મેગન માર્કેલે ઓપ્રા વિનફ્રીને કહ્યું, “મારી જીવતા રહેવાની ઇચ્છા નહોતી”

પ્રિન્સ હૅરી અને મેગન માર્કલ જાણીતાં ટીવી પર્સનાલિટી ઓપ્રા વિનફ્રી સાથેના ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે.

આ ઇન્ટરવ્યૂમાં બંનેએ ઘણા ખુલાસા કર્યા છે અને બ્રિટનના રૉયલ પરિવાર અંગે પણ કેટલીટ ટિપ્પણીઓ કરી છે.

અમેરિકન ન્યૂઝ ચેનલ સીબીએસ પર પ્રસારિત ઇન્ટરવ્યૂમાં મેગને કહ્યું, "મને શાહી પરિવાર વિશે એટલો જ ખ્યાલ હતો, જેટલું મારા પતિ હૅરીએ મને જણાવ્યું હતું. લોકોની ધારણા પ્રમાણે આ પરીઓની દુનિયા છે પણ વાસ્તવિકતા ઘણી અલગ છે."

આ મુલાકાતમાં મેગને એવું પણ કહ્યું કે એવો પણ વખત હતો કે જ્યારે જીવવાની ઇચ્છા ખતમ થઈ ગઈ હતી.

મેગનની આ ટિપ્પણી બદલ પણ ચર્ચાઓ થઈ રહી છે.મેગને કહ્યું કે લગ્નના દિવસે તેમને ખ્યાલ હતો કે આ દિવસ તેમની અને હૅરી માટે નહીં પણ દુનિયા માટે હતો.

તેમણે કહ્યું કે "જ્યારે હું મહારાણીને મળવા માટે પહેલી વખત જઈ રહી હતી ત્યારે તેઓ વિન્ડસર કૅસલમાં હતાં, મને હૅરીએ પૂછ્યું કે શું મને મહારાણીને મળતી વખતે અનુસરવાની ઔપચારિકતા વિશે ખબર છે."

"મારી માટે આ વાત ચોંકાવનારી હતી, મને ખ્યાલ નહોતો કે કોઈ પ્રાઇવેટ મુલાકાતમાં પણ ઔપચારિકતાનું પાલન કરવાનું હોય છે."

"હું ઔપચારિકતાઓ શીખી અને મહારાણીને મળી."મેગને ઓપ્રાને જણાવ્યું કે તેમણે પ્રિન્સ હૅરીની સાથે જાહેર સમારોહના ત્રણ દિવસ પહેલાં જ લગ્ન કરી દીધાં હતાં.

મેગને જણાવ્યું કે "અમે અર્ચબિશપ ઑફ કૅન્ટબરીને કહ્યું કે આ સમારોહ દુનિયા માટે હશે પણ અમે ઇચ્છીએ છીએ કે અમારાં લગ્ન દુનિયાથી દૂર અમારી માટે થાય."

વર્ષ 2018ની મહારાણી સાથેની પહેલી જાહેર મુલાકાત વિશે મેગને મુલાકાતમાં કહ્યું, "મને મહારાણીએ મોતીનો સેટ ભેટમાં આપ્યો હતો."

શાહી પરિવાર સાથે રહેવાના અનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું, "અનેક દિવસો સુધી એકલતા અનુભવતી હતી. એટલી એકલતા મેં મારા જીવનમાં કદી નથી જોઈ."

"અનેક પ્રકારના નિયમોથી બાંધી દેવામાં આવ્યાં હતાં. હું મિત્રો સાથે લંચ માટે બહાર જઈ શકતી ન હતી."

તેમણે કહ્યું, "હું હૅરી સાથે એકલતા નહોતી અનુભવતી, પણ જ્યારે તેમને કામથી બહાર જવું પડતું હતું ત્યાર ઘણી એવી પળો હતી જ્યારે હું બહુ જ એકલતા અનુભવતી હતી."

"અનેક બાબતો શીખવાની મને પરવાનગી નહોતી. એટલે જ કદાચ એકલતા વધતી ગઈ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો