ટીઆરપી કૌભાંડ : રિપબ્લિક ચેનલના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ

કથિત ટીઆરપી કૌભાંડ મામલામાં 'રિપબ્લિક ટીવી'ના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે રવિવાર સવારે વિકાસની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

મુંબઈ પોલીસે આ મામલે 6 ઑક્ટોબરે એફઆઈઆર દાખલ કરી હતી અને હંસા રિસર્ચના અધિકારી નીતિન દેવકરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

કથિત ટીઆરપી કૌભાંડના મામલે મુંબઈ પોલીસ દ્વારા નવેમ્બરમાં કોર્ટમાં આરોપપત્ર દાખલ કરાયું હતું.

આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી, બૉક્સ સિનેમા, ન્યૂઝ નેશન, મહામૂવીઝ અને વાઉ મ્યુઝિક ચેનલની તપાસ કરાઈ રહી છે. આ ચેનલો પર ટીઆરપી વધારવા માટે ગેરરીત આચરવાનો આરોપ છે.

શું છે ટીઆરપી કૌભાંડ?

આ પહેલાં ઑક્ટોબર માસમાં મુંબઈ પોલીસે એવા રૅકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો, જે અંતર્ગત ન્યૂઝ ચેનલો પૈસા આપીને ચેનલની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ)ને વધારવાના પ્રયાસ કરતી હતી.

મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે પત્રકારપરિષદનું આયોજન કરીને સંબંધિત જાણકારી આપી હતી.

તેમના મતે પોલીસને આવી ત્રણ ચેનલો અંગે જાણકારી મળી હતી, જે કથિત રીતે આ રૅકેટમાં સંડોવાઈ છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે આમાં 'રિપબ્લિક ટીવી' પણ સામેલ છે. તેમના મતે રિપબ્લિક ટીવીએ ટીઆરપી સિસ્ટમ સાથે ગેરરીતિ આચરી છે.

જોકે, રિપબ્લિક ટીવીએ સંબંધિત તમામ આરોપો ફગાવી દીધા હતા.

ચેનલના એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું, "મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે રિપબ્લિક ટીવી પર ખોટો આરોપ લગાવ્યો છે. કેમ કે અમે સુશાંતસિંહ કેસના મામલે તેમના પર સવાલ ઉઠાવ્યા હતા."

"મુંબઈ પોલીસ કમિશનરે અધિકૃત રીતે માફી માગવી જોઈએ અથવા કોર્ટમાં અમને જોઈ લેવા માટે તૈયાર રહેવું જોઈએ. "

એ વખતે પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર બે મરાઠી ચેનલના માલિકોની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ટીઆરપીનો સીધો સંબંધ જાહેરાત થકી મળનારા પૈસા સાથે છે અને ટીઆરપીમાં થોડો પણ ફેર આવે તો આનાથી હજારો કોરોડની આવક પર અસર પડે છે.

શું છે આરોપ?

BARC નામની એજન્સી ટીઆરપી નક્કી કરે છે.

મુંબઈ પોલીસ અનુસાર BARCએ આ કામ 'હંસા' નામની એક એજન્સીને આપ્યું હતું. પોલીસ અનુસાર આ એજન્સીના કેટલાક અધિકારીઓએ કોઈ ચેનલ વિશેષ પાસેથી પૈસા લઈને ટીઆરપી વધારવાનો સોદો કર્યો હતો.

મુંબઈમાં લગભગ બે હજાર બૅરોમીટર લગાવાયાં છે, જોકે, પોલીસનું કહેવું છે કે જો મુંબઈમાં આવું થઈ રહ્યું હોય તો એની સંપૂર્ણ આશંકા છે કે દેશના બીજા વિસ્તારોમાં પણ આ રમત રમાઈ રહી હોય.

પોલીસના મતે કેટલાંક ઘરોમાં કોઈ વિશેષ ચેનલને પોતાની ટીવી પર લગાવવા માટે દર મહિને લગભગ 400-500 રૂપિયા આપવામાં આવતા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો