You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણી હવે દુનિયાના ટોપ ટેન ધનવાનોની યાદીમાં, ધંધામાં શું-શું ફળ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ફૉર્બ્સની વિશ્વના ધનવાનોની યાદીમાં 10મા ક્રમે પહોંચી ગયા છે અને '100 બિલિયન ડૉલર ક્લબ'માં પણ સામેલ થઈ ગયા છે.
અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવમાં શુક્રવારે તેમાં પોણા ચાર ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો, ગત પાંચ સત્રમાં કંપનીના શૅરના ભાવ પાંચ ટકા જેટલા વધી ગયા હતા, જેના કારણે મુકેશ અંબાણીની વ્યક્તિગત તથા પરિવારની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે.
ઍનાલિસ્ટો તથા બ્રૉકરેજ ફર્મસ દ્વારા મુખ્ય લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવોમાં હજુ ઉછાળ આવશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સીધી અસર અંબાણીની વ્યક્તિગત તથા પારિવારિક સંપત્તિ ઉપર પણ પડશે. આ માટે રિટેલ વેપારનું વૅલ્યૂએશન, ટેલિકોમ વ્યાપાર સહિતના કારણોને વ્યક્ત કરવામાં આવે છે.
એવા આરોપ લાગતા રહે છે કે અંબાણી સમૂહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે, જેનો લાભ તેને વેપારી બાબતોમાં થાય છે. ભાજપે આ પ્રકારના આરોપોને નકાર્યા છે.
100 બિલિયન ડૉલર ક્લબ
ફૉર્બ્સ બિલિયનર્સ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી શુક્રવારે 10મા ક્રમે હતા. મૅગેઝિનના અનુમાન પ્રમાણે, તેઓ 101.5 અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે. બીજી બાજુ, સપ્તાહના છેલ્લા ટ્રૅડિંગ દિવસે મુકેશ અંબાણીની મુખ્ય લિસ્ટેડ કંપની રિલાયન્સના શૅરના ભાવમાં 3.76 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને કંપનીના શૅરનો ભાવ રૂ. બે હજાર 669 ઉપર બંધ આવ્યો હતો, જે તેની ઑલટાઇમ હાઈ સપાટી છે.
ડેટા ઍનાલિસિસ ગ્રૂપ 'સ્ટૉકએજ'ના વિશ્લેષણ પ્રમાણે, મુકેશ અંબાણી જૂથની આઠ કંપની શૅરબજારમાં લિસ્ટેડ છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, આલોક ઇન્ડસ્ટ્રીઝ, ડેન નૅટવર્ક લિમિટેડ, હાથવૅ ભવાની કૅબલટેલ ઍન્ડ ડેટાકોમ લિમિટેડ (Hathway Bhawani Cabletel and Datacom Ltd), હૅથવે કૅબલ ઍન્ડ ડેટા કોમ (Hathway Cable and Data Ltd), ટીવી18 બ્રૉડકાસ્ટ લિમિટેડ તથા નૅટવર્ક 18 મીડિયા ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ લિમિટેડનો સમાવેશ થાય છે.
'સ્ટૉકએજ' ડેટા પ્રમાણે, જૂન મહિનામાં સમાપ્ત થયેલા ક્વાર્ટરને અંતે પ્રમૉટર (મુકેશ અંબાણી તથા પરિવાર) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 50.59 ટકા હિસ્સો ધરાવે છે તથા 49.41 ટકા શૅર જનતા તથા સંસ્થાકીય રોકાણકારો પાસે છે. પ્રમૉટર્સે તેમનો હિસ્સો ગીરવે મૂકીને લૉન નથી મેળવી. શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કૅપિટલ 17 લાખ 77 હજાર કરોડ ઉપર પહોંચી ગયું હતું.
મોબાઇલ, ડેટા અને ફોન
લગભગ એક દાયકા પહેલાં ભારતના ટેલિકોમ બજારમાં ડઝન જેટલી કંપની અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ હાલમાં માત્ર ચાર કંપની અસ્તિત્વ ધરાવે છે. જેમાં રિલાયન્સ જૂથની 'જિયો', ભારતી જૂથની 'ઍરટેલ'નો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય વોડાફોન-આઇડિયા તથા ભારત સંચાર નિગમ અસ્તિત્વ ધરાવે છે. જેમાં વોડાફોન-આઇડિયા દેવામાં ડૂબેલી છે અને બીએસએનએલ સ્પર્ધામાંથી 'લગભગ બહાર' જ છે.
નિષ્ણાતોનું અનુમાન છે કે જિયોનું ઍવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU, દરેક ગ્રાહકમાંથી થતી સરેરાશ આવક) રૂ. 160થી 170 આસપાસ હશે. જેના કારણે જિયોનું મૂલ્યાંકન ઊંચું આંકવામાં આવે છે. જિયોમાં ફેસબુક તથા ગૂગલ જેવી અમેરિકાની જાયન્ટ ટૅક કંપનીઓએ રોકાણ કર્યું છે.
આ સિવાય રિલાયન્સ તથા ગૂગલના નિષ્ણાતોએ મળીને રિલાયન્સ જિયોફોન તૈયાર કર્યો છે, જે તા. 10મી સપ્ટેમ્બરે લૉન્ચ કરવાની કંપનીની યોજના હતી પરંતુ ચીપની શૉર્ટેજને કારણે એમ કરવું શક્ય બન્યું ન હતું. એવું માનવામાં આવે છે કે આગામી તહેવારો દરમિયાન તે બજારમાં આવી શકે છે.
જિયોફોન 'વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન' હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જેની કિંમત રૂ. 3,500થી પાંચ હજાર આસપાસ રહેશે તેવો અંદાજ મૂકવામાં આવે છે. ફોનમાં ઍન્ડ્રોઇડ 11 ઑપરેટિંગ સિસ્ટમ હશે, છતાં તેમાં સંપૂર્ણ ફિચર નહીં હોય તથા ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મર્યાદિત ફિચર હશે.
જાણકારોના મતે આ સ્માર્ટફોન આગામી સમયમાં રિલાયન્સ જિયો માટે 'ગૅમચેન્જર' બની શકે છે, કારણ કે તેના લીધે ભારતમાં ફિચર ફોન ધરાવતા કરોડો ગ્રાહકો પાસે સ્માર્ટફોન તરફ વળવાનો મોકો હશે.
કંપની સસ્તો ફોન લૉન્ચ કરીને હૅન્ડસેટના બજારમાં ઉથલપાથલ મચાવી શકે છે. વળી, નવા સ્માર્ટફોન ગ્રાહકોને કારણે કંપની ARPUમાં વધારો આવી શકે છે.
4જી ટેકનૉલૉજીવાળો આ ફોન ભારતના 10 કરોડ ફિચરફોન યૂઝરને માટે વિકલ્પ પૂરો પાડશે. મુકેશ અંબાણી દ્વારા ચાલુ વર્ષની વાર્ષિકસભા દરમિયાન તેની જાહેરાત કરવામાં આવી હતી.
આ સિવાય કંપનીએ દાવો કર્યો છે કે તે 5જી માટે 'સંપૂર્ણ સ્વદેશી' ટેકનૉલૉજી વિકસાવી ચૂકી છે અને તે લગભગ છ અબજ ડૉલરના ખર્ચે નૅધરલૅન્ડની કંપની ટી-મોબાઇલ ખરીદવા માટે વાટાઘાટો હાથ ધરી છે.
અરામકોને કારણે આગેકૂચ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઑઇલ-ટુ-કૅમિકલ બિઝનેસને અલગ કરી દીધો છે, જેમાં રિફાઇનરી પેટ્રોલિયમ કંપનીઓ તથા રિટેલ ફ્યૂઅલના ધંધાનો સમાવેશ થાય છે. જોકે, તેમાં કાપડ તથા કેજી બેઝિનમાં ધીરુભાઈ અંબાણી ઑઈલ ફિલ્ડનો સમાવેશ નથી થતો.
સાઉદી અરેબિયાની સરકારી તેલ ઉત્પાદન કંપની 'અરામકો' મુકેશ અંબાણીના 'ઑઈલ-ટુ-કૅમિકલ' બિઝનેસમાં 20 ટકા હિસ્સો ખરીદવા માગે છે અને આ માટે 25 અબજ ડૉલર ચૂકવવા તૈયાર છે.
જાણકારોને લાગે છે કે આ વિશે છેલ્લા બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે, ત્યારે હવે તેમાં નક્કર પરિણામ આવી શકે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાવાઇરસ તથા લૉકડાઉનને કારણે ભારત તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઈલના ભાવોમાં ઘટાડાને કારણે આ ડીલ ખોરંભે પડી ગઈ હતી.
આ ડીલને કારણે રિલાયન્સને તેની રિફાઇનરીઓ માટે નિયમિતપણે ક્રૂડની સપ્લાય મળી રહેશે, જ્યારે અરામકોને નિશ્ચિત પ્રમાણમાં, ક્રૂડઑઈલની માંગનું આશ્વાસન મળી રહેશે. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું ઑઇલ વપરાશકર્તા છે અને તે પોતાની મોટાભાગની માગ આયાત દ્વારા સંતોષે છે.
ચાલુ વર્ષે અરામકોના ચૅરમૅન યાસિર અલ-રુમિયાનને રિલાયન્સના બૉર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે ડીલ ખૂબ જ આગળના તબક્કામાં છે.
થોડા મહિના પહેલાં સાઉદી શાસક મોહમ્મદ બિન સલમાન દ્વારા એવા અણસાર આપવામાં આવ્યા હતા કે 'વિશ્વની ટોચની ઊર્જા કંપની'ને અરામકોમાં એક ટકા હિસ્સો વેચવામાં આવશે. તેમણે નામની સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ તે રિલાયન્સના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે.
જિયો માર્ટ, જિયો રિટેલે પ્રાણ ફૂંક્યા
રિલાયન્સ રિટેલના શૅર નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ (એનએસઈ) કે બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ (બીએસઈ) ખાતે લિસ્ટેડ નથી, પરંતુ ઑગસ્ટ મહિનામાં 'ઇકૉનૉમિક ટાઇમ્સ' દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રમાણે અનઑફિશિયલ માર્કેટમાં તેના ભાવ રૂ. 2,650થી રૂ. 2,700 આસપાસ હતા. પેરન્ટ કંપની તેમાં 99.5 ટકા હિસ્સો ધરાવે છે.
રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચેની ડિલમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો એમેઝોનની તરફેણમાં આવ્યો હોવા છતાં ઊંચી માગ હોવાનું અખબારે નોંધ્યું હતું.
જેના આધારે રિલાયન્સ રિટેલનું માર્કેટ કૅપિટલ 18 લાખ કરોડ આસપાસ અંદાજવામાં આવ્યું હતું. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન માર્કેટ કૅપિટલ (17 લાખ 77 હજાર કરોડ) કરતાં વધુ છે.
કંપનીએ તાજેતરમાં બીપીએલ તથા કૅલિવિનેટર જેવી 'બ્રાન્ડ રિકૉલ વૅલ્યૂ' ધરાવતી કંપનીઓની બ્રાન્ડથી ઇલૅક્ટ્રૉનિક ગુડ્સને બજારમાં ઉતારવાની જાહેરાત કરી હતી. જેનો લાભ કંપનીને મળી શકે છે.
ભારતમાં કોરોનાનું એન્ડેમિક તરફ આગળ વધવું, લોકોનું ફરીથી મૉલ તથા સિનેમાગૃહો તરફ આકર્ષણ, નેટમેડ્સ, જસ્ટડાયલ, અર્બન લેડર, હેમલેસ (Hamleys), ફાઇન્ડ (Fynd) વગેરે જેવી કંપનીઓને ખરીદવી તથા ઈ-કૉમર્સ સૅગ્મૅન્ટમાં બજાર સર કરવા માટે કંપનીના પ્રયાસોને સકારાત્મક રીતે જોવામાં આવે છે.
રિલાયન્સે અમેરિકાના કન્વીનિયન્સ સ્ટોર 7-11 સાથે કરાર કર્યા છે અને તેને ભારતમાં લૉન્ચ કરશે.
ગ્રીન ઍનર્જી અને શૅરો'
સપ્ટેમ્બર મહિનામાં ઇન્ટરનેશનલ ક્લાયમેટ સમિટ 2021માં બોલતી વખતે રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ ક્હયું હતું કે ભારતમાં 'હરિત ક્રાંતિ' (અલબત ઊર્જાના સંદર્ભમાં) શરૂ થઈ ગઈ છે અને ભારત 100 ટકા ઊર્જાસ્વનિર્ભર બનવા તરફ અગ્રેસર છે.
તેમણે જાહેર કર્યું હતું કે જામનગર ખાતે પાંચ હજાર એકરમાં ફેલાયેલા 'ધીરુભાઈ અંબાણી ગ્રીન ઍનર્જી ગીગા કૉમ્પલેક્સ'માં આગામી ત્રણ વર્ષ દરમિયાન કંપની દ્વારા રૂ. 75 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.
જે 'વિશ્વની સૌથી મોટી ગ્રીન ઍનર્જી ફૅસિલિટીમાંથી એક' હશે. આ કૉમ્પલેક્સ ખાતે ફૉટોવૉલ્ટેનિક યુનિટ્સ, ઊર્જાના સંગ્રહ માટે આધુનિક બૅટરી, ગ્રીન હાઇડ્રૉજનના ઉત્પાદન માટે ઇલેક્ટ્રોસિસ પ્રક્રિયા તથા તેના રૂપાંતરણ માટેના સેલપ્લાન્ટ પણ ઉત્પાદિત થશે.
હાલમાં ગ્રીન હાઇડ્રૉજન લગભગ છથી સાડા છ ડૉલર પ્રતિકિલોગ્રામ મળે છે. અંબાણીના મતે તેનો ભાવ આગામી એક દાયકામાં ઘટીને એક ડૉલર પ્રતિકિલોગ્રામ આવી જશે.
જેના કારણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે જેવી રીતે રિલાયન્સે જિયોના દ્વારા ઓછા ભાવ દ્વારા વધુ ગ્રાહક મેળવવાની નીતિ અપનાવવામાં આવી હતી. તેનું પુનરાવર્તન આ ક્ષેત્રે પણ થઈ શકે છે.
કંપની વર્ષ 2035 સુધીમાં 'નેટ-ઝીરો' કાર્બન કંપની બનવા ધારે છે તથા 2030 સુધીમાં 100 મૅગાવૉટ પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની ક્ષમતા સ્થાપિત કરવા માગે છે.
ટેકનિકલ કારણ
રિલાયન્સના શૅરના ભાવો વધવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ ટેકનિકલ માનવામાં આવે છે. જ્યારે કોઈ કંપનીના શૅરમાં અમુક સમય સુધી સળવળાટ જોવા ન મળ્યો હોય અને તે પોતાની અગાઉની ટોચની સપાટીને પાર કરે ત્યારે તેને સકારાત્મક રીતે જોવામાં આવે છે. જેમાં ગત 50 દિવસની શૅરના ભાવોની સરેરાશએ, ગત 200 દિવસ દરમિયાન શૅરના ભાવની સરેરાશ કરતાં વધુ થાય, એવી જ રીતે ગત 20 દિવસ દરમિયાન શૅરના ભાવોની સરેરાશ, ગત 50 દિવસના ભાવની સરેરાશ કરતાં વધુ હોવી જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
ટેકનિકલ ઍનાલિસ્ટોના મતે, રિલાયન્સના શૅરમાં છેલ્લા ત્રણેક ક્વાર્ટરના કૉન્સોલિડેશન બાદ સપ્ટેમ્બર મહિનામાં બ્રૅકાઉટ જોવા મળ્યું હતું. આગામી બે ક્વાર્ટર (ત્રિ-માસિક ગાળા) કંપની માટે સકારાત્મક રહેશે એવું માનવામાં આવે છે.
આવી જ રીતે 'ઇકૉનૉમિક ટાઇમ્સ' દ્વારા 32 ઍનાલિસ્ટ (કે બ્રૉકરેજ ફર્મ)ના ડેટાનો સરેરાશ કાઢવામાં આવ્યો છે. જે મુજબ, 21 ઍનાલિસ્ટ ખરીદવાની 'ભલામણ કે ભારપૂર્વક ભલામણ' કરે છે. આઠ ઍનાલિસ્ટ દ્વારા શૅરને જાળવી રાખવાની તથા ત્રણ દ્વારા શૅરને વેચવાની ભલામણ કરવામાં આવી છે.
અખબારના ડેટા પ્રમાણે, જુન મહિનાના ત્રિમાસિક ગાળાના અંતે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII, ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ) પાસે 27.33 ટકા, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII, ડોમૅસ્ટિગ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર) પાસે 10.87 ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે 4.69 ટકા તથા અન્યો પાસે 11.21 ટકા હિસ્સો છે.
મોદી સાથે મિત્રતાથી લાભનો આરોપ
મુકેશ અંબાણી ઉપર આરોપ લાગતા રહે છે કે તેઓ વર્તમાન નરેન્દ્ર મોદી સરકારની નજીક છે અને આ નિકટતાનો લાભ તેમની કંપનીને મળે છે. સરકાર તેને લાભ પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. છ લાખ કરોડની સંપત્તિને લાંબા પટ્ટા ઉપર આપીને રૂ. દોઢ લાખ કરોડ ઊભા કરવા ધારે છે. જેમાં ઍરપૉર્ટ, રેલવે, રેલવે સ્ટેશન, ગૅસ પાઇપલાઇન, હાઈવે વગેરેને ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 70 વર્ષ દરમિયાન જે સરકારી સંપત્તિ ઊભી કરવામાં આવી હતી, તે ચુનંદા ઉદ્યોગપતિ મિત્રોને ભેટમાં આપી દેવામાં આવશે. જેના કારણે મૉનૉપોલી ઊભી થશે અને રોજગારની સમસ્યા થશે.
તેમણે આરોપ મૂક્યો હતો કે મોદી બે-ત્રણ ઉદ્યોગપતિ મિત્રો માટે કામ કરી રહ્યા છે અને દેશ માટે નહીં. એ પત્રકારપરિષદમાં તેમણે કોઈ ચોક્કસ ઉદ્યોગપતિ કે ઉદ્યોગગૃહનું નામ લીધું ન હતું, પરંતુ 2019ના રાહુલ ગાંધીના ચૂંટણીપ્રચાર અભિયાન તથા ત્યારબાદની પત્રકારપરિષદોને કારણે સ્પષ્ટ છે કે તેમનો ઇશારો અદાણી તથા અંબાણી (અલબત અનિલ અંબાણી જૂથ પણ) જૂથ તરફ હતો.
તેમણે આટોલો મોટો નિર્ણય લેતા પહેલાં વિપક્ષને વિશ્વાસમાં ન લેવાનો પણ આરોપ મૂક્યો હતો. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ વેચાણને 'ઉઘાડી લૂંટ' તથા 'બંધ કરતાં પહેલાં સેલ' ઠેરવ્યું હતું.
બ્લૂમબર્ગ માટે આર્થિક વિશ્લેષક ઍન્ડી મુખરજીએ લખ્યું કે વાયરલૅસ કૉમ્યુનિકેશનમાં બે મુખ્ય કંપનીઓ છે અને મુકેશ અંબાણીની કંપની તેમાંની એક છે.
જોકે ભાજપના નેતાઓ સરકાર દ્વારા ચોક્કસ ઉદ્યોગગૃહોને તરફેણ કરવામાં આવતા આરોપોને નકારે છે.
અન્ય અબજપતિઓ
2008માં વિભાજન બાદ અંબાણી ભાઈઓની કુલ સંપત્તિ 100 અબજને પાર કરી ગઈ હતી. રિલાયન્સ કંપનીએ વર્ષ 2018માં 100 અબજ ડૉલરનું વૅલ્યૂએશન હાંસલ કર્યું હતું.
ફૉર્બ્સ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ શુક્રવારે, ટેસ્લાના ઇલન મસ્ક 203 અબજ 90 કરોડ ડૉલરની સંપત્તિ સાથે ટોચ ઉપર હતા. એમેઝોનના જેફ બેઝોસ 192.4 અબજ ડૉલરની સંપત્તિ સાથે બીજા ક્રમે હતા.
લકઝરી સામાન બનાવી કંપનીના માલિક ફ્રાન્સના બૅરનાડ આર્નૉલ્ટ (176.4 અબજ ડૉલર) ત્રીજા ક્રમે, માઇક્રૉસૉફ્ટના સ્થાપક બિલ ગૅટ્સ (131 અબજ ડૉલર) ચોથા ક્રમે હતા.
ફૉર્બ્સ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ, ગૂગલના લેરી પેજ તથા સર્ગેઈ બ્રિન 119.1 અબજ ડૉલર તથા 114.8 અબજ ડૉલરની સંપત્તિ સાથે અનુક્રમે છઠ્ઠા તથા આઠમા ક્રમે હતા. ઑરેકલના સ્થાપક લૅરી એલિસન 120.6 અબજ ડૉલરની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે.
રોકાણકાર વૉરન બફેટ 102 અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે. તેઓ નવમા ક્રમે છે. તાજેતરમાં છ કલાક સુધી ફેસબુક, વૉટ્સઍપ તથા ઇન્સ્ટાગ્રામ બંધ રહેવાને કારણે ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેઓ 117.8 અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો