જૉનસન ઍન્ડ જૉનસનની સિંગલ ડોઝ કોરોના વૅક્સિનને ભારતમાં મંજૂરી

ભારતમાં અમેરિકાની કંપની જૉનસન ઍન્ડ જૉનસનની સિંગલ ડોઝ વૅક્સિને મંજૂરી મળી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ થોડી વાર પહેલાં એક ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે.

જૉનસન ઍન્ડ જૉનસનની આ વૅક્સિન સિંગલ ડોઝ હશે એટલે કે તે માત્ર એક જ વખત મુકાવવી પડશે.

આ વૅક્સિનને ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે મંજૂર મળી છે.

આ સાથે ભારતમાં અત્યાર સુધી પાંચ કોવિડ વૅક્સિનને મંજૂરી મળી ચૂકી છે - કોવિશિલ્ડ, કોવૅક્સિન, સ્પુતનિક, મૉડર્ના અને જૉનસન ઍન્ડ જૉનસન.

રસી નહીં લેનારને ફરીથી કોરોના થવાની સંભાવનાની ટકાવારી કેટલી છે?

રસી લીધા વિનાના લોકોને કોરોનાનું સંક્રમણ ફરીથી થવાની સંભાવના બમણાંથી વધારે હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે.

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના એક રિપોર્ટ પ્રમાણે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફાઇઝર, મૉડર્ના અથવા જૉન્સનની રસીઓ સાથે જેમનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે એવાં લોકોની સરખામણીમાં રસી નહીં લેનારને ચેપ લાગવાની સંભાવના 2.34 ગણી વધારે છે.

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, નવો અભ્યાસ 264 વયસ્કો પર આધારિત હતો. જેઓ અગાઉ 2020માં કોરોનાથી સંક્રમિત થયા બાદ આ વર્ષે મે અને જૂનમાં ફરીથી સંક્રમિત થયાં હતાં.

ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કોરોના વાઇરસના 38,628 નવા કેસ નોંધાવાની સાથે હાલમાં ભારતમાં કોરોના વાઇરસના 4,12,153 ઍક્ટિવ કેસ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પાંચ ઑગસ્ટના આંકડા પ્રમાણે ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 23 કેસ નોંધાયા હતા તેમજ 24 દર્દીઓ સાજા થયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 5,93,263 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

હૉકી ખેલાડી વંદનાએ કહ્યું, 'અમે દેશ માટે રમી છીએ, જાતિવાદી ટિપ્પણી ન થવી જોઈએ'

બુધવારે ટોક્યોની ઑલિમ્પિકની સેમિફાઇનલમાં અર્જન્ટિના સામે ભારતની હાર બાદ, વંદનાનાં પરિવારે આરોપ લગાવ્યો કે હરિદ્વારમાં તેમના વિસ્તારમાં યુવાનોના એક જૂથે ફટાકડાં ફોડ્યાં, ઉજવણી કરીને નાચ્યાં અને જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસના' અહેવાલ પ્રમાણે શુક્રવારે બ્રૉન્ઝ મેડલ પ્લેઑફમાં બ્રિટન સામે ભારતની 3-4થી હાર બાદ વાત કરતાં ભારતના ત્રણ ગોલમાંથી એક ગોલ કરનાર વંદના કટારિયાએ કહ્યું કે તેમણે આ ઘટના વિશે સાંભળ્યું છે પરંતુ હજુ સુધી તેમની પરિવાર સાથે વાત થઈ નથી.

તેમની પાસે તેમનાં પરિવાર માટે કોઈ સંદેશ છે તેમ પૂછતા, 26 વર્ષીય વંદનાએ કહ્યું "અમે લોકો દેશ માટે રમી રહ્યાં છીએ અને જે કંઈ પણ થઈ રહ્યું છે, જાતિવાદી ટિપ્પણી વગેરે જે મેં થોડું સાંભળ્યું છે તે ન થવું જોઈએ."

તેમણે કહ્યું, "ફક્ત હૉકી વિશે વિચારો, અમે દેશ માટે રમી રહ્યાં છીએ, આપણે એક થવું પડશે, મારો મતલબ દરેક પાસાંથી છે."

તેમણે કહ્યું, "જ્યારથી હું અહીંયા આવી છું, મેં મારો ફોન સ્વિચ ઑફ રાખ્યો છે, એટલે મેં પરિવારમાં કોઈ સાથે વાત નથી કરી. જ્યારે હું તેમની સાથે વાત કરીશ, ત્યારે આ ઘટના પર ટિપ્પણી કરીશ."

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈ ભારતે ચિંતા વ્યક્ત કરી

ભારતે અફઘાનિસ્તાનમાં વધતી હિંસાના મુદ્દે શુક્રવારે યોજાયેલી યુએનએસસીની બેઠકમાં સ્પષ્ટ રીતે કહ્યું કે, "અફઘાનિસ્તાનનું ભવિષ્ય ભૂતકાળ જેવું ન હોઈ શકે."

ભારતની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે ભારતે કહ્યું કે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનને તાત્કાલિક તોડી નાખવા જોઈએ અને આતંકવાદીઓની સપ્લાય ચૅઇન પણ ખોરવી નાખવી જોઈએ.

ઉપરાંત ભારતે એના પર પણ ભાર મૂક્યો હતો કે યુએન સુરક્ષા પરિષદે તે દેશમાં હિંસાની તુરંત સમાપ્તિ સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી અંગે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત ટી.એસ.તિરુમૂર્તિએ અફઘાનિસ્તાન અંગે સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું, "હિંસા ઓછી થવાનો કોઈ સંકેત નથી. અને અફઘાનિસ્તાનના એક પડોશી તરીકે, દેશમાં હાલની સ્થિતિ અમારા માટે ખૂબ ચિંતા જનક છે."

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને અન્ય વિદેશી સેનાની પરત ફરવાની જાહેરાત બાદથી તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહ્યું છે. તાલિબાને ગઈ કાલે જ દક્ષિણ અફઘાનિસ્તાનના ઝરંજ શહેર પર કબજો જમાવી દીધો છે તો અહેવાલો અનુસાર લગભગ અર્ધા અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનું આધિપત્ય છે.

ગુજરાત સરકારે રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાલને ગેરકાયદે ગણાવી

રાજ્યમાં ચાલી રહેલી નિવાસી ડૉક્ટરોની હડતાલને ગુજરાત સરકારે ગેરકાયદે ગણાવી હતી અને કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ગુજરાત સરકારે છ સરકારી મેડિકલ કૉલેજોના બે હજાર નિવાસી ડૉક્ટરો દ્વારા પાડવામાં આવેલી હડતાલને ગેરકાયદે ગણાવી હતી અને જો તેઓ ફરજ પર પરત ન ફરે તો ઍપેડેમિક ડિસિઝ ઍક્ટ લાગુ કરવાની ચીમકી આપી છે.

હડતાલ પર જનાર ડૉક્ટરોમાંથી મોટાભાગનાએ તાજેતરમાં અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના સરકારી મેડિકલ કૉલેજના છે.

બોન્ડ સર્વિસ પીરિયડ અને સાતમા પગારપંચને લઈ હૉસ્પિટલોના બે હજાર રેસિડેન્ટ ડૉક્ટર્સ બુધવાર સાંજથી હડતાલ પર છે.

જોકે, રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે તેમની માગણીઓ ફગાવી દીધી છે અને નિવાસી ડૉક્ટરોને ફરજ પર પાછા ફરવા જણાવ્યું છે.

ગુજરાત હાકોર્ટ 17 ઑગસ્ટથી શરૂ થશે

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે 17 ઑગસ્ટથી કોર્ટમાં ઑફલાઇન કામગીરી ફરીથી શરૂ કરાશે.

કોવિડ-19 મહામારીના કારણે 2020માં લૉકડાઉન થયા બાદ કોર્ટની કામગીરી ઑનલાઇન ચાલી રહી હતી.

હાઈકોર્ટે એક પરિપત્ર બહાર પાડી કહ્યું કે, "ગુજરાત હાઈકોર્ટની સ્થાયી સમિતિ સાથે યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ અને ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સંબંધિત નવા આંકડાઓ પર વિચાર કરીને ઑફલાઇન કામગીરીને ફરીથી શરૂ કરવામાં આવશે."

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે કોર્ટની કામગીરી માટે સૂચનાઓ અને એસઓપી હિતધારકો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો