આર્યન ખાન કેસ : જે થકી ડ્રગ્સનો ઑર્ડર આપવામાં આવ્યો હોવાનો દાવો કરાયો એ ડાર્ક વેબ શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન એનસીબીએ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન તથા અન્ય આરોપીઓના રિમાન્ડની સમયાવધિ સાત ઑક્ટોબર સુધી વધારી દીધી છે.

બ્યૂરોનું કહેવું છે કે તાજેતરમાં કેટલીક ધરપકડો કરવામાં આવી છે અને આરોપીઓની સામ-સામે બેસાડીને પૂછપરછ કરાવવાની છે.

એવા અહેવાલો આવી રહ્યા છે કે ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ ઑર્ડર આપવામાં આવ્યા હતા તથા તેની ચુકવણી બિટકૉઇન દ્વારા કરવામાં આવી હતી.

લગભગ 15 દિવસ પહેલાં ગુજરાતના કિનારે મધદરિયેથી 30 કિલોગ્રામ હેરોઇન ઝડપી લેવામાં આવ્યું હતું, ત્યારે પણ ડ્રગ ડિલર્સ દ્વારા ડાર્ક વેબનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા.

ત્યારે જાણીએ કે ડાર્ક વેબ વિશે અને કરીએ તેની અંધારી દુનિયામાં ડોકિયું, જે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓ માટે માથાના દુખાવા સમાન છે, તો ગેરકાયદેસર કામો અને વસ્તુઓનો વેપાર કરનારાઓ માટે આશીર્વાદ સમાન છે.

ડાર્ક વેબની દુનિયા કેવી હોય છે?

સામાન્ય રીતે ઇન્ટરનેટને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

પહેલું સરફેસ ઇન્ટરનેટ, જેને તમે ગૂગલ, એમેઝોન, યાહુ કે બિંગના સર્ચ એન્જિન દ્વારા શોધી શકો છો.

પ્રચલિત સોશિયલ નેટવર્કિંગ, ન્યૂઝ સાઇટ્સ તથા પ્રોડક્ટવિટી વેબસાઇટ્સનો તેમાં સમાવેશ થાય છે.

બીજું છે ડીપ વેબ. તેનું કન્ટેન્ટ સર્ચ એન્જિન ઉપર ઇન્ડેક્સ થયું નથી હોતું અને તેમાં પ્રવેશવા માટે લોગ-ઇન પાસવર્ડ કે લવાજમ લેવાની જરૂર પડે છે.

ત્રીજું અને સૌથી ખતરનાક છે ડાર્ક વેબ. અંધારીઆલમનાં જે કોઈ કામ થાય છે, તે ડાર્ક વેબ ઉપર અસ્તિત્વમાં ધરાવે છે. અહીં તમને ભાડૂતી હત્યારા, નશાકારક પદાર્થ, હથિયાર, બૉમ્બ બનાવવાની સામગ્રી, બૉમ્બ બનાવવાની વિધિ, સટ્ટાની વેબસાઇટ, જુગારનાં માધ્યમો, હેક થયેલો ડેટા, સટ્ટો, ગુપ્ત માહિતીઓ, સ્લૉ પૉઇઝન, પૉર્નોગ્રાફિક સામગ્રી, ચાઇલ્ડ પૉર્નોગ્રાફિક જેવી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી રહે છે. સલામતીની ખાતરી આ પ્રકારનાં કામો કરનારાઓને ડાર્ક વેબ તરફ આકર્ષે છે.

કોરોનાકાળ દરમિયાન ડાર્ક વેબ પર પીપીઈ કિટ, ગ્લવ્સ, સૅનિટાઇઝર, ક્લોરોક્વિન જેવી દવા તથા કોરોનાની બીમારીમાંથી મુક્ત થયેલી વ્યક્તિનું લોહી સહિતની સામગ્રી ઉપલબ્ધ હતી.

જો શૉપિંગ વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલી વસ્તુઓ ઈ-કૉમર્સ છે તો આ ડી-કૉમર્સ છે. જેની ચુકવણી ક્રિપ્ટૉકરન્સી કે અન્ય ગુપ્ત માધ્યમથી થાય છે.

આ માધ્યમથી છેતરપિંડી થવાની પણ પૂરેપૂરી શક્યતા રહે છે તથા ઠગાઈનો ભોગ બનેલા ચીજવસ્તુ પ્રતિબંધિત હોવાથી ફરિયાદ પણ કરી શકતા નથી.

ડાર્ક વેબને એક્સેસ કરવા માટે વિશેષ બ્રાઉઝર TORની જરૂર પડે છે, જે 'ધ ઑનિયન રાઉટર'નું ટૂંકું રૂપ છે. તે નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે.

જેમ ડુંગળીમાં પડની ઉપર પડ ચડેલા હોય છે, તેમ નિર્ધારિત વેબ પેજ સુધી પહોંચવા માટે એક સર્વરથી બીજા તથા બીજાથી ત્રીજા એમ અનેક સર્વર ડાયવર્ટ કરાયેલાં હોય છે, જેથી કોણ વેબસાઇટને ક્યાંથી એક્સેસ કરી રહ્યું છે, તે ખબર નથી પડતી.

ગુપ્ત અને ગુમનામ રીતે થતું આ ઇન્ટરનેટ સર્ફિંગ દરેક સ્તરે ઍન્ક્રિપ્ટેડ હોય છે. જે સુરક્ષા એજન્સીઓનાં કામોને વધુ મુશ્કેલ બનાવે છે.

યુએસના નૌકાદળના કર્મચારીઓ દ્વારા TORને વિકસાવવામાં આવ્યું હતું તથા આજે પણ તેને સરકારનું ફંડિંગ હાંસલ છે.

ડાર્ક વેબ પર બધું 'કાળું' નહીં

ચીન, ઈરાન તથા વિયેતનામ જેવા અનેક દેશો તેમના નાગરિકો બીબીસી પરની સામગ્રીને વાચી ન શકે તે માટે સર્વેલન્સ તથા સેન્સરશિપ લાદવામાં આવે છે.

આ સિવાય કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઇટ, ઈમેઇલ સેવા પ્રદાતા તથા ઑનલાઇન સ્ટોરેજ વેબસાઇટ્સ પણ છે.

સરકાર વિરુદ્ધ તપાસ કરી રહેલા પત્રકારોને વધારે સલામતીની જરૂર હોય છે, જેના માટે તેઓ ડાર્ક વેબ પર આધાર રાખે છે.

કાયદો અને વ્યવસ્થાનું કામ કરતા અધિકારીઓ, સૈન્ય અધિકારીઓ, માનવ અધિકાર કાર્યકર્તાઓ અને વ્હિસલ બ્લૉઅર્સ વગેરે માટે પણ તે આશીર્વાદરૂપ બની રહે છે.

એક પછી એક એન્ક્રિપ્શનનાં સ્તરોને કારણે પત્રકારો પોતાની ઓળખ ગુપ્ત રાખીને માહિતી તથા સામગ્રીની આપ-લે કરી શકે છે. વધુમાં તેના કોઈ સગડ ન રહેતા હોવાથી કોણે-ક્યાંથી માહિતીની આપ-લે કરી તે ગુપ્ત રહી શકે છે.

સામાન્ય વેબસાઇટની પાછળ .com, .net કે .in વગેરે જેવા સફિક્સ હોય છે, ડાર્કનેટની વેબસાઇટમાં પાછળ સામાન્યતઃ .onion સફિક્સ હોય છે.

અહીં બીબીસીનું ઍડ્રેસ bbc.com/newsના બદલે https://www.bbcnewsv2vjtpsuy.onion/ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો