વંદના કટારિયાના ઘરની બહાર જાતિવાદને લઈને શું હંગામો થયો?- ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, ધ્રુવ મિશ્રા
    • પદ, બીબીસી હિન્દી માટે, રોશનાબાદ, હરિદ્વારથી

ટોક્યો ઑલિમ્પિકમાં આર્જેન્ટિના વિરુદ્ધ ભારતીય મહિલા હૉકી ટીમ હારી ત્યારબાદ ટીમનાં ખેલાડી વંદના કટારિયાના ઘરની બહાર જાતિવાદી હંગામો કરવાના આરોપમાં હરિદ્વાર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

હરિદ્વારના એસએસપીએ બીબીસીને જણાવ્યું કે આ ધરપકડ એસસી/એસટી ઍક્ટ હેઠળ કરાઈ છે.

રોશનાબાદ ગામની સાંકડી ગલીઓમાં વંદના કટારિયાનું ઘર છે. ગલી એટલી સાંકડી છે કે તેમના ઘર સુધી ગાડી પણ જઈ શકતી નથી.

તેમના ઘરે પહોંચવા માટે ગાડી બહાર મુખ્ય રસ્તા પર જ ઊભી કરવી પડે છે. પછી લગભગ 300-400 મીટર ચાલીને તેમના ઘર સુધી પહોંચી શકાય છે.

આસપાસના વિસ્તારમાં ઓછી આવકવાળા વર્ગના લોકો રહે છે.

આ વિસ્તારમાં વંદના કટારિયાના ઘરનું સરનામું પૂછ્યું તો તેમના નામથી મોટા ભાગના લોકો અજાણ હતા.

ફટાકડા ફોડવામાં આવ્યા?

વંદના કટારિયાનાં માતાએ બીબીસીને જણાવ્યું કે, "સાંજે લગભગ પાંચ વાગ્યા હતા અને અમે લોકો મૅચ જોઈ રહ્યા હતા, ત્યારે ફટાકડા ફોડવાનો અવાજ આવ્યો."

"અમે લોકો નીચે આવ્યાં. અમે પૂછ્યું તો અમને કહ્યું કે ફટાકડા ફોડીએ છીએ."

વંદનાનાં માતા બ્લડપ્રેશરનાં દર્દી છે. જ્યારે અમારી તેમની સાથે વાતચીત થઈ ત્યારે પણ તેમની તબિયત સારી નહોતી. તેમણે આનાથી વધુ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો.

વંદના કટારિયાના મોટા ભાઈઓમાંથી એક લાખનસિંહ કટારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે બધા ઘરે મૅચ જોઈ રહ્યા હતા, સાથે કેટલાક મીડિયાકર્મી પણ હાજર હતા."

"જેવી ટીમ ઇન્ડિયા મૅચ હારી ગઈ કે અમારા ઘરની નજીક એક ઘર છે, ત્યાં ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. અમારા મોટા ભાઈએ અવાજ સાંભળીને કહ્યું કે જુઓ તો કોણ છે?"

લાખન કહે છે, "અમે નીચે ગયા તો ત્યાં ઘણી ભીડ હતી. ત્યાં કેટલાય લોકોએ પૂછ્યું કે આ લોકો આતિશબાજી કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, એમનું શું કરવું જોઈએ?"

"ત્યાં જ બે કૉન્સ્ટેબલ આવી ગયા. તેમને જે થયું એની જાણકારી આપવામાં આવી હતી. પછી વિક્કી પાલ (આખું નામ વિજયપાલ)ને પોલીસ પોતાની સાથે લઈ ગઈ."

બીજો પક્ષ

વિજયપાલનું ઘર વંદના કટારિયાના ઘરથી લગભગ 40 મીટર દૂર છે. આ સમયે ઘરમાં તેમની બે બહેનો હાજર હતી. આ બંને ઘણી ડરી ગઈ હતી.

બારણું પણ ખોલતી નહોતી. જ્યારે અમે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે નાની બહેને એટલું કહી વાત કરવાનો ઇન્કાર કર્યો હતો કે "તમે લોકો પણ તેમના (વંદના કટારિયા) ઘરેથી આવ્યા છો. મેં તમને ત્યાંથી આવતા જોયા. અમે તમારી સાથે વાત નહીં કરીએ."

પોલીસે જેમને પકડી લીધા છે એ વિજયપાલનાં મોટાં બહેન થોડી વાર પછી અમારી સાથે વાત કરવા માટે તૈયાર થયાં.

તેમણે કહ્યું, "મારા ભાઈને ફસાવ્યો છે. મારા ભાઈ સાથે વંદના કટારિયાના ભાઈઓનો પહેલાં પણ ઝઘડો થયો છે, મારામારી પણ થઈ છે."

તેમણે મારકૂટનો વીડિયો પણ અમને બતાવ્યો.

વિજયપાલનાં બહેન એવું પણ કહે છે કે કોઈ પણ મીડિયાકર્મી અત્યાર સુધી અમારો મત જાણવા અહીં નથી આવ્યા.

તેમના પ્રમાણે બધા મીડિયાકર્મીઓ વંદના કટારિયાના ઘરે જાય છે અને પછી પાછા જતા રહે છે.

પાડોશી સાથે જૂનો ઝઘડો

વિજયપાલનાં માતા કવિતા પાલ કાયદાકીય કાર્યવાહી કરીને કોર્ટથી ઘરે આવ્યાં.

ફટાકડા ફોડવાના આરોપના જવાબમાં બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મારા પુત્રની તે દિવસે તબિયત ખરાબ હતી. તેને તાવ હતો અને ગળામાં તકલીફ હતી એટલે તે અંદર રૂમમાં સૂતો હતો."

"ત્યારે અચાનક અમારી અગાશી પર ફટાકડા ફોડવાનો અવાજ સંભળાયો. અમે લોકો દોડીને છત પર ગયા."

તેઓ કહે છે કે "વિજયપાલના પિતાને આની જાણ કરીએ ત્યાં તો પોલીસ અમારા ઘરે પહોંચી ગઈ અને મારા પુત્રને ઉઠાવી ગઈ. શું કોઈએ જાણ્યું છે કે આટલી જલદી પોલીસ આવી હોય?"

તેઓ કહે છે કે "અમારી અગાશી જોડાયેલી છે. અમારો વંદના કટારિયાના પરિવારજનો સાથે જૂનો ઝઘડો છે. અમારી વચ્ચે ઝઘડો વધે તે માટે કોઈએ આ હરકત કરી હોય એવું પણ બની શકે."

આસપાસના પાડોશી સાથે જ્યારે અમે આ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો તો મોટા ભાગના લોકો આ મામલે બોલવા તૈયાર ન હતા.

જાતિસૂચક ગાળો આપી?

આ મામલામાં વિજયપાલની એસસી/એસટી ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વિજયપાલ પર આરોપ છે કે તેમણે જાતિસૂચક શબ્દોનો પણ ઉપયોગ કર્યો.

જાતિસૂચક શબ્દ કહેવા વિશે વંદનાના ભાઈ લાખન કહે છે, "આમાં એસસી/એસટી ઍક્ટનો કોઈ મતલબ નથી અને અહીં જાતિસૂચક શબ્દની પણ કોઈ વાત નથી. કેટલાક લોકોએ આને મુદ્દો બનાવ્યો છે. મામલો માત્ર ફટાકડા ફોડવાનો હતો."

પરંતુ આ આખા મામલામાં વંદના કટારિયાના સૌથી મોટા ભાઈ ચંદદ્રશેખર કટારિયાએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે કે જાતિસૂચક શબ્દ બોલવામાં આવ્યા હતા.

હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધીક્ષકે બીબીસી સાથે આ વાતની પુષ્ટિ કરી હતી.

પોલીસનો પક્ષ

હરિદ્વારના એસએસપી સેંથિલ અવુડઈ કૃષ્ણરાજે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "વંદના કટારિયાના ભાઈ ચંદ્રશેખર કટારિયાએ લેખિત ફરિયાદ આપી હતી. તેના પગલે કાર્યવાહી કરતાં અમે સેક્શન 504 (ઉશ્કેરણીની કાર્યવાહી) અને એસસી-એસટી ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી."

"આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. આગળની તપાસ ચાલુ છે."

અમે જ્યારે ત્યાં પહોંચ્યા એ આખો દિવસ વંદના કટારિયાના મોટા ભાઈ ઘરે નહોતા.

જ્યારે સાંજે તેઓ ઘર આવ્યા ત્યારે અમે તેમને આ મામલે પૂછ્યું કે જાતિસૂચક શબ્દની વાત ક્યાંથી આવી?

તેના જવાબમાં તેમણે કહ્યું, "અમે દલિત છીએ એ બધાને ખબર છે. અમે અમારી જાતિ નથી બદલી શકતા."

"જાતિસૂચક શબ્દ બોલવા કે ગાળો આપવા વિશે ખાલી અમે નથી કહેતા, બાકી લોકો પણ કહી રહ્યા છે. તમે તેમને પણ પૂછી શકો છો."

"વંદના કટારિયા મુર્દાબાદ જેવા નારા પણ લાગી રહ્યા હતા. આવું કેમ, શું વેર છે?"

જૂનો ઝઘડો અને બંને તરફથી નારેબાજી

વિજયપાલનાં બહેનોએ ઝઘડાનો જે વીડિયો અમને બતાવ્યો તે વિશે ચંદ્રશેખર કહે છે, "એ લોકો બહારથી આવ્યા છે, દબંગ લોકો છે. તેઓ કહે છે કે અમે કોઈનાથી ડરતાં નથી. અમે મૂળ મુઝફ્ફરનગરના છીએ, જેવું ત્યાં કર્યું છે. એવું જ અહીં કરશું. મને મારી નાખવાની ધમકી પણ એ લોકોએ આપી છે."

બીજી તરફ, વિજયપાલનાં માતા કવિતાનું કહેવું છે કે તેમના તરફથી જાતિસૂચક શબ્દોનો ઉપયોગ નથી થયો.

તેઓ આરોપ લગાવે છે કે વંદના કટારિયાના ભાઈઓએ તેમના ઘરની બહાર જાતિના નામે મુર્દાબાદના નારા પોકાર્યા હતા.

અમે આ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવા માટે વંદનાના પિતરાઈ ભાઈ સાથે વાત કરી તો તેમણે માન્યું કે 'અમે પણ આરોપીના ઘરની બહાર નારા પોકાર્યા હતા.'

એટલું જ નહીં, તેમણે એક વીડિયો પણ બતાવ્યો, જેમાં વિજયપાલના ઘરની બહાર કેટલાક લોકો નારેબાજી કરતા દેખાય છે.

દલિત સંગઠન સક્રિય

આ દરમિયાન દલિત સંગઠનોના લોકો પણ વંદના કટારિયાના ઘરે પહોંચી રહ્યા છે.

કેટલાક લોકો પોસ્ટર-બૅનર લઈને વંદના કટારિયાના ઘરે તેમના સમર્થનમાં નારેબાજી કરતા જોવા મળ્યા હતા.

આ લોકો નારેબાજી કરીને ફટાકડા ફોડવાવાળા લોકો પર દેશદ્રોહ અને એનએસએ હેઠળ કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

હરિદ્વારના ઝબરેડાથી ભાજપના ધારાસભ્ય દેશરાજ કર્ણવાલ પણ વંદના કટારિયાના ઘરે પહોંચ્યા હતા અને તેમણે આ મામલે એસસી-એસટી ઍક્ટની સાથે જ દેશદ્રોહના મામલે પણ કાર્યવાહી કરવાની વાત કહી.

ભાજપ ધારાસભ્ય દેશરાજ કર્ણવાલ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આ ઘૃણાસ્પદ કાર્ય છે, એ તપાસનો વિષય છે. કોઈ નિર્દોષ ફસાય નહીં, કોઈ નિર્દોષને જેલ ન થવી જોઈએ, પરંતુ જે ગુનેગાર છે તે બચવો ન જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો