ઇક્વેટોરિયલ ગિનીમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 98, 600થી વધુ ઈજાગ્રસ્ત

ઇક્વેટોરિયલ ગિનીમાં રવિવારે થયેલા એક વિસ્ફોટને કારણ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 98 થઈ ગઈ છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જ્યાં મૃતકોની સંખ્યા 98 થઈ ગઈ છે ત્યાં બીજી તરફ 600 કરતાં વધારે લોકોને ઈજા થઈ છે, જેમાંથી અંદાજે 299 હજી પણ હૉસ્પિટલમાં દાખલ છે.

આરોગ્યમંત્રાલયે રવિવારે જાણકારી આપતાં કહ્યું છે કે ઇક્વેટોરિયલ ગિનીના મુખ્ય શહેર બાટાના એક સૈન્ય બૅરેક પાસે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 600 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટના પછી રાષ્ટ્રપતિએ બ્લાસ્ટ અનુસંધાને કહ્યું હતું કે બૅરેકમાં રાખેલા ડાયનામાઇટનો સંગ્રહ કરવામાં લાપરવાહી રાખવાને લીધે આ બ્લાસ્ટ થયો છે.

સોશિયલ મીડિયામાં અકસ્માતની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં શહેરને માથે ધુમાડો દેખાઈ રહ્યો છે.

સરકારી ટેલિવિઝનમાં જે પણ ફૂટેજ આવી છે, તેમાં ઈજાગ્રસ્તોની મદદ કરતા અને તૂટી ગયેલી ઇમારતોમાં ફસાયેલાને બહાર કાઢતા લોકોને જોઈ શકાય છે.

આરોગ્યમંત્રાલયે એક ટ્વીટ કરીને કહ્યું છે કે સ્વયંસેવકો ઈજાગ્રસ્તોને બાટાની સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જાય. લોકોને અપીલ કરવામાં આવી છે કે ઈજાગ્રસ્તોની મદદ માટે તેઓ આગળ આવે અને રક્તદાન કરે.

ઈજાગ્રસ્તોની સારવાર માટે ત્રણ હૉસ્પિટલો સૂચિબદ્ધ કરવામાં આવી છે, જ્યાં ગંભીર અને અતિગંભીર ઈજાગ્રસ્તોને લઈ જવામાં આવી રહ્યા છે.

ઘાયલોની વધતી સંખ્યાના કારણે કેટલીક હૉસ્પિટલો સંપૂર્ણ ભરાઈ ગઈ છે. ઈજાગ્રસ્તોની સંખ્યા એટલી વધારે છે કે કેટલાક લોકોને હૉસ્પિટલની જમીન પર સૂવાનો વારો આવ્યો છે.

એક સ્થાનિકે સમાચાર સંસ્થાએ એએફપીને જણાવ્યું, "અમે ધડાકો સાંભળ્યો અને તેની થોડી જ મિનિટોમાં ધુમાડો છવાઈ ગયો પણ અમને ખબર નહોતી કે શું થયું છે."

ફ્રાન્સના રાજદૂત ઓલિવર બ્રોશેને ટ્વીટ કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આ અકસ્માતને 'આપત્તિ' ગણાવી છે.

એક નિવેદનમાં સ્પેનિશ દૂતાવાસે દેશના નાગરિકોને તેમના ઘરે રહેવાની અપીલ કરી છે. દૂતાવાસે અનેક ઇમર્જન્સી નંબરો પણ બહાર પાડ્યા છે.

ઇક્વેટોરિયલ ગિની 1968 પહેલાં સ્પેનિશ વસાહત હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો