You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉગ વૉક માટે દિલ્હીનું સ્ટેડિયમ ખાલી કરાવનાર સનદી અધિકારી સંજીવ ખીરવાર કોણ છે?
દિલ્હીના વરિષ્ઠ સનદી અધિકારી સંજીવ ખીરવાર પોતાનાં પત્ની રિંકુ દુગ્ગા તથા શ્વાન સાથે ઇવનિંગ વૉક કરી શકે તે માટે ત્યાગરાજ સ્ટેડિયમને ખાલી કરાવી દેવામાં આવતું હતું. કૉચ તથા ખેલાડીઓએ તેમની પ્રૅક્ટિસ વહેલી આટોપી લેવી પડતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલને પગલે કેન્દ્ર સરકાર દ્વારા સંજીવની બદલી લદ્દાખ, જ્યારે રિંકુની બદલી અરૂણાચલ પ્રદેશમાં કરી દેવામાં આવી છે. દિલ્હી સરકારે ખેલસુવિધાઓને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાના આદેશ આપ્યા છે.
બીજી બાજુ, સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે. ભારતીય સનદી અધિકારીઓ પણ આ આચરણ ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે, જ્યારે એક વર્ગ લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં તેમની બદલી ઉપર સવાલ ઉઠાવી રહ્યો છે.
સંજીવે પોતાની સવલત માટે ખેલાડીઓ પાસે સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવતું હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા, જ્યારે વૉક માટે સ્ટેડિયમ જતાં હોવાની વાતને સ્વીકારી હતી.
કોણ છે સંજીવ ખીરવાર?
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, સંજીવ ખીરવાર 1994ની બેચના એજીએમયુટી (અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, યુનિયન ટેરિટરીઝ) શ્રેણીના સનદી અધિકારી છે. દિલ્હીમાં તેઓ મુખ્ય સચિવ મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા હતા. આ સિવાય તેમની પાસે પર્યાવરણ સચિવ તરીકેનો અધિક પ્રભાર પણ હતો.
ડિવિઝનલ કમિશનર હોવાથી હોદ્દાની રૂએ દિલ્હીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તથા સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ તેમને રિપોર્ટ કરતા હતા.
2009થી 2014 દરમિયાન તેઓ તત્કાલીન મહિલા અને બાળવિકાસ મંત્રી કૃષ્ણા તીરથનાં અંગત સચિવ તરીકે પણ રહ્યા હતા.
2018માં દિલ્હીના આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ મંત્રાલયમાં બદલી થઈ, તે પહેલાં તેઓ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયમાં તહેનાત હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટ મુજબ, આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી) દિલ્હીમાંથી તેમણે કમ્પ્યૂટર સાયન્સમાં બીટેકની (બૅચલર ઑફ ટેકનૉલૉજી) ડિગ્રી મેળવી છે, આ સિવાય તેઓ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક છે. તેઓ ટેનિસનો શોખ ધરાવે છે.
સજીવનાં પત્ની રિંકુ દુગ્ગા પણ 1994ની બેચના એજીએમયુટી અધિકારી છે. તેઓ દિલ્હી સરકારમાં જમીન અને નિર્માણ વિભાગનાં સચિવ તરીકે તહેનાત હતાં. તેમની બદલી અરૂણાચલ પ્રદેશ કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા ઉપર સવાલ
વિશ્લેષક અંશુલ સકસેનાએ ટ્વીટર ઉપર લખ્યું, 'આઈએએસ અધિકારીને માટે ખેલાડીઓને વહેલાસર પ્રેક્ટિસ આટોપી લેવા માટે કહેવામાં આવે છે. પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે શા માટે ભારતને ખેલમાં પદક નથી મળતા?'
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મહેમુદે લખ્યું, 'ખેલાડીઓ તાલીમ લઈ શકે, તે માટે સ્ટેડિયમોનું નિર્માણ કરવામાં આવે છે. નહીં કે અધિકારીઓ તેમના પાલતું પ્રાણી સાથે વિચરણ કરી શકે તે માટે. આ સત્તાનો દુરૂપયોગ છે. એકમદ શરમજનક.'
સોશિયલ મીડિયા ઉપર ભાજપસમર્થક અને લેખક શૈફાલી વૈદ્યે લખ્યું, 'અમિત શાહ તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંને અધિકારીઓની બદલી કરીને પ્રશંસનીય પગલું લીધું છે.સત્તાનો દુરૂપયોગ ગંભીરતાથી લેવો જોઈએ. હવે શ્વાન ક્યાં જશે, લદ્દાખ કે અરૂણાચલ પ્રદેશ.'
પુડ્ડુચેરીનાં પૂર્વ ઉપ-રાજ્યપાલ તથા દિલ્હીમાં ફરજ બજાવી ચૂકેલાં પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ લખ્યું, 'જો આ અહેવાલ સાચો હોય તો તેમને બીજા સંઘપ્રશાસિત પ્રદેશમાં કેમ મોકલવામાં આવ્યા. તેમને રજા ઉપર મોકલી દેવા જોઈએ તથા તેઓ સેવા કરવા યોગ્ય છે કે નહીં, તેની સમીક્ષા થવી જોઈએ. દેશભરમાં ક્યાંય પણ સનદી સેવા ગંભીર બાબત છે.'
અન્ય એક ટ્વીટમાં તેમણે તત્કાળ બદલી બદલ નવનિયુક્ત ઉપરાજ્યપાલની પ્રશંસા પણ કરી હતી. જોકે, કેટલાક લોકો આઈએસ અધિકારીની લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં બદલી ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે.
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર ઉપર સવાલ પૂછ્યો, 'શું આપણે એવો સંદેશ આપવા માગીએ છીએ કે લદ્દાખ/અરૂણાચલ પ્રદેશમાં પોસ્ટિંગ 'સજારૂપ' છે, આ વિસ્તારોમાં પણ દક્ષ અધિકારીઓની જરૂર છે.'
ટીએમસીનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ લખ્યું, "દિલ્હીમાં ભૂલ કરનારા અધિકારીની અરૂણાચલમાં બદલી કેમ? પૂર્વોત્તર માટે ઘણું કહેવાય છે તો પછી તેનો ઉપયોગ કચરો નાખવાની કચરાપેટીની જેમ કેમ?"
મહુઆએ આ મુદ્દે વિરોધ કરવા અરૂણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડુ તથા કિરણ રિજ્જુને આહ્વાન કર્યું હતું.
શ્વાન સાથે લટાર
અહેવાલ અનુસાર સાંજે સાડા સાત વાગ્યે સંજીવ ખીરવાર તેમના શ્વાન સાથે લટાર મારી શકે તે માટે ખેલાડીઓને સાત વાગ્યા પહેલાં મેદાન ખાલી કરી દેવા માટે કહેવામાં આવતું હતું.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ વરિષ્ઠ સનદી અધિકારી દ્વારા સરકારી સ્ટેડિયમનો અંગત મિલકતની જેમ વપરાશ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અગાઉ ખેલાડીઓ અને કૉચ સ્ટેડિયમની લાઇટના અજવાળે સાંજે આઠથી સાડા સુધી પ્રૅક્ટિસ કરતા. આને કારણે ખેલાડીઓને તૈયારીમાં વિક્ષેપ પડતો હતો.
અખબારના પ્રતિનિધિએ અહેવાલ પ્રકાશન પૂર્વે સાત દિવસમાંથી ત્રણ દિવસ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને જોયું હતું કે ગાર્ડ્સ સાંજે સાડા છ વાગ્યાથી સ્ટેડિયમ ખાલી કરાવવામાં લાગી જતા હતા.
અખબાર સાથે વાતચીત દરમિયાન ખીરવારે તેમના માટે સ્ટેડિયમ ખાલી કરાવવવામાં આવતું હોવાના અહેવાલને "સદંતર ખોટાં" ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્ટેડિયમ બંધ થયા પછી જ તેઓ વૉક માટે જતા હતા તથા જો તેમાં કશું વાંધાજનક હોય તો એમ નહીં કરે, એવું પણ જણાવ્યું હતું.
ત્યાગરાજ સ્ટેડિયમનું નિર્માણ વર્ષ 2010ના કૉમનવેલ્થ રમતોત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યાં અનેક રમતની તૈયારીઓ થઈ શકે છે. રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અહીં તૈયારી કરે છે. આ સિવાય ફૂટબૉલરો પણ અહીં પ્રૅક્ટિસ કરે છે.
ત્યાગરાજ સ્ટેડિયમ વહેલું બંધ થઈ જતું હોય અનેક ખેલાડીઓ થોડે દૂર આવેલા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા માટે જતા હતા. અહેવાલ પ્રકાશન બાદ દિલ્હી સરકારે પોતાને આધીન રહેલી તમામ ખેલસવલતોને ઉનાળા દરમિયાન રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો