તામિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદારોએ દાખવ્યો ઉત્સાહ, બંગાળમાં શું થયું?

દેશનાં ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતાં છઠ્ઠી એપ્રિલનો દિવસ મહત્ત્વપૂર્ણ બની રહ્યો

મંગળવારે તામિલનાડુની તમામ 234 બેઠક, કેરળની તમામ 140 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની તમામ 30 બેઠક ઉપર મતદાન યોજાયું.

આસામમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું, તો પશ્ચિમ બંગાળની 31 બેઠકો પર આજે ત્રીજા તબક્કાનું મતદાન થયું.

વિધાનસભાની આ ચૂંટણીઓ ઉપરાંત કન્યાકુમારી અને મલ્લપુરમની લોકસભાની બેઠકો પણ પણ મતદાન યોજાયું.

શાંતિપૂર્ણ મતદાન

ચૂંટણીપંચને ટાંકતા ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. જણાવે છે કે સાંજે 7.11 કલાકની સ્થિતિ પ્રમાણે, આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં 82.29 % મતદાન નોંધાયું હતું.

તામિલનાડુ (65.11%), પુડ્ડુચેરી (78.13 %) અને કેરળ (70.04 %)માં એક તબક્કામાં મતદાન યોજાયું હતું.

કેરળ, પુડ્ડુચેરી, આસામ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.

કેરળનો જંગ

મંગળવારે કેરળમાં ચૂંટણીમાં જે મહત્ત્વના નેતાઓના ભાગ્યનો નિર્ણય થવાનો છે, તેમાં રાજ્યના અત્યારના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયન, આરોગ્યમંત્રી કે.કે. શૈલજા, ઊર્જામંત્રી એમ.એમ. મણિ, વિપક્ષના નેતા રમેશ ચેન્નિતાલા, પૂર્વ મુખ્ય મંત્રી ઉમેન ચાંડી, વરિષ્ઠ નેતા મુરલીધરન અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ઈ. શ્રીધરન સામેલ છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લેતા કેરળમાં કેટલીય ચૂંટણીસભાઓ યોજી હતી.

વાયનાડની બેઠક ઉપરથી સંસદસભ્ય રાહુલ ગાંધી માટે આ ચૂંટણીને મહત્ત્વની પરીક્ષા માનવામાં આવે છે.

મંગળવારે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને પિનરાઈમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

કેરળમાં તમામ 140 બેઠકો 2.74 કરોડ મતદારો 957 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કર્યો.

અહીં મુખ્ય જંગ શાસક એલડીએફ (લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટ) અને વિપક્ષ યુડીએફ (યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ) વચ્ચે છે.

વર્ષ 1980 બાદથી અહીં આ બન્ને ગઠબંધનો જ સત્તા પર રહ્યા છે. જોકે, કોઈ એક પક્ષને સતત બે વખત સત્તામાં રહેવાનું સુખ હાંસલ નથી થયું. જેને પગલે અહીંની ચૂંટણી બહુ રસપ્રદ જણાઈ રહી છે.

તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે અહીં ચૂંટણીનો જંગ મંગળવારે પૂરો થઈ ગયો. જ્યારે આસામમાં ત્રીજા અંતિમ તબક્કાનું મતદાન યોજાયું, જે બાદ અહીં પણ ચૂંટણીનું સમાપન થયું.

પશ્ચિમ બંગાળમાં ત્રિપાંખિયો જંગ

પશ્ચિમ બંગાળમાં મંગળવારે 31 બેઠકો પર મતદાન થયું છે, જેમાં દક્ષિણ ચોવીસ પરગણાની 16, હાવડાની 7 અને હુગલીની આઠ સીટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો.

અહીં ભાજપ, તૃણમૂલ કૉંગ્રેસ અને વામપંથી-કૉંગ્રેસના ગઠબંધન વચ્ચે ત્રિકોણિયો જંગ છે.

જોકે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, એવામાં મંગળવાર બાદ અહીં વધુ પાચ તબક્કાની ચૂંટણી બાકી રહશે.

અહીં તમામ તબક્કાનું મતદાન 29 એપ્રિલે પૂર્ણ થશે. તમામ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામો બીજી મેના રોજ જાહેર થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો