ગુજરાતના ખેડૂતોને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં કરોડોનું નુકસાન થયું?

કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના 30 ખેડૂતો બટાકાના કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં રૂપિયા 1.75 કરોડનું નુકસાન થયા હોવાનો દાવો કરી રહ્યા છે.

આ ખેડૂતોના કહેવા મુજબ કૉન્ટ્રેક્ટ ખેતીમાં કંપનીએ તેમને ખરાબ બિયારણ આપતા બટાકાના પાકમાં મોટું નુકસાન થયું છે અને કંપની તરફથી કોઈ વળતર આપવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે દિલ્હીની સરહદે ખેડૂતો એક મહિના કરતાં પણ વધારે વખતથી ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવાની માગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કાયદાઓથી તેમને બહુ નુકસાન થશે અને તેઓ પાયમાલ થઈ જશે. આ ત્રણ કાયદામાંથી એક કાયદો કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપે છે.

ખેડૂતોનો વિરોધ હોવા છતાં કેન્દ્ર સરકારે કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો 2020, કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર કાયદો 2020 અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો 2020 પરત લેવાની સ્પષ્ટ ના પાડી છે.

આમાંથી કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર કાયદો 2020 લઈને ખેડૂતો અને કૃષિનિષ્ણાતો સૌથી વધુ ચિંતિત છે કારણ કે તેમાં કૉન્ટ્રેક્ટ ખેતી અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે.

કૉન્ટ્રેક્ટ ખેતી એક રીતે ખેડૂતો અને ખરીદદાર વચ્ચે લેખિત કરાર હોય છે જેમાં ખેતપેદાશની કિંમત, ગુણવત્તા, ગ્રૅડ અને વિવિધતા અંગે વાવેતર અને વેચાણની શરતો નક્કી કરેલી હોય છે. કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે કૉન્ટ્રેક્ટ ખેતીથી ખેડૂતોને ફાયદો થશે અને પાકની સારી કિંમત મળતા તેઓ સમૃદ્ધ થશે.

આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિવેપાર કરનાર ફર્મ, પ્રૉસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી નક્કી કરેલી કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે.

ગુજરાત સરકાર પણ કૉન્ટ્રેક્ટ ખેતીને લઈને મોટા દાવા કરી રહી છે. સરકારના દાવા અનુસાર કૉન્ટ્રેક્ટ ફાર્મિંગથી ખેડૂતોને કૃષિ ટેકનૉલૉજી, ગુણવત્તા અને ખેતપેદાશની માત્રામાં વધારા ઉપરાંત કિંમતોને લઈને સુરક્ષા તથા અન્ય પ્રકારના પાક લેવાનો લાભ મળે છે.

જોકે આ બધા દાવાઓ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતોને કૉન્ટ્રેક્ટ ખેતીનો કડવો અનુભવ થયો છે અને તેમને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનો દાવો કરાયો છે.

ખેડૂતોના કહેવા મુજબ કૉન્ટ્રેક્ટ ખેતીમાં કંપનીએ તેમને ખરાબ બિયારણ આપતા બટાકાના પાકમાં મોટું નુકસાન થયું છે.

line

શું છે સમગ્ર મામલો?

કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ

ઇમેજ સ્રોત, Getty Images

મૅકકેઇન ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક આંતરાષ્ટ્રીય કંપની દ્વારા અમીરગઢ તાલુકાના ખેડૂતોને કૉન્ટ્રેક્ટ ખેતી હેઠળ બટાકાનું બિયારણ અપાયું હતું. જોકે બિયારણ વાવ્યાં છતાં અને પૂરતી કાળજી લીધા બાદ પણ પાક નિષ્ફળ જતા 30 ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમીરગઢ નજીકના ગામના રતિલાલ પટેલના પુત્ર વિનોદ પટેલ પણ આ ખેડૂતોમાં સામેલ છે.

બીબીસી સાથે વાત કરતા તેમને જણાવ્યું કે ડિસેમ્બર 2019માં તેમના પુત્રે 15 વીઘા જમીનમાં કંપની દ્વારા આપવામાં આવેલું બિયારણ રોપ્યું હતું. જોકે રોપણી કર્યા બાદ 50 ટકા પાક નિષ્ફળ જતાં, વિનોદને રૂપિયા છથી સાત લાખનું નુકસાન થયું હતું.

તેઓ કહે છે કે "અમને જે બિયારણ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, તેની જગ્યાએ બીજું બિયારણ આપવમાં આવ્યું હતું, જેના કારણે ખેતીમાં નુકસાન થયું. અમે કંપની પાસે વળતરની માગણી કરતાં કંપનીએ કંઈ પણ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી."

"અમીરગઢ તાલુકાના બીજા ગામોમાં પણ ખેડૂતોને ખરાબ બિયારણના કારણે ખેતીમાં મોટું નુકશાન થયું છે. એવા પણ ખેડૂતો છે જેમનો 100 ટકા પાક નિષ્ફળ ગયો છે અને કંપની તરફથી કોઈ વળતર આપવામાં આવ્યું નથી. "

"અમીરગઢ તાલુકામાં 100 જેટલા ખેડૂતોએ આ કંપની સાથે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરી રહ્યા છે, જેમાંથી 30 ખેડૂતોને ખરાબ બિયારણ આપવામાં આવ્યું છે."

"જે 30 ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે, તેની અંદાજીત રકમ રૂ. 1.75 કરોડ છે. કંપનીએ માત્ર બિયારણના પૈસા પાછા આપ્યા છે, જે ખેડુતે તેમને આપ્યા હતા. એટલે આમ જોવા જોઈએ તો કંપનીએ કોઈ વળતર આપ્યું નથી. ખરાબ બિયારણ આપવાના કારણે ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન બીજો પાક લઈ શક્યા નથી."

આવી જ ફરીયાદ દાબેલા ગામના ખેડૂત રવિ પુરોહિતની છે.

તેમણે 2016 અને 2017માં આ કંપની માટે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કર્યું હતું. તેઓ જણાવે છે કે કંપની એવી શરત મૂકે છે કે જો તેમની પાસેથી બિયારણ ખરીદવામાં આવશે તો જ ખેતી માટેનો કરાર કરવામાં આવશે.

"અમને જે બિયારણ આપવામાં આવ્યું હતું તે પ્રમાણિત નહોતું, જેના કારણે પાક નિષ્ફળ ગયો. મારો 65 ટકા પાક નિષ્ફળ જતા બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. એક વીઘા જમીનમાં બટાકા ઉત્પાદન કરવા માટે રૂપિયા 35,000-40,000નો ખર્ચ આવે છે અને જો પાક નિષ્ફળ જાય તો ખેડૂત પાયમાલ થઈ જાય છે."

તેઓ કહે છે, "કંપની સાથેના કરાર મુજબ એક મણ દીઠ રૂપિયા 180 અને માલ આપ્યા બાદ બે મહિનાની અંદર પાકની કિંમત ચૂકવવાની વાત હતી. બિયારણ માટે અમે કંપનીને પહેલાં પૈસા ચૂકવી દીધા હતા."

line

ફરિયાદ કરી

રતિલાલ પટેલ

ઇમેજ સ્રોત, Ratilal Patel

ઇમેજ કૅપ્શન, રતિલાલ પટેલ

આ કથિત છેતરપિંડી વિશે ખેડૂતોએ બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર, કૃષિમંત્રી આર.સી.ફળદુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સુધી રજૂઆત કરી છે.

રતિલાલ પટેલ દાવો કરે છે કે "અત્યારે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગના નામે અમુક કંપનીના કર્મચારીઓ ખેડૂતોને છેતરે છે.""બટાકામાં ખામીઓ કાઢીને પૈસા ન આપવાની ફરિયાદો પણ મળે છે. ક્યારેક તો ખેડૂત પાસેથી બટાકા લઈ લીધા પછી તેની ગુણવત્તા ખરાબ ઠેરવીને પૈસા નથી ચૂકવાતા અને બટાકા પણ પાછા નથી આપતા."

રવિ પુરોહિત

ઇમેજ સ્રોત, Ravi Purohit

ઇમેજ કૅપ્શન, રવિ પુરોહિત

રવિ પુરોહિત કહે છે, "ખેડૂતો પાસે કોર્ટમાં જઈને કંપની સામે લડવાની આર્થિક તાકાત નથી, જેનો લાભ આ કંપનીઓ લે છે. કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ વિશેના કાયદાઓ વિશે મોટા ભાગના ખેડૂતો અજાણ હોય છે."

હાલ અમીરગઢના ખેડુતો રોષે ભરાયા છે. હવે ખેડૂતો કોઈ પણ પ્રકારના કૉન્ટ્રેક્ટ ફાર્મિંગના વિરોધમાં છે. રતિલાલ પટેલ કહે છે, "જો કોઈ કંપની ગામોમાં જઈને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની વાત કરશે તો અમે તેમનો વિરોધ કરીશું. ખેડૂતોનો શોષણ કોઈ પણ રીતે સહન કરી શકાય નહીં."

line

કંપનીનું શું કહેવું છે?

કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

મૅકકેઇન ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અમદાવાદસ્થિત મૅનેજર અવિનાશ ગુપ્તા કહે છે, "રતિલાલ પટેલ અને બીજા 18 ખેડૂતો એક વર્ષ પહેલાં અમારી સાથે કામ કરતા હતા અને અત્યારે તેઓ અમારી સાથે સંકળાયેલા નથી. તેમના દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યા છે, તેમાં કોઈ વજૂદ નથી."

"ખેડૂતોને બિયારણ આપ્યા બાદ જે બટાકાનું ઉત્પાદન થયું છે, તે પણ કંપનીએ ખરીદી લીધું છે અને પૈસા પણ ચૂકવી દેવાયા છે. જિલ્લા કલેકટર દ્વારા પણ આ મામલામાં તપાસ કરવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારની ગેરરીતિ મળી નથી."

"અમે પંજાબમાં બિયારણનું ઉત્પાદન કરીએ છીએ અને ખેડૂતોને વહેંચીએ છીએ. બિયારણ એકદમ સારી ક્વૉલિટીનું હોય છે. અમીરગઢની સાથે ડીસા ,પાલનપુર, હિંમતનગર અને બીજી જગ્યામાં 7000-8000 એકરમાં ખાસ પ્રકારના બટાકાની ખેતી કરીએ છીએ."

તેઓ વધુમાં જણાવે છે કે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં તેઓ ખેડૂતોને બધી બાબતોની માહિતી આપે છે. તેઓ પહેલાંથી નક્કી થયેલી કિંમતે બટાકાની ખરીદે છે.

ગુપ્તા જણાવે છે કંપની કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતો સાથે જે કરાર કરવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ માહિતી કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ હોવાનો દાવો પણ તેઓ કરે છે.

line

'અમે તપાસ કરાવી રહ્યા છે'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાત સરકારના કૃષિવિભાગના વરિષ્ઠ અધિકારી દિલીપ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ઑગસ્ટ મહિનામાં આ મામલે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ત્રણ ખેડૂતે જણાવ્યું હતું કે તેમને કોઈ નુકસાન થયું નથી જ્યારે એક ખેડૂતે બિયારણ લીધું ન હોવાનું જણાવ્યું હતું.

તેઓ જણાવે છે, " અમે એક વખત તપાસ કરાવી છે અને ફરીથી તપાસ કરાવીશું."

કૃષિવિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે 2019માં પાક નિષ્ફળ ગયો તો 2020માં કેમ ફરીયાદ કરી, તેનો કોઈ જવાબ ખેડૂતો આપી શક્યા નથી.

એક વર્ષનો સમય વીતી ગયા હોવાના કારણે ખેતીવાડીવિભાગના અધિકારીઓ કોઈ પણ પુરાવા મેળવી શક્યા નથી, જેના કારણે કંપની સામેના આક્ષેપો પુરવાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો