કોલસાની અછતથી ભારત માથે વીજસંકટ, અનેક શહેરોમાં અંધારપટની શક્યતા - BBC Top News

‘ઇન્ડિયા ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઝારખંડ સહિતનાં રાજ્યોમાં કેટલાક પાવરપ્લાન્ટ કોલસાની અછતના લીધે બંધ કરી દેવાયા છે.

‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ દિલ્હી સરકારના ઊર્જામંત્રીએ ચેતવણી આપી છે કે દિલ્હી પાસે માત્ર એક દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો છે, આથી વીજપુરવઠો ખોરવાઈ શકે છે.

વળી, ઝારખંડમાં વીજપુરવઠાની અછતના કારણે 285 મેગાવૉટથી લઈને 430 મેગાવૉટ સુધી લોડશૅડિંગ કરવું પડી રહ્યું છે.

દેશમાં કોલસાથી ચાલતા 135 પાવરપ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો હોવાથી હવે બે દિવસ ચાલે એટલો જ જથ્થો વધ્યો છે.

જો સ્થિતિ નહીં સુધરે તો દેશનાં અનેક શહેરોમાં અંધારપટ થવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં વીજકાપ શરૂ પણ થઈ ગયો છે.

રાજધાની દિલ્હીમાં વીજસંકટ ઘેરું બની રહ્યું છે. કોલસાનો પુરવઠો ન મળે તો બે દિવસ પછી આખા દિલ્હીમાં બ્લૅકઆઉટ થવાની શક્યતા છે.

સરકારે દેશભરમાં વીજળીની સમસ્યા મામલે અપીલ કરી છે કે દેશવાસીઓ જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરે, સાથે જ સ્થિતિ સુધરશે એવી આશા પણ વ્યક્ત કરી છે.

મુંદ્રા ડ્રગ કેસમાં વિવિધ શહેરોમાં NIAના દરોડા

તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રા પૉર્ટ પરથી ત્રણ હજાર કિલો હેરોઇન પકડાયું હતું, DRI દ્વારા આ ઑપરેશન હાથ ધરાયું હતું. તેની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી દેવાઈ હતી.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ શનિવારે એનઆઈએ દ્વારા દેશમાં કેસ સાથે સંકળાયેલા આરોપીઓ અને શકમંદોનાં વિવિધ ઠેકાણે દરોડા પાડી સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું.

અહેવાલ અનુસાર NIA દ્વારા એક નિવેદનમાં કહેવાયું, “ચેન્નાઈ, કોઇમ્બતુર, વિજયવાડામાં કેસના શકમંદો અને આરોપીએને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો અને વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે 16 સપ્ટેમ્બરના રોજ મુંદ્રા પૉર્ટ પરથી ડીઆરઆઈ દ્વારા 2988.21 કિલોનું હેરોઇન જપ્ત કરાયું હતું તથા 6 ઑક્ટોબરે કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો.

એનઆઈએ દ્વારા ઇન્ડિયન પીનલ કોડ, એનડીપીએસ ઍક્ટ, UAPA કલમ હેઠળ કેસ દાખલ કરાયો છે.

મુકેશ અંબાણી '100 અબજ ડૉલર ક્લબ'માં સામેલ થનારા દેશના પ્રથમ ઉદ્યોગપતિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ આખરે 100 અબજ ડૉલરના ક્લબમાં પ્રવેશ કરી લીધો છે.

‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે મુકેશ અંબાણીની સંપત્તિ 100.6 અબજ ડૉલર રહી હતી.

આ સાથે જ તેઓ વિશ્વના 100 અબજ કરતાં વધુ સંપત્તિ ધરાવતા 11 ઉદ્યોગપતિઓમાં સામેલ થઈ ગયા છે.

મુકેશ અંબાણીની સંપતિ 100.6 અબજ ડૉલરે પહોંચી છે, જેમાં ચાલુ વર્ષમાં 23.8 અબજ ડૉલરનો વધારો થયો છે.

100 અબજ ડૉલરની ક્લબમાં પહેલા ક્રમે 222 અબજ ડૉલરની સંપત્તિ સાથે મસ્ક પ્રથમ ક્રમે છે.

190 અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા ઝેફ બેઝોસ બીજા અને 155 અબજ ડૉલરની સંપત્તિ સાથે બર્નાર્ડ આર્નોલ્ડ ત્રીજા ક્રમે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો