માર્ગારેટ આલ્વા ઉપ રાષ્ટ્રપતિપદનાં વિપક્ષનાં ઉમેદવાર

કોંગ્રેસના નેતા માર્ગારેટ આલ્વાને ઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિરોધ પક્ષોનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

દિલ્હીમાં એનસીપી નેતા શરદ પવારના ઘરે આયોજિત બેઠક બાદ શરદ પવારે પોતે આ વાતની જાહેરાત કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શરદ પવારે કહ્યું, "માર્ગરેટ આલ્વા ઉપ રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષી છાવણીનાં ઉમેદવાર હશે."

આ પહેલાં દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, સીપીએમના સીતારામ યેચુરી, શિવસેનાના સંજય રાઉત અને અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી.

માર્ગારેટ આલ્વા કોણ છે?

કર્ણાટકનાં વતની માર્ગારેટ આલ્વા પાંચ વખત સાંસદ હોવાં ઉપરાંત કેન્દ્રમાં અનેક મંત્રાલયોના મંત્રી રહી ચૂક્યાં છે.

સાથે જ તેઓ ગુજરાત, ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યાં છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની સ્પર્ધા એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર સાથે થશે.

ભાજપના નેતા જગદીપ ધનખર હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. તેમની ઉમેદવારી પર શનિવારે જ મહોર લાગી ગઈ છે.

પીવી સિંધુ સિંગાપુર ઓપન જીત્યાં, સ્પર્ધામાં ચીનનાં વાંગ ચીને હરાવ્યાં

ભારતનાં બૅડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ રવિવારે સિંગાપુર ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. તેમણે સિંગલ્સ સ્પર્ધામાં ચીનનાં વાંગ ચી યીને 21-9, 11-21, 21-15થી હરાવ્યાં.

પીવી સિંધુએ પ્રથમ ગેઇમ મોટા અંતરથી જીતી પરંતુ બીજીમાં તેઓ પાછળ રહી ગયાં.

પરંતુ, અંતિમ ગેઇમમાં સિંધુ ફરીથી પલટવાર કરતાં વાંગ ચીને 21-15થી હરાવ્યાં. ચીનનાં ખેલાડીએ પણ પીવી સિંધુને ભારે ટક્કર આપી પરંતુ પહેલાંથી મળેલ સરસાઈ સિંધુ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.

આ પહેલાં પીવી સિંધુએ જાપાનનાં ખેલાડીને સેમિફાઇનલમાં 21-15, 21-17થી હરાવ્યાં.

આ વર્ષે આ સિંધુને મળેલ ત્રીજો ખિતાબ છે. તેઓ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ અને સ્વિસ બીડબ્લ્યૂએફ સુપર 300 ખિતાબ પણ જીતી ચૂક્યાં છે.

લખનૌના મૉલમાં હનુમાનચાલીસા કરનાર 2ની ધરપકડ, શું છે મામલો?

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર લખનૌમાં પોલીસે બે વ્યક્તિની મૉલમાં હનુમાનચાલીસાપાઠ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલે હંગામો કરનાર 15 અન્યની પણ અટકાયત કરાઈ છે.

આ વાતની ખરાઈ કરતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (દક્ષિણ) ગોપાલકૃષ્ણ ચૌધરીએ કહ્યું કે, "બે લોકો મૉલમાં પ્રવેશ્યા અને જમીન પર બેસીને ધાર્મિક પ્રાર્થના કરવા લાગ્યા. મૉલના સિક્યૉરિટી સ્ટાફ દ્વારા તેમને પોલીસને સોંપવામાં આવ્યા, જે બાદ તેમની ધરપકડ કરાઈ."

આ બંનેની ધરપકડ બાદ જમણેરી જૂથના અન્ય કેટલાક સમર્થકોએ મૉલમાં પ્રવેશવાની કોશિશ કરી. જેમની પોલીસે અટકાયત કરી હતી.

નોંધનીય છે કે આ મૉલમાં અજાણી વ્યક્તિઓના એક જૂથની થોડા દિવસ પહેલાં નમાજ પઢવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની સામે IPC સેક્શન 153A (બે જૂથ વચ્ચે વેરભાવને પ્રોત્સાહન) અને 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ઇરાદાપૂર્વકની કોશિશ) અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

દરિયામાં ડિપ ડિપ્રેશન સર્જાતાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ઍલર્ટ

અરબ સાગરના ઉત્તર-પૂર્વમાં લૉ-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાતાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોના જિલ્લા વહીવટી તંત્ર ઍલર્ટ મોડમાં આવી ગયા છે. આ ડિપ્ર ડિપ્રેશનને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને દરિયાઈ હલચલ જોવા મળી શકે છે.

પોરબંદર, દેવભૂમિ દ્વારાકા અને ગીર-સોમનાથ જિલ્લાનાં વહીવટી તંત્ર ડિપ ડિપ્રેશનની અસરોને કારણે સર્જાતી સ્થિતિને કાબૂમાં લેવાના માટે પૂર્વતૈયારી શરૂ કરી છે. જોકે, ભારતીય હવામાનવિભાગ દ્વારા આ ડિપ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધશે.

પોરબંદરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, એ. એમ. શર્માએ કહ્યું કે, "હાલમાં હવાની ગતિ ખૂબ વધુ નથી, પરંતુ અમે સુરક્ષાના ઇંતેજામમાં લાગી ગયા છીએ. અમે 28 ગામોને સચેત રહેવાની સૂચના આપી છે, તેમજ અમારી પાસે સાયક્લોન સેન્ટર પણ છે, જેથી જોખમી ઝોનમાં રહેલા લોકોને સરળતાથી શિફ્ટ કરી શકાશે."

સાઉદી અરેબિયાએ તેલઉત્પાદન વધારવાની ઘસીને ના પાડી

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને શનિવારે કહ્યું કે સાઉદી અરેબિયા પોતાના ઑઇલ ઉત્પાદનમાં વધારો કરીને તેને પ્રતિ દિવસ એક કરોડ 30 લાખ બૅરલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ સાથે જ તેમણે તેલ ઉત્પાદનને વધારવાની પોતાની સીમા પણ જણાવી દીધી છે.

સાઉદીના શહેર જેદ્દાહમાં આયોજિત આરબ-અમેરિકન સંમેલનનું સંબોધન કરતાં તેમણે કહ્યું કે દેશ હાલ દરરોજ એક કરોડ 10 લાખ બૅરલ ઑઇલ ઉત્પાદન કરી રહ્યો છે.

ક્રાઉન પ્રિન્સે કહ્યું, "હાલ અમારી ક્ષમતા પ્રતિ દિવસ એક કરોડ 20 લાખ બૅરલ ઑઇલ ઉત્પાદન કરવાની છે અ અને રોકાણ સાથે આ ઉત્પાદન એક કરોડ 30 લાખ બૅરલ સુધી પહોંચી શકે છે. સાઉદી અરેબિયાની આના કરતાં વધુ ઑઇલ ઉત્પાદન વધારવાની ક્ષમતા નથી."

ક્રાઉન પ્રિન્સે વૈશ્વિક અર્થવ્યવસ્થાને સહયોગ કરવા માટે એક થઈને પ્રયાસ કરવાની વાત કરી છે.

તેમણે ચેતવ્યા કે, "ઊર્જાના મુખ્ય સ્રોતોને ત્યાગીને ઉત્સર્જન ઘટાડવા માટે અવાસ્તવિક નીતિઓ અપનાવાની પ્રવૃત્તિ આવનાર દિવસોમાં અસાધારણ મોંઘવારી, ઊર્જાની કિંમતમાં વધારો, બેરોજગારી અને સામાજિક અને સુરક્ષાસંબંધી સમસ્યાઓની જટિલતા તરફ લઈ જશે."

યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે પશ્ચિમના દેશોમાં રશિયા પર પ્રતિબંધ લદાયા બાદ ઑઇલની કિંમતોમાં વધારો થયો છે.

શનિવારે થયેલ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ખાડી સહયોગ પરિષદના સભ્ય દેશ, ઇજિપ્ત, ઇરાક અને જૉર્ડન પણ હાજર હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો