You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ : 12 વર્ષની ઉંમરે બળાત્કાર, દીકરાની જીદ પર 28 વર્ષે જાગી ન્યાયની આશા
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા, લખનઉથી
28 વર્ષ પહેલાં એક છોકરી સાથે છ મહિના સુધી મોહલ્લાના બે લોકોએ સતત બળાત્કાર કર્યો હતો. ત્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી. તેઓ ગર્ભવતી થયાં અને તેમણે એક દીકરાને જન્મ આપ્યો.
દીકરાનો જન્મ થયા બાદ તેમના જીવનમાં ઘણા કપરા વળાંક આવ્યા. સમાજે પણ તેમને સહારો આપ્યો ન હતો.
પરંતુ જ્યારે તેમનો દીકરો 13 વર્ષનો થયો ત્યારે તેમણે માતાને પૂછ્યું - 'મારા પિતા કોણ છે?'
દીકરાની જીદનું પરિણામ એ આવ્યું કે હવે 28 વર્ષ બાદ તેમનાં માતાના બળાત્કારીઓની ઓળખ અને ધરપકડ શરૂ થઈ છે.
આવો જાણીએ, એક મા-દીકરાની સમાજ અને કાયદા સામે સંઘર્ષની કહાણી અને કેવી રીતે લડી રહ્યાં છે તેઓ ન્યાયની લડાઈ?
સગીરા સાથે છ મહિના સુધી સતત બળાત્કાર
28 વર્ષ જૂની આ દર્દનાક ઘટના વિશે જાણવા માટે બીબીસીએ રેપ સર્વાઇવર સાથે તેમના ઘરે મુલાકાત કરી. એક સાધારણ ભાડાના મકાનમાં તેઓ પોતાના બે દીકરા અને એક વહુ સાથે રહે છે.
1994માં તેઓ માત્ર 12 વર્ષનાં હતાં જ્યારે 'છ મહિના સુધી બળાત્કારનો સિલસિલો ચાલ્યો હતો. તેમને (આરોપી નકી અને રઝીને) જ્યારે પણ સમય મળતો હતો તેઓ બાઉન્ડરી કુદીને આવી જતા હતા. મને ખબર ન હતી કે આ બધું શું અને શા માટે થઈ રહ્યું છે.'
પરંતુ જ્યારે તેમની તબિયત ખરાબ થવા લાગી તો તેમનાં બહેન તેમને ડૉક્ટર પાસે લઈ ગયાં. ચેકઅપમાં જાણવા મળ્યું કે તેઓ ગર્ભવતી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "ડૉક્ટરે પૂછ્યું કે મારી સાથે આવું કોણ કર્યું. મેં કહ્યું કે નામ તો નથી જાણતી પરંતુ બે લોકો આવે છે અને તેઓ મારી સાથે આવું કરે છે. દીદીએ કહ્યું કે ગર્ભપાત કરાવી લઈએ છીએ. પરંતુ ગર્ભપાત થઈ શકતો ન હતો, કેમ કે મારી ઉંમર ખૂબ નાની હતી. તેમણે કહ્યું કે આ ગર્ભપાત થઈ શકે તેમ નથી. બાળકી ખતમ થઈ જશે."
રેપ સર્વાઈવર અને તેમના પરિવારે આ જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ 27 વર્ષ સુધી તેઓ દહેશતમાં જીવી રહ્યાં હતાં.
નાની ઉંમરે જ...
તેઓ કહે છે, "તેમણે જે બીક મારા મનમાં બેસાડી હતી, જે મારપીટ કરી હતી, ધમકી આપી હતી, તેમણે એટલી ધાક બેસાડી હતી કે હું આટલાં વર્ષો બાદ શાહજહાંપુર જવા જ માગતી ન હતી. હું ડરેલી હતી, કેમ કે તેમણે મારાં બહેન, જીજાજી અને પરિવારને મારવાની ધમકી આપેલી હતી."
"તેમણે ધમકી આપી કે જો તે તારું મોઢું ખોલ્યું તો ખબર પણ નહીં પડે અને આખા ઘરમાં આગ લગાવી દઈશું. સળગીને બધા મરી જશે. નાની ઉંમરે કોઈ બાળકના મનમાં આવો ડર બેસાડી દે તો બાળક તો એ જ કરશે ને? એ લોકો એટલું ડરાવી દેતા હતા કે જો તારી જીભ ખૂલી તો તને અહીં જ ઠોકી દઈશું. તેઓ દેશી કટ્ટો લઈને ફરતા હતા."
તેઓ કહે છે કે તેમનું સપનું પોલીસમાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું. પરંતુ મહિનાઓ સુધી ચાલેલી બળાત્કારની ઘટના બાદ તેમનું સપનું માત્ર સપનું જ રહી ગયું.
તેઓ કહે છે, "હું ડરેલી, નાની એવી, દુબળી-પાતળી હતી. સાતમા ધોરણમાં ભણતી હતી. જ્યારે હું શાહજહાંપુર મારાં બહેન સાથે રહેવાં ગઈ તો મારાં ઘણાં સપનાં હતાં. મારું સપનું હતું કે હું મોટી થઈને પોલીસમાં ભરતી થઈશ અને દેશની સેવા કરીશ. પરંતુ એ બે લોકોના કારણે અમારાં બધાં સપનાં ખતમ થઈ ગયાં. મારી સ્કૂલ છૂટી ગઈ. હું ભણી ન શકી."
ભયનો માહોલ
તેઓ જણાવે છે કે ભયના આ માહોલથી બચવા માટે તેઓ તેમનાં બહેન અને જીજાજી સાથે રામપુરમાં વસી ગયાં. રામપુરમાં જ 13 વર્ષની ઉંમરે તેમણે એક દીકરાને જન્મ આપ્યો.
તેઓ કહે છે, "જે બાળક માટે મેં આટલી તકલીફ ઉઠાવી હતી, આટલું દુષ્કર્મ સહન કર્યું, મેં તેનું મોઢું પણ નથી જોયું. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં પૂછ્યું કે મારું બાળક ક્યાં છે તો મમ્મીએ કહ્યું કે હવે તે તને જીવનમાં ક્યારેય નહીં મળે."
પછી વર્ષ 2000માં નવો વળાંક આવ્યો. તેમનાં લગ્ન થયાં જેનાથી તેમને એક દીકરો થયો. તેઓ જણાવે છે, "લગ્ન બાદ હું સાસરે ગઈ. મારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું હતું. હું એ ઘટનાને સંપૂર્ણપણે ભૂલવા માગતી હતી. હું ઇચ્છતી ન હતી કે જે મારી સાથે થયું, તે મારી સામે ફરી આવે."
પરંતુ લગ્નનાં છ વર્ષ બાદ તેમની સાથે ઘટેલી એક ઘટનાએ ફરી તેમના જીવનને ઝટકો આપ્યો.
તેઓ જણાવે છે, "ખબર નહીં મારા પતિને કેવી રીતે ખબર પડી કે મારી સાથે આવું કંઈક થયું છે. તેમને બધો આરોપ મારા પર નાખીને મારી સાથે લડાઈ ઝઘડો શરૂ કરી દીધો. મારી એક વાત પણ ન સાંભળી. પછી એક દિવસ મને ઘરમાંથી કાઢી મૂકી અને હું મારા બીજા બાળકને લઈને મારી બહેન પાસે પરત આવી ગઈ."
13 વર્ષ બાદ ફરી મળ્યાં મા-દીકરા
આ વચ્ચે તેમના પહેલા દીકરાને એક પરિવારે દત્તક લીધો હતો. પરંતુ કોઈ રીતે એ વાત બહાર આવી કે તે પોતાના દત્તક માતાપિતાનો દીકરો નથી.
તેઓ પોતાના દીકરા વિશે કહે છે, "તેને ગામમાં લોકો કહેતા હતા કે જેને તું મમ્મી કહે છે, પપ્પા કહે છે, તે તારા નથી. તેમને ખબર પડી કે આ કયા પ્રકારનો કેસ છે. કોઈ મુસ્લિમનું બાળક છે તો એ લોકો પણ દુર્વ્યવ્હાર કરવા લાગ્યા કે ખબર નહીં કોનું લોહી છે."
અને પછી એક દિવસ 13 વર્ષ બાદ હૉસ્પિટલમાં અલગ કરવામાં આવેલાં મા-દીકરાનું ફરી મિલન થયું.
બાળકને દત્તક લેનારા પરિવારે તેને તેમનાં માતાને પરત સોંપી દીધું.
એ ક્ષણને યાદ કરતાં તેઓ કહે છે, "જ્યારે મારો દીકરો મારી પાસે પરત આવ્યો ત્યારે મેં તેને પહેલી વખત જોયો. તે મારી સાથે રહેવા લાગ્યો."
'ખૂબ તણાવમાં રહેતો હતો'
માતાને મળ્યા બાદ પણ દીકરો ઉદાસ અને ચિંતામાં રહેતો હતો.
તેઓ કહે છે, "એ નાનો એવો બાળક ખૂબ ઉદાસ રહેતો. તે સ્કૂલે જતો ન હતો, કેમ કે સ્કૂલમાં બાળકો તેને ચીઢવતા હતા. જેમને અમે બાળકને દત્તક આપ્યું હતું, તેઓ પિતાનું નામ આપવા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે હું મારું નામ શા માટે આપું. તેમણે પોતાનું નામ ન આપ્યું. તેનું એડમિશન થતું તો કહેતા કે પિતાનું નામ જણાવો. અમે જણાવી શકતા નથી કે કેટલા સંઘર્ષ અને બદનામીનું જીવન જીવ્યા છીએ અમે બંને."
દીકરો જાણવા માગતો હતો કે તેના પિતા કોણ છે.
તેઓ જણાવે છે, "તે કહે છે, હું આ રીતે આવ્યો છું આ દુનિયામાં? જબરદસ્તી લાવવામાં આવ્યો છું? ન મારા કોઈ પિતા છે, ન મારી કોઈ ઓળખ છે. આવી ઓળખનું હું શું કરીશ? મા-દીકરા માટે સમાજમાં ઊઠવું-બેસવું અઘરું બની ગયું હતું."
સંક્ષિપ્તમાં: ઉત્તર પ્રદેશ : 12 વર્ષની ઉંમરે બળાત્કાર, દીકરાની જીદ પર 28 વર્ષે જાગી ન્યાયની આશા
- દીકરો 13 વર્ષનો થયો ત્યારે તેમણે માતાને પૂછ્યું - 'મારા પિતા કોણ છે?'
- દીકરાની જીદના પરિણામે 28 વર્ષ બાદ તેમનાં માતાના બળાત્કારીઓની ઓળખ અને ધરપકડ શરૂ થઈ છે
- 1994માં તેઓ માત્ર 12 વર્ષનાં હતાં જ્યારે 'છ મહિના સુધી બળાત્કારનો સિલસિલો ચાલ્યો હતો
- ચેકઅપમાં જાણવા મળ્યું કે તેઓ ગર્ભવતી છે
- રામપુરમાં જ 13 વર્ષની ઉંમરે તેમણે એક દીકરાને જન્મ આપ્યો
- પછી વર્ષ 2000માં તેમનાં લગ્ન થયાં જેનાથી તેમને એક દીકરો થયો
- પરંતુ લગ્નનાં છ વર્ષ બાદ તેમના પતિને બળાત્કારની ઘટનાની ખબર પડી અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા
- દરમિયાન પહેલા દીકરાને એક પરિવારે દત્તક લીધો હતો
- 13 વર્ષ બાદ હૉસ્પિટલમાં અલગ કરવામાં આવેલા મા-દીકરાનું ફરી મિલન થયું
- બાળકને દત્તક લેનારા પરિવારે તેને તેની માતાને પરત સોંપી દીધું
- દીકરો જાણવા માગતો હતો કે તેના પિતા કોણ છે
- એ એટલો ઉદાસ થઈ ગયો કે તેણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો
- જ્યારે તેઓ 2020માં શાહજહાંપુર પહોંચ્યાં તો તેમને એ ખબર ન હતી કે એક નવા કાયદાકીય સંઘર્ષની શરૂઆત થવા જઈ રહી છે
દીકરાના સવાલ
દીકરો પોતાના પિતા અને પોતાના અસ્તિત્વને લઈને પોતાની માતાને સતત સવાલ કરતો હતો.
દીકરા સાથે થતી તકરાર વિશે તેઓ જણાવે છે, "એક દીકરો પોતાની માતાને કહેતો હતો, સૌના પિતા છે, તે મારા પિતા નથી, તે મારી મા નથી. તમે મારી મા છો. તમે મને બસ એ જણાવી દો કે મારા નામ આગળ સરનેમ શું લાગશે?"
તેઓ કહે છે કે એ એટલો ઉદાસ થઈ ગયો કે તેણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો.
તેઓ કહે છે, "નાનપણમાં તો હું તેને વઢતી. પરંતુ ધીમે-ધીમે જ્યારે તે મોટો થતો ગયો તો તે તણાવગ્રસ્ત થવા લાગ્યો. કહેતો હતો કે આ બેનામ જીવન હું નથી જીવી શકતો. હું આત્મહત્યા કરી લઈશ. તમે મને સ્પષ્ટ જણાવો કે વાત શું છે. જ્યારે તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા લાગ્યો, ત્યારે અમે તેમને બચાવ્યો, સમજાવ્યો અને આખી ઘટના વિશે જણાવ્યું."
બધું જાણ્યા બાદ દીકરાએ કહ્યું, "તમારી ભૂલ ક્યાં છે? મારી ભૂલ ક્યાં છે? તમે તમારી સજા કાપી લીધી. તમે આટલાં વર્ષોથી આ કલંક સાથે જીવી રહ્યાં છો. મારું જીવન પણ તમે તબાહ થઈ ગયું. જેમણે કર્યું, સજા પણ તેમને પહેલા મળવી જોઈએ. આપણે કેમ દુનિયાથી આ રીતે અલગ રહીએ?"
દીકરા પાસેથી મળ્યું પ્રોત્સાહન
તેઓ કહે છે, "દીકરાએ મને કહ્યું કે મમ્મી ભલે ગમે તે થાય આપણે આ લડાઈ લડવાની જ છે અને મારે તેમને પાઠ ભણાવવો જ છે. તેમણે કહ્યું કે એવું બની શકે છે કે તેણે બીજા કોઈ સાથે પણ આવું કર્યું હોય. જો તમે સામે આવશો તો બની શકે કે બીજા લોકો પણ સામે આવે. તેનાથી આપણો કેસ મજબૂત થશે અને તેમને સજા મળશે. સમાજમાં એક સંદેશ જશે કે ગુનો કર્યા બાદ કોઈ પણ બચી શકતું નથી."
દીકરા પાસેથી પ્રોત્સાહન મળ્યા બાદ તેમણે વર્ષ 2020થી શાહજહાંપુર જવાનું શરૂ કર્યું. પરંતુ પરત ફરવું તેમના માટે સહેલું ન હતું.
તેઓ કહે છે, "હું 20-25 વર્ષ બાદ શાહજહાંપુર ગઈ હતી પોતાનો રિપોર્ટ લખાવા અને એ પણ ડરતા ડરતા. મને લાગી રહ્યું હતું કે ક્યાંક તેઓ ફરી અમને જોઈ ન લે અને ફરી એવું કંઈક ન કરે."
જ્યારે તેઓ 2020માં શાહજહાંપુર પહોંચ્યાં તો તેમને એ ખબર ન હતી કે એક નવા કાયદાકીય સંઘર્ષની શરૂઆત થવા જઈ રહી છે.
તેઓ કહે છે, "FIR કરાવવા ખૂબ પ્રયાસ કર્યો. સીધા સ્ટેશનથી તો ન થઈ."
જ્યારે તેઓ કોર્ટમાં જવા માટે વકીલને મળ્યાં તો વકીલે કહ્યું કે આટલો જૂનો કેસ છે. કેવી રીતે શોધશો અને કેવી રીતે સાબિત કરશો કે તમે એ વર્ષે ત્યાં રહેતાં હતાં.
"જે ઘરમાં હું રહેતી હતી, એ મને મળી રહ્યું ન હતું. તેને હું શોધી શકતી ન હતી."
કેસ નોંધાવવો સહેલો ન હતો
"આરોપીઓ વિશે પણ જાણવા મળતું ન હતું. બધું બદલાઈ ગયું હતું. જ્યારે અમે એફઆઈઆર નોંધાવવા માટે વારંવાર જતા, વારંવાર પરત આવતા તો વકીલસાહેબ કહેતા હતા કે મેડમ આમાં કંઈ નથી. પરત જતા રહો. પરંતુ મેં કહ્યું કે મારા પગ આગળ વધી ચૂક્યા છે અને હવે હું ન્યાય લઈને જ જંપીશ."
તેમણે વકીલને કહ્યું, "તમને પુરાવા અમે લાવીને આપીશું. તમે અમારો કેસ લઈ લો."
પછી તેમણે કોર્ટમાં અરજી નાખી અને શાહજહાંપુરના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટના આદેશ પર માર્ચ 2021માં શહેરના પોલીસ સ્ટેશન સદરબજારમાં કેસ નોંધાયો જેમાં બે લોકો હસન ઉર્ફે બ્લેડી ડ્રાઇવર અને તેના ભાઈ ગુડ્ડુને આરોપી બનાવવામાં આવ્યા.
પરંતુ તે છતાં 28 વર્ષ જૂના કેસમાં નવેસરથી તપાસ શરૂ કરવી સહેલી ન હતી.
તેઓ જણાવે છે, "પોલીસવાળાએ અમને કહ્યું કે તમે આરોપીઓને શોધીને લાવો. તો અમે જાતે તપાસ કરવા ગયા. મેં તેને શોધ્યો અને તેની સાથે મારી ફોન પર વાત પણ થઈ. તેણે મને ઓળખી પણ લીધી. તેણે કહ્યું કે તું જ બોલી રહી છે ને. મેં કહ્યું હું જ બોલી રહી છું. બંને ભાઈઓ સાથે મારી વાત થઈ. બોલવા લાગ્યા કે તુ હજી જીવતી છો? મરી નથી? મેં કહ્યું કે હજુ હું મરી નથી, તારા મરવાનો વારો છે."
કેસને લઈને તેઓ કહે છે, "સત્ય ક્યારેય છુપાઈ શકતું નથી. જે સત્ય છે તે સામે આવીને જ રહેશે અને એ જ રીતે આજે હું અહીં સુધી પહોંચી છું."
ડીએનએની તપાસથી પકડાયો આરોપી
પોલીસ અને પીડિતાએ આરોપીઓને શોધી કાઢ્યા. પરંતુ તેમની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરાવવું જરૂરી હતું.
તેઓ કહે છે, "જ્યારે એફઆઈઆર નોંધાવાની હતી ત્યારે પોલીસે મને કૉન્ટેક્ટ નંબર આપ્યા અને ત્યાર બાદ મેં ડીએનએ ટેસ્ટ માટે બોલાવ્યા. ત્યાર બાદ નકી હસનનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. જોકે, મને ખબર ન હતી કે દીકરો કોનો છે. કેમ કે બંને એક બાદ એક દુષ્કર્મ કરતા હતા."
આ કેસ અંગે બીબીસીને શાહજહાંપુરના એસએસપી એસ. આનંદે જણાવ્યું, "આ કેસ એકદમ અનપેક્ષિત હતો. જ્યારે મહિલા સામે આવ્યાં અને તેમણે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો તો અમે ચોંકી ગયા હતા. પરંતુ અમે એક મોકો લીધો અને પહેલા દીકરાના ડીએનએને લઈને શરૂઆત કરી."
છેલ્લા એક વર્ષથી કેસની તપાસ કરી રહેલા ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રકુમાર ગુપ્તાએ જણાવ્યું, "પહેલા આરોપીઓને નોટિસ આપીને પોલીસ સ્ટેશન બોલાવ્યા. બોલાવ્યા બાદ તેમનું ડીએનએ સૅમ્પલ લીધું. સૅમ્પલ લીધા બાદ ફેબ્રુઆરી 2022માં સૅમ્પલનું પરિણામ આવ્યું. આ એટલી જૂની ઘટના હતી તો સીધા જેલ મોકલી શકાતા ન હતા. મહિલાએ મેડિકલ માટે ના પાડી દીધી હતી, કેમ કે 20-25 વર્ષ બાદ મેડિકલમાં કંઈ આવવાનું ન હતું."
'તેમણે મારું જીવન તબાહ કર્યું છે'
આખરે 31 જૂલાઈ 2021ના રોજ પોલીસે આરોપી રઝીની ધરપકડ કરી.
એસએસપી એસ આનંદ કહે છે, "જ્યારે રઝીની ધરપકડ થઈ તો અમારી જેમ તે પણ આશ્ચર્યમાં હતો કે આટલો જૂનો મામલો ક્યાંથી સામે આવ્યો."
તો શું તેણે ગુનાની કબૂલાત કરી? એસએસપી એસ. આનંદ કહે છે, "હા."
પહેલી ધરપકડ બાદ દીકરાએ માતાને કહ્યું, "મને ખૂબ જ ખુશી છે. મને ડબલ ખુશી ત્યારે થશે જ્યારે બીજો આરોપી નકી પણ પકડાઈ જશે."
એવું બની શકે છે કે આગામી સમયમાં તેઓ કોર્ટમાં આરોપીઓની આમનેસામને આવે.
તેઓ કહે છે, "જો કોર્ટમાં મારો તેમની સાથે આમનોસામનો થાય તો મારી એક જ ઇચ્છા છે, બંનેને બે થપ્પડ મારવાની. જે રીતે તેમણે મારું જીવન તબાહ કર્યું છે, તેની માટે કોઈ પણ સજા ઓછી છે. પ્રયાસ કરીશું કે કડકમાં કડક સજા મળે."
મીડિયામાં કેવી રીતે સામે આવ્યો આ કેસ?
અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના બરેલીના સંવાદદાતા કંવરદીપસિંહ કહે છે કે તેમને આ વિશે 2021માં જાણવા મળ્યું જ્યારે રેપ સર્વાઇવરના પ્રાર્થનાપત્ર પર પોલીસે એફઆઈઆર નોંધી.
આ મામલે એક વર્ષ કરતાં વધારે સમયથી સતત રિપોર્ટિંગ કરી રહેલા કંવરદીપનું કહેવું છે, "જ્યારે મેં એફઆઈઆર વાંચી તો મને આ ફરિયાદ યોગ્ય લાગી. અમે રોજિંદા જીવનમાં ઘણી બધી ફરિયાદ જોઈએ છીએ."
"તો તેને જોઈને મને સાચે લાગ્યું કે આ એક સાચો કેસ છે. પછી મેં એસએસપી અને સ્થાનિક એસએચઓને કહ્યું કે પ્લીઝ આ કેસ જુઓ, કેમ કે તે મને સાચો લાગી રહ્યો છે."
કંવરદીપ કહે છે, "મેં પછી રેપ સર્વાઈવર અને તેમના દીકરા સાથે વાત કરી અને જેટલું બની શકે તેટલી અમે તેને મીડિયામાં કવરેજ આપ્યું. અમે જોયું કે આવા કેસમાં આપણે વિચારી પણ નથી શકતા કે એફઆઈઆર પણ નોંધાઈ જાય છે. પરંતુ આમાં તો ન્યાય મળવા લાગ્યો."
કંવરદીપ કહે છે, "હું તો કહીશ કે તેમને ન્યાય અપાવવામાં તેમના દીકરાની મહત્ત્વની ભૂમિકા હતી. બાકી અમે તો માત્ર રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તેનાથી વધારે અમે શું કરી શકતા હતા."
કેવી રીતે જીવી રહ્યો છે પરિવાર?
હવે જ્યારે ધરપકડ થઈ રહી છે અને ન્યાય મળતો દેખાઈ રહ્યો છે ત્યારે તેઓ કહે છે, "હું કામ કરી રહી છું. મારો દીકરો પણ કામ કરી રહ્યો છે. મારે તેને આઈએએસ બનાવવો છે. મોટો દીકરો તો ભણી ન શક્યો, કેમ કે નાનપણથી જ સ્કૂલે જતો હતો ત્યારે મુશ્કેલી થતી હતી."
"ઓળખ ક્યાંથી લાવીએ તેની. તો તે ભણી શક્યો નથી. પરિવારની વાત કરીએ તો હું મારા પરિવાર સાથે ખુશ છું. બંને બાળકો સાથે ખુશ છું. એક સારો પરિવાર છે. કામ કરી લઈએ છીએ અને ઘરનો ખર્ચ નીકળી જાય છે."
તેઓ કહે છે, "મારા મોટા દીકરાએ મને એટલી મજબૂર કરી દીધી કે મમ્મી તેમને સજા અપાવવી જ છે. મારા દીકરાએ મને ખૂબ સહારો આપ્યો અને કહ્યું કે તમે લડો અમે તમારી સાથે છીએ."
પરંતુ શું આ પરિવાર ક્યારેય આ ઘટના અને તેના કારણે વર્ષો સુધી મળેલી પીડાઓમાંથી બહાર આવી શકશે?
તેના પર તેઓ કહે છે, "વાત તો ખૂબ જૂની થઈ ગઈ છે પરંતુ જે ઘા તેમણે અમને આપ્યા છે તે આજ સુધી રુઝાયા નથી. આજે પણ અમારું જીવન જાણે થંભી ગયું છે. એ ક્ષણ વારંવાર યાદ આવે છે."
"વિચારીએ છીએ કે આવા પણ જાનવર હોય છે જે પોતાના સ્વાર્થ માટે કોઈ બાળકીનું જીવન બરબાદ કરી દે છે. સૌનું પોતાનું જીવન હોય છે, બધાને ઇશ્વરે જીવવાનો હક આપ્યો છે. મેં એટલે ફરી સામે આવી છું કે જેનાથી લોકોને પાઠ ભણાવી શકું."
તેઓ કહે છે, "28 વર્ષ પહેલાં જ્યારે મારી સાથે આ બધું થયું હતું ત્યારે મીડિયા, મોબાઇલ કંઈ ન હતું. જાતે પોલીસ સ્ટેશન જવું પડતું હતું. હવે તો ઘરે બેસીને બોલાવી શકાય છે."
પોતાના સંઘર્ષથી તેઓ બીજી મહિલાઓને પણ પ્રેરણા આપવા માગે છે અને કહે છે, "તમે તેની વિરુદ્ધ લડો, FIR નોંધાવો. બીજાની માતા-બહેનો સાથે આવું દુષ્કર્મ કરવાની કોઈને હિંમત ન થાય. લોકો ચૂપ થઈને બેસી જાય છે. હું પણ ચુપ થઈને બેસી રહી હતી."
"મેં પણ વિચાર્યું હતું કે ખબર નહીં કદાચ આ જ નસીબમાં લખ્યું હોય. પરંતુ એવું કંઈ નથી. કોઈ તમારી સાથે ઇરાદાપૂર્વક આવું કરીને જાય તો તે કિસ્મતમાં લખાયેલું નથી હોતું. પોલીસ પાસે જાઓ જેથી આગળ તે હિંમત ન કરી શકે કે બીજા કોઈ સાથે આવું ન કરી શકે."
અંતમાં તેઓ કહે છે, "પોલીસતંત્રનું ખૂબ સમર્થન મળ્યું છે. એક પકડાઈ પણ ગયો, બીજો પણ ચોક્કસ પકડાઈ જશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો