You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમને પૌત્ર-પોત્રી આપો અથવા પાંચ કરોડ રૂપિયા'– પિતાએ પુત્ર ને પુત્રવધૂ સામે કેસ કર્યો
સમાજમાં પરંપરાના નામે કે પછી કહેવાતા માન-મોભા માટે સંતાનપ્રાપ્તિની ખેવના મોટા ભાગના લોકોને હોય છે. તેના માટે લોકો અનેક પ્રકારનાં કાર્યો કરે છે, ક્યારેક ગુનાઓ પણ બને છે.
પરંતુ એક દંપતીએ પોતાના પુત્ર અને પુત્રવધૂ સામે કોર્ટમાં કેસ કર્યો છે અને તેનું કારણ પણ નવાઈ પમાડનારું છે.
સામાન્ય રીતે એવા કિસ્સા બનતા હોય છે કે સંપત્તિ માટે પુત્ર-પુત્રવધૂ માતા-પિતા કે પરિવારના સભ્યો પર કેસ કરતા હોય, જોકે અહીં માતા-પિતાએ પુત્ર પર કેસ કર્યો છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતા એસ.આર. પ્રસાદ અને તેમનાં પત્ની પોતાના જ દીકરાની વિરુદ્ધમાં કોર્ટમાં ગયાં છે. તેમના દીકરાએ 2016માં લગ્ન કર્યાં હતાં. એસ.આર. પ્રસાદ હજી સુધી પૌત્ર-પૌત્રીનું સુખ પામ્યા નથી, જેના કારણે ગુસ્સે થઈ તેમણે ફરિયાદ કરી છે.
એસ. આર. પ્રસાદનું કહેવું છે કે તેમને પૌત્ર અથવા પૌત્રી જોઈએ છે. તેઓ છોકરો કે છોકરી કોઈમાં ભેદ કરતા નથી.
ઘરડાં માતા-પિતાએ હરિદ્વારની ત્રીજી એસીજે એસડી-3 કોર્ટમાં પુત્ર અને પુત્રવધૂ સામે કેસ કર્યો છે. તેમણે પુત્રને મોટો કરવાનો અને તેનાં શિક્ષણ અને વિવાહ પાછળ જે ખર્ચ થયો તેના અંદાજે પાંચ કરોડ રૂપિયા માગ્યા છે.
તેમનું કહેવું છે કે દીકરાને પગભર બનાવ્યો તોય તેમને વૃદ્ધાવસ્થામાં એકલતામાં જીવન જીવવું પડે છે.
પિતા એસ.આર. પ્રસાદે કહ્યું છે, 'મેં મારા તમામ રૂપિયા મારા દીકરાને આપી દીધા. તેને અમેરિકામાં ટ્રેનિંગ માટે મોકલ્યો. હવે મારી પાસે રૂપિયા નથી. અમે ઘર બનાવવા માટે બૅન્કમાંથી લોન લીધી. અમે આર્થિક અને વ્યક્તિગત રીતે પરેશાન છીએ. અમે અમારી ફરિયાદમાં અમારા પુત્ર અને પુત્રવધૂ બંને સામે અઢી-અઢી કરોડ રૂપિયાની માગ કરી છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દંપતીના વકીલ એ. કે. શ્રીવાસ્તવે આને 'સમાજની હકીકત' ગણાવી છે.
એ. કે. શ્રીવાસ્તવે કહ્યું, 'આ કેસ આપણા સમાજની હકીકતને દર્શાવે છે. આપણે તમામ બાળકોમાં રોકાણ કરીએ છીએ. તેમને સારી જગ્યાએ કામ કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. માતા-પિતાની આર્થિક બાબતોનું ધ્યાન રાખવું એ બાળકોની જવાબદારી છે. દંપતીએ પાંચ કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.'
કોણ છે આ દંપતી?
મીડિયા અહેવાલ અનુસાર ઘરડાં સંજીવ રંજન પ્રસાદ બીએચઈએલમાં અધિકારી તરીકે કામ કરતા હતા. સેવાનિવૃત્ત થયા પછી તેઓ પોતાનાં પત્ની સાથે એક હાઉસિંગ સોસાયટીમાં રહે છે. દીકરા શ્રેય સાગરને ભણાવવા માટે તેમણે પોતાની તમામ મૂડી ખર્ચી નાખી હતી.
અહેવાલ અનુસાર, દીકરીને પાઇલટ બનાવવા માટે વિદેશમાં ટ્રેનિંગ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરીને મોકલ્યો હતો. પોતાના જીવનની તમામ મૂડી તેનાં સપનાં પૂર્ણ કરવામાં લગાવી દીધી હતી. શ્રેયનાં લગ્ન 2016માં નોએડામાં રહેતાં શુભાંગી સિંહા સાથે થયાં હતાં.
શ્રેય પાયલટ છે અને તેમનાં પત્ની શુભાંગી પણ નોએડામાં નોકરી કરે છે.
દીકરાનાં લગ્ન કરાવ્યાં બાદ ઘરડાં માતા-પિતાની એક જ ઇચ્છા હતી કે પુત્ર અને પુત્રવધૂ એક બાળકને જન્મ આપે. પરંતુ તેમને આ સુખ ન મળ્યું, જેના કારણે મજબૂર થઈને માતા-પિતાએ એવું પગલું ભર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો