બજેટ 2021-22 : શું ગુજરાતના બજેટમાં મુસ્લિમ સહિત લઘુમતી સમુદાયોની ઉપેક્ષા થઈ છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત રાજ્યનું નાણાંકીય વર્ષ 2021-'22નું બજેટ જાહેર થતાની સાથે જ ટીવીની ડિબેટ અને સોશિયલ મીડિયા પર તેને એક 'સર્વાંગી વિકાસ કરનાર' અને કોઈ 'નવા કરવેરા વગરનું બજેટ' ગણાવીને તેની સરાહના થઈ રહી છે.

જો કે ગુજરાતમાં જ એક વર્ગ-સમુદાય એવો છે કે જેણે આ બજેટ સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેને 'ભેદભાવપૂર્ણ' ગણાવ્યું છે.

લઘુમતી સમુદાય તરફથી બજેટની ફાળવણી મામલે કેટલીક નારાજગી જોવા મળી રહી છે.

સરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં લઘુમતી સમુદાયોની વસ્તી આશરે 11 ટકા છે, જેમાં પારસી, શીખ, ઈસાઈ ઉપરાંત મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. જો કે તેમાં સૌથી વધુ આશરે 9.7 ટકા જેટલી વસ્તી મુસ્લિમ સમુદાયની છે.

બજેટમાં મુસ્લિમ સમુદાયો માટે અલગથી કોઈ ચોક્કસ ફંડ નથી, પરંતુ લધુમતી કોમો માટે એક ચોક્કસ ફંડ હોય છે.

અનેક મુસ્લિમ સંગઠનો અને બુદ્ધિજીવીઓએ તેમના સમાજનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારની યોજનાઓ માટે વધુ રકમ ફાળવવા સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ નક્કર પરિણામ નહીં આવ્યું હોવાની તેમની રજૂઆત છે.

તેમની વાતને સમજવા માટે ગુજરાત સરકારના તાજેતરમાં જાહેર થયેલા અંદાજપત્રની જોગવાઈઓ ઉપર નજર કરવી પડે.

સરકાર, સમાજ અને સંસાધન

આ વખતના બજેટમાં સરકારે લઘુમતી સમાજ માટે રૂ. 7161.31 લાખનું આયોજન કર્યું છે. નાણાંકીય વર્ષ 2020-'21 દરમિયાન આ જોગવાઈ રૂ. 10,135 લાખની હતી.

એટલે કે ગત વર્ષની સરખામણીએ રૂ. 2973.69 લાખનો ઘટાડો થયો છે. જેને પગલે મુસ્લિમ સમાજના લોકોને આ બજેટમાં ઊણપો દેખાય છે.

વળી નાણાંકીય વર્ષ 2019-2020 દરમિયાન રૂ. 5,018.09 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. જે ગત વર્ષના 10,135 લાખ કરતા ઓછી હતી.

જો કે દેશભરમાં લધુમતી સમુદાયો માટે ફાળવવામાં આવતી અને વપરાતી રકમ વિશે 'સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસે' ગુજરાત સહિત દેશનાં સાત રાજ્યોનાં બજેટની સરખામણી કરતો એક રીપોર્ટ જાહેર કર્યો હતો.

તેમાં ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, કર્ણાટકા, ઓડિશા, તેલંગણા, પશ્ચિમ બંગાળને ધ્યાને લઈ આંકડાકીય અભ્યાસ અને વિશ્લેષણ કરાયું હતું.

'સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસ' દ્વારા તૈયાર કરાયેલ એક રિપોર્ટમાં ગુજરાત સહિત દેશના સાત રાજ્યોમાં લઘુમતી સમુદાયો માટે ફાળવવામાં આવતી રકમ, ખર્ચવામાં આવતી રકમ અને યોજનાઓ અંગેની વિગતો તૈયાર કરાઈ હતી.

રિપોર્ટ પ્રમાણે ગુજરાતે સૌથી ઓછી રકમ તથા પશ્ચિમ બંગાળે સૌથી વધુ રકમ લઘુમતી સમુદાય માટે ફાળવી હતી. જોકે પશ્ચિમ બંગાળમાં લઘુમતી વસ્તી ગુજરાત કરતા વધારે છે.

પરંતુ રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશમાં લઘુમતી વસ્તીના પ્રમાણે ફાળવણી ગુજરાતની સરખામણીએ વધુ જોવા મળી છે. એટલે કે મધ્યપ્રદેશે ગુજરાત કરતા આ મામલે થોડી વધુ ફાળવણી કરી હતી.

રિપોર્ટના આધારે બજેટની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતે રૂ. એક લાખ 72 હજાર 179 કરોડના કુલ બજેટમાંથી રૂ. 51 કરોડ 44 લાખની ફાળવણી કરી હતી, જે કુલ બજેટના 0.029 ટકા જેટલી હતી.

જ્યારે આગામી નાણાંકીય વર્ષ માટેના રૂ. બે લાખ 27 હજાર 29 કરોડના બજેટમાં લઘુમતી સમુદાય માટે રૂ. 7161.31 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જે કુલ બજેટના અંદાજે 0.0315 ટકા જેટલી છે.

વિકાસ, વસ્તી અને વહેંચણી

ગુજરાતમાં લઘુમતી સમુદાયોની વસ્તી આશરે 11 ટકા છે. વર્ષ 2020-21માં અંદાજે રૂ. 10,135 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જે વર્તમાન બજેટ કરતા વધુ હતી. જોકે, નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં બજેટ બનાવતી વખતે લઘુમતી સમુદાયની વસ્તી અને તેમની ટકાવારીને ધ્યાને લેવાતી જ નથી.

અર્થશાસ્ત્રી તથા એચ. કે. કૉલેજ (અમદાવાદ)ના ભૂતપૂર્વ પ્રોફેસર હેમંતકુમાર શાહના મતે, "બજેટમાંથી ઓછામાં ઓછા આઠ ટકા રકમ લઘુમતીઓના શિક્ષણ અને વિકાસ માટે ફાળવવામાં આવે તે જરૂરી છે."

ગુજરાતમાં મુસ્લિમ સમાજમાં ગરીબોની સંખ્યા વધારે જોવા મળે છે, ત્યારે તેમના માટે વધુ રકમ ફાળવવામાં ન આવે તો આ બજેટને 'બધાનો વિકાસ કરનારું બજેટ' કહી ન શકાય.'

જમિયત-એ-ઇસ્લામી હિન્દના સેક્રેટરી વાસિફ હુસૈનના કહેવા પ્રમાણે, "આ બજેટ સરકારના 'સબકા સાથ, સબકા વિકાસ'ના નારાની પોલ ખોલી દે છે."

તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી લઘુમતી સમુદાયો માટે જે પ્રકારે બજેટ ફાળવવામાં આવે છે, તેનાથી સ્પષ્ટ છે કે અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારની પોસ્ટ-મૅટ્રિક તથા પ્રિ-મૅટ્રિક સ્કૉલરશિપ યોજનામાં કેન્દ્ર સરકાર 75 ટકા તથા રાજ્ય સરકાર 25 ટકા રકમ ફાળવે છે. જોકે રાજ્ય સરકાર દ્વારા 25 ટકા રકમની ફાળવણી કરવામાં ન આવતી હોવાથી હુસૈને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

ઉચ્ચ અદાલતે હુસૈનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે.

હુસૈનનું કહેવું છે કે સરકારી યોજનાઓ તેમના સમાજ સુધી અસરકારક રીતે પહોંચતી જ નથી, ત્યારે બજેટમાં આ પ્રકારના ઘટાડાથી લઘુમતી સમુદાયો વિકાસથી વંચિત રહી જશે.

મુસ્લિમ સંગઠનો વર્ષ 2016થી બજેટ વધારવા માટે સંઘર્ષરત છે અને 'માઇનૉરિટી કૉર્ડિનેશન કમિટી' આ મુદ્દે સતત સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે.

સંગઠનના સંસ્થાપક તથા લઘુમતી સમુદાય માટે કામ કરતા કર્મશીલ મુજાહીદ નફિસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું :

"સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ'માં માનતી નથી. કારણ કે ગત વર્ષે આર્થિક વિકાસ માટે (મુસ્લિમ સમુદાય સંદર્ભેની) ફાળવણી મામલે વાત કરીએ તો રૂ. 154 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જે અત્યારે 103.50 લાખ રૂપિયા છે."

"આવી જ રીતે સરકારે લઘુમતી સમુદાય માટેની સ્કૉલરશિપમાં પણ ઘટાડો કર્યો છે. અમે સરકારને વસ્તી પ્રમાણે, યોગ્ય ફાળવણી કરવા માટે માગ કરી હતી, પરંતુ સરકારે ગત વર્ષની સરખામણીમાં ઓછી રકમની જોગવાઈ કરીને લઘુમતી સમુદાય સાથે મોટો અન્યાય કર્યો છે."

નફિસ ઉમેરે છે કે મુસ્લિમ સમુદાયનો આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે, ત્યારે સરકાર દ્વારા આવું ભેદભાવભર્યું વલણ રાખવામાં આવે તો 'સૌનો સાથ' કેવી રીતે થયો?

સૌનો સાથ, સૌનો વિકાસ?

નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે 'આ બજેટ તમામ વર્ગોને સાથે રાખીને સૌના વિકાસ માટે અને સૌને માટે છે, જેમાં ગુજરાતના તમામ છ કરોડ લોકોનો સમાવેશ થઈ જાય છે.'

બજેટ વિશે ભાજપના નેતા તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું:

"બજેટમાં રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે જોવાનું હોય છે. અહીં રૂપિયો લોકોના સર્વાંગી વિકાસ માટે જ ખર્ચવામાં આવી રહ્યો છે. નવા રોડ, શિક્ષણનીતિ અને આરોગ્યસેવાનો લાભ લઘુમતી સમાજને પણ મળશે."

"તેમના માટે કેટલી રકમ અલગથી ફાળવવામાં આવી છે, તે જોવાને બદલે રાજ્યના વિકાસ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે, તેને ધ્યાન લેવામાં આવે તે જરૂરી છે."

જૈનિકનું કહેવું છે કે તેઓ પણ લઘુમતી સમાજના જ છે અને તેમને આ બજેટમાં કોઈ વાંધો દેખાતો નથી.

મુસ્લિમોમાં બેરોજગારી વધારે?

ભારત સરકારનાં Ministry of Statistics and Programme Implementationનાં જાન્યુઆરીથી માર્ચ 2020ના Periodic Labour Force Surveyના આંકડા જોવામાં આવે તો જાણવા મળે છે કે દેશમાં તે સમયે બેરોજગારીનો દર 9.1 ટકા હતો અને એજ અરસામાં એક વર્ષ અગાઉ (2019માં) બેકારીનો રાષ્ટ્રીયદર 9.3 ટકા હતો.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી માર્ચ 2020માં બેરોજગારીનો દર 3.6 ટકાનો હતો, જે જાન્યુઆરીથી માર્ચ 2019 દરમિયાન 4.3 ટકાનો હતો.

આંકડાને ટાંકતા મુજાહીદ નફિસ દાવો કરે છે કે આંકડાને વધુ ઊંડાણપૂર્વક જોવામાં આવે તો જાણવા મળશે કે તેમાં સૌથી વધુ સંખ્યા મુસ્લિમ સમુદાયની છે.

જોકે અત્રે એ નોંધવું કે સરકારે જાહેર કરેલા આ આંકડાઓમાં સમુદાય કે જાતિ કે ધર્મના આધારે વર્ગીકૃત આંકડાકીય બાબતો ઉપલબ્ધ નથી કરાવી. પરંતુ મુજાહીદ લઘુમતી અને મુસ્લિમ સમુદાય સંબંધિત આર્થિક-સામાજિક બાબતો પર અભ્યાસ અને કામગીરી કરતા હોવાથી તેમનું માનવું છે કે બેરોજગારી મામલે મુસ્લિમ સમુદાયની સંખ્યા વધુ છે.

"આ આંકડા જાહેર થયા, તે પછી કોવિડ-19ને કારણે દેશ અને ગુજરાતમાં લૉકડાઉન આવ્યું. ત્યારબાદ અનેક લોકોની નોકરીઓ ગઈ છે અને કામ પણ નથી. આ સંજોગોમાં લઘુમતીઓ પાસે સરકાર સિવાય કોનો સહારો છે?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો