ગીર-સોમનાથ : ગેરકાયદેસર લાયન-શૉના કેસમાં છને સજા - BBC TOP NEWS

ગીરના સિંહોના ગેરકાયદેસર લાયન-શૉ યોજવા મુદ્દે કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં છ લોકોને સજા ફટકારી છે.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે, ગીર-સોમનાથની કોર્ટે પાંચ વ્યક્તિને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે એક આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. અન્ય એક આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે.

તમામ આરોપી સામે વન્યજીવ સંરક્ષણ ધારાની અલગ-અલગ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગીરના અભ્યારણ્ય વિસ્તારમાં પર્યટકોને આકર્ષવા માટે ભૂખ્યા સિંહ સામે મરઘી કે બકરી જેવાં મારણ મૂકીને ગેરકાયદેસર લાયન-શૉ યોજવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.

સોશિયલ મીડિયા મારફત આ વીડિયો વાઇરલ થતા ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ મામલે દાખલો બેસે તેવી કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જે પછી જંગલખાતા ઉપર દબાણ વધ્યું હતું.

ગીરનું અભ્યારણ્યએ એશિયાટિક સિંહો માટેનો આરક્ષિત જંગલવિસ્તાર છે, જ્યાં 'જંગલના રાજા'નો શિકાર કરવો કે તેની કનડગત કરવી એ ગુનો બને છે. એશિયાઈ સિંહોને લુપ્તપ્રાયઃ પ્રાણીઓની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

સાઉદી અરેબિયામાં હુમલા બાદ ક્રૂડઑઈલની કિંમતો 70 ડૉલરને પાર

ક્રૂડઑઇલની કિંમતમાં આટલો મોટો ઉછાળો કોરોના મહામારીની શરૂઆત પછી પહેલીવાર થયો છે.

ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, શરૂઆતમાં એશિયાના વેપાર દરમિયાન મે માટે બ્રૅન્ટ ક્રૂડની કિંમત 71.38 ડૉલક પ્રત્યેક બૅરલ પહોંચી, જે 8 જાન્યુઆરી, 2020 પછી સૌથી વધારે છે.

યમનના હુતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના તેલના ઔદ્યોગિક કેન્દ્ર પર રવિવારે કથિત રીતે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો.

આમાં રાસ તનૂરામાં આવેલા સાઉદી અરામકોના તેલના કૂવાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, સાઉદી અરેબિયા આને નિષ્ફળ હુમલો ગણાવ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારના સતત હુમલા થવાના કારણે બજારમાં તેલની કિંમતમાં ઉછાળો જોવા મળી શકે છે.

જોકે 4 માર્ચે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં હુમલાની ઘટના પછીની આ બીજી ઘટના છે.

ઑપેક અને તેના સહયોગીઓએ ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણય પછી બ્રૅન્ટ અને ડબ્લ્યૂટીઆઈના ક્રૂડઑઈલમાં આ સતત ચોથી વખત વધારો થયેલો જોવા મળ્યો છે.

ત્યાં જ ચીનની ક્રૂડઑઈલ માગમાં વર્ષ 2021ના શરૂઆતી બે મહિનામાં ગત વર્ષની તુલનામાં 4.1 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ચીન દુનિયામાં સૌથી વધારે ઈંધણ આયાત કરતો દેશ છે.

ચીને પોતાની રિફાઇનિંગ ક્ષમતાને વધારો કરી રહ્યું છે અને તેના તેલની માગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

સુપ્રીમની રાજ્યોને નોટિસ, 'અનામત 50 ટકાથી વધારી શકાય?'

મરાઠા આરક્ષણ સંદર્ભે સોમવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે બધાં રાજ્યોની સરકારોને નોટિસ પાઠવી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે અનામત 50 ટકાથી વધારી શકાય કે કેમ? સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર 15 માર્ચથી સુપ્રીમ કોર્ટ આ મામલામાં દરરોજ સુનાવણી હાથ ધરશે.

ફ્રી પ્રેસ જર્નલ ના અહેવાલ અનુસાર પાંચ ફેબ્રુઆરીએ ખંડપીઠે નક્કી કર્યું હતું કે આઠ માર્ચ સુધી આ મામલામાં સુનાવણી પૂર્ણ કરી નાખવામાં આવશે.

પાંચ જજોની ખંડપીઠમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલ સહિત જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને એસ. રવીન્દ્ર ભટ્ટ સામેલ છે.

આ કેસ મુંબઈના જયશ્રી લક્ષ્મણરાવ પાટિલ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ અરજીઓ સંદર્ભે છે.

બોમ્બે હાઈકોર્ટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં મરાઠા સમુદાયને આપવામાં આવેલ અનામતની ટકાવારી ઘટાડી નાખતા જયશ્રી અને બીજા લોકો નિર્ણયને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી.

ભારતની પરંપરાના વૈશ્વિક ફલક પર જવા માટે બિનસાંપ્રદાયકિતા મોટું જોખમ છેઃ યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતની પરંપરાને ઓળખ આપવા માટે બિનસાંપ્રદાયિકતા સૌથી મોટું જોખમ છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગ્લોબલ એન્સાઇક્લોપીડિયાના પ્રથમ આવૃત્તિના લોકાર્પણ પ્રસંગે બોલતી વખતે યોગી આદિત્યનાથે જણાવ્યું કે જે લોકો પોતાના ફાયદા માટે બીજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેઓ દેશ સાથે દગો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે આવું કરનારાઓને બક્ષવામાં નહીં આવે.

આદિત્યનાથે કહ્યું કે જે લોકો ઓછા પૈસા માટે ભારત વિશે ખોટો પ્રચાર કરી રહ્યા છે તે લોકોને સખતીનો સામનો કરવા પડશે.

ગ્લોબલ એન્સાઇક્લોપીડિયા એક ઈ-બુક છે, જે અયોધ્યા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

પોતાના ભાષણમાં અંગકોર વાટ મંદિરનો ઉલ્લેખ કરતાં આદિત્યનાથે હિન્દુ સંસ્કૃતિ પર સવાલો કરનારાઓ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

એલએસી પર તણાવ માટે ભારત જવાબદાર : ચીન

ભારત અને ચીને વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર હજુ પણ તણાવ છે. ચીને આ મુદ્દે ભારતને જવાબદાર ઠેરાવ્યો છે.

'ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે જણાવ્યું કે ગત વર્ષે એલએસી પર જે ઘર્ષણ થયું હતું તે માટે ભારત જવાબદાર છે અને બંને દેશોની જવાબદારી છે કે સરહદ પર શાંતિ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે.

તેમણે જણાવ્યું કે એલએસી પર જે થયું તે વિશેની સાચી અને ખોટી માહિતીઓ એકદમ સ્પષ્ટ છે અને બંને દેશોના આર્થિક હિતસંબંધો દાવ પર લાગ્યા હોવાથી બંને દેશોએ હવે આગળ વધવું જોઈએ.

વાર્ષિક પ્રેસ કૉન્ફરેન્સમાં સંબોધન કરતી વખતે વાંગ યીએ જણાવ્યું કે ભારત અને ચીન દુશ્મન નહીં પરતું ભાગીદારો છે. તેમણે કહ્યું કે બંને દેશો ભેગા મળીને 2.7 અબજ લોકોને લાભ આપી શકે છે.

ભારત લદ્દાખ અને પેંગોંગ લેક વિસ્તારમાંથી વહેલી તકે સૈન્ય ઘટાડવા માટેની માંગણી કરી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો