You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીરજ ચોપરાએ ટોક્યોમાં ભારતને અપાવ્યો ટ્રૅક ઍન્ડ ફીલ્ડનો પ્રથમ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ, નરેન્દ્ર મોદીએ કહ્યું- 'પાનીપતનું પાણી દેખાડ્યું'
ટોક્યો ઑલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો તો ટ્વિટર પર તેમને અભિનંદન આપ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "તમે દેશને ખુશ કરી દીધો."
તેની પર નીરજે કહ્યું, "ગોલ્ડ જીતવો એ ખૂબ ખુશીની વાત છે. દેશમાં બધા જોઈ રહ્યા હતા. તેમની પ્રાર્થનાઓ અને સમર્થન સાથે હતું."
ત્યાર બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું, "પાનીપતનું પાણી દેખાઈ ગયું પરંતુ આ વખતે એક તો ઑલિમ્પિક રમતોત્સવ એક વર્ષ પાછળ ઠેલાયો તો તમારે એક વર્ષ વધારે મહેનત કરવી પડી અને કોરોનામાં અનેક સંકટ આવ્યા, મુસીબતો આવી અને વચ્ચે તમને ઈજા પણ થઈ. તેમ છતાં તમે કમાલ કરી દીધો. આ મહેનતના કારણે થયું."
નીરજે પણ કહ્યું કે એ સમય ઘણો મુશ્કેલ હતો.
ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જે દિવસે તમે જઈ રહ્યા હતા અને મારી તમારી સાથે વાત થઈ તો મને તમારા ચહેરા પર વિશ્વાસ દેખાયો અને તમે દબાણમાં નહોતા દેખાતા."
તેના પર નીરજે કહ્યું, " હું ઇચ્છતો હતો કે હું મારું સો ટકા આપું. બસ આ જ દિવસ હતો, જે મારી કારકિર્દીનો સૌથી મોટો દિવસ હતો."
મોદીએ કહ્યું, "તમે દેશનું નામ કર્યું, દેશની યુવા પેઢીને આ કારણે રમતક્ષેત્રમાં આગળ આવવાનું મન થશે. ટોક્યોમાં એવા ક્ષેત્રોમાં અમારા લોકોએ દમ દેખાડ્યું જેમાં સામાન્ય રીતે ભારતના બાળકો નથી દેખાડતા પરંતુ તમે કરી દેખાડ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તમે તો સૈનિક છો એટલે વધારે બાળકોને તૈયાર કરી શકશો. સારી રીતે તૈયાર કરી શકશો."
નીરજે કહ્યું, "મને લાગે છે કે ખેલ દેશ માટે ખૂબ જરૂરી છે."
નીરજ ચોપરાએ રચી દીધો ઇતિહાસ
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને ઍથ્લેટિક્સની ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે અને નીરજ ચોપરાએ ભારતને આ ઐતિહાસિક સિદ્ધિ અપાવી છે.
ભાલાફેંકમાં તેમણે 87.58 મીટર દૂર ભાલો ફેંકી પ્રથમ સ્થાન મેળવ્યું અને એ સાથે જ ભારતે ઑલિમ્પિકમાં ઍથ્લેટિક્સમાં પહેલી વાર મેડલ જીત્યો.
નીરજ ચોપરા ભાલાફેંકમાં ટોચના 12 ખેલાડીઓની ફાઇનલના પ્રથમ બે રાઉન્ડના અંતે 12 ઍથ્લીટોની યાદીમાં ટોચ પર રહ્યા અને છેવટ સુધી તેમણે એ લીડ જાળવી રાખી.
ભારતમાં ઍથ્લેટિક્સમાં આ ઐતિહાસિક સિદ્ધિ મળી તેથી આખા દેશમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન મોદી સહિત દેશના લોકો નીરજ ચોપરાની આ જીત પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રેસવાર્તામાં કહ્યું કે તેઓ પોતાની જીતને મિલ્ખા સિંહ સહિત તેવા ઍથ્લીટ્સને સમર્પિત કરી રહ્યા છ જે ખૂબ નાના અંતરથી મેડલથી ચૂકી ગયા હતા.
દેશનાં વિખ્યાત મહિલા ઍથ્લીટ પીટી ઊષાએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવતાં ટ્વીટ કર્યું, ''એવું લાગી રહ્યું છે કે 37 વર્ષ પછી મારું અધૂરું સપનું પૂર્ણ થયું હોય. આભાર મારા દીકરા નીરજ ચોપરા.''
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં.
નરેન્દ્ર મોદીએ કહ્યું, "ટોક્યોમાં ઇતિહાસ રચાયો છે, નીરજ ચોપરાએ આજે જે હાંસલ કર્યું છે એ હંમેશાં યાદ રાખવામાં આવશે. યુવાન ખેલાડી નીરજે અસાધારણ પ્રદર્શન કર્યું છે. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને અદ્વિતીય ધૈર્ય દેખાડ્યું છે. તેમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન."
ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, "ભારતના ગોલ્ડન બૉય. ભારતના ઑલિમ્પિકનો ઇતિહાસ બદલાઈ ગયો છે. તમારું નામ ઇતિહાસનાં પુસ્તકોમાં સ્વર્ણિમ અક્ષરે લખાશે."
ભારત માટે શૂટિંગમાં ઑલિમ્પિક મેડલ જીતનારા અભિનવ બિંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું, "નીરજ ચોપરાએ દેશનું ગૌરવ વધાર્યું છે."
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં ભાલાફેંક સ્પર્ધાના ફાઇનલમાં પ્રથમ રાઉન્ડમાં 87.58 મીટર અંતર સુધી થ્રો કર્યો હતો.
ચોપરાની જીત સાથે જ ભારતના ખાતામાં હવે સાત મેડલ થઈ ગયા છે. અને કોઈ એક ઑલિમ્પિક રમતોત્સવમાં સૌથી વધારે મેડલ લાવવાનો ભારતનો નવો રેકૉર્ડ છે.
આની પહેલાં 2012 લંડન ઑલિમ્પિકમાં ભારતે છ મેડલ જીત્યા હતા.
ભાલાફેંક સ્પર્ધામાં ચેક રિપબ્લિકના ખેલાડીઓએ સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.
બીજા સ્થાન પર 86.67 મીટરનો થ્રો કરીને યાકૂબ વેડલે અને ત્રીજા સ્થાન પર 85.44 મીટર થ્રો કરીને વી વેસલે રહ્યા.
આ સ્પર્ધામાં મજબૂત દાવેદાર માનવામાં આવતા જર્મન ખેલાડી જોહાનેસ વેટર ફાઇનલમાં 85.30 મીટરનો થ્રો કરીને ચોથા સ્થાને રહ્યા.
ફાઇનલમાં પાકિસ્તાનના અરશદ નદીમ 84.62 મીટરના થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યા. નદીમે ક્વૉલિફિકેશનમાં આના કરતા સારું પ્રદર્શન કર્યું હતું.
સેમિફાઇનલમાં સારા પ્રદર્શનથી મેડલની આશા જગાવી હતી
બુધવારે નીરજ ચોપરાએ ઍથ્લેટિક્સની ભાલાફેંક સ્પર્ધાની ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.
23 વર્ષના નીરજ ચોપરાએ ભાલાફેંકની સ્પર્ધામાં માત્ર ફાઇનલ માટે ક્વૉલિફાય જ નહોતું કર્યું પરંતુ બંને ગ્રુપના જે 31 ખેલાડીઓએ ભાલા ફેંક્યા તેમાં સૌથી દૂર ભાલો નીરજ ચોપરાએ ફેંક્યો હતો.
ઑલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ સ્પર્ધા માટે ક્વૉલિફાય થવા માટે 83.50 મીટર કે તેથી વધારે દૂર સુધી ભાલો ફેંકવો એ માપદંડ છે.
નીરજ ચોપરાએ 'એ' ગ્રુપમાંથી ભાગ લેતાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેમણે પહેલાં જ પ્રયાસમાં આટલો દૂર ભાલો ફેંકતા તે ક્વૉલિફાય થઈ ગયા હતા.
નીરજ ચોપરાની સાથે 'બી' ગ્રુપમાંથી ભારતના શિવપાલસિંહે પણ ભાગ લીધો હતો, જોકે તેમણે 76.40 મીટર દૂર જ ભાલો ફેંકતા ક્વૉલિફાય કરી શક્યા ન હતા.
'એ' ગ્રુપમાં બીજા ક્રમે જે ખેલાડી રહ્યા તે હતા જર્મનીના વેટ્ટેર જોહાનેસ, જેમણે 85.64 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો.
'બી' ગ્રુપમાં પહેલાં ક્રમે પાકિસ્તાનના અરશદ નદીમ રહ્યા હતા. તેમણે 85.16 મીટર લાંબો ભાલો ફેંક્યો હતો. આમ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌથી દૂર ભાલો નીરજ ચોપરાએ ફેંક્યો હતો.
ભાલાફેંકનો વર્લ્ડ રેકૉર્ડ ચેક રિપબ્લિકના જૅન ઝેલેઝ્નીના નામે છે. તેમણે 25 મે 1996માં 98.48 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો.
જ્યારે ઑલિમ્પિક રેકૉર્ડ નોર્વેના આન્દ્રેયસ થોર્કિલસેને 2008માં બનાવ્યો હતો. તેમણે બિંજિગ ઑલિમ્પિકમાં 90.57 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
કોણ છે નીરજ ચોપરા?
23 વર્ષીય નીરજ ચોપરા હરિયાણાના પાનીપતથી આવે છે. તેમને ભાલાફેંકની દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે.
તેઓ ભારત માટે કૉમનવેલ્થ વેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ખેલાડી છે.
2016માં પૉલૅન્ડ ખાતે યોજાયેલી વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો તે બાદ તેઓ લોકોની નજરમાં આવ્યા હતા.
નીરજ ચોપરા 2018માં ઇન્ડોનેશિયા ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતના ધ્વજવાહક પણ બન્યા હતા.
તેમણે એશિયન ગેમ્સમાં 88.06 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ તેમના કૅરિયરનો સૌથી બેસ્ટ રેકૉર્ડ છે. બાદમાં નેશનલ સ્પર્ધામાં તેમણે આ રેકોર્ડ તોડ્યો હતો.
ઑલિમ્પિકની વેબસાઇટ અનુસાર તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો એ તેમનું સપનું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો