You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભાજપ-મોદી 'મિશન તેલંગણા'થી દક્ષિણમાં પણ પગપેસારો કરવા માગે છે?
- લેેખક, સુરેખા અબ્બૂરી
- પદ, બીબીસી સંવાદદાતા
- હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણીની શનિવારથી શરૂઆત થઈ છે.
- હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આયોજિત કરવાને નિષ્ણાતો ભાજપના દક્ષિણ તરફના અભિયાનનો એક ભાગ ગણાવી રહ્યા છે.
- તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ ભાજપ અને નરેન્દ્ર મોદી પર સતત શાબ્દિક પ્રહાર કરીને પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે.
તેલંગણાની રાજધાની હૈદરાબાદના રસ્તા ભગવા અને ગુલાબી રંગોથી રંગાયેલી છે.
ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણીની શનિવારથી શરૂ થયેલી બેઠકે શહેરનો રંગ બદલી નાખ્યો છે પરંતુ મોટો સવાલ તો એ છે કે શું આનાથી તેલંગણા અને દક્ષિણ ભારતનાં અન્ય રાજ્યોના મતદારો પર પણ પાર્ટીનો રંગ ચઢી શકશે?
ભારતીય રાજકારણ પર નજર રાખનારા ઘણા વિશ્લેષકોનો મત છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીનો એક મહત્ત્વપૂર્ણ હેતુ આ પણ છે.
જોકે, તેલંગણાની સત્તાધારી પાર્ટી ટીઆરએસ ભાજપની આ કોશિશના રસ્તામાં ઘણા અવરોધ ઊભા કરવા માટે તૈયાર છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 300 કરતાં વધુ પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. તેમાં ઘણા કેન્દ્રીયમંત્રી, રાજ્યોના મુખ્ય મંત્રી અને પાર્ટીના મોટા પદાધિકારી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની થઈ રહી છે.
યોગી આદિત્યનાથ રવિવારે સવારે ભાગ્યલક્ષ્મી મંદિરનાં દર્શન કરી આવ્યા છે. તેના પણ સાંકેતિક મહત્ત્વ હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની શરૂઆત શનિવારથી જ થઈ ચૂકી છે. વડા પ્રધાન મોદી પણ શનિવારે જ હૈદરાબાદ પહોંચી ગયા હતા.
તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ તેમના સ્વાગત માટે હવાઈમથક પર ન ગયા તે પણ ઘણું ચર્ચામાં રહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વડા પ્રધાન પર નિશાન સાધ્યું. ભાજપની તરફથી કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અને બીજા નેતાઓએ તેમના પર પલટવાર કર્યો.
શનિવારે સવારના દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ઘણાં સત્ર હશે અને તે બાદ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ પર વડા પ્રધાન મોદીની રેલી થશે. ભાજપ આ રેલી દ્વારા રાજ્યમાં પોતાની તાકત બતાવવા માગે છે.
હૈદરાબાદની કેમ પસંદગી કરાઈ?
વર્ષ 2014 બાદ તેલંગણામાં ભાજપની આ પ્રથમ મહત્ત્વપૂર્ણ બેઠક છે. આ સમયે આ શહેરની પસંદગી કરવાની બાબતને ઘણા બધા મુદ્દાઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
વિશ્લેષકોનો મત છે કે પાર્ટી દક્ષિણ ભારતમાં પગપેસારો કરવાના પોતાની મહેચ્છા સ્પષ્ટ કરી ચૂકી છે અને અહીંથી જ બ્યુગલ ફૂંકી રહી છે.
ભાજપ અત્યાર સુધી દક્ષિણ ભારતમાં કર્ણાટકને બાદ કરતાં અન્ય કોઈ રાજ્યમાં પગપેસારો નથી કરી શક્યો.
તેલંગણા રાજ્ય બન્યું તે બાદ વિપક્ષની અન્ય પાર્ટીઓ કમજોર થઈ છે અને ભાજપને પોતાનું સંગઠન મજબૂત કરવાની તક સાંપડી છે.
કૉંગ્રેસમાંથી ડી. કે. અરુણ, પી. સુધાકર, વિજય શાંતિ જેવા નેતાઓને પોતાની પાર્ટીમાં આમંત્રિત કરવા હોય કે પછી કેસીઆરના જમણા હાથ મનાતા રાજ્યના ભૂતપૂર્વ મંત્રી ઈ. રાજેન્દ્રને પોતાની પાર્ટીમાં સામેલ કરીને પાર્ટીને મજબૂત કરવાની વાત હોય- પાછલાં બે-ત્રણ વર્ષમાં ભાજપે ટીઆરએસ સામે મજબૂત પડકાર ઊભો કર્યો છે.
ભાજપ હવે ભાજપ હવે રાજ્યના કાર્યકર્તાઓની અંદર જુસ્સો ભરવા માગે છે.
આ દરમિયાન, ટીઆરએસ પોતાની જાતને કેન્દ્ર સરકાર કરતાં બહેતર ગણાવી રહી છે. બીજી તરફ, ભાજપ પણ રાજ્યમાં ટીઆરએસ સરકારથી બહેતર વિકલ્પ આપવાની જાહેરાત કરી રહ્યો છે.
પાર્ટી નેતાઓનો મત છે કે જ્યારે આ જાહેરાત વડા પ્રધાન મોદી તેલંગણા આવીને કરશે તો તેનું મહત્ત્વ અલગ જ હશે. ભાજપ આ બેઠક પહેલાં તેલંગણામાં પોતાની દિશા નક્કી કરી લેવા માગે છે જેથી ચૂંટણી પહેલાંની વ્યૂહરચના તૈયાર થઈ શકે.
જોકે, બેઠકમાં ચર્ચા માત્ર તેલંગણાની નહીં થાય. મોટી યોજનાઓ નક્કી થશે. ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરાશે.
જે યોજનાઓ હાલ લાગુ છે તે ભાજપશાસિત રાજ્યોમાં કેવી રીતે જનતા સુધી પહોંચી રહી છે, તેની પણ ચર્ચા થશે.
કેસીઆરનો પલટવાર
રાજ્યની સત્તાધારી ટીઆરએસનો આ બીજો કાર્યકાળ છે. મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ સામે હાલ કરો યા મરોવાળી સ્થિતિ છે.
મુખ્ય મંત્રી દ્વારા કેન્દ્ર પર અચાનક આક્રમક હોવાનું પણ આ જ કારણ મનાય છે. જાણકારોનો મત છે કે તેઓ સમજી ગયા છે કે ભાજપનું આગામી નિશાન તેલંગણા છે. તેથી તેઓ ભાજપ સામે હાર માનવાના સ્થાને તેમને ટક્કર આપી રહ્યા છે.
પાછલા બે દિવસથી હૈદરાબાદમાં સમગ્ર શહેરમાં દેખાઈ રહેલાં હૉર્ડિંગની સ્પર્ધા તેનો પુરાવો છે. તમામ મોટા રસ્તા પર જ્યાં ભાજપે મોટાં મોટાં પોસ્ટર લગાવ્યાં છે.
બરાબર તેની આસપાસ જ તેલંગણા રાષ્ટ્ર સમિતિએ કાંતો પાર્ટીના ઝંડા લગાવ્યા છે કાં તો મુખ્ય મંત્રીની તસવીર સાથે રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે.
પોસ્ટરની સ્પર્ધામાં વડા પ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર હુમલો પણ કર્યો છે.
તેલંગણા સરકારમાં મુખ્ય મંત્રી બાદ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા કેસીઆરના પુત્ર કેટીઆરે ટ્વિટરના માધ્યમથી મોદીનું સ્વાગત કરતાં લખ્યું, "આવો, જુઓ અને શીખો."
ભાગ્યલક્ષ્મી મંદિરની ફરીથી ચર્ચા
જ્યારથી ભાજપ તેલંગણામાં પગપેસારો કરવાની કોશિશમાં લાગી છે તે સમયથી ચારમિનાર સાથે જોડાયેલ ભાગ્યલક્ષ્મી મંદરની ચર્ચા શરૂ થઈ છે.
શનિવારે ભાજપના ઘણા નેતા આ મંદિર પહોંચ્યા. રવિવાર સવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ મંદિર જઈને દર્શન કર્યાં.
આ મંદિરને ભાજપ પોતાના તમામ કાર્યક્રમો સાથે જોડવા લાગ્યો. પરંતુ શું આ મંદિરે જવાથી આ રાજ્ય અને દક્ષિણ ભારતમાં ભાજપનું ભાગ્ય બદલાશે, તમામ રાજકીય પંડિતો આ સમજવાની કોશિશમાં લાગેલા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો