તાલિબાને અફઘાનિસ્તાનના કયા પ્રાંતના પાટનગર પર કર્યો કબજો?

તાલિબાનના લડવૈયાઓએ અફઘાનિસ્તાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં દેશના પ્રથમ પાટનગર પર કબજો કરી લીધો છે.

અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓએ બીબીસી સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

સ્થાનિક સૂત્રોની વાત માનીએ તો શુક્રવાર બપોરે નિમરોજ પ્રાંતના પાટનગર ઝરંજ પર તાલિબાનના લડવૈયાઓનો કબજો સરકાર પર ભારે પડી શકે છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી વિદેશી સેના પાછી ફરી રહી છે ત્યારથી તાલિબાન વધારે આક્રામક થયું છે.

તાલિબાનના લડવૈયાઓએ અફઘાનિસ્તાનના કેટલાક સરહદી વિસ્તારોમાં ચોકીઓથી લઈને એક મોટા ક્ષેત્રફળ પર પોતાનો કબજો જમાવી લીધો છે.

અત્યાર સુધી કોઈ પણ પ્રાંતના પાટનગર પર તાલિબાનનો કબજો નહોતો થયો, પરંતુ ગુરુવારે ઝરંજ પર તાલિબાનના લડવૈયાઓનો કબજો થઈ ગયો છે.

આ સાથે જ પશ્ચિમમાં હેરાત અને દક્ષિણમાં લશ્કરગાહમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે.

ઈરાનની સરહદ પાસે આવેલું ઝરંજ એક મોટું વ્યાપારિક કેન્દ્ર છે. આસપાસના જિલ્લાઓ પર કબજો કર્યા પછી તાલિબાન લડવૈયા સતત એ શહેર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બે સત્તાવાર સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે આ શહેર પર પૂર્ણ રીતે તાલિબાનનો કબજો છે. એક અન્ય સૂત્રે જણાવ્યું કે સિક્યૉરિટી ઑફિસના નેશનલ ડિરેક્ટરના કાર્યાલય પાસે સંઘર્ષ ચાલી રહ્યો છે.

નિમરોજ પોલીસ વિભાગના એક અનામ પ્રવક્તાએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તાલિબાનના લડાકુ આ શહેર પર કબજો કરવામાં સક્ષમ થયા છે, કારણ કે સરકાર તરફથી મદદમાં કમી હતી.

જીતનું એલાન

તાલિબાન જૂથે ટ્વિટર પર એક પોસ્ટ કરીને પોતાની જીતનું એલાન કરી દીધું છે.

સમાચાર એજન્સી રૉયટર્સ સાથે વાત કરતા એક ગ્રૂપ કમાન્ડરે કહ્યું, આ એક શરૂઆત છે અને જુઓ કે જલદી જ અમારી ઝોળીમાં વધારે પ્રાંત આવશે.

આ દરમિયાન કેટલાક સમાચાર આવી રહ્યા છે કે અધિકારીઓને તેમના પરિવારોની સાથે ઈરાન જવાની પરવાનગી મળવી જોઈએ.

જોકે, સરકારે અત્યાર સુધી ઝરંજ પરથી નિયંત્રણ ગુમાવ્યો હોવાની પુષ્ટિ નથી કરી.

સોશિયલ મીડિયા પર વાયઇલ થઈ રહેલી તસવીરોમાં સામાન્ય લોકો સરકારી કાર્યાલયથી સામાન લૂંટતા દેખાય છે.

ઝરંજમાં જીત મેળવવી એ તાલિબાન લડવૈયાઓના અભિયાનને વેગીલું બનાવી શકે છે.

શુક્રવારે જ તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં નમાજ દરમિયાન અફઘાન સરકારના મીડિયા ચીફની હત્યા કરી દીધી છે.

તાલિબાન તરફથી કહેવાયું છે કે દવા ખાન મનિપાલને "તેમનાં કર્મોનું ફળ" મળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો