કોરોના : 'સેલાઇન ગાર્ગલ' ટેસ્ટ શું છે અને તે 'સ્વૅબ ટેસ્ટ'નો વિકલ્પ બની શકશે?

    • લેેખક, મયંક ભાગવત, પ્રવીણ મુધોલકર
    • પદ, બીબીસી મરાઠી

દેશભર અને ગુજરાતમાં હાલમાં કોરોના વાઇરસની બીજી લહેર થોડી ધીમી પડી ગઈ છે, એવા સમયે કોરોનાના ટેસ્ટ માટે નવી પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે.

આમ તો કોવિડની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટને 'ગોલ્ડ ટેસ્ટ' માનવામાં આવે છે. પણ હવે તેના અન્ય વિકલ્પો પણ સામે આવી રહ્યા છે.

કોરોનાના આ નવા ટેસ્ટનું નામ છે 'સેલાઇન ગાર્ગલ.' એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટેસ્ટ ત્રણ કલાકમાં પરિણામ આપે છે.

આ ટેસ્ટ નાગપુરની 'રાષ્ટ્રીય પર્યાવરણ ઇજનેરી સંશોધન સંસ્થા'ના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે.

આ પ્રક્રિયામાં કોઈ સ્વૅબ લેવાનો હોતો નથી અને તેને ઇન્ડિયન કાઇન્સિંગ ઑફ મેડિકલ રિસર્ચે પણ મંજૂરી આપી દીધી છે.

કોઈ પણ લૅબ સ્ટાફની જરૂરિયાત વિના તેનાથી કોરોનાનું પરીક્ષણ કરી શકાય છે, આ ટેસ્ટ ખાસ કરીને ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં મદદરૂપ થશે તેવું માનવામાં આવે છે.

અહેવાલો અનુસાર, નાગપુર મ્યુનિસિપિલ કૉર્પોરેશને આ ટેસ્ટ માટે લીલી ઝંડી આપી દીધી છે.

સેલાઇન ગાર્ગલ ટેસ્ટ શું છે?

આપણે સામાન્ય રીતે ઘરમાં મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઈએ છીએ એ રીતે આ 'સલાઇન ગાર્ગલ' ટેસ્ટ થાય છે, જેનાથી ખબર પડે કે તમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં.

આ 'સેલાઇન ગાર્ગલ' ટેસ્ટ NEERI (નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના શોધકર્તા ડૉ. કૃષ્ણા ખૈરનારા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

તેઓ કહે છે, "સ્વૅબ ટેસ્ટ ઘણા દર્દીઓ માટે પરેશાનીનું કારણ બનતા હોય છે. આપણે કોરોનાના ટેસ્ટ અને પરિણામ માટે પણ રાહ જોવી પડે છે. જોકે સેલાઇન ગાર્ગલ ટેસ્ટ સરળતાથી કરી શકાય છે."

સેલાઇન ગાર્ગલ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?

  • 5 મિલીમીટર ખારું પાણી એક ટ્યૂબમાં લો
  • ટ્યૂબમાંથી એ ખારું પાણી મોઢામાં લેવામાં આવે છે
  • 15 સેકન્ડ માટે તેને ગળામાં રાખીને કોગળા કરવા
  • પછી મોઢામાંથી ખારું પાણી ફરી ટ્યૂબમાં નાખી દેવું

NEERI (નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના શોધકર્તા ડૉ. કૃષ્ણા ખૈરનાર કહે છે, "સ્વૅબ સંગ્રહ કેન્દ્ર બહાર પણ તમે ઊભા રહીને પોતાની રીતે પરીક્ષણ કરી શકો છે."

પ્રયોગશાળામાં કેવી રીતે પરીક્ષણ કરવામાં આવે છે?

વર્તમાન સમયમાં આરટી-પીસીઆર પરીક્ષણ માટે નાક કે ગળામાંથી સ્વેબ લેવામાં આવે છે.

એ નમૂના લીધા બાદ તેને પરીક્ષણ કરનાર વ્યક્તિ સ્વૅબ સ્ટીકને એક તરલમાં ડૂબાડે છે. પછી સૅમ્પલને લૅબમાં લઈ જઈને ટેસ્ટ કરવામાં આવે છે.

ડૉ. ખૈરનાર કહે છે, "એક વાર જ્યારે સૅમ્પલ પ્રયોગશાળામાં પહેંચી જાય તો તેમાંથી આરએનએ કાઢવામાં આવે છે. પણ અહીં આ તકનીકને કરવાની જરૂર નથી."

  • સલાઇન ગાર્ગલનું સૅમ્પલ આવ્યા બાદ તેમાં એક ખાસ કેમિકલ મિલાવવામાં આવશે
  • નમૂનો રૂમના તાપમાનમાં 30 મિનિટ સુધી રાખવામાં આવે છે
  • બાદમાં 98 ડિગ્રી પર છ મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે
  • બાદમાં તેને આરટી-પીસીઆર માટે ઉપયોગ કરી શકાય છે

"આ એક મહત્ત્વપૂર્ણ રીતે છે, કેમ કે લોકોનો માત્ર નમૂનો લેવામાં આવે છે અને આરટી-પીસીઆર પરીક્ષણ સીધું આરએનએને હઠાવ્યા વિના કરી શકાય છે, તેનાથી સમય અને પૈસા પણ બચશે."

સલાઇન ગાર્ગલ ટેસ્ટના ફાયદા શું છે?

  • કોરોના પરીક્ષણ માટે પ્રશિક્ષિત સ્વાસ્થ્યકર્મીઓની જરૂર નહીં રહે
  • નાક કે ગળામાં કોઈ સ્વૅબ નહીં લેવાય, જેથી નાગરિકોને થનારી અસુવિધા ઓછી થશે
  • કોરોના ટેસ્ટથી ઉત્પન્ન થતા કચરામાં કમી આવશે
  • કોરોના ટેસ્ટિંગમાં ઝડપ વધારવામાં મદદરૂપ
  • કોરોના સેન્ટર પર ટેસ્ટ માટેની લાઇનો ઓછી થશે

ડૉ. કૃષ્ણા ખૈરનાર કહે છે, "આઈસીએમઆરે અમને કોરોના ટેસ્ટિંગ માટે લૅબોરેટરીને ટ્રેનિંગ આપવા માટે કહ્યું છે."

કોરોના વાઇરસની બીજી લહેરમાં લોકોને કોરોનાના ટેસ્ટ માટે લાઇનમાં રહેવું પડતું હતું અને પરિણામ માટે પણ રાહ જોવી પડતી હતી. ગ્રામીણ વિસ્તારોમાં પરિણામમાં પણ પાંચ દિવસથી વધુ સમય લાગી જતો હતો.

ડૉ. કૃષ્ણા ખૈરનારનું કહેવું છે કે ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણ થવાનો ડર સતાવી રહ્યો છે. આ ટેસ્ટથી નાનાં બાળકોનાં સૅમ્પલ લેવામાં સરળતા રહેશે, જેનાથી ઘણા લોકોને ફાયદો થશે.

જો તમે શરદી-ખાંસી થાય તો તમને ડૉક્ટર મીઠાવાળું પાણી પીવાની કે મીઠાના પાણીના કોગળા કરવાની સલાહ આપે છે. ડૉક્ટર ખૈરનાર કહે છે કે "એટલે જ મેં પદ્ધતિ પર શોધ શરૂ કરી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો