર્મીઓએ ટાયરી નિકોલ્સ નામની અશ્વેત વ્યક્તિ પર બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાનો આરોપ મૂકીને તેમને ગંભીર માર માર્યો હતો
- હવે આ સમગ્ર મામલો સામે આવતાં અમેરિકામાં ઠેરઠેર વિરોધપ્રદર્શન જોવા મળી રહ્યાં છે
- પ્રદર્શનકારીઓને શાંત પાડવા માટે અંતે રાષ્ટ્રપતિ બાઇડને શાંતિની અપીલ કરવી પડી છે
- આ સમગ્ર ઘટના કેવી રીતે સામે આવી, વાંચો બીબીસીના આ અહેવાલમાં.

અમેરિકામાં એક અશ્વેત શખ્સ ટાયરી નિકોલ્સની હત્યાને લઈને ચાલી રહેલા ભારે હોબાળા વચ્ચે પોલીસે એ ટ્રાફિક સ્ટોપના વીડિયો જોયા, જ્યાં નિકોલ્સનું મૃત્યુ થયું હતું.
ફૂટેજમાં મેમ્ફિસ પોલીસના પાંચ ઑફિસર ટાયરી નિકોલ્સને લાત મારતા જોવા મળી રહ્યા છે. સાથે ઈજાગ્રસ્ત નિકોલ્સ આજીજી કરતાં તેમની મા-મા પોકારી રહ્યા છે.
7 જાન્યુઆરીએ નિકોલ્સને માર મારનારા પોલીસકર્મીઓની ધરપકડ બાદ મળેલા આ વીડિયોમાં ત્રણ મિનિટ સુધી ઑફિસરો નિકોલ્સને માર મારતાં જોવા મળી રહ્યા હતા.
આ દરમિયાન મેમ્ફિસ અને ન્યૂયોર્ક સહિત ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં છે.
નિકોલ્સના વકીલોએ 1991માં થયેલી આવી જ એક ઘટના સાથે આ ઘટનાની સરખામણી કરી છે, જ્યારે લૉસ એન્જલસમાં પોલીસે દારૂનું સેવન કરીને કાર ચલાવી રહેલ ડ્રાઇવર રોડની કિંગ્સને મારી નાખ્યા હતા.
નિકોલ્સ પર પણ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા માર માર્યાના ત્રણ દિવસ બાદ નિકોલ્સનું મૃત્યુ થયું હતું.

ઇમેજ સ્રોત, Reuters
નિકોલ્સના મૃત્યુ બાદ પ્રદર્શનો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
તેઓએ કહ્યું હતું કે, “તમારામાંથી ઘણા લોકોની જેમ હું પણ આ ભયાનક વીડિયો જોઈને ઘણો ગુસ્સે થયો છું. હું આ ઘટનાના કારણે દુ:ખી છું અને મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે, નિકોલ્સને બેદરકારીથી ડ્રાઇવિંગ કરવાના આરોપમાં રોકવામાં આવ્યા હતા. પરંતુ તેમની પર લાગેલો બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાનો આરોપ સાબિત થઈ શક્યો ન હતો.
તેમ છતાં પોલીસકર્મીઓએ તેમને માર માર્યા હતા. ગંભીર રીતે માર માર્યાના કારણે ત્રણ દિવસ બાદ 10 જાન્યુઆરીએ નિકોલ્સનું હૉસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું. નિકોલ્સ અશ્વેત હતા અને તેમને મારનારા પાંચેય આરોપી પણ અશ્વેત છે.

શું જોવા મળ્યું વીડિયોમાં?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીડિયોની પ્રથમ ક્લિપમાં પોલીસકર્મીઓ નિકોલ્સને ગાડીમાંથી પરાણે વાહનમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં તેઓ નિકોલ્સને ખરાબ રીતે ગુસ્સે થઈને બૂમો પાડી રહ્યા છે.
વીડિયોમાં નિકોલ્સ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે તેમણે કંઈ જ કર્યું નથી, પરંતુ પોલીસકર્મીઓ તેમને જમીન પર સૂવા માટે કહી રહ્યા છે.
મેમ્ફિસ પોલીસે એ ટ્રાફિક સ્ટોપના ચાર ગ્રાફિક વીડિયો જાહેર કર્યા છે. પોલીસનું કહેવું છે કે, તેમની પાસે એક ક્લાકના ફૂટેજ છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક પોલીસ ઑફિસરે તેમની સાથે દુર્વ્યવહાર કરી જમીન પર સૂવાનું કહી રહ્યા છે, જ્યારે અન્ય એક ઑફિસર તેમને એ કહેતા જોવા મળી રહ્યા છે કે ‘તેને ગોળી મારો’.
સાથે અન્ય એક ઑફિસર નિકોલ્સને તેમના હાથ પીઠ પાછળ લઈ જઈને બાંધવા માટે કહી રહ્યા છે. તેના થોડા સમય બાદ એક ઑફિસર નિકોલ્સ પર ગોળીબાર કરે છે, ત્યાંથી તેઓ કોઈક રીતે ભાગતા જોવા મળી રહ્યા છે.
ત્યાં એક યુટિલિટી પોલ પર લાગેલા કૅમેરામાં રેકૉર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નિકોલ્સને રહેણાક વિસ્તારમાં કેટલાક પોલીસકર્મી મારી રહ્યા છે. બે પોલીસકર્મીઓએ નિકોલ્સને જમીન પર દબાવી રાખ્યા છે, અન્ય એક શખ્સ તેમને ડંડાથી મારી રહ્યા છે. લાતો મારીને તેમની સાથે મારપીટ કરવામાં આવી રહી છે.
તેઓ તેમને ખેંચીને લાવે છે અને કારમાંથી બહાર કાઢીને બેસાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, MPD
પોલીસના બૉડી કૅમેરાથી બનેલા ત્રીજા અને ચોથા વીડિયોમાં નિકોલ્સ નીચે ઝૂકેલા જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓએ તેમની આંખોમાં પેપર-સ્પ્રે નાખીને માર મારી રહ્યા છે, જ્યારે નિકોલ્સ આજીજી કરીને તેમની માતાને બોલાવી રહ્યા છે.
વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મીઓ આ ઘટના અંગે લોકોને કેવી રીતે જણાવવું તેની અંદરોઅંદર વાત પણ કરી રહ્યા છે.
પોલીસકર્મીઓમાંથી કેટલાકનું કહેવું છે કે નિકોલ્સ તેમની બંદૂક છોડાવવા માટે ઝપાઝપી કરી રહ્યા હતા, પરંતુ જે વીડિયો જારી કરવામાં આવ્યા છે, તેના દ્વારા આ આરોપ સાબિત થઈ નથી રહ્યો.
ઑફિસરો એવું પણ કહેતા જોવા મળી રહ્યા છે કે તેમને કારમાંથી કંઈ જ મળ્યું નથી.

કોણ હતા નિકોલ્સ?

ઇમેજ સ્રોત, Getty Images
નિકોલ્સનાં માતાએ જણાવ્યું કે રો વૉગન વેલ્સે કહ્યું છે કે જે સમયે તેમના પુત્રને ગોળી મારવામાં આવી, એ સમયે તેઓ ઘરથી માત્ર 70 મિટર દૂર હતા.
નિકોલ્સના પરિવારની માહિતી આપનારે કહ્યું કે, તેમનો ચાર વર્ષનો એક દીકરો છે. તેઓ સ્કેટબોર્ડમાં ખૂબ રસ ધરાવતા હતા અને તાજેતરમાં જ એક ફોટોગ્રાફીના ક્લાસમાં જોડાયા હતા. નિકોલ્સ ફેડેક્સ પાર્સલ ડિલિવરી કંપનીમાં કામ કરતા હતા.
નિકોલ્સના એક વકીલ એન્ટોનિયો રોમનુચ્ચીએ કહ્યું કે, “કાયદાની રીતે જોઈએ તો આ યુવા શખ્સ (નિકોલ્સ) ‘આતંકિત’ કરાયા.”
આ મામલાના તમામ પાંચ આરોપી પોલીસકર્મીઓ-ટેડેરિયસ બીન, દિમિત્રિયસ હેલી, ડેસમંડ મિલ્સ જુનિયર, એમિટ માર્ટિન તૃતીય અને જસ્ટિનને આ અઠવાડિયે બરખાસ્ત કરવામાં આવ્યા છે. આ તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પર હત્યા સહિતના ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે.
મેમ્ફિસનાં પોલીસ નિદેશિકા સેલેરિન ડેવિસે આને “જઘન્ય, બેદરકાર અને અમાનવીય ઘટના ગણાવી છે."
આ ઘટનાના વિરોધમાં શુક્રવારે ન્યૂયોર્ક, વૉશિંગ્ટન, શિકાગો, બૉસ્ટન, ડેટ્રૉઇટ, ડલાસ, ફિલાડલ્ફિયા, સેન ફ્રાન્સિસ્કો, સેન ડિયેગો, એટલાન્ટા, પોર્ટલૅન્ડ અને ઓરેગનમાં પ્રદર્શનની યોજના બનાવવામાં આવી હતી.














