ગુજરાત ચૂંટણી: મુસ્લિમો કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ગયું છે અને પક્ષપલટાઓ પણ થયા છે. અનેક નેતાઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કૉંગ્રેસમાં જોડાયા છે.

આ બધાની વચ્ચે રસપ્રદ બાબત એ સામે આવી છે કે કૉંગ્રેસના પણ અનેક સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ભાજપમાંથી ટિકિટ માગી હતી.

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટોની જાહેરાત કરી હતી પરંતુ ચાર મોટા શહેરોમાં ભાજપે હજુ સુધી કોઈપણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. જેના કારણે ભાજપનો લઘુમતિ પક્ષ પણ નારાજ પણ થયો છે. જોકે ભાજપે જામનગરમાં 3 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

ભરૂચના જિલ્લાના વાગરા તાલુકાના કૉંગ્રેસના નેતા ઇમરાન ભટ્ટી ભાજપમાં જોડાયા. તેઓ વસ્તી ખંડાલી ગામના છે.

તેમણે કહ્યું હતું કે અમારું ગામ વર્ષોથી કૉંગ્રેસનું રહ્યું છે. બે હજાર લોકોના ગામમાં ભાજપને માત્ર 30 કે 40 મત મળે છે. હું કૉંગ્રેસમાં પહેલાં સક્રિય હતો પણ મેં બે વર્ષથી કામ છોડી દીધું હતું. હું ગામનું હિત કરવા માટે હવે ભાજપમાં જોડાયો છું.

તેઓ ભાજપમાં જોડાવાનું કારણ આપતા વિગતે કહે છે કે ગામનું સારું કરવું હતું. તમામ જગ્યાએ ભાજપની સરકાર છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, વિધાનસભા હોય કે પછી સંસદ અને મુખ્ય મંત્રી- તમામ જગ્યા ભાજપના છે. જો હું તેમની સાથે જોડાઈશ તો અમારા ગામનું કામ સારી રીતે થશે. હું ગામનું ભલું વિચારી તેમની સાથે જોડાયો છું.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા ઇમરાન એકલી વ્યક્તિ નથી. કચ્છના સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાના કહેવા અનુસાર કચ્છના ભુજમાં પણ અનેક કૉંગ્રેસના મુસ્લિમ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માગી હતી.

તેમણે કહ્યું કે કૉંગ્રેસમાં હાલમાં કામ કરી રહેલા મુસ્લિમ નેતાઓ પણ ટિકિટ માટેની મિટિંગમાં નજરે પડ્યા હતા. તેમણે પોતાના અથવા પત્ની માટે ટિકિટ માગી હતી.

ઇમરાન કેમ ભાજપમાં જોડાયા?

ભરૂચના વાગરા તાલુકામાં પક્ષપલટો કરનાર ઇમરાન ભાજપમાં જોડાવવાનું બીજું કારણ આપતા કહે છે, "હું માત્ર 28 વર્ષનો છું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાતોથી પ્રેરાયો છું."

ઇમરાન વર્લ્ડ ચૅમ્પિયન કરાટે ખેલાડી પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે "મેં 2015માં કરાટેના વર્ગો શરૂ કર્યા હતા, ત્યારપછી સ્ટેટ ચૅમ્પિયન બન્યો અને 2018માં હું વર્લ્ડ ચૅમ્પિયન બન્યો. આ દરમિયાન હું કૉંગ્રેસમાં કામ કરતો હતો."

"આ સ્પર્ધાઓ હું સરકારની મદદથી જ જીત્યો છું. પરંતુ કોઈ દિવસ સરકારે મદદ કરવા માટે એમ કહ્યું નથી કે તમે કૉંગ્રેસના છો કે મુસ્લિમ છો. ભેદભાવ નથી કર્યો."

ભાજપમાંથી ટિકિટ મળી રહી છે માટે તેઓ ત્યાં ગયાની વાત પર ઇમરાન કહે છે, "કૉંગ્રેસમાંથી મેં ટિકિટ માગી હતી એમાં ના નહીં કહું પરંતુ કૉંગ્રેસના તાલુકાના જિલ્લાના નેતાઓ રબર સ્ટેમ્પ જેવા જ છે. તે કહે ઉપરથી નક્કી થશે. પરંતુ મને થયું કે અહીં આવાથી ગામનું કામ થશે. ભાજપને મજબૂત કરીશું તો પણ કામ થશે."

ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી.

આવી સ્થિતિમાં મુસ્લિમ નેતાઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની વાતને રાજકીય વિશ્લેષકો ગુજરાતના રાજકારણમાં આવેલા બદલાવ તરીકે જુએ છે.

સત્તા કે રાજકીય હિત?

જોકે મુસ્લિમ નેતાઓ ભાજપના જોડાઈ રહ્યા છે તેને રાજકીય વિશ્લેષકો સત્તાની ભૂખ સંતોષવા જોડાયા હોવાનું ગણાવી રહ્યા છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "જે મુસ્લિમો હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે પોતાના વ્યક્તિ લાભ માટે, પોતાને સત્તાની લાલચ છે માટે જોડાઈ રહ્યા છે."

તેઓ આને ભાજપની નવી ડિઝાઇન ગણાવતા કહે છે, "જે મુસ્લિમો ભાજપના રાજમાં સુખી થયા છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તે પણ માત્ર આર્થિક અને પાવર માટે. મુસ્લિમોને હાલ સુધી રાજકીય રીતે રક્ષણ મળતું ન હતું પરંતુ હવે ભાજપમાં મુસ્લિમ નેતાઓ હોવાથી તેમને રાજકીય રીતે રક્ષણ મળતું થયું છે.

જગદીશ આચાર્ય ઉદાહરણ આપીને કહે છે, "જો કોઈને પોલીસ પકડી જાય તો ભાજપના નેતા પોલીસ સ્ટેશને પહોંચીને મદદ કરે છે. આ પહેલાં પેલા વ્યક્તિને એકલા લડવું પડતું હતું. આમ મુસ્લિમો એક પોતાના લાભ માટે જોડાઈ રહ્યા છે."

"આમ, આ એક પ્રકારની સોદાબાજી છે કે તેમને એમ છે કે ભાજપમાં જોડાઈશું તો આપણને લાભ થશે. મધ્યમ માર્ગ કાઢી રહ્યા છે."

સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીના પૂર્વ રિસર્ચ ફેલો ઘનશ્યામ શાહ માને છે કે નેતાઓને પાવર માટે જઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે આ સત્તા અને લાલચ છે. આજે કોઈ પણ નેતાને પાવર વગર ચાલતું નથી.

ઘનશ્યામ શાહ કૉંગ્રેસના મુસ્લિમો નેતાઓના ભાજપમાં જોડાવા અંગે કહે છે કે આ દબાણના કારણે થઈ રહ્યું છે. નેતાઓ વિચારધારાથી નથી જોડાતા પરંતુ પોતાનું કામ થશે. આમ સોદાબાજી એક પ્રકારે થઈ રહી છે.

કૉંગ્રેસના લઘુમતી સેલના ચૅરમૅન વજીરખાન પઠાણ કહે છે કે "જે લોકો પોલીસથી ડરી રહ્યા છે તે લોકો ખોટાં કામ કરવાં માટે ભાજપમાં જઈ રહ્યા છે. આ તોફાની તત્ત્વો છે, જે મુસ્લિમોને દબાવે છે માટે આમને ભાજપ પોતાના પક્ષમાં લઈ રહ્યો છે."

જોકે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે, "ભાજપમાં એક કાર્યકર્તાને પાવરમાં આવતા અને સત્તામાં આવતા ખૂબ સમય લાગે છે. તેને તરત જ પાવરનો ઉપયોગ કરવા મળતો નથી. આ પ્રોસેસ લાંબી છે. તેમને કોઈને ગેરલાભ મળતા નથી."

તેઓ વધુમાં કહે છે, "પાર્ટીની સ્થાપના 1980માં થઈ હતી. આ કોઈ કોમવાદી પક્ષ નથી. ભાજપના શાસનમાં વિકાસની કામગીરીને ભાજપે જોઈ છે અને તે લોકો ભાજપમાં જોડાયા છે."

કૉંગ્રેસના વજીરખાન પઠાણ કહે છે, "ટિકિટની લાલચ અને જુગાર, દારૂના અડ્ડા ચલાવવા માટે લોકો જઈ રહ્યા છે. ઉપરાંત એવી પણ વાત છે કે સામાન્ય માણસને રોજીરોટી પણ કમાવવી છે. માટે તેઓ ભાજપને સમર્થન આપે છે."

આ અંગે યમલ વ્યાસ કહે છે કે કૉંગ્રેસના આક્ષેપો ખોટા છે. તે માત્રને માત્ર રાજકારણ કરે છે. મને એમ થાય છે કે તો તેમને આટલા વખતથી કેમ સંગ્રહી રાખ્યા હતા.

કામ થવા માટે ભાજપમાં જોડાયા?

ભાજપ પર એવો આરોપ લાગતો રહ્યો છે કે તે વિરોધ પક્ષના ધારાસભ્ય અને નેતાઓનાં કામ કરતો નથી.

વાગરાના ઇમરાન ભટ્ટીએ પણ આડકતરી રીતે એમ કહ્યું હતું કે જો ભાજપમાં જોડાઈશું તો કામ સરળતાથી થશે.

આ અગાઉ પણ કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવા મોટા નેતાઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે પણ આ જ કારણ આપ્યું હતું કે જો ભાજપમાં જોડાઈશું તો કામ સરળ રીતે થશે.

જગદીશ આચાર્ય કહે છે કે એ વાત સાચી છે કે ભાજપ વિરોધપક્ષના નેતાઓનાં કામ નથી કરતો અને એ ઘણી જગ્યાએ જોવા મળ્યું છે. લોકશાહીમાં આ ખોટું પણ છે.

ઘનશ્યામ શાહ પણ જગદીશ આચાર્યની આ વાત સાથે સહમત થાય છે.

જોકે ભારતીય જનતા પાર્ટી લોકો સાથે ભેદભાવ કરતી નથી એવું કહેતા ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ કહે છે કે ભાજપ બધા માટે વિકાસનાં કામ કરે છે, કોઈની સાથે ભેદભાવ કરતી નથી.

શું કૉંગ્રેસ નેતાઓને સાચવવામાં નિષ્ફળ છે?

કૉંગ્રેસ છોડીને નેતાઓ ભાજપમાં જાય છે તે અંગે રાજકીય વિશ્લેષકો કહે છે કે આ માટે કૉંગ્રેસ પણ જવાબદાર છે.

જગદીશ આચાર્ય કહે છે કે "કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવા મોટા નેતાનાં કામ ન થાય એવું ન બને, કારણ કે એમની જનતામાં સારી એવી પકડ હતી. એ ધારે તો એમના વિસ્તારોને 15 દિવસ માટે બંધ પણ કરાવી શકે છે. પરંતુ તેઓ પાર્ટી છોડી ગયા તે માટે કૉંગ્રેસ રાજકીય અને વિરોધપક્ષ તરીકે નિષ્ફળ ગઈ હોવાનું માને છે."

ઘનશ્યામ શાહ કહે છે કે આજે કોઈ પણ નેતા કૉંગ્રેસમાં જઈને શહીદ થવાનું નહીં વિચારે, માટે તેઓ ભાજપમાં જોડાવાનું પસંદ કરે છે.

કૉંગ્રેસના નેતાના વિપક્ષમાં કામ નથી થતાં માટે ભાજપમાં જવા માગે છે, આ મુદ્દે વજીરખાન પઠાણ કહે છે કે ભાજપમાં ગયેલા કૉંગ્રેસના નેતાઓ આજકાલ રડી રહ્યા છે, તેમને ખ્યાલ છે કે અહીં તેમનું કાંઈ કામ નથી થતું કે કોઈ કાંઈ પૂછતું નથી. માત્ર ને માત્ર તેમને એક ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા છે.

જોકે આ અંગે યમલ વ્યાસ કહે છે કે "ભારતીય જનતા પાર્ટી કોઈની સાથે ભેદભાવ કરતી નથી. તમામ લોકોને લાભ મળે છે."

તેઓ એક ઉદાહરણ આપતા કહે છે કે અમદાવાદમાં ભાજપની સરકારે એસવીપી હૉસ્પિટલ બનાવી તેનો લાભ તમામ ધર્મના લોકોને કોરોનાની મહામારીમાં મળ્યો છે. આમ આ વાત ખોટી છે.

ઘનશ્યામ શાહ જે મહત્ત્વની વાત કરે છે તે એ છે કે આ બધા નેતાઓ છે તે પોતાના માટે જાય છે. આપણે જોવું જોઈએ ચૂંટણીમાં કે કેટલા ટકા મુસ્લિમો ભાજપને મત આપે છે. જો મુસ્લિમ મત આપે તો સમજી શકાય કે આ બહુ મોટો ફરે છે.

તેઓ ઉદાહરણ આપતા કહે છે, "2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે 70 ટકાએ મુસ્લિમોએ કૉંગ્રેસ અથવા અપક્ષ ઉમેદવારોને મત આપ્યા હતા, તેમાં કૉંગ્રેસને જ વધારે મળ્યા હતા. બીજાએ જે મત આપ્યા હતા તેમણે નોટા આપ્યો હતો અથવા કોઈને આપ્યા જ ન હતા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો