નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે સુપ્રીમ કોર્ટનો આદેશ નહીં માનવા બદલ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફ અનુસાર એક વકીલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના કમિશનર બનાવવાના મામલે કેસ કર્યો છે.વકીલનો આરોપ છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જાણી-જોઈને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન નથી કરી રહ્યાં અને એ રીતે તે અદાલતનું અપમાન છે.

કેસ કરનાર વકીલનું નામ મોહનલાલ શર્મા છે અને તેઓ અગાઉ પેગાસસ જાસૂસી કેસમાં ખાસ તપાસ સમિતિ રચવાની એક જાહેરહિતની અરજી અગાઉ કરી ચૂક્યા છે.

મોહનલાલ શર્માનો આરોપ છે કે રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવા એ સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનું અને દિશાનિર્દેશોનું ઉલ્લંઘન છે. એ આદેશો અનુસાર તમામ ખાલી જગ્યાઓ બાબતે પ્રથમ યુપીએસસીને જાણ કરવાની હોય છે અને છ મહિનાથી ઓછી નોકરી બચી હોય તો એ સ્થિતિમાં કોઈ પણ અધિકારીને ડીજીપી ન બનાવી શકાય.

વકીલનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરનાર નરેન્દ્ર મોદી અને વડા પ્રધાનપદ અને અમિતશાહ ગૃહમંત્રીપદ પર રહેવાનો બંધારણીય અધિકાર ગુમાવી ચૂક્યા છે.

વકીલે માગણી કરી છે તે આ મામલે નિર્ણય પાંચ જજોની પીઠે કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર પણ રાકેશ અસ્થાનાની નિમણૂકનો વિરોધ કરી રહી છે.

કોણ છે રાકેશ અસ્થાના?

રાકેશ અસ્થાના 1984ની બેચના ગુજરાત કૅડરના IPS ઑફિસર છે, તેઓ 1992થી 2002 વચ્ચે સીબીઆઈમાં સેવા આપી રહ્યા હતા.

તેમણે અનેક મહત્ત્વના કેસ સંભાળ્યા છે, જેમાં લાલુ પ્રસાદ યાદવના કથિત ઘાસચારા કૌભાંડથી માંડીને 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવાના કેસનો સમાવેશ થાય છે.

વર્ષ 2002માં જ્યારે ગોધરા સ્ટેશને સાબરમતી એક્સ્પ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી, ત્યારે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં રાકેશ અસ્થાનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એ વખતે અસ્થાના વડોદરામાં રૅન્જ આઈજી હતા.

બહુચર્ચિત એવા આસારામ અને નારાયણ સાંઈના કેસની તપાસ પણ તેમણે કરી છે.

ડિસેમ્બર 2016થી 2017 સુધી તેમણે સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

ગુજરાતમાં પોતાના કાર્યકાળ દરમિયાન રાકેશ અસ્થાના સુરત અને વડોદરાના પોલીસકમિશનર તરીકે અને અમદાવાદ શહેરના જૉઇન્ટ પોલીસકમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાકેશ અસ્થાના અને નરેન્દ્ર મોદીનું શું કનેક્શન છે અને તેઓ તેમના ખાસ કેમ ગણવામાં આવે છે વાંચો અહીં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો