સુરતમાં સીમી સંબંધિત કેસમાં નિર્દોષ છૂટેલાઓની આપવીતી : “20 વર્ષમાં અમે જે સહન કર્યું એનું શું?”

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુરતની એક કોર્ટે 20 વર્ષ બાદ ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા' (એસઆઈએમઆઈ -સીમી) સાથે કથિત સંડોવણીના કુલ 127 આરોપી (ઇસ્લામિક કાર્યકરો)ને નિર્દોષ મુક્ત કર્યા છે. વર્ષ 2001માં એક કેસમાં કુલ 127 લોકોની સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ધરપકડ એ વખતના 'અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ- 1967'ના ભંગ બદલ થઈ હોવાનું પોલીસે ફરિયાદમાં નોંધ્યું હતું.

20 વર્ષ પૂર્વે બનેલા આ કેસમાં 127 ઍક્ટિવિસ્ટો વિરુદ્ધ કેસની કાર્યવાહી બાદ સુરતની સ્થાનિક કોર્ટમાં અંતિમ સુનાવણી પછી કોર્ટે તમામને પુરાવાના અભાવે દોષમુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં નિર્દોષ છૂટેલા કેટલાક ઇસ્લામિક કાર્યકરો સાથે બીબીસીએ વાતચીત કરી.

આમાંથી બે ઇસ્લામિક કાર્યકરોને બીબીસીને જણાવ્યું કે 20 વર્ષના સમયગાળામાં તેમણે અત્યંત પરેશાની અને મુશ્કેલીઓ ભોગવી.

વર્ષ 2001ના ડિસેમ્બરમાં લઘુમતી શિક્ષણ અંગે એક ટ્રેનિંગ વર્કશૉપનું આયોજન કરાયું હતું. જેમાં ભારતભરમાંથી લોકો આવ્યા હતા. જોકે, વર્કશૉપ શરૂ થાય એના એક દિવસ અગાઉ જ બધાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મહારાષ્ટ્રના ઔરંગાબાદના ઝિયાઉદ્દીન સિદ્દીકી કહે છે, "પોલીસે બધાને સીમીના કાર્યકર ગણી, ગેરકાયદે જમાવડો કરી રહ્યા હોવાનું કહીને પકડી લીધા હતા."

"એ વખતે અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે તેમાં ઍમેન્ડમૅન્ટ નહોતું થયું. આશરે 11થી 13 મહિના સુધી અમે જેલમાં રહ્યા અને પછી હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. એ પછી દર મહિને તારીખ પડતી રહી."

"આજે વીસ વર્ષ પછી નિર્ણય આવ્યો છે. નિર્ણય એ છે કે જે કાયદા હેઠળ અમારી ધરપકડ કરવામાં આવી હતી એ ઍપ્લિકેબલ જ નથી. જે અનલૉફૂલ ઍક્ટિવિટીનો લૉ છે એના સૅક્શનને કોર્ટે ગેરકાયદે માન્યો છે. આ કાયદા હેઠળ પરવાનગી કેન્દ્ર સરકાર પાસેથી લેવી પડે છે અને આ કેસમાં રાજ્ય સરકારે મંજૂરી આપી હતી."

બચાવપક્ષનું કહેવું છે કે જે પોલીસકર્મી ફરિયાદી હતા તેઓ જ તપાસઅધિકારી હતા. કાયદેસર કાં તો તેઓ ફરિયાદી હોઈ શકે અથવા તપાસ કરનાર હોઈ શકે.

તેઓ કહે છે, "પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે 'સેમિનાર કાલે થવાનો હતો'. જ્યારે સેમિનાર આવતી કાલે થવાનો હોય તો એ પછી એના આગલા દિવસે ભેગા થવાની બાબત ગેરકાયદેસર કેવી રીતે ગણાય?"

તેમનું એવું પણ કહેવું છે કે "જે પ્રવૃત્તિ થઈ જ નથી એ કાનૂની કે ગેરકાનૂની કેવી રીતે થઈ ગઈ? આ બધી બાબતો પર અદાલતે ધ્યાન આપ્યું હશે અને 127 લોકોને દોષમુક્ત કર્યાં છે."

20 વર્ષ બાદ છૂટકારો

મહારાષ્ટ્રના ઔરંગાબાદના ઝિયાઉદ્દીન સિદ્દીકી કહે છે, "આશરે 11-13 મહિના જેલમાં રહ્યા અને હાઈકોર્ટમાંથી અમને જામીન મળ્યા. દર મહિને તારીખ પડતી હતી અને આજે 20 વર્ષ બાદ ચુકાદો આવ્યો. જે ચુકાદો આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું કે જે કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી તેની મંજૂરીને કોર્ટે અમાન્ય ઠેરવી છે."

"2001માં અમને પકડી લેવામાં આવ્યા હતા. મીડિયાએ ટ્રાયલ ચલાવી. દહેશતગર્દ, સીમીવાદ, એવાં ટોણાં માર્યાં જેથી સમાજમાં અમારા જે સંબંધો હતા, પરિવારો સાથેના જે સંબંધો હતા તેમાં તિરાડ આવી ગઈ. લોકો અમારી સાથે વાત કરવામાં પણ ડરતા હતા."

"કેટલાકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. કારોબાર હતો એમના કારોબાર પર અસર થઈ. પારિવારિક સમસ્યા સર્જાઈ. બાળકોના શિક્ષણનો સવાલ ઊભો થયો. દર મહિને અહીં આવવું પડતું હતું અને 20 વર્ષ આ ચાલ્યું. પછી આજે અદાલતે કહ્યું કે તમે નિર્દોષ છો. અમારી પર આરોપ લાગ્યો ત્યારે પણ અમે નિર્દોષ હતા અને અત્યારે પણ છીએ."

"અમારો સવાલ સિસ્ટમ સામે છે કે આ વીસ વર્ષ જે પ્રૅક્ટિસ થઈ એનું વળતર કોણ આપશે? જેઓ એક વર્ષ જેલમાં રહ્યા એમની નોકરીઓ ગઈ, કારોબાર બરબાદ થઈ ગયો. પરિવારની સમસ્યા છે, એમનાં બાળકો ભણી ન શક્યાં, કુટુંબ બરબાદ થયાં, એ જે નુકસાન થયું છે એનું કોણ વળતર આપશે."

"ઠીક છે વીસ વર્ષથી જે આરોપ લગાવવામાં આવ્યા હતા કે તમે આંતકવાદી છો તે કોર્ટે હઠાવી દીધો છે. પરતું 20 વર્ષથી અમે જે સહન કર્યું છે, લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે, તેનું શું? અમારા એક ઓળખીતા સારા પત્રકાર હતા પરતું આ કેસના કારણે આજે છૂટક કામ કરે છે. સોસાયટી અમને આ સ્તરે લઈ આવી છે."

"સિસ્ટમે જે તણાવ આપ્યો તેના કારણે અમે આજે પણ સહન કરી રહ્યા છીએ. આજે અમે ખુશ છીએ કે અમે તણાવમાંથી છૂટી ગયા પરતું જે નુકસાન થયું છે, એનું વળતર કોણ આપશે તે અમારો પ્રશ્ન છે."

"અમે નથી ઈચ્છતાં કે અમારા જેવા નિર્દોષોને આ સિસ્ટમ ફરી એવી રીતે સજા આપે અને 20 વર્ષ પછી કહી દે કે જાવ તમે નિર્દોષ છો. આજે એ પ્રશ્ન મૂકી રહ્યા છીએ અને અમને જવાબ જોઈએ છે."

'હું આજે પણ ડિપ્રેશનની દવા લઉં છું'

સુરતના ગોપીપુરામાં રહેતા હનીફભાઈ ગનીભાઈ વોરા પણ 127 લોકોમાં સામેલ છે, જેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

હનીફ વોરા કહે છે કે, "કાર્યક્રમ વિશે જાહેરાત પણ થઈ હતી અને હું પણ કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. રાત્રે પોલીસની રેડ પડી અને લોકોની અટકાયત કરવામાં આવી હતી. "

"અમને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખાવામાં આવ્યા અને પોલીસે અમારી સામે ગંભીર કેસ કર્યો. અમને ખબર પણ નહોતી કે પોલીસે આટલો ગંભીર કેસ કર્યો છે. કેવી રીતે અને કેમ આ કેસ કરવામાં આવ્યો છે તે વિશે અમને પોતાને ખબર નથી."

"ધરપકડના 10 મહિના બાદ 127 લોકોને ટૂકડે-ટૂકડે હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં. સુરત કોર્ટમાંથી જામીન મળ્યા નથી. હું પોતે 14 મહિના રહ્યો છું જેલમાં."

"હું જેલમાં હતો ત્યારે મારી પત્ની હાઈપર ટૅન્શનનો શિકાર થઈ. જેલમાં હું ડિપ્રેશનનો દર્દી થઈ ગયો અને જે આજે પણ છું. આજે પણ રાત્રે ડિપ્રેશનની દવા લીધા વગર મને ઊંઘ નથી આવતી."

"હું 14 મહિના જેલમાં રહ્યો ત્યાં સુધી મારી પત્ની અને બાળકોએ બહુ તકલીફો ઉપાડી. ત્યારે મારાં બાળકો નાનાં-નાનાં હતાં. અત્યારે મારી ઉંમર 55 વર્ષ છે ત્યારે મારી ઉંમર 35 વર્ષ હતી. જેલમાં મને માનસિક રીતે હેરાન થવું પડ્યું. વડોદરા જેલમાં અને સુરત સબ-જેલમાં મારી સારવાર ચાલી હતી."

"જેલમાંથી બહાર આવ્યા બાદ બહુ યાતનાઓ થઈ. જેલમાં તો થતી હતી કારણ કે બાળકો નાનાં હતાં એટલે હું ટૅન્શનમાં રહેતો હતો. નીકળ્યા બાદ ફરીથી બધુ સેટઅપ કરવું એટલે જિંદગી નવેસરથી જીવવા બરાબર હતું."

"જેમ-તેમ બધુ સેટ થયું. મારો બાંધકામનો સારો બિઝનેસ હતો જે બધો ડિસ્ટર્બ થઈ ગયો હતો. આર્થિક પરિસ્થિતિ પણ કથળી ગઈ હતી. જેમ-તેમ કરતા અને સમેટતા મને ત્રણ વર્ષ લાગ્યાં."

"જે સહન કરવું પડ્યું એ હદની બહાર હતું. માનસિક રીતે, આર્થિક રીતે ભૂલી જઈએ. ઉપરવાલાની મહેરબાનીના લીધે એ બધુ સેટઅપ થઈ ગયું પરતું અમે, મારું કુટુંબ, મારા સાથીઓ જે માનસિક યાતનાઓમાંથી પસાર થયાં એનો કોઈ જવાબ નથી."

કેસના વકીલોનું શું કહેવું છે?

બચાવક્ષના વકીલ અબ્દુલ વહાબ શેખે બીબીસી સંવાદદાતા ઋષિ બેનરજી સાથેની વાતચીતમાં કહ્યું, "પોલીસને માહિતી મળી હતી કે જે લોકો સુરતના રાજેશ્રી નામના હૉલમાં ભેગા થયા છે, તેઓ સીમીના કાર્યકરો છે. પોલીસે રાત્રે બે વાગે દરોડો પાડી, ઊંઘમાંથી ઊઠાડીને બધાની ધરપકડ કરી હતી. સીમી એક પ્રતિબંધિત સંસ્થા હોવાથી આ બધા લોકો સામે અનલૉફૂલ ઍક્ટિવિટી ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો."

"ધરપકડ બાદ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં પરવાનગી કેન્દ્ર સરકાર પાસેથી લેવાની જગ્યાએ રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી લેવામાં આવી. કેસ નોંધવા માટેની જે મંજૂરી આપવામાં આવી હતી તે કાયદાકીય રીતે માન્ય નહોતી. પોલીસ એ પણ સાબિત કરી શકી નથી કે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓ સીમીના સભ્યો છે."

શેખ ઉમેરે છે, "એક વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ 120 લોકોને જામીન મળ્યા હતા. 7 આરોપીઓને સુપ્રિમ કોર્ટથી જામીન મેળવવા પડ્યા હતા."

"કેસમાં પોલીસ અધિકારીઓથી લઈને 27 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી."

આ મામલે બીબીસીએ ફરિયાદીપક્ષની પણ ટિપ્પણી લેવાની કોશિશ કરી. સરકાર તરફથી પ્રૉસિક્યૂટર ઍડ્વોકેટ નયન સુખડવાલાએ બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં કહ્યું, "અમે ચુકાદાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને ત્યાર બાદ અપીલનો નિર્ણય કરવામાં આવશે."

સરકારી વકીલનું એવું પણ કહેવું છે કે ચાર્જશીટ ફાઇલ કરવા માટેની સત્તા મામલે કોર્ટે નોંધ લઈને ચુકાદો આપ્યો છે. તે મામલે પણ અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી વિશે વિચારણા કરવામાં આવશે.

કેસ શું છે?

પોલીસની ફરિયાદ અનુસાર કથિતરૂપે ડિસેમ્બર- 2001માં દિલ્હીના જામીયાનગરમાં આવેલા ઑલ ઇન્ડિયા માઇનૉરિટી ઍજ્યુકેશન બોર્ડે લધુમતી સમુદાયના શૈક્ષિણક હકો અંગે બંધારણીય માર્ગદર્શન આપવા માટે સુરતના રાજેશ્રી હૉલ ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કર્યું હતું.

સેમિનારમાં ભારતનાં 10 રાજ્યોથી 127 લોકો સામેલ થયા હતા.

સેમિનાર 28 ડિસેમ્બરના દિવસે શરૂ થવાનો હતો અને 27 ડિસેમ્બરની રાત્રે પોલીસે સુરતના રાજેશ્રી હૉલમાં દરોડો પાડી 127 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે 'સીમી'ને લગતું સાહિત્ય પણ કબજે કર્યું હોવાની વાત કરી હતી.

પોલીસે દાવો કર્યો હતો કે તેને માહિતી મળી હતી કે સ્ટુડન્ટ ઈસ્લામીક મુમેન્ટ ઑફ ઈન્ડિયા (સીમી)ના માજી સભ્ય સુરતમાં 27-30 ડિસેમ્બર દરમિયાન ધાર્મિક સભાઓ કરવાના છે અને આ સભામાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યોથી સીમીના કાર્યકરો આવવાના છે.

તપાસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઑલ ઇન્ડિયા માઇનૉરીટી ઍજ્યુકેશન બોર્ડ દ્વારા દિલ્હીના સરનામે તપાસ કરવામાં આવતા કોઈ સંસ્થા વિશે માહિતી મળી નહોતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો