ભારતીય મહિલા હૉકી ટીમ : ખેતમજૂરી કરી, ઉછીની સ્ટિકથી રમીને ટોક્યો સુધી ટીમ કેવી રીતે પહોંચી?

    • લેેખક, દીપ્તી પટવર્ધન
    • પદ, સ્વતંત્ર પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતની મહિલા હૉકી ટીમે પ્રથમવાર ઑલિમ્પિકના સેમિફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો હતો. જોકે આજ સુધીની મહિલા ટીમની સફર એટલી આસાન પણ રહી નથી.

ભારતીય મહિલા હૉકી ટીમનાં કપ્તાન રાણી રામપાલનાં માતાપિતાને સૌ કોઈ સંભાળવતા હતા, "હૉકી રમીને તે શું કરશે? મેદાનમાં ટૂંકું સ્કર્ટ પહેરીને દોડશે અને કુટુંબની બદનામી થશે".

વંદના કટારિયાને પણ હૉકી ન રમવા માટે દબાણ થતું હતું, કેમ કે એ "કંઈ છોકરીઓનો ખેલ નથી."

નેહાના પિતા દારૂડિયા હતા અને હિંસક બની જતા હતા તેનાથી છૂટવા માટે નેહા હૉકી રમવા જતાં રહેતાં હતાં.

નિશા વારસીનાં માતાએ ફેકટરીમાં કામ કરવું પડતું હતું, જેથી ચૂલો સળગતો રહે, કેમ કે તેમના પિતાને 2015માં પક્ષઘાતનો હુમલો આવ્યો પછી એ કામ કરી શકે તેમ નહોતા.

ઝારખંડના આદિવાસી વિસ્તારમાંથી આવતાં નિક્કી પ્રધાન ડાંગરના ખેતરમાં મજૂરી કરતાં અને માગીને લાવેલી, ભાંગેલી હૉકી સ્ટિકથી ખાડાવાળા મેદાનમાં હૉકી રમવાનું શીખ્યાં હતાં.

ઑસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન

આ બધી યુવતીઓ મુશ્કેલીઓનો સામનો કરતી રહી, શંકા કરનારાને અવગણતી રહી અને તે બધામાંથી આખરે પાર પડી છે.

રાણી, વંદના, નેહા, નિશા અને નિક્કી અને તેમની જેવી 16 થનગનતી કન્યાઓએ ભારત માટે હૉકીમાં ઇતિહાસ રચ્યો છે.

ભારતની મહિલા હૉકી ટીમને પ્રથમ વાર ઑલિમ્પિક્સમાં ચંદ્રક મેળવવા માટે રમવાની તક મળી હતી. ટોક્યોમાં ગ્રેટ બ્રિટન સામે તે કાંસ્યચંદ્રક જીતવા માટે સ્પર્ધામાં ઊતરી હતી પણ જીતી ન શકી.

આ ટીમ ઑલિમ્પિકમાં રમવા રવાના થઈ ત્યારે નૉકઆઉટથી સ્પર્ધામાં બહુ આગળ વધી શકશે એવી આશા કોઈને નહોતી. અપેક્ષાથી વિપરીત ટીમ ચંદ્રકના તબક્કે પહોંચી ગઈ.

ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે રમવાનું હતું. તેની સામે આ ખેલાડીઓએ અનપેક્ષિત એવી જોરદાર રમત દાખવી કે જેના માટે ભારતીય હૉકી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલી છે.

સોમવારની મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમને 1-0થી હરાવીને પ્રથમ વાર ઑલિમ્પિક સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ભારતના રમતગમતને પ્રસિદ્ધિ અપાવનારી હૉકીની રમત માટે આ ફરી એક વાર અનોખી ક્ષણ હતી.

એક જમાનામાં હૉકીમાં ભારતનો દબદબો હતો, ખાસ કરીને જ્યારે કુદરતી મેદાનમાં રમાતી હતી. જોકે ત્યારે પણ પુરુષોની ટીમની બોલબાલા હતી, જ્યારે મહિલા ટીમની કોઈ ગણતરી થતી નહોતી.

હૉકીમાં ભારતે 8 સુવર્ણચંદ્રકો સહિત કુલ 11 ઑલિમ્પિક મેડલો મેળવેલા છે. ઑલિમ્પિકમાં પ્રથમ વાર 1980માં મહિલા હૉકીને સ્થાન મળ્યું તે પછી અત્યાર સુધીમાં ટોક્યો સહિત માત્ર ત્રણ જ રમતોત્સવમાં મહિલા ટીમ રમી છે.

ભારતની મહિલા હૉકી ટીમની મોટા ભાગની ખેલાડીઓ ગરીબ પરિવારોમાંથી આવે છે. સાથે જ તેમણે ભંડોળનો અભાવ અને સત્તાધીશોની ઉપેક્ષાનો પણ સામનો કરવાનો આવતો રહ્યો છે.

સરકારી નોકરી મળી જાય તે ખાતર પણ ખેલાડીઓમાં ઍથ્લેટિક્સનું આકર્ષણ રહેતું હતું અને તેનાથી ચલાવી લેવાનું રહેતું હતું. 2012 પછી જ મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે થોડું ઘણું ધ્યાન આપવાનું શરૂ થયું.

વિદેશી કોચનું યોગદાન

2012માં ઑસ્ટ્રેલિયાના ખેલાડી નીલ હૉગૂડને કોચ તરીકે રોકવામાં આવ્યા.

તે વખતની સ્થિતિને યાદ કરતા હૉગૂડ કહે છે કે તેમણે ખેલાડીઓને એ સમજાવવું પડ્યું હતું કે "નિષ્ફળતા માટે તમારા પર દોષારોપણ કરવા નહીં, પણ તમને જીતતી કરવા માટે હું આવ્યો છું."

બીબીસી સાથેની વાતચીતમાં હૉગૂડે કહ્યું કે "અમારા પર ખેલાડીઓ ભરોસો મૂકે તે જ સૌથી મોટું કામ હતું."

"દીપ ગ્રૅસ એક્કા અને સુનીતા લાકરા બે વર્ષ સુધી મારી સાથે આંખ મિલાવીને વાત કરતી નહોતી… 2014 સુધીમાં વિશ્વાસ પેદા થવા લાગ્યો હતો અને ટીમ ધીમે-ધીમે પ્રગતિ કરવા લાગી."

"વિદેશી કોચ એવું કહેતા હોય છે (ભારતીય ખેલાડીઓ નરમ છે) પરંતુ તેવું શા માટે છે તે પ્રથમ સમજવું પડે અને પ્રારંભિક વર્ષોમાં અમે તે સમજવાની કોશિશ જ કરી હતી."

હૉગૂડની તાલીમ હેઠળ 36 વર્ષ પછી પ્રથમ વાર ભારતીય મહિલા હૉકી ટીમ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થઈ.

તે પછી રિયો ઑલિમ્પિકમાં ધાર્યા પ્રમાણે દેખાવ થઈ શક્યો નહીં, પરંતુ ટીમને સારો અનુભવ મળ્યો અને આત્મવિશ્વાસ વધ્યો.

તે અગત્યનું પ્રથમ કદમ સાબિત થયું અને તેનાથી સાબિત થયું કે યોગ્ય સંસાધનો હોય તો અનોખાં પરિણામો આવી શકે છે.

કોચ સોર્જ મેરિયન પણ જોડાયા અને વાયન લોમ્બાર્ડે કઈ રીતે ટ્રેનિંગ લેવામાં આવે તેમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા. તે સાથે જ ભારતીય મહિલા હૉકી ટીમ ચેતનવંતી બની ગઈ.

1980માં ટીમ મૉસ્કો ઑલિમ્પિકના પ્રવાસે ગઈ હતી ત્યારે તેની સાથે કોચ અને મૅનેજર હતા. આ વખતે ટોક્યો ગેમ્સમાં ટીમ સાથે સાતનો સપોર્ટ સ્ટાફ પણ હતો.

છેલ્લાં પાંચ વર્ષમાં હૉકી પ્રત્યે સાયન્ટિફિક અને પદ્ધતિસરની તાલીમનો અભિગમ અપનાવાયો તેના કારણે ભારતની મહિલા ટીમને ખૂબ ફાયદો થયો છે.

સંઘર્ષની ગાથા વચ્ચે સફળતાનાં શિખરો

ટોક્યોના 16 ખેલાડીના કાફલામાં આઠ ખેલાડી એવી છે, જેને રિયો 2016માં રમવાનો અનુભવ છે અને તેનાથી ટીમને મજબૂતી મળી છે. પોતાના અનુભવમાંથી શીખવા મળ્યું તે તેમણે નવી ખેલાડીઓને સમજાવીને મજબૂત ટીમ તૈયાર કરી છે.

આ કાર્યમાં કોરોના સંકટે મુશ્કેલી ઊભી કરી હતી, પરંતુ ભારતીય ટીમ સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના બેંગલુરુ ખાતેના કૅમ્પસમાં વધુ એક વર્ષ માટે રોકાઈ હતી. જરૂર પ્રમાણે ફેરફારો કરીને તાલીમ ચાલુ રાખવામાં આવી.

આ રીતે ભારતીય ટીમ તૈયારીઓ સાથે ટોક્યો પહોંચી હતી.

ફાઇનલ ગ્રૂપ મૅચ વખતે સાઉથ આફ્રિકા સામે હાર ના માનવાની જીદ જે રીતે ટીમે દાખવી હતી તેના પરથી જ તેમના નવા આત્મવિશ્વાસનો પરિચય મળી ગયો હતો.

સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે દબાણ નહોતું એ પણ દેખાઈ આવ્યું હતું.

વડીલોથી છુપાઈ-છુપાઈને એક જમાનામાં રમતાં રહેલાં વંદના કટારિયા આજે પ્રસિદ્ધિની ચમકદમક વચ્ચે ખીલી ઊઠે છે.

તેમણે ઑલિમ્પિકમાં હેટટ્રિક કરી જે ભારતીય મહિલા માટે પ્રથમ છે અને તે રીતે સાઉથ આફ્રિકાને 4-3થી હરાવીને ભારતીય ટીમને સ્પર્ધામાં ટકાવી રાખી હતી.

વંદનાની જેમ જ જોરદાર દેખાવ કરનારી બીજી ખેલાડી પણ છે, પણ આ 16 યુવતીની ટીમ ખાસ તો ટીમવર્ક માટે અને એકબીજાનો સધિયારો બની રહેવા માટે વધારે યાદ રહેવાની છે.

આ બધીની પોતપોતાની વીતકકથા છે, સંઘર્ષગાથા છે અને સૌએ એકબીજામાંથી હૂંફ મેળવવાનું શીખ્યું છે.

આ યુવતીઓએ હૉકી અપનાવીને પોતાનું અને કુટુંબનું જીવન સુધાર્યું છે. હવે આ યુવતીઓ ભારતીય હૉકીને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે મથી રહી છે.

(દીપ્તી પટવર્ધન, મુંબઈ ખાતેના સ્વતંત્ર ખેલ પત્રકાર છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો