You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢમાં UAPA હેઠળ જેલમાં બંધ 121 આદિવાસીઓને નિર્દોષ જાહેર થવામાં પાંચ વર્ષ કેવી રીતે લાગી ગયા?
- લેેખક, આલોક પ્રકાશ પૂતુલ
- પદ, રાયપુરથી બીબીસી માટે
છત્તીસગઢના બસ્તરમાં યુએપીએ સહિત અન્ય ગંભીર કલમો અંતર્ગત જેલમાં બંધ 121 આદિવાસીઓને દંતેવાડાની એનઆઈએની કોર્ટે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
આ બધા જ આદિવાસી છેલ્લા પાંચ કરતાં પણ વર્ષોથી વધારે સમયથી જેલમાં બંધ હતા. કોર્ટના નિર્ણય બાદ શનિવારની સાંજે આ આદિવાસીઓને મુક્ત કરાયા છે.
બસ્તરના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીના જણાવ્યા પ્રમાણે જગદલપુર કેન્દ્રીય જેલમાં બંધ 110 અને દંતેવાડા જેલમાં બંધ ત્રણ લોકોને શનિવારના રોજ મુક્ત કરવામાં આવ્યા. બીજી તરફ આઠ લોકો વિરુદ્ધ બીજા કેસ નોંધાયેલા છે, એટલે તેમને મુક્ત કરી શકાયા નથી.
આખો કેસ સંક્ષિપ્તમાં:
- તમામ આદિવાસીઓની ધરપકડ 24 એપ્રિલ 2017ના રોજ સુકમા જિલ્લામાં એક માઓવાદી હુમલા બાદ કરવામાં આવી હતી. આ માઓવાદી હુમલામાં સીઆરપીએફના 25 જવાનો મૃત્યુ પામ્યાં હતા.
- સુકમાની ઘટના પછી આસમાસના ગામોમાંથી અનેક આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- છત્તીસગઢમાં કથિત નકસલવાદ અને માઓવાદી હિંસાની અનેક ઘટનાઓ બની છે અને અનેક આદિવાસીઓને જેલમાં છે.
- આદિવાસીઓ પર યુએપીએ સહિત અનેક કઠોર કાનૂનો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પણ તેમને એનઆઈએ કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે.
- આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થવામાં ચાર વર્ષનો સમય લાગ્યો અને પોલીસે ફક્ત બે વાર આરોપીઓને અદાલતમાં રજૂ કર્યાં.
- અનેક માનવાધિકાર કર્મશીલો આદિવાસીઓ સરકારી તંત્ર અને માઓવાદીઓ બેઉ તરફથી અન્યાયનો ભોગ બને છે તેમ જણાવે છે.
- તાજેતરમાં 18 આદિવાસીઓની કથિત સુરક્ષાદળના જવાનો દ્રારા હત્યાના એખ કેસમાં સુપ્રીમ કોર્ટે માનવાધિકાર કર્મશીલ હિમાંશુકુમારને પાંચ લાખનો દંડ કર્યો છે જેને લઈને વિવાદ થઈ રહ્યો.
આ આદિવાસીઓની 24 એપ્રિલ 2017ના રોજ સુકમા જિલ્લાના બુરકાપાલમાં થયેલા એક માઓવાદી હુમલા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
શંકાસ્પદ માઓવાદીઓના આ હુમલામાં સીઆરપીએફના 25 જવાનો મૃત્યુ પામ્યાં હતાં.
મુક્ત થનારા આદિવાસીઓમાંથી એક કરીગુંડમ ગામના રહેવાસી મડકમ રાજાએ કહ્યું, "આ કેસ સાથે અમારે કોઈ લેવા-દેવા ન હતી. અમારો અપરાધ ખાલી એટલો જ હતો કે અમે ચિંતાગુફા પોલીસસ્ટેશનના એક ગામના રહેવાસી હતા."
ગોંદપલ્લી ગામના રહેવાસી મુરિયા જનજાતિના હેમલા આયતુને અફસોસ છે કે તેમની સાથે તેમના કાકા ડોડી મંગલૂને મુક્ત કરવામાં આવ્યા નથી કેમ કે આ નિર્ણયના આવ્યા પહેલાં ગત વર્ષે 2 ઑક્ટોબરના રોજ જેલમાં તેમનું મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ વર્ષ કેવી રીતે લાગી ગયા?
આદિવાસીઓનાં વકીલ ડૉક્ટર બેલા ભાટિયાએ કહ્યું, "2017માં મે અને જૂન મહિનામાં બુરકાપાલ અને આસપાસના ગામડાંમાંથી 120 આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એક કથિત મહિલા નક્સલીનો પણ આ કેસમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. આ 121 લોકો પર યુએપીએ, છત્તીસગઢ વિશેષ જનસુરક્ષા કાયદા સહિત ઘણી કલમો લગાવવામાં આવી હતી. આ મામલે દંતેવાડામાં એનઆઈએની કોર્ટે આ બધાને નિર્દોષ સાબિત કર્યા છે."
તેમણે કહ્યું કે બસ્તરમાં કોઈ ઘટના બાદ કોઈ રીતે આદિવાસીઓની તપાસ વગર ધરપકડ થાય છે. બુરકાપાલ તેનું એક મોટું ઉદાહરણ છે.
બેલા ભાટિયાએ કહ્યું, "આ મામલે એનઆઈએની કોર્ટ અને હાઈકોર્ટે આદિવાસીઓની જામીન અરજી ગંભીર આરોપોના કારણે ફગાવી દીધી હતી. આરોપીઓની સંખ્યા વધારે હોવાના કારણે તેમને મળેલી તારીખ પર હાજર કરવામાં આવતા ન હતા. પાંચ વર્ષમાં તેમને માત્ર 2 વખત કોર્ટ લાવવામાં આવ્યા છે. નિર્દોષ લોકોને પોતાને દોષમુક્ત સાબિત કરતા પાંચ-પાંચ વર્ષ લાગી ગયા કેમ કે કાર્યવાહી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હતી. આરોપપત્ર (ચાર્જશીટ) રજૂ થવામાં જ ચાર વર્ષ લાગી ગયા. ત્યારબાદ ઑગસ્ટ 2021માં પરીક્ષણ શરૂ થયું."
માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ શાલિની ગેરાએ માઓવાદીએ સાથે જોડાયેલા મામલે નિર્દોષ આદિવાસીઓની ધરપકડ અને વર્ષો સુધી તેમના જેલમાં રહેવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે બસ્તરમાં સેંકડો આદિવાસી યુએપીએના ખોટા કેસોમાં વર્ષો સુધી કેદમાં રહે છે અને ઘણા વર્ષો બાદ તેમને મુક્તિ મળે છે.
શાલિની ગેરાએ કહ્યું, "2015માં બસ્તરની સેશન કૉર્ટમાં યુએપીએ અંતર્ગત નોંધાયેલા 101 પ્રકરણોનું અમે લોકોએ વિશ્લેષણ કર્યું હતું, તેમાંથી 92માંથી બધા આરોપીઓ દોષમુક્ત સાબિત થયા હતા. બાકી બચેલા 9 કેસો અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરાયા. તે 101 કેસોમાં, કોઈ પણ દોષ સાબિત થયો નથી."
ધોળા દિવસે થયો હતો હુમલો
સુકમા જિલ્લાના દોરનાપાલથી જગરગુંડા સુધી રસ્તાના નિર્માણ દરમિયાન સુરક્ષા માટે તહેનાત સીઆરપીએફની 74મી બટાલિયન અને જિલ્લા પોલીસ દળની એક ટીમ 24 એપ્રિલ 2017ના રોજ સર્ચ ઑપરેશન માટે નીકળી હતી.
આ દરમિયાન ભર બપોરે રસ્તા પર રહેલા સુરક્ષાદળના જવાનો પર શંકાસ્પદ માઓવાદીઓએ ચારે તરફથી ઘેરીને હુમલો કર્યો હતો.
આ હુમલામાં 25 જવાનોના મૃત્યુ થયા હતા અને 7 જવાન ગંભીર રૂપે ઘાયલ થયા હતા. હુમલામાં એક શંકાસ્પદ માઓવાદીનો મૃતદેહ પણ ઘટનાસ્થળેથી મળી આવ્યો હતો.
પોલીસે આ હુમલા બાદ ઘટનાસ્થળની આસપાસના ગામડાંઓથી 122 આદિવાસીઓની ધરપકડ કરી હતી. તેમાંથી મોટાભાગના આદિવાસીઓની ઉંમર 19થી 30 વર્ષની હતી. ત્યારથી એ લોકો જેલમાં હતા.
એ દરમિયાન એક વ્યક્તિનું જેલમાં જ મૃત્યુ થઈ ગયું. એનઆઈએના વિશેષ ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં કહ્યું, "આ પ્રકરણમાં ઉપલબ્ધ કોઈ પણ ફરિયાદ પક્ષના સાક્ષીઓ દ્વારા ઘટનાના સમયે ઘટનાસ્થળે આ આરોપીઓની ઉપસ્થિતિ અને ઓળખના સંબંધે કોઈ કથન કરવામાં આવ્યું નથી. આ આરોપીઓ પાસે કોઈ ઘાતક હથિયાર પણ મળ્યા ન હતા."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો