વોડાફોન હવે ભારત છોડી દેશે? જિયોની શું ભૂમિકા છે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, ભારત સંવાદદાતા

વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકૉમ બજાર આમ જુઓ તો બહુ જોરદાર સફળ થઈ રહી હોય તેવું લાગે છે.

ભારતમાં હવે 118 કરોડ લોકો પાસે ફોન છે, જે ચીન પછી બીજા નંબરે આવે છે. તેમાંથી 76.5 કરોડ લોકો પાસે બ્રોડબેન્ડ કનેક્શન છે. તેના કારણે ભારત દુનિયાનું ડેટા માટેનું સૌથી મોટા બજારમાંનું એક બન્યું છે.

કિમત બહુ ઘટવા લાગી અને લોકો નેટ વધારે વાપરવા લાગ્યા તેના કારણે તેજ ગતિએ આ બજારનો વિકાસ થયો છે.

આમ છતાં આ આંકડાઓની વચ્ચે ટેલિકૉમ ક્ષેત્રમાં હલચલ પણ છે. આ અઠવાડિયે જ ભારતની સૌથી જૂની કંપની અને ત્રીજા નંબરની સૌથી મોટી વોડાફોન આઇડિયા કંપનીએ ભારત સરકાર તરફથી તેના બચાવ માટે સૂચવેલો માર્ગ અપનાવવો પડ્યો છે.

કંપનીએ સરકારને ચુકવણી કરવાની છે, તેના બદલામાં આ કંપનીમાં લગભગ 36% શૅર ભારત સરકારને આપવાનું નક્કી થયું છે. બાકીનો હિસ્સો સંયુક્ત સાહસની ભાગીદારી કંપનીઓ પાસે રહેશે.

બ્રિટિશ માલિકીની કંપની વોડાફોન ગ્રૂપ પાસે 28.5% રહેશે, જ્યારે ભારતના આદિત્ય બિરલા ગ્રૂપનો હિસ્સો 17.8% રહેશે.

વોડાફોન આઇડિયા કંપની છેલ્લાં કેટલાંક વર્ષોથી ખોટ કરી રહી હતી. (છેલ્લા પાંચ વર્ષથી કંપનીએ નફો કર્યો નથી.) સાથે જ ગ્રાહકો પણ ગુમાવી રહી હતી. (ગયા વર્ષે દસ ટકા હિસ્સો ગુમાવ્યા પછી કંપની પાસે 25.3 કરોડ ગ્રાહકો છે.)

ગયા વર્ષે કંપનીના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે અદાલત તરફથી જો રાહત નહીં મળે તો કંપનીને સંકેલી લેવી પડશે.

'અંતિમ વિકલ્પ'

કન્વર્ઝજન્સ કેટલિસ્ટ નામની કન્સલ્ટન્સી ફર્મના પાર્ટનર જયંત કોલ્લા કહે છે, "કંપનીમાં બહુમતી હિસ્સો જતો કરવાનો વિકલ્પ સૌથી આખરી હતો. આ રીતે ભારતની બજારને પણ છોડી દેવા જેવું છે."

ભારતની મોબાઇલ માર્કેટમાં અત્યારે ત્રણ મોટી કંપનીઓ છે - વોડાફોન આઇડિયા, રિલાયન્સ જિઓ અને એરટેલ. આ ત્રણેય કંપનીઓ સંયુક્ત રીતે ભારતીય બજારનો 90% હિસ્સો ધરાવે છે.

તે સિવાયનો હિસ્સો મુખ્યત્વે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)નો છે. બીએસએનઅલનો હિસ્સો નાનો છે, પણ સમગ્ર ભારતમાં તેનો વ્યાપ છે.

અર્થશાસ્ત્રી વિવેક કૌલ કહે છે, "વોડાફોન આઇડિયા જો કોઈ બૅન્ક હોત અથવા નાણાં સંસ્થા હોત તો તે બહુ મોટી કંપની છે અને તેને નિષ્ફળ જવા દેવાય નહીં તેવી વાતો શરૂ થઈ હોત. પણ વાત સાચી જ છે કે આ કંપની ખરેખર બહુ મોટી છે અને તેને નિષ્ફળ જવા દેવાય નહીં."

વોડાફોન આઇડિયા કંપની પડી ભાંગે તો તેની બહુ વિપરીત અસર થઈ શકે છે. ભારતની બૅન્કો આમ પણ ખરાબે ચડેલા દેવાની મુશ્કેલીમાં છે, તેમના માટે વધારે ધિરાણ નકામું થઈ ગયું હોત. બીજું કે ત્રીજી મોટી કંપની અદૃશ્ય થઈ જાય ત્યારે ભારતની ટેલિકૉમ બજાર માત્ર બે જ કંપની પર આધારિત થઈ જાય.

રોકાણ અને ધિરાણ રેટિંગ કરનારી એજન્સી ICRAના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ અંકિત જૈન કહે છે, "એકસો કરોડથી વધારે ગ્રાહકો હોય ત્યારે ભારતમાં આદર્શ રીતે ચારેક કંપનીઓ હોવી જોઈએ. ભારત સરકારે ઉદ્યોગનું માળખું જળવાઈ રહે તે માટે આ રીતે રાહત આપી છે. બીજું કે આના કારણે વિદેશી રોકાણકારો માટે સારો સંદેશ જશે."

મુકેશ અંબાણીના આગમન બાદ શરૂ થઈ હરીફાઈ

2017થી ભારતના ટેલિકૉમ ઉદ્યોગમાં હલચલ મચેલી છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો બજારમાં આવી અને બહુ જ ઓછા ભાવે ડેટા આપવાનું શરૂ કર્યું હતું. તેના કારણે ભાવની લડાઈ જામી હતી અને આખું બજાર વૉઇસના બદલે ડેટાનું માર્કેટ થઈ ગયું હતું.

કિમતો ઓછી કરવાની લડાઈ અટકે તેમ હતી નહીં અને બીજી બાજુ સરકાર તરફથી કંપનીઓ પાસેથી ચુકવણી માગવામાં આવી હતી. કંપનીઓને આપવામાં આવેલા સ્પેક્ટ્રમની કિમત તથા કંપનીઓ કમાણી કરે તેમાંથી અમુક હિસ્સો સરકારને મળવાનો હતો.

આ હિસ્સો સરકારને ચૂકવવામાં આવે તો કંપનીઓ માટે નફો ઘટી જાય. અંકિત જૈન કહે છે, "ઓછી કિમત અને ઊંચા દેવાને કારણે નફો ઘટવા લાગ્યો હતો અને સ્થિતિ કથળવા લાગી હતી."

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે રોકડની તંગી અનુભવતી આ કંપનીઓને ચાર વર્ષ માટે ચુકવણીમાં રાહત આપી હતી. કંપનીઓને આ રીતે રાહત મળે તેમાંથી તે માળખું ઊભું કરી શકે, નેટવર્ક વધારી શકે અને સ્પેક્ટ્રમ ખરીદી શકે તેવો હેતુ હતો.

નવેમ્બર મહિનામાં ટેલિકૉમ કંપનીઓએ પોતાના દરમાં 20% જેટલો વધારો કર્યો છે. આ રીતે કિમતની લડાઈમાં થોડી રાહત થઈ છે, અને સરકારની રાહત મળી છે ત્યારે હવે આગળ નફાકારકતા દાખવવાનો પડકાર કંપનીઓ પર આવ્યો છે.

જોકે સરકારે પોતાનું દેવું રોકડમાં લેવાના બદલે શૅર લીધો તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. આ માટેની જાહેરાત થઈ તે પછી વોડાફોન આઇડિયાના શૅરનો ભાવ 21% ટકા ઘટી ગયો, જે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.

સરકારની નીતિમાં વિરોધાભાસ

સરકાર એક તરફ ખોટ કરતી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી હોય, ત્યારે આ રીતે સરકાર પોતે ખોટ કરી રહેલી ખાનગી કંપનીમાં હિસ્સો લે તે વિરોધાભાસ છે એમ રોકાણકારો માને છે.

ઑક્ટોબર મહિનામાં જ ભારત સરકારે ખોટ કરતી સરકારી વિમાન કંપની ઍર ઇન્ડિયા તાતા ગ્રૂપને વેચવાનો નિર્ણય કર્યો હતો.

ભારતની પોતાની ખોટ કરતી બીએસએનએલ છે ત્યારે વધુ એક કંપની ટેલિકૉમ કંપની લઈને સરકાર શું કરશે તેવો સવાલ વિશ્લેષકો પૂછી રહ્યા છે.

બીજી બાજુ કેટલાક જાણકારો એવું કહી રહ્યા છે કે સરકાર વોડાફોનને ટકાવી રાખે અને તેમાં હિસ્સો લે તેના કારણે આગળ જતા ફાયદો થઈ શકે છે. કંપનીનો ટેલિકૉમ પોર્ટફોલિયો મજબૂત થાય છે અને ભવિષ્યમાં સારી કિમતે હિસ્સો વેચી પણ શકે છે.

ઘણી રીતે વોડાફોનની સ્ટોરી એ ભારતની ટેલિકૉમ માર્કેટની સ્ટોરી છે. ભારતમાં બહુ સસ્તા દરે ડેટા મળવા લાગ્યો હતો તે દિવસો હવે રહેશે નહીં.

જોકે દેશમાં એક હદથી વધારે દર રાખી નહીં શકાય તે પણ સ્પષ્ટ છે. કોઈ નવી કંપની આવે અને જંગી રોકાણ કરી શકે તેમ હોય તો જ હવે સસ્તા દરે મોબાઇલ સેવા આપી શકે.

એ નોંધવું જોઈએ કે એક દાયકા પહેલાં ભારતમાં 15 ટેલિકૉમ કંપનીઓ હતી, પણ અત્યારે માત્ર મુખ્ય ચાર કંપનીઓ જ બચી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો