You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્ઞાનવાપી મસ્જિદના સર્વે અંગે કોર્ટે પોતાના ફેંસલામાં શું કહ્યું?
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને કોર્ટનો નિર્ણય આવી ગયો છે. કોર્ટે મસ્જિદમાં સર્વે કરવાની પરવાનગી આપી દીધી છે અને આ માટે 17 મે પહેલાંનો સમય નક્કી કર્યો છે.
જોકે, કોર્ટે ઍડ્વોકેટ કમિશનર અજયકુમારને હટાવવાની માગને ફગાવી દીધી છે. આ પહેલાં કોર્ટે બુધવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદમાં ગત શુક્રવારે સર્વે અને વીડિયોગ્રાફીનું કામ ચાલી રહ્યું હતું, જેને લઈને વિવાદ સર્જાયો હતો.
મસ્જિદની પાછળ ચબુતરામાં મા શૃંગાર ગૌરી અને બીજા દેવીદેવતાના સત્યાપન અને એમનું અસ્તિત્વ સ્થાપિત કરવા માટે શુક્રવારે બપોરે કોર્ટેથી નિયુક્ત કરાયેલા કમિશનરે નિરીક્ષણ શરૂ કર્યું હતું.
જોકે, શનિવારે ઍડ્વોકેટ કમિશનરની નિષ્પક્ષતાને લઈને અંજુમન ઇન્તિઝામિયા મસ્જિદના વકીલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
તેમની માગ હતી કે અજય કુમારને હટાવીને કોર્ટ જાતે નિરીક્ષણ કરે કે પછી કોઈ બીજા વરિષ્ઠ વકીલ પાસે કરાવે.
હિંદુ અરજદારોના વકીલ મદન મોહન યાદવે કહ્યું કે સર્વે માટે બે બીજા વકીલોની કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે 17 મે સુધીમાં રિપોર્ટ સોંપવો પડશે.
કોર્ટનું કહેવું છે કે જો મસ્જિદને તાળું મારી દેવામાં આવ્યું છે તો જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ અધિકાર હશે કે તે તાળું ખોલી કે તોડાવી કમિશનની કાર્યવાહી કરાવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિરીક્ષણ કરાવવાની વ્યક્તિગત જવાબદારી જિલ્લા મૅજિસ્ટ્રેટ, પોલીસ કમિશનરની હશે. ઉત્તર પ્રદેશ ડિજીપી અને મુખ્ય સચિવને પણ આદેશ છે કે કાર્યવાહી તેમની દેખરેખ હેઠળ થાય.
કોર્ટના આદેશ અનુસાર નિરીક્ષણનો સમય સવારના આઠથી બપોરના 12 વાગ્યા સુધીનો રહેશે. નિરીક્ષણ રોજ કરવામાં આવશે.
જ્ઞાનવાપી અને વર્તમાન વિવાદ
ઑગસ્ટ-2018માં દિલ્હીનાં રાખીસિંહના નેતૃત્વમાં પાંચ મહિલાઓએ સ્થાનિક અદાલતમાં અરજી દાખલ કરી હતી અને માગ કરી હતી કે મસ્જિદ પરિસરમાં આવેલી મા શૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, આદિ વિશ્વેશ્વર, નંદીજીની પ્રતિમાના દર્શન, પૂજા તથા તેમને ભોગ ચઢાવવાની મંજૂરી તેમને મળવી જોઈએ.
સાથે જ તેમની માગ છે કે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ દ્વારા મસ્જિદ પરિસરમાં આવેલા દેવી-દેવતાઓની મૂર્તીઓ તોડતા કે અન્ય કોઈ રીતે નુકસાન કરતા અટકાવવામાં આવે અને વીડિયોગ્રાફી કરવામાં આવે.
બીજી બાજુ, મસ્જિદના પ્રબંધન દ્વારા ઍડ્વૉકેટ કમિશનર અજયકુમાર પર 'પક્ષપાત'નો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમને હટાવવાની માગ કરી છે.
મહિલાઓનો દાવો છે કે મહિલાઓનો દાવો છે કે શૃંગાર ગૌરી, હનુમાન તથા ગણેશ વગેરેની પ્રતિમાઓ વારાણસીના દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વોર્ડના પ્લૉટ નંબર 9130 પર આવેલી છે. જે વર્તમાન કાશી વિશ્વનાથ કૉરિડૉરની પાસે આવેલો છે.
મહિલાઓની માગ છે કે ઉત્તર પ્રદેશ સરકારને 'પ્રાચીન મંદિર'ના દેવી-દેવતાઓની પૂજા-અર્ચના માટે દર્શન, ભોગ અને પૂજા માટે જરૂરી સુરક્ષાવ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપવામાં આવે. ઍડ્વૉકેટ કમિશનર વીડિયોગ્રાફી દ્વારા મસ્જિદમાં દેવી-દેવતાઓની મૂર્તી હોવાનું નિર્ધારિત કરે અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવે.
આઠમી એપ્રિલ 2022ના નીચલી અદલાતે અજયકુમારને નિરીક્ષણ તથા વીડિયોગ્રાફીની જવાબદારી સોંપી હતી. સાથે જ જરૂર પડે તો આ કામગીરી માટે અજયકુમારને સુરક્ષા આપવા માટેના આદેશ પણ આપ્યા હતા.
મસ્જિદ મૅનેજમૅન્ટે 'વકીલ કમિશનર'ની નિમણૂક તથા તેના દ્વારા પ્રસ્તાવિત નિરીક્ષણને હાઈકોર્ટમાં પડકાર્યો. બીજું કે ઍડ્વૉકેટ કમિશનર પુરાવા અંગે અભિપ્રાય આપી શકે, પરંતુ તેઓ પુરાવા એકત્ર ન કરી શકે.
જોકે, અદાલતે આ દલીલને કાઢી નાખી હતી અને ઠેરવ્યું હતુ કે તેઓ પુરાવા એકત્રિત કરી શકે છે અને જો મંદિરના વ્યવસ્થાપકોને જો તેની સામે કોઈ વાંધો હોય તો તેઓ તેને કાયદાકીય રીતે પડકારી શકે છે.
હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે મહિલા અરજદારો દ્વારા અજયકુમારનું નામ સૂચવવામાં આવ્યું હતું, એટલે તેમની નિમણૂક કરવામાં આવી હોવાની મસ્જિદ મૅનેજમૅન્ટની દલીલને હાઈકોર્ટે કાઢી નાખી હતી અને ઠેરવ્યું હતું કે મહિલાઓએ સૂચવ્યું હતું તેનો મતલબ એવો નથી કે અજયકુમાર તેઓની પસંદના વકીલ છે. તેઓ અદાલતના સૂચિબદ્ધ વકીલોની યાદીમાં સામેલ છે અને કોર્ટે પોતાના વિવેકનો ઉપયોગ કરીને જ તેમની નિમણૂક કરી હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો