ટોક્યો ઑલિમ્પિક : પીવી સિંધુ સેમિફાઇનલમાં હાર્યાં, બૉક્સર પૂજા રાણી અને અમિત પંઘાલ ઑલિમ્પિકમાંથી બહાર

ભારતીય બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ શનિવારે ટોક્યો ઑલિમ્પિકમાં ચીની તાઇપે ખેલાડી તાઈ જૂ યિંગ સામે હારી ગયાં છે.

આ મુકાબલાના પ્રથમ સેટમાં પીવી સિંધુ 18-21થી હારી ગયાં છે.

મૅચની શરૂઆતમાં સિંધુ ચીની તાઇપે ખેલાડી પર ભારે પડતાં દેખાયાં, પરંતુ ધીમેધીમે તાઈ જૂ યિંગે સારું પ્રદર્શન કર્યું અને સિંધુને હરાવી દીધાં.

ત્યારબાદ બીજા સેટમાં પીવી સિંધુ 6-10થી પાછળ થઈ ગયાં હતાં.

જેમ-જેમ મૅચ આગળ વધી તેમ-તેમ જી યિંગે મૅચ પર મજબૂત પકડ બનાવી લીધી હતી અને સિંધુના હાથમાંથી મૅચ નીકળી ગઈ હતી.

જૂ યિંગે પોતાના જાણીતા અંદાજમાં કેટલાક શૉટ્સ રમ્યા હતા..

જૂ યિંગની રમત સતત જોનારાઓ તેમને એક એવાં ખેલાડીના રૂપમાં જુએ છે જે ચકમો આપી શકે તેમ છે. કેટલીક વખત સામેના ખેલાડી સમજી નથી શકતા કે તેઓ કેવી રીતે રમશે.

આ રીતે પ્રથમ સેટમાં સિંધુને ચકમો આપતા જૂ યિંગે ધીમે-ધીમે બઢત બનાવતાં સિંધુને સેટમાં ઊભા પગે રાખ્યાં હતાં.

બીજી તરફ જૂ યિંગ મૅચ દરમિયાન એકદમ શાંત અને સતર્ક રીતે એક-એક શૉટ રમી રહ્યાં હતાં.

ત્યાર બાદ શરૂ થયેલા બીજા સેટમાં પણ જૂ યિંગે શરૂઆતથી જ પીવી સિંધુને એકદમ જામવાનો મોકો ન આપ્યો.

સિંધુ 18-21 અને 12-21 થી બે સેટ હારી ગયાં અને જૂ યિંગ ફાઇનલમાં પ્રવેશ કરી ગયાં. હવે સિંધુએ કાંસ્યપદક માટે એક મૅચ જીતવાની જરૂર છે.

ઍલેન થૉમ્પસન હેરાનો 100 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક

ટોક્યો ઑલિમ્પિકમાં જમૈકાનાં ઍલેન થૉમ્પસન હેરાએ મહિલાની 100 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે.

જમૈકાના યુસૈન બોલ્ટની જેમ જ તેમણે ફિનિશ લાઇન પર પહોંચતાં પહેલાં જશ્ન શરૂ કરી દીધો હતો.

જમૈકાનાં હેરાએ માત્ર 10.61 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી, જે 33 વર્ષ પહેલાં અમેરિકન ફ્લોરેન્સ ગ્રિફિથ-જૉયનરે સ્થાપેલા વિશ્વ રેકૉર્ડથી માત્ર 0.12 સેકન્ડ ઓછી છે.

છ મહિલાએ 11 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂરી કરી હતી, જે દોડના ઇતિહાસમાં એક રેકૉર્ડ છે.

ફાઇનલ માટે સૌથી ઝડપી ક્વૉલિફાય કરનારાં ફેઝર પ્રાઇસ શરૂઆતથી દબાણમાં દેખાતાં હતાં, તેમની શરૂઆત અપેક્ષા પ્રમાણે થઈ નહોતી.

થૉમ્પસન હેરા આ વર્ષની શરૂઆતમાં જમૈકાની ટ્રાયલમાં ત્રીજા નંબરે આવ્યાં હતાં.

ભારતમાં બૉક્સિંગમાં એક જ દિવસમાં મળ્યા બે ઝટકા

ભારતનાં બૉક્સર પૂજા રાણી અને અમિત પંઘાલ શનિવારે મૅચ હારીને ઑલિમ્પિકમાંથી બહાર થઈ ગયાં.

બૉક્સર પૂજા રાણી (75 કિલોગ્રામ) શનિવારે ચીનનાં લી કિયાન સામે 5-0થી હારી ગયાં હતાં.

ચીનનાં બૉક્સર લી કિયાન આ મૅચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી ગયાં છે. રિયોમાં બ્રૉન્ઝ મેડલ મેળવનારાં લી કિયાને શરૂઆત સારી કરી હતી અને પ્રથમ રાઉન્ડ જીતી લીધું હતું.

બીજી તરફ અમિત પંઘાલ ભારત તરફથી મેડલના સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ ઑલિમ્પિકમાં તેમની સફર ખતમ થઈ ગઈ છે.

52 કિલોગ્રામવર્ગમાં દુનિયાનાં નંબર-1 બૉક્સર અમિત કૉલમ્બિયાના યુબરજેન માર્ટિનેઝની સામે 1-4થી હારી ગયા.

યુબરજેને 2016માં રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જિત્યો હતો.

અમિત પંઘાલે (52 કિલોગ્રામ) મૅચની શરૂઆત તો સારી કરી હતી.

માર્ટિનેઝે પ્રથમ રાઉન્ડમાં તેમના પર દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે સારું પ્રદર્શન કરીને રાઉન્ડ જીતી લીધું.

પરંતુ ત્યાર બાદ બીજા અને ત્રીજા રાઉન્ડમાં માર્ટિનેઝે વાપસી કરીને અમિત પંઘાલને હરાવ્યા હતા.

ટોક્યોમાં ચક દે ઇન્ડિયા -મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3થી હાર આપી છે. આ જીત સાથે ભારતીય હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.

રોમાંચક બનેલી મૅચમાં ભારત તરફથી વંદના કટારિયાએ ત્રણ ગોલ કર્યાં હતાં અને એ સાથે આખરી પળોમાં મૅચને પોતાની તરફ વાળી દીધી હતી.

જોકે, ભારતનું સ્થાન હજી પણ ક્વાર્ટર ફાઇનલ માટે નિશ્ચિત નથી. ભારતની મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં રમી શકશે કે નહીં તેનો નિર્ણય ગ્રેટ બ્રિટન અને આર્યલૅન્ડની મૅચના પરિણામ પર રહેશે.

જો એ મૅચમાં આર્યલૅન્ડ હારી જાય તો ભારતનો ક્વાર્ટર ફાઇનલ પ્રવેશ સરળ થઈ જશે.

29 વર્ષીય વંદના કટારિયા ભારતની મહિલા હોકી ટીમના એક મહત્ત્વનાં ફૉરવર્ડ ખેલાડી છે. વંદના પોતાને ટેનિસ સ્ટાર રોજર ફેડરરની ફૅન ગણાવે છે.

2013ના જુનિયર મહિલા વિશ્વ કપમાં ભારત તરફથી સૌથી વધારે ગોલ વંદનાએ કર્યાં હતાં અને એ પછી એમણે ભારતની હોકી ટીમમાં સ્થાન મેળવ્યું અને રિયો ઑલિમ્પિકમાં પણ ટીમનો હિસ્સો બન્યાં.

ઉત્તર પ્રદેશના વંદના 200થી વધારે મૅચ રમી ચૂક્યાં છે અને ટીમના અનુભવી સ્ટ્રાઇકર છે.

2016માં એશિયન ચૅમ્પિયન ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા હોકી ટીમનો પણ તેઓ ભાગ હતાં. જોકે, 2013માં જુનિયર મહિલા હોકી વિશ્વ કપની જીતને તેઓ જિંદગીની સૌથી બહેતરીન પળ માને છે.

કમલપ્રીતની કમાલ, ભારત ડિસ્કસ થ્રોની ફાઇનલમાં

ટોક્યો ઑલિમ્પિકના નવમા દિવસે ભારતનાં ખેલાડી કમલપ્રીત કૌરે ડિસ્ક્સ થ્રોની સ્પર્ધામાં ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને મેડલની આશા જગાવી છે.

ડિસ્ક્સ થ્રોની ફાઇનલ 2 ઑગસ્ટે યોજાવાની છે. કમલપ્રીતે શનિવારે ક્વૉલિફાયિંગ રાઉન્ડમાં 64 મીટરનો ડિસ્ક્સ થ્રો કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ટોક્યો અગાઉ પણ કમલપ્રીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અગાઉ એમણે 66.59 મીટરનો થ્રો કરીને પોતાનો જ નેશનલ રેકર્ડ તોડ્યો હતો.

65 મીટરથી વધારે દૂર થ્રો કરનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટ છે.

ફાઇનલમાં સ્થાન મેળવીને હવે કમલપ્રીતે સોમવારે થનારી સ્પર્ધામાં ભારત માટે મેડલની આશા જગાવી છે.

ઑલિમ્પિકમાં જતાં અગાઉ બીબીસી સંવાદદાત વંદનાએ કમલપ્રીત કૌર સાથે મુલાકાત કરી હતી. એ વખતે એમણે કહ્યું હતું કે 'લોકો એમ પૂછે છે છે કે આ ડિસ્ક્સ થ્રો હોય છે શું?' જુઓ કમલપ્રીતની એ મુલાકાત અને એમની આકરી ઑલિમ્પિક તૈયારીની વાત અહીં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો