Dhanteras 2022 : એવું સોનું જે પહેરી નથી શકાતું પણ કિંમત હંમેશાં ઘરેણાંથી સસ્તી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અહમિન ખાવાજા
- પદ, બીબીસી ન્યૂઝ
પ્રકાશના પર્વ દિવાળીનો આરંભ થઈ ગયો છે. ગુજરાતમાં અને દેશનાં ઘણાં રાજ્યોમાં ધનતેરસના દિવસે લોકો ધનલક્ષ્મીનું પૂજન કરે છે અને કેટલાક લોકો આ નિમિત્તે સોનું અથવા તેના દાગીના પણ ખરીદે છે.
જોકે હવે લોકો 'ડિજટલ ગોલ્ડ' તરફ પણ વળ્યા છે, પણ આ ડિજિટલ ગોલ્ડ શું છે અને ગુજરાત તથા દેશમાં એક મોટો વર્ગ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા તરફ કેમ આકર્ષાઈ રહ્યો છે?
દિવાળીની ઉજવણી પરંપરાગત રીતે સદીઓથી થઈ રહી છે.
ભારતમાં સોનાનો ઉદ્યોગ ઘણો મોટો છે. ગોલ્ડના દુનિયાનાં સૌથી મોટાં બજારોમાં ભારતનો સમાવેશ થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અંદાજ અનુસાર, 2017માં ભારતમાં સોનાની કુલ માગ 727 ટન હતી.
ઘણા ભારતીયો ઝવેરીઓ પાસેથી સોનાની સીધી ખરીદી કરે છે, ત્યારે ટ્રૅન્ડ સૂચવે છે કે યુવાવર્ગ વધારેને વધારે પ્રમાણમાં ડિજિટલ ગોલ્ડ ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યો છે.

ડિજિટલ ગોલ્ડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડિજિટલ ગોલ્ડ એટલે કે વર્ચ્યુઅલ સોનું, આ સોનું મૂર્ત સ્વરૂપે હોતું નથી. આ સોનામા રોકાણ કરવાની એક પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં સોનાને તમે ઓનલાઇન ખરીદી શકો છો અને ખરીદનાર ગ્રાહક વતી સોનું વેચનારની તિજોરીમાં સલામત રહે છે.
ગોલ્ડની ફિઝિકલ ખરીદીની માફક ડિજિટલ ગોલ્ડની ખરીદી પર પણ ત્રણ ટકા લેખે ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ એટલે કે GST ચૂકવવો પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિજિટલ ગોલ્ડની શુદ્ધતા ખાતરીબંધ હોય છે, કારણ કે તે 24 કૅરેટના સ્વરૂપમાં જ વેચવામાં આવે છે, જે આ ધાતુની શુદ્ધતાનો સર્વોચ્ચ માપદંડ છે.

ડિજિટલ ગોલ્ડમાં કોણ રોકાણ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
નવી દિલ્હીસ્થિત કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની ઍક્સિસ માય ઇન્ડિયા દ્વારા તાજેતરમાં 5,300 લોકો પર સર્વેક્ષણ કરાયો હતો. આ 5,300 લોકો પૈકી 18થી 24 વર્ષની વયના 15 ટકા લોકોએ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા ઉત્સુકતા બતાવી હતી.
'ઇન્ડિયા ઇન્વેસ્ટમૅન્ટ બિહેવિયર' શીર્ષક હેઠળ કરાયેલા અભ્યાસમાં ડિજિટલ ગોલ્ડ સહિતનાં રોકાણનાં વિવિધ સાધનોના આધારે ગ્રાહકોના વલણનો તાગ મેળવવામાં આવ્યો હતો.
સર્વેક્ષણના તારણ અનુસાર પ્રતિસાદ આપનાર લોકો પૈકી 25 ટકા લોકોને ડિજિટલ ગોલ્ડ વિશે માહિતી હતી અને 10 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી ચૂક્યા છે.
આ સંદર્ભે બીબીસી ગુજરાતીએ વરિષ્ઠ બિઝનેસ પત્રકાર મહેશ ત્રિવેદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "ગુજરાતની યુવા પેઢીમાં પણ આવું વલણ જોવા મળે છે અને તેઓ ડિજિટલ ગોલ્ડમાં વધારે રોકાણ કરે છે."

ડિજિટલ ગોલ્ડના રોકાણકારોમાં 55 ટકા પુરુષો

ઇમેજ સ્રોત, Getty Images
સર્વેક્ષણનું તારણ સૂચવે છે કે ડિજિટલ ગોલ્ડના રોકાણકારો પૈકી 55 ટકા પુરુષો છે.
સોનાનાં ઘરેણાં વિશે વાત કરીએ તો બજારમાં પુરુષો કરતાં મહિલાઓ માટે ઘરેણાંના વિકલ્પ વધારે હોય છે અને તેનું વેચાણ પણ વધારે થતું હોય છે. પણ ડિજિટલ ગોલ્ડના રોકાણકારોમાં પુરુષોની સંખ્યા વધારે છે.
એક ડિજિટલ ગોલ્ડ કંપનીએ મહિલા ગ્રાહકોને આકર્ષવા અનોખો ઉપાય કર્યો, આ કંપની ગ્રાહકોને તેમનું સોનું જરૂર હોય તેવા સોનીઓને ભાડે આપવા દે છે.
સેફગાર્ડ નામની એક ભારતીય કંપની તેના ડિજિટલ પ્લૅટફૉર્મ મારફતે ગ્રાહકોને નીચા ભાવે ગોલ્ડ ખરીદવાની તથા વેચાણની સવલત આપે છે.
કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર ગૌરવ માથુરે જણાવ્યું હતું કે તેમાં જોખમ છે, પરંતુ ગ્રાહકોને ઊંચું વળતર પણ મળે છે.
તેમણે કહ્યું હતું કે "જોખમ લેવા તૈયાર હોય તેવા ગ્રાહકોને અમે કેટલાક એના સોનીઓનું લિસ્ટ આપીએ છીએ, જેમને તેઓ તેમનું ગોલ્ડ ભાડેથી આપી શકે."
"અંતિમ નિર્ણય ગ્રાહકે લેવાનો હોય છે, પરંતુ તેમાં પાંચથી છ ટકા વળતર મળી શકે છે. ગ્રાહકોને આ ગમે છે, કારણકે આ નવીન પ્રોડક્ટ છે."
ગૌરવ માથુર કહે છે કે "લોકો તેમનું સોનું લૉકરમાં મૂકી રાખે છે અને તે એમને એમ પડ્યું રહે છે, પણ જેમનું સોનું લૉકરમાં પડ્યું હોય, એવા અઢીથી ત્રણ કરોડ ગ્રાહકો માટે તે વળતરદાયક રોકાણ બની શકે છે."
તેમના જણાવ્યા મુજબ, "ભારતમાં ગોલ્ડની વાર્ષિક અંદાજિત માગ 800થી 1000 ટનની હોય છે. હું માનું છું કે ગ્રાહકોનું વલણ નીચા ભાવે ખરીદીમાંથી ઊંચા ભાવે ફ્રિક્વન્ટ ટ્રેડિગમાં પરિવર્તિત થઈ રહ્યું છે."
"લોકો હવે લાંબા સમય માટે ગોલ્ડ હોલ્ડ કરી રહ્યા છે અથવા તો તેને જ્વેલરી માટે ઍક્સ્ચેન્જ કરી રહ્યા છે અથવા સારા વળતર માટે ભાડે આપી રહ્યા છે. મહિલાઓને આ બાબત આકર્ષક લાગે છે."

ડિજિટલ ગોલ્ડ પ્લૅટફૉર્મ શા માટે શરૂ કરાયું?
ગૌરવ માથુરે કહ્યું હતું કે "ભારતમાં ગોલ્ડનું જંગી માર્કેટ છે. ગોલ્ડનો ઉદ્યોગ 70થી 80 અબજ ડૉલરનો હશે."
આ પૈકીનો 80 ટકા ઉદ્યોગ અસંગઠિત ક્ષેત્રમાં છે. ઑર્ગેનાઇઝ્ડ રિટેલ ચેઇનનો હિસ્સો માર્કેટના સમગ્ર મૂલ્યના 20 ટકા જેટલો છે.
તેમણે જણાવ્યું હતું કે "ટેકનૉલૉજી વિકસી રહી છે, ત્યારે મને સમગ્ર પ્લૅટફૉર્મને સંગઠિત કરવાની અને તેને ઑનલાઇન લાવવાની તક દેખાઈ હતી. આ જંગી માર્કેટ છે અને હું લોકોને હાલ ઑફલાઇન ઉપલબ્ધ પ્રોડક્ટ્સ કરતાં થોડી બહેતર પ્રોડક્ટ આપવા ઇચ્છું છું."

ડિજિટલ ગોલ્ડમાં રોકાણનો ફાયદો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 2019ના અંદાજ મુજબ, ભારતીય ઘરોમાં આશરે 25,000 ટન સોનું સંઘરાયેલું છે. ચીન પછી ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે.
ડિજિટલ સોનાની ખરીદીમાં સ્ટોરેજને લગતી કોઈ સમસ્યા રહેતી નથી, કારણ કે ડિજિટલ ગોલ્ડ વીમાકૃત, સલામત બૅન્કોમાં રાખવામાં આવે છે. તેના માટે ગ્રાહકે વધારાના કોઈ પૈસા કે બૅન્ક લૉકરનું ભાડું પણ ચૂકવવું પડતું નથી.
નિષ્ણાતો જણાવે છે કે બૅન્કના લૉકરમાં ફિઝિકલ સ્વરૂપે રાખવામાં આવેલું સોનું વીમાકૃત હોવાથી તેમાં ભેળસેળનું જોખમ ઓછું હોય છે. અલબત, સ્ટોરેજની આ વ્યવસ્થા મર્યાદિત સમયગાળા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે.
ભારતીય ગ્રાહકો અલ્પ પ્રમાણમાં સોનાની ખરીદી કરવાની વ્યવસ્થાને લીધે પણ તેના પ્રત્યે આકર્ષાય છે. ફિઝિકલ ગોલ્ડથી વિપરીત ડિજિટલ ગોલ્ડમાં ગ્રાહક 0.1 ગ્રામ જેવા અલ્પ પ્રમાણમાં પણ ખરીદી કરીને તેના હોલ્ડિંગમાં તબક્કાવાર વધારો કરી શકે છે.
ફિઝિકલ ગોલ્ડ સાથે સંકળાયેલા હેન્ડલિંગ ખર્ચના સંદર્ભે આ બાબત અર્થહીન જણાય છે.
ડિજિટલ ગોલ્ડની ખરીદી અને વેચાણ કોઈ પણ સમયે, વાસ્તવિક બજારભાવે કરી શકાય છે. તમે વેચાણ કરવા ન ઇચ્છતા હોવ તો વેપારીઓ ડિજિટલ ગોલ્ડને કોઈ પણ સમયે ફિઝિકલ સિક્કાના સ્વરૂપે ઍક્સ્ચેન્જનો વિકલ્પ આપે છે.
મહેશ ત્રિવેદી કહે છે કે, "ડિજિટલ સોનાની ચોરી થવાનો પણ ભય રહેતો નથી અને તેની સુરક્ષા માટે પણ વધારાનો ખર્ચ કરવાનો રહેતો નથી."
તેઓ એવું પણ કહે છે કે "ડિજિટલ ગોલ્ડની કેટલીક સરકારી સ્કીમમાં સારું વ્યાજ પણ મળી રહે છે."

ડિજિટલ ગોલ્ડ સાથે સંકળાયેલાં જોખમો

ઇમેજ સ્રોત, Getty Images
ડિજિટલ ગોલ્ડમાં રોકાણ સંબંધે મોટી સમસ્યા એ છે કે તેના પર કોઈનું નિયંત્રણ નથી. ડિજિટલ ગોલ્ડના વ્યવહારો પર નજર રાખી શકે તેવી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા કે સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા જેવી સરકાર સંચાલિત કોઈ સંસ્થા નથી.
ગૌરવ માથુરે કહ્યું હતું કે "પ્રમાણિકતાપૂર્વક કહું છું કે આ બાબતે અમે વિશ્વની દરેક નિયમનકારી સંસ્થાને વિનંતી કરી છે. અમે નાણાકીય ક્ષેત્રના તમામ નિયામકોને, નાણાં મંત્રાલયને પાંચસો પાનાના દસ્તાવેજો સુપરત કર્યા છે. આ ઉદ્યોગનું કદ વિકસે એ માટે નીતિ-નિયમો ઘડવા જરૂરી છે."
તેમણે ઉમેર્યું હતું કે "સોનાના સંદર્ભમાં બે કારણસર નિયમોની જરૂર છે. એક ગોલ્ડ દરેક દેશ માટે આયાતની એક મોટી આઇટમ છે."
"જેને સોનાનું વેચાણ વધારવા માટે હેતુસર ગણવામાં આવે છે અને તે દેશ માટે આર્થિક રીતે ફાયદાકારક નથી."
"બીજું, આ અત્યંત સંવેદનશીલ ક્ષેત્ર છે. ભારતનો સોનાના ઉદ્યોગનો એક મોટો હિસ્સો એવો છે, જેમાં ઔપચારિક વ્યવસ્થાની બહાર, ટૅક્સ ચૂકવ્યા વિના ખરીદ-વેચાણના વ્યવહારો કરવામાં આવે છે."
"આ સંદર્ભે હું એવી દલીલ કરી શકું કે વધારે લોકો ડિજિટલ ગોલ્ડ ખરીદતા થશે તો ઔપચારિક વ્યવસ્થા બહાર જે ગડબડ ચાલે છે, તેની મહદંશે સફાઈ કરી શકાશે તેમજ અમે જે ઑફર કરીએ છીએ તેવી ગોલ્ડ લીઝિંગ પ્રોડક્ટ મારફતે સોનાની આયાત પણ ઘટાડી શકાશે."
"અમે ગોલ્ડનો ઉપલબ્ધ જથ્થો ફરી સિસ્ટમમાં જ મૂકતાં હોવાથી આયાતમાં ઘટાડો થશે."
તેમના જણાવ્યા મુજબ, "ડિજિટલ ગોલ્ડનું માર્કેટ અત્યારે નાનું અને પાંચ ટકાથી પણ ઓછું છે. ડિજિટલ ગોલ્ડની માગ દસ ટકાથી વધુ થશે ત્યારે તેની નોંધ નિયમનકર્તાઓ લેશે, એવું મને લાગે છે."
ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડનાં જે સર્ટિફિકેટ્સ આપવામાં આવે છે તે ગોલ્ડના ફિઝિકલ જથ્થા પર આધારિત હોય છે કે નહીં તે ચકાસવાની હાલ કોઈ વ્યવસ્થા નથી. નિયમનકારોના ખચકાટનું એક કારણ આ પણ હોવાનું માનવામાં આવે છે.
નિયમનકર્તાઓ એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે ડિજિટલ ગોલ્ડ ટ્રેડિંગ માત્ર કાગળિયાં પર આધારિત નથી, પણ ગોલ્ડના ફિઝિકલ જથ્થા પર પણ આધારિત હોય છે.
ડિજિટલ ગોલ્ડ ટ્રેડિંગ માત્ર કાગળિયાં પર આધારિત હોય તો રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે.
ભારતમાં ડિજિટલ ગોલ્ડ, સિક્યૉરિટીઝ કૉન્ટ્રેક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ-1956ની જામીનગીરીની વ્યાખ્યા હેઠળ પણ આવતું નથી.
ઍક્સ્ચેન્જોએ શૅરદલાલોને ડિજિટલ ગોલ્ડનું વેચાણ બંધ કરવાનો આદેશ ઑગસ્ટ, 2021માં આપ્યો હતો. તેથી શૅરદલાલોએ ડિજિટલ ગોલ્ડનું વેચાણ બંધ કરી દીધું છે, પણ મોબાઇલ વોલેટ્સ અને ઇન્વેસ્ટમૅન્ટ પ્લૅટફૉર્મ તે બેધડક કરી રહ્યાં છે.
જોકે આની સામે મહેશ ત્રિવેદી એક વિકલ્પ સૂચવે છે, તેઓ કહે છે કે "આનો એક રસ્તો એવો છે કે ડિજિટલ ગોલ્ડની સરકારી સ્કીમમાં રોકાણ કરવું જોઈએ, જે સરકારી નિયમોને આધીન છે."

ઘરેણાંના ઘડામણનો ખર્ચ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક જ્વેલર્સ તેમના ગ્રાહકોને જરૂર હોય તો, ડિજિટલ ગોલ્ડ હોલ્ડિંગને વાસ્તવિક ઘરેણાંમાં પરિવર્તિત કરવાની સુવિધા આપે છે, પરંતુ તેના ભાવમાં કાયમ ફરક રહે છે.
ડિજિટલ ગોલ્ડના ભાવ સોનાનાં ઘરેણાં કરતાં કાયમ ઓછા હોય છે. વળી ઍક્સ્ચેન્જ વખતે ગ્રાહકોએ ટૅક્સના સ્વરૂપમાં વધારે પૈસા ચૂકવવા પડે તે શક્ય છે. જીએસટી બે વખત વસૂલવામાં આવે છે.
પહેલી વખત ડિજિટલ ગોલ્ડ ગ્રાહકને વેચવામાં આવે ત્યારે અને બીજી વખત ફિનિશ્ડ જ્વેલરીની ફાઇનલ કિંમત પર વસૂલવામાં આવે છે.
ડિજિટલ ગોલ્ડ સ્વરૂપે વેચવામાં આવતું પ્રત્યેક ગ્રામ સોનું સલામત વોલ્ટમાં રાખવાની ખાતરી વેપારીઓ આપે છે, પરંતુ પોતાનું સોનું વાસ્તવમાં વોલ્ટમાં છે કે નહીં તેની ચકાસણી ગ્રાહકો કરી શકતા નથી.
કોવિડ-19 મહામારી પછી સમગ્ર વિશ્વ ઊંચા જીવનનિર્વાહ ખર્ચ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સોનાની ચમક રોકાણકારોને ફરી આકર્ષી રહી છે અને સોનાની આયાતમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 677 ટકાનો વધારો થયો છે.
(અહમિન ખાવાજાના મૂળ અહેવાલમાં કેટલાક ઇનપુટ્સ બીબીસી ગુજરાતી તરફથી ઉમેર્યા છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
















