પાટીદાર આગેવાન નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે કે કેમ, 15 મે સુધીમાં નિર્ણય લેશે - પ્રેસ રિવ્યૂ
ગુજરાતના પાટીદાર આગેવાન નરેશ પટેલે દિલ્હીથી પરત ફરી રાજકોટ ઍરપૉર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં પોતે આગામી દિવસોમાં કૉંગ્રેસ પક્ષ સાથે જોડાઈ રહ્યા હોવાની વાત ખોટી ગણાવી છે.
તેમણે કહ્યું હતું કે, "હું શુક્રવારે રાજકીય નહીં પરંતુ સામાજિક કામ માટે દિલ્હી ગયો હતો. મારી કોઈ રાજકીય વ્યક્તિ સાથે બેઠક થઈ નથી. હું ગુજરાત સ્થાપનાદિને કૉંગ્રેસમાં જોડાઈશ એ વાત અંગે નિર્ણય લેવાયો હોવાની વાત ખોટી છે."

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
આ સાથે જ નરેશ પટેલે સામાજિક પ્રસંગમાં પ્રશાંત કિશોરને મળ્યા હોવાની વાતની કબૂલાત કરી. પરંતુ આ મુલાકાત રાજકીય હેતુસર હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
તેમજ તેમણે રાજકારણમાં ઊતરવા અંગે કરાવાઈ રહેલા સર્વેનું કામ લગભગ પૂર્ણ થયું હોવાની વાત પણ કરી હતી.
આ સિવાય નરેશ પટેલે આગામી 15 મે સુધીમાં પોતાના રાજકારણમાં પ્રવેશ અને જે-તે પક્ષ સાથેના જોડાણ અંગે અંતિમ સ્પષ્ટતા કરવાની વાત કરી હતી.

આઈપીએલ-2022માં રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મૅચમાં હંગામો

ઇમેજ સ્રોત, Ani
છેલ્લી ઓવરમાં નો-બૉલના વિવાદને લઈને હવે આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતને મૅચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીના બૉલર શાર્દુલ ઠાકુરને મૅચ ફીનો 50% દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હીના સહાયક કોચ પ્રવીણ આમરેને મૅચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે અને એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચમાં દિલ્હી કૅપિટલ્સનો રાજસ્થાન રૉયલ્સ સામે 15 રને પરાજય થયો હતો. મૅચની છેલ્લી ઓવર મેકૉય કરી રહ્યા હતા. દિલ્હીને જીતવા માટે 36 રન બનાવવાના હતા એટલે કે 6 બૉલમાં 6 છગ્ગાની જરૂર હતી.
રોવમેન પોવેલે છેલ્લી ઓવરના પ્રથમ 3 બૉલમાં ઉપરાછાપરી 3 છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરના ત્રીજા બૉલ પર પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રોવમેન પોવેલે જે ત્રીજો છગ્ગો ફટકાર્યો તેને દિલ્હીની ટીમે 'નો-બૉલ'ની માગણી કરી રહી હતી.
પરંતુ 'નો-બૉલ' જાહેર ન થતાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે તેમના ખેલાડીઓને મેદાનની બહાર બોલાવી લીધા હતા, જેના કારણે મૅચ થોડો સમય રોકાઈ ગઈ હતી. આ દરમિયાન દિલ્હીના સહાયક કોચ પ્રવીણ આમરે પણ મેદાનમાં ગયા હતા, પરંતુ અમ્પાયરે તેમને પરત મોકલી દીધા હતા.

મુંબઈમાં 'હનુમાન ચાલીસા' વાંચવા મુદ્દે શિવસેનાનો હંગામો

મહારાષ્ટ્રમાં હનુામન ચાલીસા વિવાદ વધતો જઈ રહ્યો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ તથા ધારાસભ્ય રવિ રાણાએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. શુક્રવારે નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા મુંબઈ પહોંચ્યા ત્યારથી રાજકારણ ગરમ થઈ ગયું છે.
તેમણે શનિવારે સવારે નવ વાગ્યે માતોશ્રીની બહાર જવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યાર પહેલાં જ સવારથી શિવસૈનિકો તેમના ખાર સ્થિત આવાસસ્થાન પર પહોંચી ગયા.
નવનીત રાણાએ ફેસબુક લાઇવ કરીને કહ્યું કે એક ધારાસભ્ય અને સાંસદને ઘરમાં બંધ કરવાની શું જરૂર છે? તેમણે આક્ષેપ કર્યો કે ઉદ્ધવ ઠાકરેએ તેમના ઘરે ગુંડા મોકલ્યા છે.
ત્યારે શિવસેના નેતા વિનાયક રાઉતને પોલીસ પોતાનું કામ કરી રહી છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મસ્જિદોમાં લાઉડસ્પીકર્સ પર અજાનનો વિરોધ કરવા માટે હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરતી હતી ત્યારથી મહારાષ્ટ્રમાં આ વિવાદ ચાલી રહ્યો છે.

ગુજરાત : બે મહિલાઓના ધર્મપરિવર્તનના પ્રયાસના આરોપમાં એક જ પરિવારના પાંચની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
ધ વીક ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે શુક્રવારે સ્થાનિક પોલીસે એક જ પરિવારના પાંચ સભ્યોની બે આદિવાસી મહિલાને બળજબરીપૂર્વક ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરવાના આરોપસર ધરપકડ કરી છે.
આરોપી રાકેશ વસાવા, તેમનાં પત્ની રેખા, તેમના પુત્ર યોહાન, યાકુબ અને રાસીન પર ભારતીય દંડ સંહિતાની કલમ 342, 417, 120B અને ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજન ઍક્ટ, 2003ની લાગતીવળગતી જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.
નોંધનીય છે ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજન ઍક્ટ બળજબરીથી કે લોભલાલચ આપીને કરાવાતા ધર્મપરિવર્તનને ગેરકાયદેસર ઠેરવે છે.
આ ગુના અંગેની એફઆઈઆર ગુરુવારે નોંધાઈ હતી. વ્યારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "આરોપી કુટુંબના લોકો ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. અને તેમના પર બુધવાર અને ગુરુવારના દિવસ દરમિયાન પોતાના ઘરે જ અમુક રસમ અનુસરી બે આદિવાસી મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાનો આરોપ કરાયો છે."

જિજ્ઞેશ મેવાણીની ધરપકડ વિરુદ્ધ કૉંગ્રેસનું આસામમાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે રાત્રે 11.30 વાગ્યે ગુજરાતના દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામની કોકરાજાર જિલ્લાની પોલીસ દ્વારા પાલનપુર ખાતેથી ધરપકડ કરાઈ હતી.
શુક્રવારે ન્યાયાલય દ્વારા તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાતાં આસામના કોકરાજાર પોલીસ સ્ટેશનની બહાર કૉંગ્રેસના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર કાર્યકર્તાઓએ મેવાણીની ધરપકડને ગેરકાયદેસર ગણાવી તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી હતી.
નોંધનીય છે કે જિજ્ઞેશ મેવાણી પર આરોપ છે કે તેમણે વડા પ્રધાન મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને બે સમુદાયો વચ્ચે વેરઝેર વધારવાનો પ્રયાસ કર્યો છે.

અમેરિકા : વૉશિંગટનમાં ગોળીબારમાં ત્રણ ઘાયલ, હુમલાખોર ફરાર

ઇમેજ સ્રોત, Mongkol Nitirojsakul / EyeEm
અમેરિકાના વૉશિંગટન પાસેના એક વિસ્તારમાં શુક્રવારે એક શખસે ઑટોમેટિક હથિયાર વડે ગોળીબાર કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, આ ગોળીબાર વૉશિંગટન પાસે એવેન્યૂ - વાન નેસમાં થયો. ઘટના બાદ વિસ્તારમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે અને લોકોને પોલીસે સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે.
આસિસ્ટન્ટ પોલીસ ચીફ સ્ટુઅર્ટ એમરમૅને કહ્યું કે ત્રણ લોકોને હૉસ્પિટલ લઈ જવાયા છે. તે પૈકી બે પુખ્ત વયની વ્યક્તિ છે, જેમની હાલ ગંભીર છે અને એક સગીરા છે જેઓને હળવી ઈજા થઈ છે.
એમરમૅને કહ્યું કે પોલીસ વિસ્તારમાં તમામ ઇમારતોમાં શંકાસ્પદ વ્યક્તિઓને શોધી રહી છે. અત્યાર સુધી ગોળીબારના કારણ અંગે ખબર નથી પડી શકી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












